કવિતા અને રસદર્શન
:ગઝલઃ
સલૂણી સાંજ ઝળહળતી…
સલૂણી આજ આવીને, ઊભી આ સાંજ ઝળહળતી;
જરા થોભો અરે સૂરજ, ન લાવો રાત ધસમસતી.
હજી હમણાં જ ઉતરી છે, બપોરે બાળતી ઝાળો,
જરા થોભો અરે ભાનુ, ભૂલાવો વાત બળબળતી.
હવે મમળાવવી મારે અહીં કુમાશ કીરણોની,
જરા થોભી, ફરી ખોલું હતી બારી જે ઝગમગતી..
અહો કેવી મધુરી સ્હેલ આ સંસાર સાગરની,
જરા થોભો તમે નાવિક, ભલે આ નાવ ડગમગતી.
કટુ કાળી અને અંતે જતી અણજાણ નિર્વાણે,
જરા થોભો વિધિ ‘દેવી’, સજુ એ રાત તનમનથી !!
દેવિકા રાહુલ ધ્રુવ…
:રસદર્શનઃ
જયશ્રી મર્ચન્ટ
ગીતનો રુમઝૂમતો રણકાર, ગઝલની ગુલાબી ગઝલિયતથી સભર ગુફતેગુ, અને છંદની અસ્ખલિત પ્રવાહિતા લઈને આવેલું આ કાવ્યનું સૌષ્ઠવ અને વૈવિધ્ય એને એક “સર્વપ્રકાર સંયોજિતતા” ના Unique Category – આગવા પ્રકારમાં ઢાળે છે.
માનવીની સવારનો સમય એટલે હસતું રમતું બાળપણ જેને કલાકોની અવધિમાં જીવી જવાય છે. સવાર હજી તો ઊગીને આંખના પલકારામાં જ બપોરમાં આવર્તિત થઈ જાય છે. હજી તો જીવીને વાગોળીએ એ સવારની હૂંફાળી ઉષ્મા, ત્યાં સુધીમાં બપોરના પગરણ મંડાઈ જાય છે અને પછીનું જીવન આખું ધોમધખતા બપોરના તાપ સમી જિંદગીને સહન કરવામાં વિતી જાય છે. કેટકેટલું આપણે આપણા જીવનના મધ્યાહ્નમાં જીવી જઈએ છીએ? કિશોરવસ્થામાંથી મુગ્ધાવસ્થાનો “દુનિયાની તમા આપણે કેમ રાખવી” ના તબક્કામાંથી જન્મે છે નવયૌવન. આ યુવાનીની મસ્તીના સમયમાં હૃદયની મસ્તી પર પણ યુવાનીનો કેફ છવાય છે અને એ સાથે પ્રણયના પગરણ પણ થાય છે. કદીક પ્રેમ પરવાન ચડે છે તો કદીક નિષ્ફળ થાય છે. પ્રણય, પરિણય, કૌટુંબિક જવાબદારીઓ, વ્યાવસાયિકતા, સામાજિક જાગરૂકતા, સફળતા અને નિષ્ફળતા, આ બધાનો નિભાવ એક સમતોલન અને સંતુલન સાથે જીવનની બપોરી વ્યસ્તતામાં કરવાનો હોય છે!
જરા અળગાં થઈને જોઈએ તો આ કામ કેટલું કપરૂં લાગે છે, પણ આપણે તોયે જીવીએ છીએ. કેટકેટલું કરતાં, કરતાં, આપણે મધ્યાહ્નકાળની ઘરેડમાં જીવાતી જિંદગીમાં ઘડી બે ઘડી ઊભા રહીને પોરો ખાવાનો વિચાર પણ નથી કરતાં. સતત ભાગતી, દોડતી આ જિંદગીમાં જો બે ચાર ક્ષણો પણ થંભી ગયાં તો કોઈ અદીઠ રેસમાં પાછળ પડી જઈશું અને આવા એક છાના ભયમાં જ આપણે દરેક પળમાં બસ ભાગતા જ રહીએ છીએ. ન જાણે એવી તે કઈ લાચારીનો ઓછાયો આપણને જિંદગીની પળોને માણતાં રોકે છે?
“હજી હમણાં જ ઉતરી છે, બપોરે બાળતી ઝાળો,
જરા થોભો અરે ભાનુ, ભૂલાવો વાત બળબળતી.”
કવિ અહીં કહે છે કે સૂરજ જરા ધીમા તપો, અટકો, થોભો અને શ્વાસ તમે પણ ખાઈ લો અને અમને પણ આ સમયનો સ્વાદ ચાખવા પૂરતું તો ઊભા રહેવા દો. વિતેલી સવારની કુંવારી કુમાશ પર પડેલાં પગલાંને પાછાં ફરીને એકવાર જોવા માટે પણ થંભો. દેખીતી રીતે કહેણ સૂરજ માટે છે પણ વાત પોતાના અંતર સાથે જ કરી છે. જીવનને ભરપૂર ગતિમાં જીવો, ગતિનો આનંદ માણો, સુખના સમયમાં સ્નેહીઓ સાથેના સમાગમમાં સૈર કરો અને દુઃખની પળને સ્વીકારીને, એનો પણ ઉત્સવ ઉજવતાં હો એમ જીવવું એ જ તો જિંદગી છે.
જીવનની આ સુખદુઃખની બારીને સદા ઝળહળતી રાખીએ અને આગળ જોતાં રહીએ પણ પાછળ ઘણું બધું જીવાયું છે, જીવી ગયા છીએ, એનો વૈભવ માણવાની હવે આ ઢળતી સાંજે જે મઝા છે એને માણ્યા વિના આ ધરતી પરથી એમને એમ કેમ વિદાય લેવાય? સાંજ પડી ગઈ છે, રાતની કાળાશનો મહાસાગર પાર કરીને ક્ષિતિજની પેલે પાર જવાનું જ છે, એ નિશ્ચિત છે, તો તન અને મનથી એ મુસાફરી કરવા માટે પોતાને તૈયાર કરવાની બહુ મોટી વાત કવિ અહીં કહી જાય છેઃ
“કટુકાળીઅનેઅંતેજતીઅણજાણ નિર્વાણે,
જરા થોભો વિધિ ‘દેવી’, સજુ એ રાત તનમનથી !!”
સવાર, બપોર, સાંજ અને રાતની મુસાફરી કરતા સૂરજની સફરને જ માત્ર નથી વર્ણવી, સાચા અર્થમાં જિંદગીની સફરનો શિલાલેખ પણ કવિ લખી જાય છે.
ઈ-મેલઃ ddhruva1948@yahoo.com
વેબઃ http://devikadhruva.wordpress.com
સુશ્રી જયશ્રીબેન મર્ચન્ટનો સંપર્ક jayumerchant@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com
સરસ કાવ્ય.