લુત્ફ-એ-શેર: મણકો # ૯૭

ભગવાન થાવરાણી

કહે છે, કવિતા અને સાહિત્યમાં જે કંઈ કહેવાપાત્ર હતું એ બધું જ કહેવાઈ ચૂક્યું છે. હવે જે કંઈ કહેવાય છે એ પુનરાવર્તન માત્ર છે, પરંતુ એ પુનરાવર્તનમાં પણ સૌંદર્ય છે અને એ છે લહેજાનું, કહેવાની પદ્ધતિનું, શબ્દોના વિન્યાસનું. 

લિયાકત અલી  આસિમ ‘ અનોખા લહેજાના શાયર છે. પાકિસ્તાનના કરાચીમાં જન્મીને બે વર્ષ પહેલાં ત્યાં જ જન્નતનશીન થયા. એમના શેરોમાં પણ વાતો નવી નથી પણ અંદાઝે – બયાં અનોખી ભાત પાડે છે. જુઓ :

મનાના હી ઝરૂરી હૈ તો ફિર તુમ
હમે સબ સે ખફા હોકર મના લો

પ્રિયે ! રિસાયેલા મને મનાવવો બહુ સહેલો છે. બસ તું બધાથી મોઢું ફેરવી લે . હું આપોઆપ માની જઈશ !

દાદ બે-દાદ મેં દિલ નહીં લગ રહા
દોસ્તોં  શુક્રિયા  શાયરી  માઝરત

હવે કોઈ શેરો માટે દાદ દે કે ન દે એમાં દિલ લાગતું નથી. બહુ થયું. એ બધાની અર્થહીનતા પામી ચુક્યા. મિત્રોનો આભાર અને કવિતાની ક્ષમા !

એ જ ખિન્નતાનો ભાવ દુનિયાના સંદર્ભમાં :

‘ આસિમ ‘ વો કોઈ દોસ્ત નહીં થા જો ઠહરતા
દુનિયા  થી  અપને  કામ  સે  આગે નિકલ ગઈ

દુનિયાને દુનિયાદારીથી કામ. એ કંઈ મિત્ર નથી કે મારા માટે ખોટી થાય. પોતાનો સ્વાર્થ પૂરો થતાં મને મૂકીને આગળ નીકળી ગઈ.

પણ મિત્રોની વાત અલગ :

ઝમાનોં  બાદ  મિલે  હૈં  તો કૈસે મુંહ ફેરું
મેરે લિયે તો પુરાની શરાબ હૈં મિરે દોસ્ત

શરાબ જેમ પુરાણી એમ વધુ મૂલ્યવાન . મિત્રોનું પણ એવું જ. એમનું મૂલ્ય હોય, કિંમત નહીં ! નાચીઝનો શેર :

લોગ  તો  ચલતે  બનેંગે  દે ચિત્તા કો આગ, પર
અંત તક હાઝિર રહેંગે, દોસ્ત આખિર દોસ્ત હૈં

પુનશ્ચ લિયાકત અલી : 

ઈસ  કે  અલાવા  કોઈ  હમારા નહીં યહાં
જાઓ કોઈ ખુદા કો બુલા લાઓ દૌડ કર

લિયાકત સાહેબ કોઈકને દોડીને ખુદાને બોલાવી લાવવાની વાત એ રીતે કરે છે જાણે એ એમના નિકટના મિત્ર હોય અને બાકીના બધા છેક પરાયા !

હવે એ શેર જેના કારણે એમને આ ચયનમાં લેવાની પ્રેરણા મળી :

ઉસ  પિયાલે  મેં  ઝહર  થા  હી  નહીં
વરના   સુકરાત   મર   ગયા   હોતા ..

સુકરાત એટલે સોક્રેટિસ. અેમને એમના સત્ય બોલવાના અપરાધ સબબ ઝેરનો પ્યાલો પાઈને મારી નાંખવામાં આવેલા. અહીં લિયાકત સાહેબ સમગ્ર ઘટનાને પડકારે છે, અેમના અનોખા લહેજામાં. એ કહે છે, એ પ્યાલામાં ઝેર હતું જ નહીં ! ( ઝેર તો હતું જ. ) કેમ ? એટલા માટે કે ઝેર હોત તો સુકરાત – સોક્રેટિસ મરી ન ગયા હોત ? ( મરી તો ગયા જ હતા ! ) હકીકતોથી વિરુદ્ધ લાગતી વાતનું તારતમ્ય એટલું જ કે સોક્રેટિસ તે મરતો હશે ? સોક્રેટિસ કદી મરતા નથી. એ જીવે છે અને જીવતા રહેશે. સ્થૂળ રીતે નહીં તો લોકોના દિલમાં ! ( તાજેતરમાં લતાજીના અવસાન વખતે એમની ચિરંજીવતાનો ઉલ્લેખ એમના દૈવી કંઠ અને અદાયગીની પરિપૂર્ણતાની સંદર્ભે આપી એમના એક પાકિસ્તાની ચાહકે આ શેર ટાંક્યો હતો. )


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

1 thought on “લુત્ફ-એ-શેર: મણકો # ૯૭

Leave a Reply

Your email address will not be published.