વચ્ચે રાજકારણ આવશે !

વ્યંગ્ય કવન

“પ્રણય” જામનગરી

ફાડી મુખને સિંહ-જાણે કાળ ઊભા સામને !
કેટલા પ્રશ્ર્નો બની વિકરાળ; ઊભા સામને !
રામ જાણે ! કોને બનવાનું ય મારણ આવશે !
સહુએ સારા કામ વચ્ચે; રાજકારણ આવશે !

એમ અમને મન હતું; કે હૈયાધારણ આવશે !
થાય મન રાજી જરીકે; એવું કારણ આવશે !
ક્યાં ખબર એવી હતી; કે ઔર ભારણ આવશે !
સહુએ સારા કામ વચ્ચે રાજકારણ આવશે ! 

જે હરે અંધારને; એવો સૂરજ ઊગે નહીં !
આજ પણ અજવાસ સઘળા ઘર લગી પૂગે નહીં!
કોઇ ને કોઈક અમથું વિઘ્ન-કારણ આવશે !
સહુએ સારા કામ વચ્ચે રાજકારણ આવશે !

સાંસદો, વિધાનસભ્યો, મંત્રીઓ ને સરપંચ;
જ્યાં જૂઓ ત્યાં રોજ ગજવે ભાષણોથી કૈંક મંચ !
એ શબદને સાંભળીને; કૈં ન તારણ આવશે !
સહુએ સારા કામ વચ્ચે રાજકારણ આવશે !

પક્ષ જેવો ! કાર્યકર્તા પણ અહીં એવા જ છે !
સહુને માટે નાનું-મોટું; પોતીકું કૈં રાજ છે !
સૂત્રધારો સહુ મગરના આંસુ – ધારણ ! આવશે !
સહુએ સારા કામ વચ્ચે રાજકારણ આવશે !

લોકશાહી છે; છતાંયે લોક સહુ લાચાર છે !
વસ્ત્ર લીરેલીર છે; ને છૂટેછૂટા તાર છે !
રોજ નવતર કાયદા; કાળજ-વિદારણ આવશે !
સહુએ સારા કામ વચ્ચે રાજકારણ આવશે !

જ્યાં જૂઓ ત્યાં ખસ્તા હાલત છે; બધું બિસ્માર છે
હૉસ્પિટલ પોતે હવે તો ખુદ અહીં બીમાર છે !
કેમ દર્દી થાય સાજા ? શું સુધારણ આવશે ?
સહુએ સારા કામ વચ્ચે રાજકારણ આવશે !

રોજ અખબારો મહીં વાંચી ખબર; કૈં થાય નહિ !
આ નગર જાણે કે કોઈ છે મગર ! કૈં થાય નહિ !
જીવલેણી સહુ સમસ્યાનું નિવારણ આવશે ?
સહુએ સારા કામ વચ્ચે રાજકારણ આવશે !

લોભ-લાલચ, પદ-પ્રતિષ્ઠાના બધા મોહતાજ છે !
શબ્દને વેંચે બજારે ! એમ પણ કવિરાજ છે !
ક્યાંથી કોઈ શબ્દ સાચાનો ઉચારણ આવશે ?
સહુએ સારા કામ વચ્ચે રાજકારણ આવશે !

સહુ ભલે મરતાં ! ભલું મારું કરું; નો ભાવ છે !
કોણ સમજે; આ અસુરોનો જ જે સ્વભાવ છે !
કઇ રીતે મુશ્કેલીમાંથી અહિ ઉગારણ આવશે ?
સહુએ સારા કામ વચ્ચે રાજકારણ આવશે !

રાંકના રૂપિયા અમીરો કાજ જો વપરાય તો ?
શાનશૌકત કાજ જો સરકાર ખુદ ખર્ચાય તો ?
લોકલાજે યાતના-પીડાનું કારણ આવશે !
સહુએ સારા કામ વચ્ચે રાજકારણ આવશે !

ફાઇલો રંકોની ટેબલ મધ્યમાં અટવાય તો ?
હક ખરેખર હોય; એ પણ હાથથી ઝુંટવાય તો ?
ભીડ રૂપે રોષ; સૃષ્ટિનો ધખારણ આવશે,
સહુએ સારા કામ વચ્ચે રાજકારણ આવશે !

ક્યાં ભણેલાને મળે છે ? નાની-મોટી નોકરી !
રોજગારી વિણ ભટકતાં છોકરાં ને છોકરી !
સ્કૂલો-કોલેજો હજારો; સહુને ભારણ આવશે !
સહુએ સારા કામ વચ્ચે રાજકારણ આવશે ! 

ટી.વી., મૉબાઈલ માંહે રત જમાનો જોઉં છું !
તન અને મન રાંક જોઈ; હું ય મનમાં રોઉં છું !
ખોઉં છું, ખોવાઇ દુનિયામાં; શું તારણ આવશે ?
સહુએ સારા કામ વચ્ચે રાજકારણ આવશે !

મન પડે એવી રીતે જીવે હજુ યે માણસો !
ક્યાંક દારુ ! આંસુઓ પીવે હજુ યે માણસો !
કામ ક્યાંથી દેશનું ત્યાં; એ બંધારણ આવશે ?
સહુએ સારા કામ વચ્ચે રાજકારણ આવશે !

જે હતું સારું જરીકે; એ ય સહુ બગડી રહ્યું !
તાલ-સુર વિણ વાદ્ય અમથું; એનું એ વગડી રહ્યું!
એમ અમને તો હતું કે; કૈં સુધારણ આવશે !
સહુએ સારા કામ વચ્ચે રાજકારણ આવશે ! 

કચડી નાખે; એ ચરણને શીઘ્રતાથી રોકજો,
અણસમજ એ હોય તો સાચી શિખામણ ઠોકજો,
કારણો લાખો નહીંતર; દુ:ખવધારણ આવશે;
સહુએ સારા કામ વચ્ચે રાજકારણ આવશે !

ઓપિનિયન, યુકે.માંથી સાભાર


વેબ ગુર્જરી પર પ્રકાશન અંગેની વિચારણા સારૂ આપની વ્યંગ્ય કવિતા નીચેનાં વીજાણુ સરનામે પદ્ય વિભાગનાં સંપાદકોને મોકલી શકો છો-

સુશ્રી દેવિકા ધ્રુવ – ddhruva1948@yahoo.com
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.