નંદિગ્રામની કલ્પના કોના મનમાં પહેલાં આવી? (ભાગ-૩)

લ્યો, આ ચીંધી આંગળી

રજનીકુમાર પંડ્યા

(ગયા સપ્તાહના હપ્તાથી આગળ )

ઉત્તમ ચિંતક, સાહિત્યકાર અને સંપાદિકા કુન્દનિકાબહેનનો જન્મ લિંબડીમાં થયો હતો. પિતાજી નરોત્તમદાસ ડોક્ટર હતા. ગોધરા ઉપરાંત વડોદરામાં એમણે થોડો સમય પ્રેક્ટિસ કરેલી. છ બહેનો અને બે ભાઈ અને એમાં વચ્ચે કુન્દનિકા. જન્મ સમયે ભલે લિંબડીમાં પણ રહેવાનું બન્યું, વિવિધ સ્થ્ળોએ- ગોધરામાં, વડોદરામાં, છેલ્લે જ્યાં ભણ્યાં તે ભાવનગરમાં અને ભાઈ રાણપુર હતા એટલે થોડો સમય રાણપુરમાં પણ રહેવાનું થયું.

એ પહેલેથી પ્રકૃતિના અને સંગીતના પ્રેમમાં હતાં અને સંગીત એટલે એ અક્ષુણ્ણ માધુર્ય એવું એમણે સતત અનુભવ્યું. ફૂલો કરતાં પણ સંગીત એમનાં હૃદયને ઉંચાઈઓ પર લઈ જતું. પહેલાં કુન્દનિકાબહેન ઘાટકોપર રહેતાં, મુંબઇ-જુહુમાં પણ રહેતાં હતાં (ત્યારે મકરંદભાઇને હાર્ટની કોઇ સમસ્યા થઇ ત્યારે હું તેમની તબિયત જોવા પણ ગયો હતો.) એ પછી નંદિગ્રામ ગયાં. વચ્ચે બીજે ક્યાંય રહેવા ગયા હોય તો મને જાણ નથી, પણ એ લોકો નંદિગ્રામ રહેવા ગયા પછી હું ગફૂરભાઇ બિલખિયા સાથે અને એક વાર મારા પરિવાર સાથે ત્યાં ગયો હતો. બીજી વાર એમનો બન્નેનો ઇન્‍ટરવ્યુ પણ રેકોર્ડ કર્યો હતો અને અમુક અંગત, કોઇ ના પૂછે તેવા, સવાલો પણ પૂછ્યા હતા. એના જવાબ કુન્દનિકાબહેને બહુ સ્વસ્થતા અને સમતુલા સાથે એક્દમ નિખાલસતાથી આપ્યા હતા. એમાંથી લખવું અનિવાર્ય ન હોય તેવું મેં અહીં લખ્યું નથી. વાતચિત દરમિયાન મેં જોયું કે એમને હસબન્ડ-વાઈફ જેવા ચપટા શબ્દો વાપરવાનું પસંદ જ નહોતું. એમને આવા શબ્દો અપરિચીત જ લાગતા. છતાં રહેતાં ગમે ત્યાં હોય, પણ હળવાશથી એ પોતાના બન્નેના સાન્નિધ્ય માટે ‘વિઝીટીંગ હસબન્ડ-વાઈફ’ જેવાં શબ્દો વાપરતાં.

ચાલીસેક વર્ષેની વય સુધી લગ્ન ન કર્યા. પણ પછી એવું કંઇક બન્યું કે એમણે જીવનની એક સહજ ઘટના લેખે કવિ અને અધ્યાત્મપુરુષ મકરંદ દવે સાથે લગ્ન કર્યું. મકરંદ દવે માટે સ્વામી આનંદે એક પત્રમાં ‘સાંઇ મકરંદ’ સંબોધન વાપર્યું હતું, જે હવે એમના મૂળ નામનો એક અવિભાજ્ય હિસ્સો બની ગયું છે. અને કુન્દનિકાબહેન પણ ‘મા ઇશા’ તરીકે ઓળખાય છે.

લગ્ન કરવા વિષે એમણે કોઇ ચોક્કસ વિચાર નહોતો સેવ્યો ત્યારે સાલ ૧૯૬૫ના એક દિવસે એકવાર કંઇક જાણીતા- કંઇક અજાણ્યા એવા અક્ષરોમાં કુન્દનિકાબહેન ઉપર એક પત્ર આવ્યો. પત્ર હતો તો વિનયવિવેક ભર્યો પણ એ ડેસ્ટિનીનો કોલ લેટર થઇ જશે એવી એમને ખબર નહોતી. પત્ર કવિ મકરંદ દવેનો હતો ! નવાઇ તો લાગી, પણ નકારાત્મક ભાવ પેદા થાય તેવી કોઇ વાત એમાં નહોતી. એમનું નામ ખાસ્સું સાંભળેલું પણ હતું. વખાણ પણ સાંભળેલાં. ખાસ તો એમના ભાઇ સુરેન્દ્ર કાપડિયા અમદાવાદની એચ.કે. કૉલેજમાં લેક્ચરર હતા. એ વર્ષો સુધી અને વારંવાર મકરંદના કોઇ ને કોઇ નિમિત્તે વખાણ કર્યાં કરતા. ‘નવનીત’નાં તો કુન્દનિકા બહેન સંપાદિકા હતાં અને એમાં મકરંદભાઇનાં કાવ્યો પણ છપાતાં એટલે નામ પણ પરિચિત. અક્ષરો પણ જરા યાદ કરે તો લખનારની ઓળખ પડી જાય એવા.

(ડાબેથી) રજનીકુમાર પંડ્યા, (હાથમાં તેડેલી) તર્જની, મકરંદ દવે, કુંદનિકા કાપડીયા અને તરુલતા દવે

પણ આમ એમનો પત્ર આવશે અને એમાં જોડાવા વિષે બહુ ધીમો સંકેત હશે એવી કલ્પના તો ક્યાંથી હોય?  એટલે પહેલાં તો એમને થયું કે એમણે કોઈ બીજાને મોકલવાને બદલે ભૂલથી મને આ પત્ર મોકલી દીધો છે. પણ કોઇના પત્રનો જવાબ તો દેવો જ પડે. એટલે એ કાગળ જેમનો તેમ પાછો મોકલવાને બદલે માત્ર પોસ્ટકાર્ડથી જવાબ એ રીતે લખ્યો કે ‘ભાઈશ્રી મકરંદભાઇ, તમારા કોઈ કાગળિયાં ભૂલથી અહીં આવી ગયાં લાગે છે. જો આપ જણાવો તો આપને પાછાં મોકલી આપું.’

તરત એનો જવાબ તો ‘એવી જરૂર નથી, એ પત્ર તમારા માટે જ છે’ એવો આવી ગયો. અને પછી થોડો પત્રવ્યવહાર વધુ થયો. એમાં કુન્દનિકાબહેન પામી ગયાં  કે મકરંદભાઇને પક્ષે કંઇક એવી ગડભાંજ ચાલતી હતી. બિમાર બા હવે ‘તું લગ્ન કર’ એમ સીધું નહોતાં કહી શકતાં પણ ‘મારી આશા અધુરી રહી જશે’ એમ તો રટ્યાં જ કરતાં હતાં. મકરંદભાઇ કાયમ જવાબ આપતા કે, ‘ચિંતા ન કર, બા, મને યોગ્ય લાગશે ત્યારે લગ્ન કરીશ. કોઇ પાત્રને અને મને અમે એકબીજાને યોગ્ય છીએ એવું લાગશે ત્યારે હું એક દિવસ પણ મોડું નહિં કરું.’

કદાચ બાને સંતોષવાની એ માનસિકતાને કારણે જ આ પત્ર લખાયો હતો. પણ ત્રણ વર્ષ ચાલેલા એ પત્રવ્યવહારનો અંજામ છેલ્લે લગ્નમાં પરિણમ્યો અને સાલ ૧૯૬૮માં ૩૦ મી એપ્રીલે પોતાનાથી પાંચ વર્ષ મોટા મકરંદભાઇ સાથે એ લગ્નથી જોડાયાં. એ દિવસ તે અખાત્રીજનો. મકરંદ રીતસરની જાન લઈને આવેલા હતા. પણ જાનમાં જાનૈયા બહુ ઓછાં હતાં. દિપકભાઈ વસાવા, બનેવી બાબુભાઈ વૈદ્ય, તેમનાં પત્નિ દયાબહેન એટલે કે મકરંદભાઇના મોટાં બહેન. કુન્દનિકાબહેને પક્ષે હતાં કાંતાબહેન, રતિભાઈ, નાનાભાઈ. મુંબઈમાં વિહાર તળાવને કિનારે માંડવો બાંધ્યા વગર જ સૂર્ય- ચંદ્રની સાક્ષીએ સાદો વિધી થયો. (બા એ જોઇને પછી સંતોષ પામીને ૧૯૭૫માં અવસાન પામ્યાં)

મેં પૂછ્યું : ‘પણ આટલા વર્ષ સુધી કેમ નહોતાં પરણ્યાં ?’

‘બસ!’ એ મરકીને બોલ્યાં: ‘મારે ન’તું પરણવું એટલે ન’તી પરણી.’

થોડી વાર અબોલ રહીને એ બોલ્યાં : ‘હું એક જ વાત કહીશ કે એ સાયુજ્ય પહેલાં મને ભગવાનની ઓળખ ન હતી.’

વાક્ય અધુરું લાગે પણ એને પૂરું કરી આપનારા શબ્દો મારા મનમાં ઉગી ગયા.

‘તો એમણે તમને બદલી નાખ્યાં’ એવો જ અર્થ થયો પણ એ કહો કે એવો તે કયો ધક્કો લાગ્યો? શું લાગ્યું એમને જોઈને? કયા કારણો મળ્યાં? વૈચારિક કે એથી વધુ ઊંચુ કે માત્ર બૌદ્ધિક? સાહિત્યિક ?

એમનો જવાબ : ‘સાહિત્ય શબ્દ એના માટે બહુ નાનો પડે. અવ્યક્તમાંથી આવતું કંઈક. આ અંતર શબ્દ અંતર જ પકડે છે. નકરાં બાહ્ય ઉપકરણોથી કાંઈ પ્રિતી ઉત્પન્ન થતી નથી. મા ભગવતીનું એક પ્રખ્યાત વાક્ય છે. ‘દિલ કો ભા જાયે.’ જેની વ્યાખ્યા થતી નથી. પ્રેમને કારણો સાથે સંબંધ કાંઈયે નથી. કારણ છે કેવળ પ્રિતીનું !

પછી કહે : ‘પણ એ આપણને જાણતા નથી કે આપણને આટલા બધા માણસોમાંથી કેમ આ એક જ માણસ ગમ્યો અથવા કેમ આની તરફ જ ખેંચાયા? બીજા બધાં ઉપરના કારણો પણ છે પણ એ કંઈ એટલાં બધાં નક્કર નથી.’

**** **** ****

હવે સ્વાભાવિક જ સવાલ જાગે કે નંદિગ્રામની કલ્પના કોના મનમાં પહેલાં આવી? કુન્દનિકાબહેનના મનમાં કે મકરંદભાઇના મનમાં ?

તેમનો જવાબ :‘એમને જુદી રીતે કલ્પના આવી અને મને પણ જુદી રીતે આવી. એમના મનમાં કામ કરવાની બ્લુપ્રિન્ટ પડી હશે તે એવું બધું એમણે પોતાના મિત્રો સાથે ઘડી રાખેલું અને મેં પણ એમને મળી તે પહેલાં કંઇક એવું વિચારેલું. એમ તો  છેક ૧૯૬૦થી મારા મનમાં આ વિચાર રમતો હતો કે આવું કશુંક હોવું જોઈએ. એ પછી જેમ જેમ દિવસો વિતતા ગયા તેમ તેમ એ ‘કશુંક’ પણ બદલાતું રહ્યું. પણ એના મૂળમાં હતું બહુ નાનપણમાં કર્યું હોય તે વાચન. પણ જેનાથી આવા વિચારો આવ્યા હોય. એવું વાચન શું હતું તે અત્યારે તો મને યાદ આવતું નથી પણ આવું કંઈ અનોખું કરવું જ છે એવો વિચાર સૌ પ્રથમ આવ્યો સાલ 1980માં.’

એટલે કુન્દનિકાબહેને એ વિચારને વ્યક્ત કરતો સૌ પહેલાં એક લેખ લખ્યો ‘જન્મભૂમિ-પ્રવાસીની ‘પ્રવાસી’ પૂર્તિમાં. એ લખવાની પ્રેરણા મળી તેમને ‘અમેરિકન રિવ્યુ’માં આવેલા ઈરવિન વિલિયમ થોમસન નામના એક અમેરિકન સાહિત્યકાર, ના, માત્ર સાહિત્યકાર નહીં પણ ઈતિહાસકારનો, એક લેખ વાંચીને. તેમાં એ લેખકે ગ્લોબલ કલ્ચરની વાત કરેલી. ગ્લોબલ કલ્ચર એટલે વૈશ્વિક સંસ્કૃતિ, વૈશ્વિક ફિલીંગ ! મતલબ કે, આ મારું સૌરાષ્ટ્ર કે આ મારો દેશ જેવો વિચાર જ ન રહે મનમાં. પણ ‘આ મારો ગ્રહ એટલે કે પ્લેનેટ !’ એવી કલ્ચરનો વિકાસ થવો જોઈએ એવી એ લેખકે લેખમાં આવી વાત મુકેલી. કુન્દનિકાબહેનને એ પરિકલ્પના બહુ જ જચી ગઈ હતી. અને તેમના મનમાં ઘણા વખતથી જે ધુંધળા વિચારો કે ખયાલો રમતા હતા તેને આ વાંચીને નક્કર આકાર મળ્યો. એ લેખકે એક કોમ્યુન એટલે કે સરખી માન્યતાઓના એક દોરે બંધાયેલી સમૂહ જીવન જીવતી એક વસાહતની કલ્પના કરેલી અને વાસ્તવમાં એવું કરેલું પણ ખરું અને બહુ સારા સારા લોકો એ કોમ્યુનના મેમ્બર્સ હતા. લિન્ડિશ ફાર્મ એટલે લોંગ આઈલેન્ડ, ન્યુયોર્ક પાસે એ લોકોનું કોમ્યુન હતું. એમાં એ લોકો આ વિચારોને અમલમાં મુકવાનું કામ કરે છે. એણે તો પછી બીજા એક કોમ્યુનની વાત પણ  કરેલી. ફિન્ડફાર્મ જે સ્કોટલેન્ડમાં છે ત્યાં પણ આવા લોકો વસીને વનસ્પતિજગતમાં કાર્ય કરે છે. આવી બધી વસ્તુ કુન્દનિકાબહેન  અને મકરંદભાઇના વિચારો સાથે એટલી મળતી આવતી હતી કે એમાંથી એમને એક નક્કર આકાર મળી ગયો અને એ તે નંદિગ્રામ.

પણ એના સ્વરૂપ (કન્સેપ્ટ) કેવું હોવું જોઇએ ? એના વિષે બે સમાંતર વિચાર મનમાં સમાંતરે જ ચાલી રહ્યા હતા: એક તો સાધના અને બીજી સેવા. એ બે એની પાંખો હોવી જોઇએ. એને પરંપરાગત ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. સાધના એટલે કે મન જે આધ્યાત્મક સ્થિતીમાં હોય તેનાથી આગળની દિશામાં વધવું તે અને સેવા એટલે આપણે એટલે આપણે એકલાં નહીં, પણ આપણું અમર્યાદ કુટુંબ છે તેવી સમજણ કેળવવી. હું મારું જ કરી લઉં એવું નહીં, પણ આપણી આસપાસ રહેતા લોકો પણ આપણો જ પરિવાર છે એમ માની તે લોકોને પણ આપણાપણામાં આવરી લેવા. જેમ આપણે આપણા ભાઈબહેનો માટે શક્ય હોય તેટલું કરી છુટીએ છીએ એમ બીજા લોકોને પણ આપણામાંના જ ગણીને એમને માટે શક્ય હોય તેટલું કરી છૂટવું. આમાં સાધના અને સેવા બંનેનો ત્યાં સમન્વય થવો જોઈએ. એટલે સાદી ભાષામાં કહીએ તો પોતાનું કલ્યાણ અને બીજાનું પણ કલ્યાણ. ખરા કલ્યાણનો એ જ સાચો માર્ગ હોવો જોઈએ એવી એક કલ્પના અને તેને મૂર્તિમંત કરવાનું સ્વરૂપ એમને આમાં દેખાયું, જે વિચાર એમણે પોતાના લેખમાં વ્યક્ત કર્યો હતો.

કુન્દનિકાબહેનના લેખનો બહુ બધા લોકોએ પડઘો પાડ્યો. અનેક કાગળો આવ્યા. તેમના લેખનો કન્સેપ્ટ જ એવો હતો કે આવું કોઈ કોમ્યુન હોવું જોઈએ કે જ્યાં આવા મિત્રો હળીમળીને રહે અને આવા વિચારોને મૂર્તિમંત કરવાનું કામ સાથે મળીને કરે. જેમાં સર્વ જીવ પ્રત્યે આદર હોય, પ્રકૃતિને ખોળે જીવન હોય અને એક સમગ્ર જીવનશૈલી જેમાં વિકસીત થતી હોય.એ જીવનશૈલી પ્રદૂષણમુક્ત હોય, એમાં શોષણને સ્થાન ન હોય. વ્યવસાય પણ પોતે જે કરતાં હોય એ કરે, પણ તેમાં લોભ ન હોય એટલે કે બીજાના ભોગે પોતે વધારે મેળવી લેવું અથવા તો વધારે મેળવી લેવું એવી જીવનની દિશા ન હોય. નિર્વાહ માટે જેટલું જરૂરી હોય તેટલું કમાવું, પણ એ કમાવા માટેના વ્યવસાયો એવા નિર્દોષ હોય કે જે સમાજને પોષક હોય. એટલે આખી એક અલગ જ જીવનશૈલી હોય કે જેમાં સાદગી હોય. આવાં ઊંચાં મૂલ્યો અને વિજ્ઞાનનો જ્યાં સમન્વય થયો હોય તેવી રીતે જીવન જીવવાની કોશીશ કરવી અથવા તો એ રીતે વિકસાવવાની કોશીશ કરવી. જો એમ થાય તો એમાં આ બધી વસ્તુઓ આપોઆપ આવી જાય એટલે કે સેવા અને સાધના આવી જાય.

કુન્દનિકાબહેનનો આ લેખ ‘ગાંધી કમિશન’માં હિન્દીમાં પણ પ્રકાશિત થયો. એના પ્રતિભાવમાં ભવાનીપ્રસાદ મિશ્રજી કે જે હિન્દીના બહુ મોટા કવિ હતા એમનો પ્રતિભાવ સૌથી પહેલા આવ્યો. હા, એમના પુત્રે એમને વાંચી સંભળાવ્યો હતો, જે વાંચીને એમનો સુંદર પત્ર આવ્યો હતો. જો કે, પછી તો એ મધ્ય પ્રદેશ જતા રહ્યા અને ત્યાં તેમનું અવસાન થયું.

ગુજરાતમાંથી પણ ઘણા સાહિત્યકારો અને લેખકોના પ્રતિભાવોના પત્રો આવ્યા હતા.

આવા સરસ પ્રતિભાવો આવ્યા એટલે પછી એમણે જમીનની શોધ આદરી.

રૂપિયા-પૈસા માટે તો જે સાવ નજીકના મિત્રો હતા તેમની મદદ લીધી. એમાંથી દસ પંદર જણે પાંચસો પાંચસો રૂપિયા પ્રાથમિક તબક્કે આપી દીધાં એટલે જમીનની શોધે ગતિ પકડી. કાંતિભાઈ કાલાણી, પદ્માબહેન વિઠલાણી, કવિ અનિલ જોશી, પછી કાંતાબહેન, મધુસુદનભાઈ ઠક્કર, ભક્તજ્યોતિ કોઠારી, જગદીશભાઇ મહેતા અને મીનળબહેન મહેતા, બાબુભાઇ રાઠોડ, (કદાચ કોઇ નામ બોલતાં એ ચુકી ગયાં હોય એમ પણ બને) એ બધાએ પાંચસોથી પંદરસો રૂપિયા પ્રાથમિક તબક્કે આપ્યા.

પછી જમીનની વધારે સઘન શોધ, પત્રવ્યવહાર, ટ્રસ્ટડીડનું રજીસ્ટ્રેશન અને એ બધું ચાલ્યું. જમીન માટે તો એ લોકો છેક પાલીતાણાના શેત્રુંજય સુધી પણ જઈ આવ્યાં. પહેલા તો એમના મનમાં એમ હતું કે આમ ગુજરાતમાં રહેવું પણ મુંબઈની નજીક રહેવું. અને અને મુંબઈમાં વધુ મિત્રવર્તુળ, સંપર્કો હતા. એ રીતે નજીકની જમીન શોધવાનું સહેલું પડ્યું. એટલે ઉંમરગામથી શરૂઆત કરી હતી જમીનની. એ માટે બધા મિત્રોથી માંડીને દલાલોને પૂછતાં પણ હતાં. જાહેરખબરો પણ આપી હતી. એ વખતે તો એમને છથી આઠ દસ એકર જમીનની જ જરૂર હતી. એમાં આ વર્તમાન નંદિગ્રામ જ્યાં ઉભું છે તે ખાલી જમીનની ખબર પડી. દમણગંગાની આ જમીન આમ તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે  સ્થળાંતરીત થયેલા લોકોને વસાવવા માટે ફાળવી હતી. પણ કંઇ ઉપયોગ થયો નહોતો અને ફાજલ જ પડી રહેલી. આમ તો એમાં થોડા સ્થળાંતરિત લોકોને વસાવ્યા હતા, પણ સંજોગો એવા થયા કે પછી વસાવવાના રહ્યા નહીં. મકાન પણ પડી રહ્યું હતું. જમીન પહેલાં 33 એકર હતી, પણ ગામ લોકોને જવા-આવવાનો રસ્તો કરવાનો હતો એટલે પછી એમાંથી 4 એકર પાછી આપી દેવાની થઇ. ત્રણ વર્ષના પત્રવ્યવહાર પછી એમને આ જમીન સડસઠ હજારના ભાવે મળી. એ વખતે જમીન ખૂબ જ ખરાબ હતી અને આટલા વર્ષોની મહેનત પછી હજી પણ ઉગતું નહોતું . સૌથી પહેલો કબજો એમને ૧૯૮૪માં મળ્યો. ત્યાર પછી ચોમાસું બેઠું એટલે એમાં વાવેતર પણ શરૂ કર્યું. પણ તે પહેલાં કૂવાનાં પાણીની પણ વ્યવસ્થા કરી. શરૂઆતમાં વાંસના ૨૦૦૦ વૃક્ષો વાવ્યાં. ત્યાં તો આજુબાજુના ગામડાંઓવાળાનો વિરોધ ઉભો થયો અને ચણભણ પણ શરુ કરી કે આ લોકો મુંબઈથી અહીં શું કરવા આવ્યા છે? શો છૂપો સ્વાર્થ છે એમનો ? એ વિષે અનેક અનુમાનો લોકોમાં ચાલ્યાં. એટલે કશા દેખીતા કારણ વગર જ એક જાતના બેઝિક વિરોધના પ્રદર્શનરૂપે એ લોકોએ એવાં વાવેલાં ઝાડવાં ઉખાડી નાંખ્યા, થોરની વાડ કરી હતી એ તોડી નાંખી, રોપા લઈ ગયા, કુન્દનિકાબહેનની એક છાપરી હતી એ પણ તોડી નખાઇ. લાકડાં એકઠાં કર્યા હતા તે પણ ઉપાડી ગયા. આ બધા અનુભવે બધાંને એવો વિચાર આવ્યો કે ફેન્સિંગ કરાવી લેવી જોઈએ. પણ આટલી મોટી વિશાળ જગ્યા ફરતી ફેન્સિંગ કરવા માટે લગભગ પચાસ હજાર જેવી રકમ જોઈએ. એટલા બધા રૂપિયાની તાત્કાલિક વ્યવસ્થા તો થાય તેમ ન હતી અને અહીંયા તો ઊભું રહેવાય એમ પણ ન હતું. આ લોકો ઝાડ નીચે ઊભા રહેતાં હતાં. કંઈક ખાવું-પીવું હોય તો ઝાડ નીચે લઈ આવતાં અને ઝાડ નીચે બેસીને ખાતાં. અહીં તો કઈં જ ન હતું. મકાનમાં મોટાં મોટાં બાકોરાં અને મોટી મોટી તિરાડો હતી. બાવળનાં ઝુંડ હતા.

કુન્‍દનિકાબહેનના હસ્તાક્ષર: લેખક પર આવેલો એક પત્ર

પણ પછી થોડી વધુ રકમ એકઠી થઇ. પછી ૧૯૮૪ના ઑક્ટોબરમાં કુન્દનિકાબહેન અને બીજા સહવાસીઓએ મકાન બાંધવાની શરૂઆત કરી. પણ કામ કરનારા માણસો એટલા બધા આળસુ અને કામચોર કે માત્ર એક રૂમ અને એક ઓસરી બાંધવામાં એ લોકોએ એક આખું વર્ષ કાઢી નાખ્યું. ને એમ છેવટ ઑક્ટોબર, ૧૯૮૫માં આ મકાન તૈયાર કરાયું. એ દરમિયાન જુનું મકાન તોડી પડાયું. એ પછી ૧૯૮૬-૮૭માં બીજાં મકાનો તૈયાર થયાં. જરા પગ મુકી શકીએ તો સારું લાગે એવી વ્યવસ્થા છેક ૧૯૮૬માં થઈ. એ પહેલાં અહીયાં માત્ર પગારદાર માણસો જ કામ કરતાં હતાં એ વર્ષની ઑક્ટોબરની છઠ્ઠી તારીખે થોડા મિત્રો સાથે અહીંયા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો. એ પછી ૧૯૮૭માં તો કુન્દનિકાબહેન અને સહવાસીઓ જેવાં કે બાબુભાઇ રાઠોડ, જગદિશભાઇ અને મિનાક્ષીબહેન મહેતા, કાંતાબહેન મહેતા અને બીજાં બે-ત્રણ મિત્ર્રો કાયમી ધોરણે અહીં રહેવા આવી ગયાં અથવા પ્રસંગોપાત રહેતાં થયાં. પણ ખરી મુશ્કેલી એમને વીજળીની પડી,  જે એમને અહીં રહેવા આવ્યા પછી છેક છ-આઠ મહિને મળી. પાણી માટે પહેલાં બોરિંગમાં તો પાણી આવ્યું જ નહીં, બીજું બોરિંગ કર્યું ત્યારે પાણી આવ્યું. પણ ત્યાં તો એ ગામવાળાઓએ ફરી વંટોળની જેમ સુસવાટાભેર ધસી આવીને સંસ્થાનાં તમામ વૃક્ષો ઉખેડી નાખ્યાં અને બીજી અનેક તોડફોડ પણ કરી. પણ કુન્દનિકાબહેન, મકરંદભાઇ અને સાથીઓએ હાર ન માની. ફરી મકાનો બાંધવાનું શરુ કર્યું, પણ એમાં એમને બહુ જ આપદા પડી. કોન્ટ્રાક્ટર કોઈ દિવસ પૂરું કામ કરે નહીં. ગમે તેવો હલકો સામાન અને સામગ્રી બાંધકામમાં વાપરે. મજૂરો પણ આવે જ નહીં. અહીંના કામ કરનારા લોકોની એક ખાસ ખાસિયત જોવામાં આવી કે વાયદા આપીને પાળે નહીં. દિવસો સુધી એમની રાહ જોવી પડે. કુન્દનિકાબહેન અને ક્યારેક તો મકરંદભાઇ તો થોડો સમય વલસાડમાં રહ્યા. મિત્રો મુંબઈથી ક્યારેક ટ્રેનમાં આવતાં, ક્યારેક બસમાં પણ આવતાં. સ્થાનિક અવરજવર રીક્ષામાં કરતાં. રહેવામાં પણ બહુ અગવડ ભોગવવી પડતી, ક્યારેક એ બધા પાંચ-છ જણ અહીં એક જ ઓરડામાં રહેતા અને એક ગોડાઉન જેવું હતું એમાં જમવાનું બનાવતાં. એક છાપરી હતી એમાં બધાં સાથે બેસીને જમતાં. ક્યારેક ઊપર ખપેડામાંથી વિંછી નીચે પડે. સાપ તો પહેલાં ઓસરીમાં ખુરશી પડી હોય તો આવીને બેઠા જ હોય. ઘણીવાર પગથિયાં પર બેઠા હોય. જીવડાંનો પાર નહીં, મચ્છરનો પાર નહીં. ૧૯૮૭થી અહીં વસવાટ શરૂ કર્યો હતો. એ પહેલાં મુંબઇથી આવ-જા કરતાં હતાં. ૧૯૮૭માં એકધારું લગભગ છ સાત મહિના રહ્યાં હતાં. જો કે, મકરંદભાઈ તો કાયમી નિવાસ કરવાને બદલે મુંબઇથી અથવા વલસાડથી આવ-જા કરતા રહેતા હતા.

રજનીકુમાર પંડ્યા અને મકરંદ દવે

નંદિગ્રામ નામ કેમ રાખ્યું ? જવાબ બહુ રસપ્રદ છે.  કુન્દનિકાબહેન, મકરંદભાઇ અને કવિ અનિલ જોશી અમદાવાદના ઘરના કમ્પાઉન્ડમાં એકવાર બેઠાં હતાં અને વિચારતાં હતાં કે શું નામ પાડીશું આ સંસ્થાનું ? એકાએક ત્રણમાંથી કોઇ એકના મનમાં ‘નંદિગ્રામ ’ નામ ઝબક્યું. પછી એના ઉપર સાગમટે વિચારવિમર્શ કરતાં ગયાં તેમ એ નામના ઘણા બધાં સૂચિતાર્થો મળતા ગયા. એક તો એ કે નંદિગ્રામ એ જગ્યા છે કે જ્યાં રહીને ભરતે રામના વનવાસ દરમિયાન રાજ કર્યું હતું. એટલે એવો અર્થ મનમાં ઉગ્યો કે જેમ ભરતે રામ વતી રાજ કર્યું. તો આ કામ આપણે આપણાં સ્વાર્થ માટે નહિં પણ બીજાં માટે આદર્યું છે. ભરતે રામની પાદુકા ગાદી પર મુકીને રાજ-કાજ અને પ્રજાહિતનાં કામ કર્યાં. જેથી એને સતત એવો અહેસાસ દૃઢ થાય કે એ કોઈના વતી રાજ કરે છે. બાકી તેણે નથી ગામડાંમાં રાજ કર્યું, નથી કર્યું  શહેરમાં . એણે તો રાજકાજ ચલાવતા રહીને પણ નંદિગ્રામમાં સતત રામની જ રાહ જોઈ. એ રીતે આપણે પણ અહીં કામ કરતાં કરતાં ‘રામ’ની જ રાહ જોવાની છે. બીજું એક સબળ કારણ એ વિચારણા હતી કે રાજ્યશક્તિ કે સંઘશક્તિ એ ગામડામાં કેન્દ્રિત થવી જોઈએ નહીં કે શહેરમાં. ગામડાની પ્રતિતી તો આપણને નંદિગ્રામમાં જ થાય. જેને પોતાની જાતને અધ્યાત્મને માર્ગે વાળવી હોય તો તેના મનમાં કે વર્તનમાં કોઇ પણ પ્રકારના કામના ઊંચાનીચાપણાનો ભેદ ન હોવો જોઈએ. એ આ નંદિગ્રામમાં જ બની શકે.  જો ગ્રામસમાજ માટે કઈં કલ્યાણકારી કરવાની વૃત્તિ હોય, એના સમાજજીવનના તંદુરસ્ત પોષણ માટે માટે કઈંક કરી છુટવાની ભાવના હોય, અને સામૂહિક જીવન જીવતાં જીવતાં બીજા માટે થોડુંઘણું જતું કરવાની ભાવના હોય તે જ નંદિગ્રામનો નિવાસી હોય. પરસ્પર પરત્વે સહિષ્ણુતાની વૃત્તિ હોય તો જ એક નંદિગ્રામ એક કોમ્યુન બની રહે, નહિં તો સામાન્ય ચીલાચાલુ સંસ્થા. અહીં ઈન્ડસ્ટ્રિઅલ વાતાવરણ નથી. વિજ્ઞાન છે પણ એ આધ્યાત્મને માર્ગે આગળ વધે છે. પ્રકૃતિ સાથે એ દિશામાં હોલિસ્ટિક માર્ગે આગળ વધવાના પ્રયોગો નંદિગ્રામમાં થાય છે.

નંદિગ્રામમાં કોઇ કામ ગણતરીપૂર્વકનું કામ નથી કે આટલાં ગામ દત્તક લીધાં કે આટલા લોકોને રોજગારી આપી. આવી આંકડાકીય માહિતી રાખવામાં કુન્દનિકાબહેન માનતાં જ નહીં. એમનું લક્ષ્ય હમેશા એ જોવામાં જ રહેતું કે નંદિગ્રામને લોકોનો સ્નેહ કેવો અને કેટલો મળ્યો અને નંદિગ્રામ તરફથી તેમને કેવો મળ્યો ? પરસ્પર કેટલી આત્મિયતા બંધાઈ ?

એનો જવાબ ભવિષ્યના અણઉકેલ ચોપડે પડ્યો હતો.

(આ ત્રીસ વર્ષ પહેલાંની મુલાકાતનો નિષ્કર્ષ છે. અત્યારની સ્થિતી આ લેખમાં આપવાનો કોઇ ઉપક્રમ નથી – લેખક)


લેખકસંપર્ક
રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com

Author: Web Gurjari

5 thoughts on “નંદિગ્રામની કલ્પના કોના મનમાં પહેલાં આવી? (ભાગ-૩)

 1. Great story of sadhana & seva & commune name Nandihram Of Bharat waiting for Ram — Place to share Love & Respect .
  How much odd they have to face of people around their fury & damage .
  Inactive , inefficient workforce & yet staying in most adverse conditions.
  Great historical article & interview you have taken – thx

 2. એક વાર નંદીગ્રામ જવાની ઈચ્છા, બળવતર બની. આપની સાથે હજુ વધુ નંદીગ્રામ ની વિગત જાણવા પણ ઈચ્છા છે સાંઈ મકરંદ અને કુન્દનિકા કર્મભૂમિ ને નમન કરવા જરૂર જવું છે

 3. Thank you Shri RajniDada for starting this series on Sai Makrand Dave and Kundanikaben. Wealth of invaluable history, and even more amazing is going through their thought process.

  Hope it inspires us and other readers as well.

 4. Thank you Rajnibhai for such a detailed article series on Shri Makarand Dave.

  I am not trying to be critical here, but just a common sense question. Would it not be useful if the couple and their friends had first won the trust of the locals and then started their project? After all, Seva was one of their objectives. So, instead of starting to build the aashram and its surroundings, had they made a few visits first and explored the issues of the locals, helped them out to best of their capacity, I’m sure these initial troubles could have been avoided.

 5. સૌરાષ્ટ્રમાં રહ્યા હોત તો ખૂબ સફળ થયા હોત અને ખૂબ સહકાર પણ મળ્યો હોત. કારણ વગર સારા કામ ને ખેદાન મેદાન કરનાર ગાંડી પ્રજા વચ્ચે નંદીગ્રામ ઉભુ કરવું એવો આ આત્મા ને શ્રાપ હશે.

Leave a Reply

Your email address will not be published.