આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૧૭

પ્રવાસી યુ. ધોળકિયા

અગાઉના લેખમાં આપણે પ્રખ્યાત મુગલ શાસકોના સાસન વિશે જાણ્યું. આ સમયગાળા દરમ્યાન આપણા દેશના કેટલાક ભૂભાગો પર નિઝામ-ઉલ-મુલ્ક, સિરાજઉદ્દૌલા, હૈદરઅલી અને ટીપુ સુલ્તાન જેવા સોથી વધારે મુસ્લિમ શાસકોએ વિદેશી શાસકોની જેમ જ રાજ્ય કર્યું છે. પરંતુ સ્થળ સંકોચને કારણે આપણે તેમના વિશે ચર્ચા કરવાનું ટાળ્યું છે.મુગલ શાસકોનો શાસન કાળ ત્રણસોથી વધારે વર્ષોનો રહ્યો એટલે તે ભારતનાં સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવનને પ્રભાવિત કરે તેમાં કોઈ આશ્ચર્ય નથી. આ વિશે ટુંકી ચર્ચા આજના મણકામાં કરીશું.

ભારતના તાત્કાલિક, સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવન પર મુગલ શાસનનો પ્રભાવ

મુગલ સંસ્કૃતિ શહેરી સંસ્કૃતિ હતી. તેથી આ કાળ દરમ્યાન દિલ્હી, અમદાવાદ, અને હૈદરાબાદ જેવાં મહાનગરો અને અનેક નવાં નગરો અસ્તિત્વમાં આવ્યાં. જે શહેર કે નગર પહેલેથી જ અસ્તિત્વમાં હતાં તેમાનાં ઘણાંનું ઇસ્લામીકરણ કરાયું. મુગલો આ શહેરોને ‘ગ્રાન્ડ ટ્રન્ક’ જેવા અનેક રસ્તાઓથી સાંકળી લીધાં. ત્યાં બજારો સ્થપાઈ, નવાં વ્યાપાર કેન્દ્રો અને નાણાં ધીરધાર કરતી શરાફી મંડળીઓ અસ્તિત્વમાં આવી. ભારતનાં ગામડાંઓમાં જે શાકભાજી અને અન્ય ખેતપેદાશ ઉત્પન્ન થતાં તે આ બજારોમાં વેંચાવા આવવા લાગ્યાં. તે ઉપરાંત કારીગરો દ્વારા જે વસ્તુઓનું ઉત્પાદન થતું તેનું વેચાણ પણ આ બજારો દ્વારા થતું. જોકે ભારે મહેસૂલ દર અને પેદાશો પરનાં અતિકરભારણને લઈને ખેડૂતો અને કારીગરો-પેદાશકારોને કોઈ ખાસ લાભ થતા ન હતા. જમીનદારો જોરજુલમ કરી આ કરો ઉઘરાવી જતા, એટલે ખેડુતો કે કારીગરો પાસે ભાગ્યે જ કંઈ બચતું. આમ આ શોષિત વર્ગ અતિ દારૂણ પરિસ્થિતિમાં જીવતો.

શાસન તરફથી કોઈ સિચાઈ વ્યવસ્થા કરવામાં આવતી ન હતી. તેથી ખેતી માત્ર ચોમાસાં પર અવલંબિત રહેતી. આપણા દેશમાં અવારનવાર પડતા દુકાળો કે અતિવૃષ્ટિઓથી પણ ખેડૂત કોઈ નિશ્ચિત અનુપાતમાં ખેતપેદાશ કરી શકશે એમ કહી ન શકાતું. છતાં પણ જમીનદાર વર્ગ આ વર્ગને કનડીને પણ નિશ્ચિત કરેલું જમીન મહેસૂલ વસૂલ કરી જ લેતો. આમ મુગલ કાળની તડકભડક ફક્ત શહેરો અને નગરો પુરતી મર્યાદિત હતી. આ નગરોમાં પણ ભારે ગંદકી અને માંદગીનું પ્રંમાણ પ્રચલિત રહેતું, કેમ કે પેદા થતા કચરાના નિકાલ જેવાં સુગઠિત નગર આયોજનની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી.

છેક સલ્તનત કાળથી આપણો દેશ સમાજના બે વર્ગમાં વહેંચાઈ ગયો હતો – એક બાજુ ધનાઢ્ય વર્ગ હતો તો બીજે છેડે કગાલિયતમાં જીવતી સામાન્ય પ્રજા હતી. સામાન્ય પ્રજા મુગલ કાળમાં બદતર જીવન જીવવા બાધ્ય બની. મુગલ સામ્રાજ્ય અતિ ધનાઢ્ય હતું, એટલે અમીર વર્ગ વધારે ને વધારે સંપતિવાન બનતો ગયો. યુરોપના દેશોના અમીરોએ વિજ્ઞાન પર આધારિત નવા નવા અનેક ઉદ્યોગો સ્થાપવાના નવતર પ્રયોગો કર્યા. તેથી ત્યાં બસો વર્ષમાં જ ઔદ્યોગિક ક્રાંતિ થઈ. તેની સામે મુગલ શાસકો અને અમીરોમાં શિક્ષણ કે વિજ્ઞાન માટે કોઈ રસ નહોતો. પરિણામે યુરોપવાસીઓએ દરેક જગ્યાએ મુસ્લિમોને પરાજિત કર્યા . આપણા દેશમાં પણ ઈસ્ટ ઈન્ડિયા કંપની જેવી એક નાનકડી વેપારી પેઢીએ પોતાનું કદ અને વગ એટલાં વધાર્યાં કે  મુગલ શાસનને ઉથલાવી પાડવામાં તે સફળ રહી અને સમગ્ર ભારત દેશ પર પોતાની આણ વર્તાવી.

ઘણા ભારતીય વિદ્વાનો અને તેમના વિદેશી સમર્થકો એવાં બણગાં ફૂંકે છે જે મુગલકાળ દરમ્યાન વિશ્વમાં જે પેદાશો થતી હતી તેમાંથી ભારતનો હિસ્સો ૨૫ થી ૩૩ % જેટલો હતો. આ બાબતે વિશ્વમાં તે પ્રથમ ક્રમે હતું. પરંતુ, આ જ વિદ્વાનો જાણીબુઝીને એ વાત આપણાથી છુપાવે છે કે આ પેદાશમાંથી જે આવક થતી હતી તેનો લગભગ ૮૦ % હિસ્સો મુગલ શાસકો અને લગભગ ૬૫૦ જેટલા અમીરોનાં કુટુંબો પોતાના મોજશોખ અને બિનજરૂરી ખર્ચની પાછળ વાપરી નાખતાં હતાં. તે સમયની ભારતની લગભગ ૨૦ કરોડની વસ્તીના ભાગમાં આવકનો માત્ર ૨૦% ભાગ જ આવતો હતો. પ્રાંતોના સામંતો પણ આનું જ અનુકરણ કરીને, સામાન્ય પ્રજાને ભોગે, અતિભોગવિલાસી જીવન ભોગવતા.

મોટા ભાગની પ્રશાસકીય જગ્યાઓ પર અને લશ્કરમાં મુસલમાનોને પ્રાધાન્ય આપવામાં આવતું. સંગીત અને અનેક હસ્તકારીગીરીઓમાં જ્યાં મુસલમાન કલાકાર હોય ત્યાં રાજ્યાશ્રય મળતો. હિંદુ પ્રજાનો આમાં કોઈ ખાસ હિસ્સો ન હોવાથી પુરુષ વર્ગ ક્યાં તો સાવ બેકાર બન્યો અથવા તો પોતાના કોઈ નાના વેપાર ઉદ્યોગ કરીને જીવન વ્યાપન કરવા લાગ્યો. આ સમયમાં કદા એ કહેવત પ્રચલિત બની હશે કે ‘નબળો મરદ બૈરી પર શૂરો’! સમાજમાં હિંદુ પુરુષ સાવ કાયરતાપૂર્ણ જીવન ગુજારતો, એટલે પોતાનાં નીજ કુટુંબીજનો, તેમાં પણ ખાસ કરીને પત્ની અને સંતાનો, પર ભારે કડકાઈ કરીને ત્રાસ આપતો. સીતારામ ગોયલ નામના વિદ્વાને દાખલા દલીલ સાથે એવું સાબિત કર્યું છે કે મુસ્લિમોના ૬૫૦ વર્ષના શાસન કાળ દરમ્યાન લગભગ ૪૫,૦૦૦ હિંદુ અને બૌદ્ધ  ધર્મસ્થાનોને ધ્વસ્ત કરવામાં આવ્યાં. લગભગ ૧૨ કરોડ જેટલા ભારતીય મુળ નિવાસીઓની ક્રૂરતાપૂર્વક હત્યા આ મુસ્લિમ શાસકોએ કરી નાખી.

પ્રસ્તુત લેખનો હેતુ કોઈ પણ ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાનો નથી કારણકે આવાં કેટલાંક તત્ત્વોને બાદ કરતાં મોટા ભાગના મુસ્લિમો પોતપોતાના વ્યવસાયમાં વ્યસ્ત છે અને અંગત રીતે પવિત્ર જીવન ગાળે છે, તેમ જ હિંદુઓના શુભેચ્છકો છે. અહીં તો ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં જે નોંધાયું છે તેની જ સાંદર્ભિક માહિતી લીધી છે.

આ રીતે સ્ત્રીઓની ભારે અવદશા થઈ. હિંદુ પુરુષોના અકાળ મૃત્યુનાં વધતાં ગયેલાં પ્રમાણને કારણે હિંદુ સમાજમાં વૈધવ્યનું પ્રમાણ પણ ઘણું વધી ગયું. નાની વયે પતિ ગુમાવનાર હિંદુ સ્ત્રીઓની દશા તો સાવ ગુલામડીઓ જેવી જ બની ગઈ. તેની સામે મુસ્લિમ સ્ત્રીઓની સ્થિતિ સારી હતી કેમકે મુસ્લિમ સમાજમાં આવી મુસ્લિમ સ્ત્રીઓને પુનર્લગ્ન કરવાની છૂટ હતી. મુસ્લિમ બેગમો અને રાજવી કુટુંબની કન્યાઓને શિક્ષણનો લાભ પણ મળતો હતો,

રાજપુત સ્ત્રીઓને પતિ જો યુદ્ધમાં શહીદ થવાના સમાચાર મળતા તો તેઓ સમૂહમાં જૌહર, એટલે જાતને અગ્નિમાં હોમી દેવી, કરીને મોતને ભેટી લેતી. યુદ્ધ સિવાય જો રાજપુત પુરુષનું અપમૃત્યુ થાય તો તેની રાજપુત પત્ની સતી થઈ જતી. આમ, સામાન્યતઃ, સતી થવાનો રિવાજ અન્ય જ્ઞાતિઓમાં ન હતો.

હિંદુ સમાજમાં ભારે દુર્ભાવના પ્રવર્તતી હતી. જ્ઞાતિ પ્રથા અતિ જડ બની ગઈ હતી. હિંદુ સમાજ માત્ર ૧૮ વર્ણોમાં જ નહીં પણ સેંકડો વર્ણોમાં વિભાજિત થઈ ગયો હતો. એકબીજા વચ્ચે તિરસ્કાર પણ ભારોભાર જોવા મળતો. ઉચ્ચ વર્ણના હિંદુઓ દલિત વર્ગોનો બહિષ્કાર કરી તેમને પ્રાણીઓથી પણ બદતર ગણવા લાગ્યા.

આ બધું અનુભવીને જ કદાચ ભીલ, ઉરાઉણ, સંથાલ , ખાસી કે દક્ષિણ ભારતની પણ એવી આદિવાસી પ્રજાઓએ હિંદુ સમાજથી પોતાને વેગળી રાખી અને મુખ્ય ધારામાં ન ભળવાનું પસંદ કર્યું. તેમાં પણ આસામની આહોમ પ્રજાનું ઉદાહરણ અદ્વિતિય કહી શકાય તેવું છે. આ આદિવાસી પ્રજા મૂળ બ્રહ્મદેશની હતી. ૧૩મી સદીમાં તેઓએ ભારતના પ્રાગ્જ્યોતિષપુરને‍ જીતી લઈને તેને પોતાની જાતિનાં નામ પરથી આસામ નામ પાડ્યું. અહીં આવી ને તેઓએ હિંદુ ધર્મ સ્વીકાર્યો. તેઓ એટલા લડાયક હતા કે ભારત પર રાજ્ય કરતા કોઈ પણ મુસ્લિમ શાસકને તેઓએ આસામમાં પ્રવેશવા નહોતા દીધા.

મુસલમાનો પોતાનાં બાળકો માટે  મદરેસાઓમાં કુરાન આધારિત શિક્ષણ અપાવતા.તેની સામે હિંદુઓ પોતાનાં બાળકોને ઘરમાં, અને બહુ બહુ તો  બચી ગયેલાં રડ્યાંખડ્યાં  ગુરુકુળોમાં અને મંદિરોમાં ચાલતી પાઠશાળાઓમાં, શિક્ષણ આપતા. જોકે આટલું પણ માત્ર ઉચ્ચ જ્ઞાતિઓ પૂરતું જ મર્યાદિત હતું. તેથી બાકીનો સમાજ તો શિક્ષણથી વંચિત જ રહેતો ગયો. વિજ્ઞાનની ઉપેક્ષા કરનારા મુસલમાનોએ ચિકિત્સાક્ષેત્રે યુનાની પદ્ધતિ અપનાવી. તેની સામે, રાજ્યાશ્રય ન મળવાના કારણે આપણું આયુર્વેદ વિજ્ઞાન સ્થગિત થઈ ગયું.

ઇસ્લામના એકેશ્વરવાદ અને ભાઇચારાની ભાવનાઓએ હિંદુ સમાજ પર વ્યાપક પ્રભાવ પાડ્યો. અગાઉના લેખમાં આપણે વર્ણન કરી ચૂક્યાં છીએ કે રામાનંદ, કબીર, ગુરુ નાનક અને રવિદાસ જેવા સંતગુરુઓએ મૂર્તિપૂજાને સ્થાને નિરીશ્વરવાદનો આગ્રહ સેવીને ભાક્તિવાદને પ્રચલિત કર્યો. પરિણામે, મીરાં, ગુજરાતના નરસિંહ મહેતા અને સંત તુલસીદાસ, બંગાળના ચૈતન્ય મહાપ્રભુ, ઉત્તર ભારતના સુરદાસ  અને ઓરિસ્સાના સંત અચ્યુતાનંદ તથા દક્ષિણના અનેક સંતોએ ભક્તિવાદમાં નવા પ્રાણ પૂર્યા. તેથી કર્મકાંડ અને યજ્ઞોને બદલે સામાન્ય હિંદુ પંચદેવ, અંબાજી, દુર્ગાદેવી અને એવાં અનેક દેવદેવીઓમાં શ્રધ્ધા અને આસ્થા ધરાવતો થયો.

ધર્માંધતા ઉપરાંત મુસલમાનોએ વિશ્વભરમાં ગુલામોના વેપારની કુપ્રથા ફેલાવી. હિંદુ પ્રજાનો જ્યારે પરાજય થતો ત્યારે જો ઇસ્લામ સ્વીકારવાની ના પડે તો તેમાંના મોટા ભાગના યુવા પુરુષોની કત્લ કરી નાખવામાં આવતી. બાકીનાં પુરુષો, સ્ત્રીઓ, બાળકોને ગુલામ બનાવી તેમને વિદેશોમાં વેંચી દેવામાં આવતાં. એમ માનવામાં આવે છે કે આ હિંદુ ગુલામો જ્યારે ભારતની ઉત્તરે આવેલો સિંધુકોશ પર્વત ઓળંગતાં ત્યારે તેઓના આંસુઓથી રંજિત થવાને કારણે આ પર્વતનું નામ હિંદુકુશ – હિંદુઓનાં આંસુ – પડી ગયું હશે.

મુસલમાનોને મૂર્તિપુજા પ્રત્યે સખત ચીડ અને તિરસ્કાર હતાં. તેનો સૌથી વધારે મોટો ભોગ બૌદ્ધ ધર્મીઓ બન્યા, કેમકે તેમનામાં બુદ્ધ અને બોધિસત્વની મૂર્તિઓનું બહુ જ મહત્ત્વ હતું. એથી, મુસલમાનોએ છેક અફઘાનિસ્તાનથી લઈને બંગાળ સુધી આવેલાં બૌદ્ધ  કેન્દ્રોનો નાશ કર્યો અને બૌદ્ધ ધર્મના લગભગ બધા અનુયાયીઓને મુસલમાન બનાવ્યા. આવી જ અવદશા મલેશિયા અને ઈન્ડોનેશિયા જેવા બૃહદ ભારત દેશોમાં આવેલી બૌદ્ધ તથા હિંદુઓ પ્રજાઓની થઈ. અહીંથી ત્યાં ગયેલા મૌલવીઓએ ત્યાંની ભોળી પ્રજાઓને એવું ઠસાવ્યું કે ભારતવર્ષમાં હવે ઇસ્લામ જ મુખ્ય ધર્મ છે.  તેથી એ પ્રજાઓએ કોઈ પણ જાતની તપાસ કર્યા વિના જ ઇસ્લામ ધર્મ અંગીકાર કરી લીધો. પરિણામ એ આવ્યું કે એક સમયે અખંડ ભારત અને બૃહદ ભારત મળીને ૧.૫૦ કરોડ ચો. કિ. મી.નો જે ભૂભાગ હતો તે ધાર્મિક  પરિવર્તનોને કારણે આજે સંકોચાઈને ૪૦ લાખ ચો. કિ. મી.નો જ રહી ગયો છે. તેની સરખામણીમાં જૈન ધર્મે પોતાની રક્ષા સારી રીતે કરી. ગુજરાતના જૈન સંત હેમચંદ્રાચાર્યના પ્રભાવ નીચે અનેક ભારતીયોએ જૈન ધર્મનો સ્વીકાર કર્યો.

ઇસ્લામને વિશ્વ ધર્મ બનાવનારા આરબો અને તુર્ક લોકોમાં કળા સ્થાપત્ય વિશે જ્ઞાનનો સાવ અભાવ હતો. પરંતુ જ્યારથી ઇરાન નિવાસીઓએ ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો ત્યારથી આ સંસ્કૃતિમાં આ કળાઓ પૂર્ણરૂપે વિકસી. ઇરાનની પ્રેરણાથી  ભારતમાં અનેક મહેલો, મસ્જિદો, અને કુતુબ મિનાર, ઝૂલતા મિનારા, સીદી સૈયદની જાળી કે તાજમહેલ જેવી મહાન કૃતિઓની રચના થઈ. જોકે વિદ્વાનોનો એક વર્ગ માને છે કે બાંધકામ પાછળ લખલૂટ ખર્ચ કરવાની મુસલમાન શાસકોની ઘેલછાએ સરકારોના ખજાનાનાં તળિયાં દેખાડી દીધાં. જેનુ  એક પરિણામ એ આવ્યું કે. અંતિમ મુગલ શાસકોને તેમના અંત કાળમાં સ્થાપાયેલી બ્રિટિશ સત્તાનાં પેન્શનરો તરીકે જીવવા માટે વિવશ થવું પડ્યું.

ઇસ્લામમાં સંગીતનો પણ નિષેધ ફરમાવવામાં આવ્યો છે. પરંતુ મુસલમાનોએ જ્યારે  આપણા દેશ પર સાશન કર્યું ત્યારે અહીંનાં અદ્‍ભૂત  સંગીતથી પોતાને અછૂતા રાખી ન શક્યા, તેઓના રાજ્યાશ્રયને કારણે ભારતીય શસ્ત્રીય સંગીત અને સુગમ સંગીત બચી ગયાં. હજારો હિંદુ સંગીતજ્ઞો તાનસેનની જેમ મુસલમાન બન્યા.

ભારત પર મુગલ શાસનનો સૂર્ય અસ્તાચળે જવા લાગ્યો હતો. મરાઠા, શીખ અને જાટ લોકો પર મુસલમાનોએ કરેલા જુલ્મોની પ્રતિક્રિયા રૂપે આ ખમીરવંતી જાતિઓએ વળતા ફટકામાં મુગલ સલ્તનતની ઇમારતના પાયા હચમચાવી નાખ્યા. આવી અંધાંધુંધીનો લાભ ભારતમાં તે સમયે માત્ર વેપાર કરવા અવેલી ઇસ્ટ ઈંડિયા કંપનીએ ઊઠાવ્યો.  ઇ. સ. ૧૭૫૭થી ધીમે ધીમે ભારતીય પ્રદેશો પર કબજો મેળવતાં જઈને પચાસ વર્ષમાં તો તેઓ આપણા શાસકો બની ગયા. તે સાથે ભારતમાં સામંતશાહી આધારિત મુસ્લિમ સત્તાનો પણ અંત આવ્યો.

ઇ. સ. ૧૯૪૭માં, નવ સદીઓ બાદ, જ્યારે વિદેશી સત્તાઓ પાસેથી સ્વતંત્રતા મળી ત્યારે અખંડ ભારતના રાજકીય દેહના ટુકડાઓ  બચ્યા.

હવે પછી બ્રિટિશ સાસન વિશે……


ક્રમશ : ભાગ ૧૮ માં


શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

2 thoughts on “આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૧૭

  1. લેખ વાંચી શરમિંદા અનુભવી હિન્દુ પ્રજા સાવ નપુસંક, ઝમીર વિનાની કાયર સંસ્કૃતિ વિહીન થઈ ગઈ છે શરમજનક છે
    હજુ પણ આખ ઊઘડતી નથી
    કાયર પ્રજા સ્વાર્થી મતલબી, પ્રજા

Leave a Reply

Your email address will not be published.