અખિલ ભારતીય સેવા નિયમોમાં સુધારો : કેન્દ્ર-રાજ્ય ટકરામણનો નવો મોરચો

નિસબત

ચંદુ મહેરિયા

કેન્દ્ર સરકાર હસ્તકના બોર્ડર સિક્યુરિટી ફોર્સનો કાર્યવિસ્તાર વધારતાં રાજ્યો ખફા હતાં જ. પણ તેની લેશ માત્ર તમા વિના કેન્દ્રે રાજ્યો સાથે ટકરામણનો નવો મોરચો ખોલ્યો છે. ભારત સરકારે અખિલ ભારતીય સેવા નિયમો, ૧૯૫૪માં જે  સુધારા કરવાનો પ્રસ્તાવ કર્યો છે, તેનો લગભગ સઘળી વિપક્ષી રાજ્ય સરકારો વિરોધ કરે છે.એક માત્ર આંધ્રની વિપક્ષી સરકાર કેટલીક શરતો સાથે સરકારના આ પગલાંનું સમર્થન કરે છે પણ એન ડી એ.ની ગણાતી બિહાર સરકાર વિરોધમાં છે.!

બંધારણના અનુચ્છેદ ૩૧૨માં એક સમાન, એક યા અધિક અખિલ ભારતીય સેવાઓની રચનાની જોગવાઈ છે. અખિલ ભારતીય સેવા અધિનિયમ ૧૯૫૧ અને ૧૯૫૪ના નિયમોથી દેશમાં અખિલ ભારતીય સેવાઓ કાર્યરત છે. હાલમાં વહીવટી, પોલીસ, વન અને ન્યાયિક સેવાઓ અખિલ ભારતીય સ્તરે અસ્તિત્વમાં છે. આઈ એ એસ, આઈ પી એસ અને અન્ય અધિકારીઓની પસંદગી યુપીએસસી દ્વારા થાય છે. કેન્દ્ર સરકાર આ અધિકારીઓને તાલીમ પછી રાજ્યની ફાળવણી કરે છે. સંબંધિત રાજ્ય કેડરમાં ફાળવણી પછી તેમની નિમણૂક, બદલી અને બઢતી રાજ્ય સરકારના ક્ષેત્રનો વિષય છે. રાજ્યોની જેમ અધિકારીઓને કેન્દ્રશાસિત પ્રદેશોની ફાળવણી થાય છે પરંતુ કેન્દ્ર સરકારની કોઈ સ્વતંત્ર કેડર હોતી નથી. કેન્દ્રને રાજ્ય કેડરના અધિકારીઓ પ્રતિનિયુક્તિથી મોકલવામાં આવે છે અને તેઓ કેન્દ્ર સરકારનો વહીવટ અને પોલીસ તંત્ર સંભાળે છે.

વર્તમાન સેવા નિયમોમાં અધિકારીઓના ડેપ્યુટેશન માટે સંબંધિત અધિકારીની મરજી અને રાજ્ય સરકારની સંમતિ જરૂરી છે. જો તેમાં કોઈ વિવાદ ઉઠે તો કેન્દ્ર સરકાર વિવેકાધીન નિર્ણય કરી શકે છે. ભારત સરકારની દલીલ છે કે હાલના નિયમો મુજબ રાજ્યો નિશ્ચિત ક્વોટાના અધિકારીઓ કેન્દ્રને ફાળવતા નથી એટલે અધિકારીઓની ઘટ સર્જાઈ છે. તેથી તે ૧૯૫૪ના સેવા નિયમોના નિયમ-૬માં સુધારો કરવા માંગે છે.. કેન્દ્રના પ્રસ્તાવિત સુધારામાં – રાજ્ય સરકારોએ દર વરસે નિશ્ચિત સંખ્યામાં અધિકારીઓ પ્રતિનિયુક્તિ માટે ફાળવવા, વિશિષ્ટ પરિસ્થિતિમાં કેન્દ્રે માંગેલ અધિકારીઓ ફાળવવા રાજ્ય ઈન્કાર કરી શકે નહીં, ચોક્કસ સમયમર્યાદામાં ડેપ્યુટેશન માટે પસંદ થયેલા અધિકારીઓને જો રાજ્ય ફરજમુક્ત ન કરે તે તેમને એકતરફી છૂટા ગણી લેવાશે- જેવી જોગવાઈઓ છે.

સુધારાના પક્ષમાં કેન્દ્રની અધિકારીઓની ઘટની દલીલમાં પહેલી નજરે વજૂદ જણાય છે. ૨૦૧૧માં વિવિધ રાજ્યોના ૩૦૯  આઈ એ એસ અધિકારીઓ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ફરજ બજાવતા હતા. ૨૦૨૧માં તે ઘટીને ૨૨૩ થયા છે. રાજ્યોએ અખિલ ભારતીય સેવાઓના વિવિધ સંવર્ગમાં ૪૦ ટકા જગ્યાઓ ડેપ્યુટેશન માટે અનામત રાખવાનો નિયમ છે. ૨૦૧૧માં ૩૦૯(૨૫ ટકા) અને ૨૦૨૧માં ૨૨૩ (૧૮ ટકા) જ સનદી અધિકારીઓ પ્રતિનિયુક્તિ પર છે. એટલે અધિકારીઓની કમીની કેન્દ્રની દલીલ સાચી છે. જો કે અધિકારીઓની ઘટની ફરિયાદ રાજ્યોની પણ છે. ઝારખંડ જેવા નાના રાજ્યમાં આઈ એ એસની મંજૂર જગ્યાઓ ૨૧૫ છે પરંતુ માત્ર ૭૬ ટકા એટલે કે ૧૬૫ અને આઈપીએસની ૧૪૯ મંજૂરમાંથી ૯૫ એટલે કે  ૬૩ ટકા જ ભરાયેલી છે. આ સ્થિતિ લગભગ સઘળા રાજ્યોમાં છે.એટલે અધિકારીઓની ઘટથી પીડિત રાજ્યોને પ્રતિનિયુક્તિની ફરજ પાડવી યોગ્ય નથી.

વિપક્ષી રાજ્ય સરકારોને ડર છે કે જેમ કેન્દ્ર સીબીઆઈ અને બીજી કેન્દ્રીય એજન્સીઓનો વિપક્ષશાસિત રાજ્યોમાં દુરપયોગ કરે છે, બીએસએફનો દાયરો વધારીને કાયદો અને વ્યવસ્થાના રાજ્ય હસ્તકના વિષયમાં દખલ કરે છે, તેમ અખિલ ભારતીય સેવા નિયમોમાં સુધારા કરીને તે અધિકારીઓની બદલીની સત્તા પોતાના હસ્તક લઈને એકાધિકાર સ્થાપવા, અણગમતા અધિકારીઓને ટાર્ગેટ કરવા માંગે છે.અને સરવાળે વિપક્ષી રાજ્ય સરકારોને અસ્થિર કરવા માંગે છે. એટલે એકી અવાજે વિપક્ષી રાજ્ય સરકારો, વિપક્ષી સાંસદો અને પૂર્વ સનદી અધિકારીઓએ આ સુધારાનો વિરોધ કર્યો છે.

વિપક્ષી રાજ્ય સરકારોની દહેશત ભૂતકાળના કેન્દ્ર સરકારોના અનુભવોને સાચી ઠેરવે તેવી છે. હજુ ગયા જ વરસે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અલેપન બંદોપાધ્યાય વડાપ્રધાનની વાવાઝોડાની સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી સાથે મોડા પહોંચ્યા તો તેમની આ ગુસ્તાખી બદલ નિવૃતિના આગલા દિવસે તેમનો કેન્દ્રમાં ડેપ્યુટેશનનો ઓર્ડર કરી દેવામાં આવ્યો હતો. પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન ભાજપા અધ્યક્ષ જે.પી.નડ્ડાના કાફલા પર હુમલો થયો ત્યારે પોતાની સત્તાની ઉપરવટ જઈને કેન્દ્રના ગ્રુહ મંત્રાલયે રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ વડાને દિલ્હી બોલાવ્યા હતા અને નડ્ડાની સુરક્ષા સંભાળતા ત્રણ આઈ પી એસ અધિકારીઓની પ્રતિનિયુક્તિના હુકમો કર્યા હતા. ૨૦૦૧માં દ્રમુક પ્રમુખ એમ કરુણાનિધિ અને બે કેન્દ્રીય મંત્રીઓની ધરપકડ કરનાર આઈ પી એસ અધિકારીઓની તત્કાલીન વાજપાઈ સરકારે પણ પ્રતિનિયુક્તિ પર બદલી કરી હતી. એટલે કેન્દ્ર, રાજ્યના માનીતા અધિકારીઓને પાઠ ભણાવવા પ્રતિનિયુક્તિનું જે શસ્ત્ર વાપરે છે. તેને આ સુધારા દ્વારા કાયદેસરતા મળી શકે છે.

હાલના અખિલ ભારતીય સેવા નિયમો કેન્દ્રની તરફેણના જ છે. તેમાં પ્રસ્તાવિત સુધારાથી રાજ્ય સરકારો વધુ નબળી બનશે અને તેનો વહીવટ કથળશે. ભારતીય ગણતંત્ર રાજ્યોનો સંઘ છે. એટલે કેન્દ્ર રાજ્યો વચ્ચે સોહાર્દપૂર્ણ સંબંધો હોવા જોઈએ. બીજેપી અને ખાસ તો વડાપ્રધાન રાજ્યોના ચૂંટણી પ્રચારમાં ડબલ એન્જિનની અર્થાત કેન્દ્ર અને રાજ્યમાં એક જ પક્ષની સરકાર ચૂંટી લાવવા મતદારોને અપીલ કરે છે. જો તે શક્ય ન બને તો આવા સુધારા મારફતે તે રાજ્યો પર એકહથ્થુ સત્તા જમાવવા માંગે છે.

કેન્દ્રે રાજ્યોના વિરોધને અવગણીને સુધારાનો માર્ગ લેવાને બદલે આ પ્રશ્નનો કાયમી હલ કરવો જોઈએ. અખિલ ભારતીય સેવાના અધિકારીઓને નિયુક્તિ વખતે જેમ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કેડર ફાળવવામાં આવે છે તેમ કેન્દ્ર સરકારની નવી કેડર ઉભી કરી તેની ફાળવણી કરવાનો સુધારો કરવો જોઈએ. અખિલ ભારતીય ગણાતી હાલની સેવાઓ રાજ્યની ફાળવણી પછી અખિલ ભારતીય રહેતી નથી અને રાજ્ય સેવા જ બની જાય છે. તેથી તેના અખિલ ભારતીય સ્વરૂપ તેમજ કેન્દ્ર અને રાજ્ય બંનેમાં સેવાનું દાયિત્વ ઉભું થાય તે માટે રાજ્ય અને કેન્દ્રમાં નિશ્ચિત સમયનો સેવાકાળ નક્કી કરવો જોઈએ. નિયુક્તિ પછીના પ્રથમ દસ વરસ રાજ્યમાં, તે પછીના પાંચ વરસ કેન્દ્રમાં અને તે પછીના વરસો સરખા ભાગે કેન્દ્ર અને રાજ્યમાં ફાળવવાથી અધિકારીઓને બંને સરકારોના કામનો અનુભવ થશે, ઈજારાશાહી તૂટશે  તથા અધિકારીઓ પણ  રાજકીય હિતોથી દોરવાવાને બદલે તટસ્થતાથી કામ કરી શકશે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.