નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – ૬૧

હું ડૉક્ટર છું, દુકાનદાર નહીં.

નલિન શાહ

ડૉક્ટર તરીકે માનસીની પ્રતિષ્ઠામાં નોંધપાત્ર વધારો થયો હતો. જુહુ-વિલેપાર્લે જેવા ધનાઢ્ય ઇલાકાની ફિલ્મી અને અન્ય જાણીતી હસ્તીઓની એ ખાસ માનીતી ડૉક્ટર હતી. અમિતકુમાર માટે તો એ એમનાં કુટુંબના સદસ્ય જેવી હતી. નબળી આર્થિક સ્થિતિવાળા પેશન્ટ્સ પણ વિના સંકોચે એની સલાહ લેતા હતા. એની કાબેલિયત ને ઉદારતા ચર્ચાનો વિષય બની ગયાં હતાં. ભાવભીનું આમંત્રણ હોવા છતાં ફિલ્મી પાર્ટીઓમાં કે અન્ય સમારંભોમાં જવાનું એ ટાળતી. ઇમરજન્સી સિવાય એ પર્સનલ વિઝિટ કદી નહોતી કરતી.

નવાં નવાં મોડેલોની ગાડીઓ આવવા માંડી હતી, ફીયાટનું મહત્ત્વ ઘટવા માંડ્યું હતું. ફિલોમિના જાણતી હતી કે માનસી હવે કોઈ પણ મોંઘીદાટ ગાડી લેવા શક્તિમાન હતી એટલે જ એણે માનસીને કોઈ નવાં મોડેલની ગાડી લેવા સમજાવવાનો પ્રયત્ન કર્યો.

‘ગાડી કોઈ ઘરેણું નથી, એક વાહન છે. સારું ચાલે છે ત્યાં સુધી ચાલવા દે’. માનસીએ કહ્યું.

‘પણ માનસી, એવાય લોકો છે જે ડૉક્ટરની ગાડી ને કન્સલ્ટિંગ રૂમનો ભપકો જોઈ એમની પાસે જાય છે!’ ફિલોમિનાએ દલીલ કરી.

‘તે ભલે જાય. હું ડૉક્ટર છું, દુકાનદાર નહીં. લોકોને પ્રભાવિત કરવા હું મારી જાતને છેતરવા નથી માંગતી.’

હોસ્પિટલોની મુલાકાતો ને કન્સલ્ટિંગ રૂમમાં વધતાં જતાં કામના બોજાને કારણે માનસી હંમેશાં સમયનો અભાવ અનુભવતી હતી. જવા-આવવાનો સમય બચાવવા અને બાળકને વધુ સમય આપવા માનસીએ એમના નવા બંધાયેલાં મકાનનો ભોંયતળિયાનો ભાગ ખરીદવાની ઇચ્છા દર્શાવી. કેવળ કન્સલ્ટિંગ રૂમ માટે જગ્યા ઘણી વિશાળ હતી છતાં માનસીને એ જરૂરી લાગી. એક રૂમ, એક રસોડા ને બાથરૂમ જેટલી જગ્યા ફિલોમિના માટે ફાળવી શકે. નાની પ્રત્યે એની ફરજના રૂપમાં અને નાનીની કરેલી એની સેવાના બદલામાં ફિલોમિનાની જવાબદારી એણે સ્વેચ્છાએ સ્વીકારી હતી. મદદનીશ તરીકે એની ઉપયોગિતા બહુ હતી અને એનો સંગાથ એને હંમેશાં સુખમય લાગ્યો હતો. વસવાટની વ્યવસ્થામાં બંનેની સગવડ સચવાય એમ હતી. કન્સલ્ટિંગ રૂમ અને વેઇટિંગ રૂમની જગ્યા પણ સારા પ્રમાણમાં હતી એ ઉપરાંત કમ્પાઉન્ડમાં પાર્કિંગની જગ્યા પણ પૂરતી હતી. સવાલ ફક્ત એને ખરીદવાનો હતો.

મકાન ધનલક્ષ્મીના નામનું હતું. એના લોભી સ્વભાવથી એ સારી રીતે પરિચિત હતી એટલે સમજીને એણે ભોંયતળિયેની જગ્યા બજારભાવે ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો. સાસુ સંકોચ બતાવવાની ઔપચારિકતા કરે એ પહેલાં જ એણે પૂરા પૈસા પહેલેથી જ ચૂકવી દેવાની વાત કરી. ધનલક્ષ્મી અચંબામાં પડી ગઈ. કહેવા ખાતર પણ એનાથી કહ્યા વગર ના રહેવાયું, ‘તારે તે ફ્લેટ ખરીદવાનો હોય?’

‘હા, કારણ એ મારા રહેવા માટે નહીં, પણ વ્યવસાય માટે છે ને હિસાબની વાતમાં ચોખ્ખા રહેવું સારું.’

‘છે એટલા પૈસા તારી પાસે?’

‘એટલા તો કદાચ ના હોય, પણ બેંકની લોન મળશે એટલે સરભર થઈ રહેશે.’

બેંકની લોન વિશે સાંભળી ધનલક્ષ્મીને આશ્ચર્ય થયું. એ જાણતી હતી કે માનસી વહુ હોવાના નાતે એ ફ્લેટ્‌સ એના વ્યવસાય માટે ફાળવવાનું સીધું કે આડકતરી રીતે સાસુ પર દબાણ લાવી શકી હોત. ધારત તો પરાગ પાસે પૈસા હકથી માંગી શકી હોત. પરાગને ક્યાં નાણાંની ખોટ હતી! જેટલું ધોળું હતું એથી ચાર ગણું કાળું પણ હતું અને માનસીને ના કહેવા જેટલી હિંમત એનામાં નહોતી. બીજું કાંઈ નહીં તો સુનિતા, રાજુલ અને અમિતકુમાર જેવી સક્ષમ વ્યક્તિઓ એની પડખે ઊભી હતી. આમ છતાં એ બેંકની લોન લેવાનું વિચારે છે! ‘આટલું ભણી પણ સંબંધોનો લાભ લેવાનું ના શીખી.’ ધનલક્ષ્મી મનમાં બબડી.

માનસી જાણતી હતી કે પોતે ખૂટતા પૈસાની જોગવાઈ બહુ સહેલાઇથી કરી શકે તેમ હતી, છતાં પણ એ પૈસા વ્યવસાય માટે હોવાથી મિત્રોની નારાજગી વ્હોરીને પણ એણે બેંકની લોન માટે અરજી કરી, પણ કોઈને જાણવા ના દીધું. એને લાગતાં-વળગતાંના પ્રત્યાઘાતો પણ એણે ધાર્યા મુજબ જ આવ્યા. અમિતકુમારે ફોન પર કહ્યું, ‘અમે તમને હંમેશાં અમારા ગણ્યાં પણ તમે અમને પારકાની હરોળમાં મૂકી દીધા.’ રાજુલ એના ગુસ્સાને કાબૂમાં ન રાખી શકી, ‘અમને બધાંને ઘરમાં તારા પર ગુસ્સો આવ્યો છે. તું અમને શું સમજે છે? શું અમારા પૈસા કાળી કમાણીના હતા કે તેં ના માગ્યા? માનસીએ રાજુલના ગાલ ચૂમી હસતાં હસતાં કહ્યું, ‘જીવનસાગરમાં જ્યારે ડૂબવાની વેળા આવશે ત્યારે સામે ચાલીને તમારા હાથ થામીશ. પણ આ પૈસા વ્યવસાય માટે હતા એટલે વ્યવસાયિક રીતે બેંકમાંથી લેવાનું યોગ્ય લાગ્યું.’

‘બસ બસ, હવે તારા સિદ્ધાંતોનાં બણગાં નહીં ફૂંક. આટલાં મોટાં બેંકનાં વ્યાજનો બોજો જે માથે લીધો છે, એ સહેવાશે? જ્યારે બેંકના ગુંડા જેવા એજન્ટો રિકવરી માટે આવશે ત્યારે શું કરીશ?

‘તારી પાસે મોકલી આપીશ, ચૂકવી દેજે. બસ!?’

રાજુલને બાથ ભરી માનસીએ એનો ગુસ્સો પિગાળી નાખ્યો.

‘તને વ્યાજ ભરવાની એટલી તાલાવેલી હતી તો એ વ્યાજ મને આપતે?’

‘તને?… તું… ને વેપાર… કદી સાથે જાય?’

‘કેમ નહીં?’ રાજુલે કૃત્રિમ ગુસ્સામાં કહ્યું, ‘તારી સાસુનું જ લોહી મારામાં પણ વહે છે ને?’ રાજુલ હજી ધનલક્ષ્મીને બહેન તરીકે સંબોધવા તૈયાર નહોતી.

‘હા, એ મને યાદ ના આવ્યું, નહીં તો તારી પાસેથી જ લેતે.’

‘સારું, હવે એ વાત કર, કશ્યપના એડમિશનની વ્યવસ્થા કરવા તું સિમલા ક્યારે જાય છે?’

‘બિશપ કોટન સ્કૂલમાં અરજી મોકલી દીધી છે. પરાગ પણ ત્યાં જ ભણ્યો હતો. હવે ફેબ્રુઆરી પૂરો થવા આવ્યો ને સાથે સાથે વિન્ટર વેકેશન પણ. હવે નવી ટર્મ શરૂ થશે એ પહેલાં હોસ્ટેલ વગેરે વ્યવસ્થા જોઈ આવું. આમેય મને સિમલાનું વાતાવરણ ગમે છે. કન્સ્લટિંગ રૂમના ફર્નિશિંગ વગેરેની વ્યવસ્થા પૂરી થતાં આઠ-દસ દિવસ લાગશે. એ બહાને વેકેશન પણ લેવાશે.’

‘પરાગ સાથે આવવાનો છે?’

‘હોય કાંઈ…’ માનસી હસીને બોલી, ‘જ્યાં સમય પૈસામાં અંકાતો હોય ત્યાં કોઈને વેકેશન લેવું ના પાલવે. કશ્યપ, હું અને ફિલોમીના જ જઇશું. ફિલુને તો મેં બળજબરીથી સાથે લીધી. એને પણ હવાફેરની ઘણી જરૂર છે.’

કન્સલ્ટિંગ રૂમના સાદા પણ કલાત્મક સુશોભનની જવાબદારી રાજુલે સામેથી માંગી લીધી હતી એટલે માનસી સાવ નિશ્ચિત હતી. માનસીને સિમલાના પ્રવાસની તૈયારી કરતી જોઈ ધનલક્ષ્મી મનમાં સમસમી ગઈ, ‘કેવળ શિષ્ટાચાર ખાતર પણ સ્કૂલની બાબતમાં એની ના કોઈ સલાહ લીધી કે કાંઈ પૂછ્યું.’ એને ગુસ્સો વધુ એ વાત પર હતો કે જે સાસુપણું ભોગવવાનાં સપનાં એણે સેવ્યા હતાં એ ફળીભૂત નહોતાં થયાં. પરાગને એ બાબતમાં ફરિયાદ કરવી અર્થહીન હતી. એ જાણતી હતી કે માનસી હંમેશાં એના વિચારોમાં અડગ હતી અને એની સ્વતંત્રતા પર કાપ મૂકવામાં એની પોતાની જ માનહાનિ થવાનો સંભવ હતો.

જ્યારે માનસી સિમલાથી પાછી ફરી ત્યારે કન્સલ્ટિંગ રૂમ તૈયાર થઈ ગયો હતો. પરાગે માનસીને સૂચન કર્યું કે અમિતકુમારના હાથે એનું ઉદ્‌ઘાટન કરાવે જે સાહજિક રીતે છાપાંમાં સમાચાર રૂપે છપાય એટલે આડકતરી રીતે ડૉક્ટર તરીકે માનસીનાં નામ અને નવાં સરનામાની લોકોમાં જાણ થાય.

ધનલક્ષ્મીએ એની માન્યતા મુજબ કામકાજ શરૂ કરતાં પહેલાં કોઈ બ્રાહ્મણ પાસે મુહૂર્ત જોવડાવી શુકન માટે વિધિ કરાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. એની ધારણા મુજબ હૃદયરોગના દર્દીઓ ડૉક્ટરને મળતાં પહેલાં ભગવાનનાં નામનું રટણ કરતાં હોઈ વેઇટિંગ રૂમમાં ભગવાનની મોટી છબિ મૂકવાનું પણ સૂચન કર્યું.

માનસીએ કોઈ પણ પ્રતિક્રિયા આપ્યા વગર બધાનાં સૂચનો સાંભળી લીધાં પણ એકેનું પાલન ના કર્યું. જ્યાં પહેલાં પ્રેક્ટિસ કરતી હતી એ પોલિક્લિનિકની ટેલિફોન ઓપરેટરને નવાં સરનામા અને ટેલિફોન નંબરોની સૂચના આપી. કેવળ અમિતકુમાર સાથે આત્મિય સંબંધના કારણે ટેલિફોન પર નવા કન્સ્લટિંગ રૂમની બાબતમાં જાણ કરી.

કોઈ પણ ઔપચારિક આમંત્રણની  અપેક્ષા રાખ્યા વગર પહેલે જ દિવસે અમિતકુમાર એની પત્નીની સાથે ફ્રુટનું બાસ્કેટ, ફૂલનો બુકે અને માનસીના શાસ્ત્રીય સંગીતના શોખને ધ્યાનમાં રાખી મા સરસ્વતીની માર્બલમાં કોતરેલી એક ભવ્ય મૂર્તિ સાથે આવ્યા અને માનસીનું અભિવાદન કર્યું. એના પ્રેસ-એજન્ટે ત્રણ-ચાર મહત્ત્વના છાપાંના પ્રતિનિધિઓને આ સમાચાર મહેરબાની રૂપે આગળથી આપ્યા હતા. આ એણે કેવળ માનસીની વ્યાવસાયિક જરૂરિયાતને ધ્યાનમાં રાખી કર્યું હતું.

છાપાંઓમાં સમાચાર રૂપે છપાયેલા ફોટાઓ જોઈ ધનલક્ષ્મીનાં હૃદયમાં અદેખાઈની જ્વાળા પ્રગટી. સતત વ્યસ્તતાના કારણે રાજુલના બંગલાના ઉદ્‌ઘાટન ટાણે ધનલક્ષ્મીના ઘેર પધારવાના આમંત્રણનો અમિતકુમાર અમલ નહોતા કરી શક્યા, જ્યારે અહીં કોઈ પણ ઉદ્‌ઘાટન પ્રસંગ ન રાખ્યો હોવા છતાં સામે ચાલીને માનસીને નવાજી હતી. ‘મારા દીકરા કરતાં એ આગળ વધી ગઈ’ એણે મનમાં ને મનમાં ગુસ્સો ઠાલવ્યો. વધુ તો એટલે માટે કે અમિતકુમારનાં આગમનની એને કોઈએ જાણ પણ નહોતી કરી. જાણતી હોત તો એ હાજર રહેત અને અમિતકુમારની સાથે એનો પણ ફોટો છપાતે!

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.