વોટરપાર્કમાં એક અનુભવ – સ્વાનુભવકથા

અવલોકનયાત્રા 

સુરેશ જાની

૧૯,  ઓગસ્ટ – ૨૦૦૭

રવિવારે અમારા કુટુમ્બના પાંચ જણા અને નાના જયનો એક હબસી દોસ્ત, ફોર્ટવર્થની ઉત્તરે અડીને આવેલા શહેર નોર્થ રીચલેન્ડ હીલ ના એક વોટર પાર્કમાં ગયા હતા. છેલ્લા ચાર વર્ષથી મારી દીકરી ઓગસ્ટ મહિનામાં અચૂક, ભાવપૂર્વક અમારા બધા માટે તેની ટિકિટ લાવે છે; અને અમને બધાને બહુ જ મજા અપાવે છે.

ત્યાં એક ‘ઓશનવેવ્ઝ’ નામની રાઈડ છે, જે નાના મોટા બધાને બહુ જ ગમે છે. ‘ ટ્યુબ-રાઈડ ‘ની જેમ તેમાં પેટમાં બહુ આંટી પડવાનો ભય નહીં. આશરે ૧૦૦ ફૂટ લાંબા અને ૫૦ ફૂટ  પહોળા હોજમાં પાણી ભરેલું હોય છે. ઊંડાઈ શૂન્યથી શરુ કરી છેક અંદર છ ફૂટની હોય છે. તેમાં તરનારા તરી પણ શકે અને બીજાઓ માટે ઘણી સંખ્યામાં, લગભગ ચાર ફૂટ વ્યાસવાળી અને બે મજબુત હેન્ડલવાળી, પ્લાસ્ટિકની ટ્યુબો પણ રાખેલી હોય છે. ખાસ્સો મોટો સ્વીમિંગપૂલ હોય તેવું લાગે.

પણ ખરી મજા તો એ કે, તેની છેવાડાની દિવાલની પાછળ, કદાચ ચાર કે પાંચ    બહુ જ  મજબુત, રબરની મોટી ધમણો રાખેલી હોય છે. આ ધમણોને ઈલેક્ટ્રિક મોટરથી ચાલતા બ્લોઅર વડે, ધીરે ધીરે ફૂલાવવામાં અને સંકોચવામાં આવે છે. આ ધક્કાથી હોજનું પાણી પણ ઊલાળે ચઢે. લગભગ એકથી ત્રણ ફૂટ ઊંચા મોજાં પેદા થાય. આમાં બધી જાનતા પણ ઊલાળા લેવાની મજા માણે. કોઈ કિનારે આવતાં નાનાં મોજાંની, તો કો’ ક દિવાલ પાસે, જમીનને પગ પણ ન અડે તેવી જગ્યાએ, મસ મોટાં મોજાંની મજા માણે – જેની જેવી તાકાત અને હિમ્મત.

જુવાનિયાઓ, બિકિનિધારી રૂપસુંદરીઓ, મારા જેવા ગલઢાં, અને બાળબચ્ચાં – બધાં મજા માણે. કોઈ નાતજાત, રંગરુપ, ધરમ, જાતિ, ઉમ્મરના ભેદ નહીં. બધાં ય બાળકો જ બાળકો.  દસેક મિનિટ ઊલાળા ખાવાના. પછી વિરામ. ફરી અડધા કલાકે આ ખેલ ચાલુ થાય. આપણે ય બાપુ આમાં તો પડ્યા હોં !

છોકરાંવ તો ધરાઈ ધરાઈને અનેક વાર ઊલાળા ખાવા જાય. મારો જય ભારે હિમ્મતવાળો. હું રાડ્યું પાડતો રહું, અને એ બાપુ તો ટ્યુબની એસી તેસી કરી ડુબકીઓ મારીને તરી લે. પાછો નીચેથી ટ્યુબમાં ઘુસી ય જાય. એની ઉમેદ હોય, છેક દિવાલને અડી આવવાની – જાણે કે કોઈ ઈડરિયો ગઢ જીતવાનો ના હોય! એ બાપુ તો નેચરલ અમેરિકન!

આપણે તો એક વાર થોડી મજા માણી કિનારે આવીને બેસી ગયા અને બધાંનો સામાન સાચવવાનું પૂણ્યકાર્ય કર્યું! બાકીના બધા ટ્યુબની મજા  માણવા ગયા. હું તો લાંબી ખુરશીમાં પગ લંબાવી, પેપ્સીના ઘૂંટ પીતો અને ચીપ્સ ચંગવાળતો હાહ ખાતો બેઠો. વોટર પાર્કની પાછળના આકાશમાં સંધ્યાદેવી રતુમડા શણગાર સજી સોળે કળાએ ખીલ્યાં હતાં. સૂરજદેવ તો દેખાતા નહોતા. પણ દ્રશ્ય બહુ મનહર હતું. મન પણ હિલ્લોળે ચડ્યું.

પંદરેક દહાડા પહેલાં ગેલ્વેસ્ટનના દરિયાકિનારાની સહેલગાહ અને સમુદ્રસ્નાન દીકરાએ કરાવ્યું હતું; તે યાદ આવી ગયું. આ તો માનવસર્જિત દરિયાનું ખાબોચિયું માત્ર જ હતું. પેલો તો ગલ્ફનો અખાત, એટલાન્ટિક  મહાસાગરનો વછેરો!  ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તેલી! આ તો અડધા કલાકમાં દસ જ મિનિટ હિલોળા લે. અને રાતે નિંદરમાં પોઢી જાય.  ઓલ્યો તો લાખો વર્ષ સતત હાલ્યા ને ડોલ્યા જ કરે.

થાક, ન વિરામ
મહેરામણ
તે મહેરામણ

     વિચાર-તરંગમાળા વધારે લાંબી ચાલી. આ દરિયાના ખાબોચિયાનો સર્જક મારા જેવો કે મારાથી થોડો ચડિયાતો, એક માનવજંતુ. અને ઓલ્યાનો તો? સૃષ્ટિનો નાથ. પણ એની ય આંખ સહેજ ઝોલે ચડી ને આ વિશ્વ ગાયબ, અને બીજા નવા વિશ્વનો  ચાકડો પાછો ચાલુ. આ ખાબોચિયાની મોટર દસ મિનિટ પછી બંધ થાય. ઓલ્યાની એક એક યુગાંતરે બંધ.

પણ એ ય કોક’દિ બંધ તો પડવાની જ ને?!

ભલેને હું આ નાનકડા સાગર જેવો પણ નથી, જેમાં દસ મિનિટ માટે પણ સો જેટલાં માણસો આનંદથી કિલ્લોલે છે. ભલે ને મારું સમગ્ર જીવન એક પરપોટા સમાન છે.  પણ એકાદ મિનિટ માટે પણ આ હિલ્લોળો એક નિર્દોષ બાળકને ખીલખીલાટ હસાવી શકે તો, મારા જેવા જંતુઓના પરપોટા જેવા જીવનની સાર્થકતા છે. ઓલ્યા વિશ્વના નાથની અપાર કરુણાનો, તેના પ્રેમનો, તેના સત્ય, ચૈતન્ય અને આનંદનો એક પરમાણુ જેટલો અંશ પણ મારા જીવનમાં પરાવર્તિત થાય તો હું અને તે સરખા. બસ મારા નાનાશા જીવનને આટલો વળાંક તો આપું! અને તો?

અલ્યા એ ય ઉપરવાળા… આપણ બેઉ તો ભેરુ. તું મોટો ભાઈ ને હું સાવ  નાનકડિ પણ તારો ભેરૂ. ચાલને આ ફરી હિલોળો શરૂ થયો છે, તેમાં જરા છબછબિયાં કરી લઈએ, ઉલળી લઈએ!  હાલને, મજા આવશે. એ સાથે આ બે મન પસંદ કવિતાઓ યાદ આવી ગઈ –

મારી પાસે ઢગલો રેતી, તારી પાસે ખોબો જળ,
ચાલને રમીએ પળ બે પળ.

હું રહેવાસી પત્થરનો, ને તારું સરનામું ઝાકળ,
ચાલને રમીએ પળ બે પળ.

થોડી ઉઘડે મારી ઇચ્છા. થોડી ઉઘડે તારી પણ.
હું અહીંથી આકાશ મોકલું. તું પીંછાથી લખ સગપણ.
આજ અચાનક દૂર દૂરથી, આવીને ટહૂકે અંજળ.
ચાલને રમીએ પળ બે પળ.

રમતાં પહેલાં ચાલ તને હું, આપી દઉં થોડી સમજણ.
રમતાં રમતાં ભુલી જવાનું, દેશ વેશ સરનામું પણ.
બુંદબુંદમાં ભળી જવાનું. વહી જવાનું ખળ ખળ ખળ.
ચાલને રમીએ પળ બે પળ.

–  કૃષ્ણ દવે

હરિ, મારા રુદિયે રહેજો રે,
દઃખ જે હું દઉં તે સહેજો રે.

વારે વારે કરીશ કાલાવાલા,
માગું તે દેવું જોશે વ્હાલા!
તમે વેદમંત્રોના સુણનારા,
વેણ મારા વેઠી લેજો કાલા.
હરિ મુને કાંઇ ન કહેજો રે.
 હરિ મારી આંખથી વહેજો રે….

હરિ, હવે આપણે સરખે સરખા,
હરિ, તમે મેહ તો હું યે બરખા!
હરિ. તમે સૂરજ તો હું સોમ,
હરિ, તમે અક્ષર તો હું ૐ !
હરિ, મને જીરવી લેજો રે,
હરિ, મુને દરશન દેજો રે. …

–  ભગવતીકુમાર શર્મા

    અને બાપુ! આપણે તો પ્રસન્નચિત્તે, બધી લઘુતા ઓગાળીને, ઓલ્યા ભેરૂને હૈયાની માલી’ પા રાખીને, ફરીથી હિલ્લોળાની મજા લેવા ધોડી જ્યા.


શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ
· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના
· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.