શિષ્ટાચારને સંસ્કૃતિનું પાલન કરવા કોઈ યુનિવર્સિટીની ડિગ્રીની આવશ્યકતા નથી હોતી
નલિન શાહ
ક્યારેક પરાગ સાથે વિસ્તારથી જરૂરી વાત કરવાની જરૂરિયાત ઊભી થતી તો માનસીને રવિવારની પ્રતીક્ષા કરવી પડતી હતી. રાત્રે એ આવતો ત્યારે માનસી નિદ્રામાં રહેતી ને વહેલી સવારે પાર્કમાં વૉક માટે ચાલી જતી. જ્યારે પાછી આવતી ત્યારે પરાગ હોસ્પિટલમાં જવા નીકળી જતો હતો. માનસીનો આ રોજિંદો ક્રમ ધનલક્ષ્મીને બહુ જ કષ્ટદાયક લાગતો હતો. બ્રેકફાસ્ટમાં માનસી કેવળ ફળફળાદિનો આહાર કરતી હતી જ્યારે પરાગ ઘણું ખરું બ્રેડ ઓમલેટ ને ક્યારેક ક્યારેક સાબુદાણાનાં વડાં જેવી કોઈ તળેલી વાનગીઓનો શોખીન હતો. માનસી હંમેશાં પૌષ્ટિક અને સાદો આહાર લેતી હતી, જ્યારે પરાગ એને બીમાર માણસનો ખોરાક કહી ઠેકડી ઉડાવતો હતો. ખોરાકની બાબતમાં માનસીની રોકટોક ધનલક્ષ્મીને કંટાળાજનક લાગતી હતી. માનસીની ગેરહાજરીમાં એની ઇચ્છા વિરુદ્ધ પરાગના ખાવાપીવાના શૌખને પોષવામાં ધનલક્ષ્મીને અનેરો આનંદ પ્રાપ્ત થતો હતો. માનસીના વિચારો એને માટે કેવળ વેદિયાવેડા હતા. ઘરમાં બધાં પોતપોતાની રીતે સ્વતંત્ર જિંદગી જીવતાં હતાં.
માનસી સવારે યોગ-આસનોમાં સારો એવો સમય વ્યતીત કરતી હતી. પરાગ અને ધનલક્ષ્મી એને પૈસાના ભોગે થતો સમયનો વ્યય માનતાં હતાં. જ્યારે માનસી એનું મહત્ત્વ સમજાવતી ત્યારે પરાગ ‘રિટાયર થઈશ ત્યારે વાત’ કહીને વાતને ટુંકાવી દેતો.
‘એ પણ ડૉક્ટર છે’ ધનલક્ષ્મી ક્યારેક ટકોર કરતી, ‘એને ખબર નથી કે એને માટે શું સારું છે ને શું નહીં?’ ત્યારે માનસી એટલું જ કહેતી કે ‘બીમારોને સાજા કરવાનો દાવો કરવાવાળા ડૉક્ટરો ઘણું ખરું પોતે જ ખાવાપીવાની ને તબિયતની બાબતમાં બેદરકાર હોય છે અને જ્યારે તેઓ નિવૃત્તિ લે છે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે.’ કંટાળીને માનસીએ પણ એ બાબતમાં વધુ ચર્ચા કરવાનું છોડી દીધું હતું.
*** *** ***
રાજુલે માનસીના કન્સલ્ટિંગ રૂમને બહુ જ સાદાઈથી પણ કલાત્મક રીતે સજાવ્યો હતો. સીસમનું ફર્નિચર થોડું મોંઘું જરૂર હતું, પણ ક્યાંય વૈભવનું પ્રદર્શન નહોતું કર્યું. માનસીની સૂચના મુજબ એના રૂમમાં એક દીવાલ પર નાનીની હાર ચઢાવેલી તસવીર હતી અને બીજી તરફ શશી-સુનિતાનું રાજુલે દોરેલું તૈલચિત્ર હતું. ફર્નિચર ભલે ભપકાદાર નહોતું, પણ સીસમની શોભા જોનારને આકર્ષ્યા વગર ના રહે એવી હતી. માનસી જોઈને ખુશ થઈ ગઈ, પણ સાથે સાથે ખર્ચની ચિંતા પણ એના ચહેરા પર દૃષ્ટિગોચર થઈ. એ કાંઈ કહે એ પહેલાં જ રાજુલ બોલી, ‘માનસી બૅન્કની મોટા વ્યાજે લોન લઈ તમે મારું અને મમ્મીનું અપમાન કર્યું છે. એના પ્રાયશ્ચિતનું શું?’ માનસી સમજી નહીં.
‘આ સજાવટ કે વ્યવસ્થા જે માને તે એ બધું મારા અને મમ્મી તરફથી એક નાની ભેટ સમજીને સ્વીકારજે. એ જ તારા ગુનાનું પ્રાયશ્ચિત છે. અને જો તું વિરોધ કરીશ તો મારી પ્રતિક્રિયા તારાથી સહન નહીં થાય. તારા સિદ્ધાંતો તારા પેશન્ટ્સ માટે જાળવી રાખજે. મારે એની કોઈ આવશ્યકતા નથી. ખાસ કરીને આવી બાબતોમાં.’ માનસી સજળ નેત્રે એને વળગી પડી.
અમિતકુમારે આપેલી મા સરસ્વતીની કલાત્મક મૂર્તિને વેઇટિંગરૂમના એક ખૂણામાં રાખી હતી, જેના થકી શોભામાં અભિવૃદ્ધિ થતી હતી.
એક અતિશય કાબેલ અને આદર્શ ડૉક્ટર તરીકે દિવસે દિવસે વધી રહેલી ખ્યાતિના કારણે માનસીની વ્યસ્તતા પુષ્કળ વધી ગઈ હતી. વાંચન અને આરામ માટે સમય પણ ઓછો પડતો હતો, જે એને ખૂંચતું હતું. પોતાની વ્યાવસાયિક સફળતા ક્યારેક ક્યારેક એને અવરોધરૂપ લાગતી હતી સ્વેચ્છાએ કામ ઘટાડવાનું એના અંતરાત્માને માન્ય નહોતું. મહિનામાં બે-ત્રણ વાર ફિલોમિનાને સાથે લઈને તે ખંડાલા કે માથેરાન જેવી જગ્યાએ કુદરતના સાન્નિધ્યમાં શનિ-રવિ ગાળી આવતી હતી. આટલી ટૂંકી સફરો એનામાં નવી સ્ફૂર્તિ પ્રદાન કરવા માટે પૂરતી હતી. રાજુલ, સાગર અને સુનિતા કરણને લઈ યુરોપ-અમેરિકાની બે મહિનાની ટૂર પ્લાન કરી રહ્યાં હતાં. એમણે માનસીને સતત દબાણ કરીને સાથે આવવા મનાવી. માનસીને પણ લાગ્યું કે એણે કામમાંથી અવકાશ લેવો જરૂરી હતો. માનસી ખર્ચ કરવા શક્તિમાન હતી પણ એને સંકોચ એ વાતનો થતો હતો કે એને કોઈ ખર્ચ કરવા નહીં દે. એટલે મંજૂરી આપતાં અચકાતી જોઈ સુનિતાએ એને તતડાવી, ‘હું તારી માની જગ્યાએ છું, ખબરદાર જો મારી સામે ખર્ચની વાહિયાત વાત કરી છે તો. તું અને રાજુલ બંને મારી દીકરીઓ જેવી છે. તારો સાથ અમને ગમે છે એટલે તો તને સાથે આવવા દબાણ કરીએ છીએ. અમારો સ્વાર્થ સાધવા, સમજી?’
રવિવારે મોડી સાંજે ખંડાલાથી પાછી ફરી માનસી ચોપડી વાંચતી પલંગ પર આડી પડી હતી ત્યાં જ રાજુલનો ફોન આવ્યો. એ સાગર અને સુનિતા સાથે અચાનક ગામ ગઈ હતી. બાપુ બીમાર હતા. વડોદરાથી આવેલા ડૉક્ટરે આખરી નિર્ણય આપી દીધો હતો. ઘડીઓ ગણાતી હતી. ‘આ તને એટલા માટે જણાવું છું કે તારી સાસુને ખબર આપવાની જરૂર લાગે તો આપજે, જેથી તને દોષી ના ઠેરવે કે તને ખબર હોવા છતાં જણાવ્યું નહીં.’
ફિલોમિનાને તુરંત બે-ચાર દિવસના કપડાં વગેરે નાખી બેગ તૈયાર કરવાનું કહી માનસી નીચે ધનલક્ષ્મીને મળવા ગઈ, ‘મમ્મી, હું બે-ચાર દિવસ ગામ જઉં છું. તમારા બાપુ ઘણા બીમાર છે, આખરી ઘડી છે.’ એણે એમ પણ ના જણાવ્યું કે રાજુલનો ફોન હતો – ના ધનલક્ષ્મીએ કાંઈ પૂછ્યું. એ સમજી ગઈ હતી કે ખબર ક્યાંથી આવી હશે. એણે કોઈ પ્રતિભાવ આપ્યા વગર સમાચાર સાંભળી લીધા. હવે નવેસરથી સંબંધ સ્થાપિત કરવો સંકોચજનક હતું. શશીને રાજુલની સામાજીક અને આર્થિક સ્થિતિ આજના જેવી ના હોત તો કદાચ દેખાડો કરવા પણ એ ગામ ગઈ હોત. પણ હવે હાલની બદલાયેલી પરિસ્થિતિમાં એ બધાંની સામે જવું નીચું જોવા જેવું લાગતું હતું.
માનસી ત્વરિત ટ્રેનમાં ચાલી ગઈ. એણે પરાગને એના નાનાના સમાચાર ઔપચારિક રીતે પણ આપવાની જરૂર ના લાગી. એ ગામ પહોંચી તે દિવસે જ વહેલી સવારે રતિલાલનું મૃત્યુ થયું હતું. અગ્નિદાહ એણે જ આપ્યો. શશી અને રાજુલે સાથે આપ્યો હતો. નાહીધોઈને બધાં પરવાર્યાં હતાં. એ સવિતા અને રાજુલની પાસે બેઠી. ત્યાં જ પડોશના ઘેરથી દાળભાત અને બટાટાના શાકનાં તપેલાં આવ્યાં. બાજુના ઘરવાળાં જાણતાં હતાં કે મરણવાળા ઘરમાં ચૂલો નહીં પેટાવાય એટલે સમજીને એમની ખાવા-પીવાની બધી જવાબદારી વગર કહ્યે એમણે સ્વેચ્છાએ સ્વીકારી લીધી હતી. ગામડાની એ સંસ્કૃતિએ માનસીને વિસ્મયમાં ગરકાવ કરી દીધી, ‘શિષ્ટાચારને સંસ્કૃતિનું પાલન કરવા કોઈ યુનિવર્સિટીની ડિગ્રીની આવશ્યકતા નથી હોતી.’
ત્રણ દિવસ પાલણમાં રહી માનસી સુનિતા અને સાગરની સાથે મુંબઈ જવા રવાના થઈ. રાજુલ બાની સાથે રહેવા અને બાપુની રિવાજ મુજબ મરણોત્તર વિધિ પતાવવા થોડા દિવસ વધુ રહેવાની હતી. બંને બહેનો બાને એકલાં રાખવા નહોતી માંગતી એટલે બાનું રાજાપુરમાં શશી સાથે રહેવાનું ઠેરવ્યું. ત્યાં બાળકો સાથે એમને ગોઠે અને એકલાપણું પણ ના લાગે.
બાપુની માંદગી ટાણે અને ત્યાર બાદ પણ કોઈએ ધનલક્ષ્મીને નહોતી સંભારી. બા-બાપુએ શક્ય છે કે મનમાં સંભારી હશે, પણ એમણે કદી એમના વિચારોને વાચા નહોતી આપી.