લુત્ફ-એ-શેર: મણકો # ૯૬

ભગવાન થાવરાણી

અહમદ ‘ ફરાઝ ‘ તો ખેર ઉર્દૂના ટોચના શાયર છે જ, એક અન્ય દિલચસ્પ ફરાઝ પણ છે, તાહિર  ફરાઝ‘. રામપૂરના છે અને મુશાયરાઓમાં પોતાની ગઝલો તરન્નુમમાં કહેવા માટે વિખ્યાત છે.

આપણા સામાજિક મૂલ્યો ઉપર વ્યંગ કરતો એમનો આ શેર :

જેલ સે વાપસ આકર ઉસને પાંચોં વક્ત નમાઝ પઢી
મુંહ ભી બંદ હુએ સબ કે ઔર બદનામી ભી ખત્મ હુઈ

અને એમના અંગત મૂલ્યો :

વો સર ભી કાટ દેતા તો હોતા ન કુછ મલાલ
અફસોસ  યે હૈ  ઉસને  મેરી  બાત  કાટ દી

લાંબી બહરમાં કહેવાયેલું આ તત્વજ્ઞાન :

ખયાલ – એ – જાના તિરી બદૌલત ‘ ફરાઝ ‘ હૈ કિતના ખૂબસુરત
દિમાગ – ઓ – દિલ  સે  હકીકતોં  કા ગુબાર ઉતરા તો મૈંને  દેખા

નિરંતર પ્રિયપાત્ર વિષે વિચારવાના કારણે મારા સૌંદર્યમાં જે નિખાર આવ્યો છે એની પ્રતિતિ મને ત્યારે થઈ જ્યારે મારી ઉપર સવાર થયેલો હકીકતોના દુરાગ્રહનો નશો ઉતર્યો !

ફરીથી આપણે સૌ રોજમર્રાની જિંદગીમાં જે સગી આંખે જોઈએ છીએ એનું ભયાનક ચિત્ર :

મૈને તો એક લાશ કી દી થી ખબર  ‘ ફરાઝ ‘
ઉલ્ટા મુઝી પે કત્લ કા ઈલઝામ આ ગયા

મહેફિલોમાં સારી રજુઆતના કારણે કમજોર રચનાઓ દાદ મેળવી જાય છે અને ઉત્તમ કૃતિઓ નબળી રજુઆતના કારણે ઉવેખાઈ જાય છે એ વાત તાહિર ફરાઝ આમ કહે છે :

શેર  મેરા  થા  દાદ  ઉસકો મિલી
શખ્સિયત કી કમી જો થી મુજ મેં

અને હવે મને બહુ ગમતો એમનો આ શેર :

તિરે હુસ્ન તેરે જમાલ કા મૈં દિવાના યૂં હી નહીં હુઆ
હૈ મુજે ખબર તિરે રૂપ મેં યે છુપા હુઆ કોઈ ઔર હૈ ..

સલીમ કૌસર સાહેબની વિખ્યાત ગઝલના ઢાળમાં કહેવાયેલ આ ખૂબસૂરત શેરનો પહેલો મિસરો ચીલાચાલૂ લાગે. એ જ જૂની વાત કે તારા સૌંદર્યનો દીવાનો હું અમસ્તો નથી થયો. સામાન્ય શેર હોત તો એના સાની મિસરામાં એમ કહેવાયું હોત કે ‘ તારા રૂપના તો ભલભલા દીવાના છે’ , પણ નહીં. અહીં વાતને એક ચોંકાવનારો વળાંક આપીને શાયર કહે છે હું દીવાનો એટલે છું કે હું જાણું છું, આ રૂપની પાછળ છુપાયેલું ‘ અન્ય કોઈ ‘ છે !  કહેવાની જરૂર નથી કે એ પરમ રૂપ કોનું?


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

6 thoughts on “લુત્ફ-એ-શેર: મણકો # ૯૬

Leave a Reply

Your email address will not be published.