શરમથી ધરમનું ભાન કરાવવવાની ઝુંબેશ

ફિર દેખો યારોં

બીરેન કોઠારી

પ્રત્યેક ગામ, નગર કે શહેરની આગવી ઓળખ હોય છે. હવે થઈ રહેલા વિકાસના પ્રતાપે શહેરો એકવિધ થવા લાગ્યાં છે, અને નગરો પણ એ રસ્તે છે. સ્વચ્છતાનો અભાવ, અલબત્ત, તમામ સ્થળોમાં સામાન્ય પરિબળ ખરું, છતાં જે તે શહેરની કેટલીક ખાસિયતો અમુક અંશે રહી છે ખરી. મહારાષ્ટ્રના પૂણે શહેરમાં જાહેર સ્થળે મૂકાતી વક્રોક્તિયુક્ત સૂચનાઓ હવે બહુ જાણીતી બની ગઈ છે. તેમાં સૂચનાની સાથોસાથ વક્રોક્તિ અને એક પ્રકારના બેફિકરાઈયુક્ત વલણનો જબરો સંગમ જોવા મળે છે. જેમ કે, કોઈક મકાનના ડોરબેલ નીચે લખાયેલું હોય: ‘બેલ માર્યા પછી થોડી વાર રાહ જોવી. અંદરનો માણસ કંઈ સ્પાઈડરમેન નથી.’ આ તો કેવળ એક નમૂનો છે. આવી અસંખ્ય સૂચનાઓ તદ્દન મૌલિક રીતે મૂકાયેલી જોવા મળે. હવે ઈન્‍ટરનેટના માધ્યમ થકી પૂણેની આ વિશેષતા ખૂબ જાણીતી બની ગઈ છે અને તે ‘પૂણેરી પાટ્યા’ તરીકે ઓળખાય છે.

છેલ્લા થોડા સમયથી આવી જ અનોખી પહેલ માટે પૂણે સમાચારમાં ચમક્યું છે. એ ઝુંબેશને પૂણેવાસીઓ ‘ચૉક ઑફ શેઈમ’(શરમનો ચૉક) તરીકે ઓળખાવે છે, જેનો પ્રણેતા છે વિવેક ગુરવ નામનો ફક્ત છવ્વીસની વયનો એક જુવાનિયો. વિવેક પર્યાવરણના વિવિધ મુદ્દે જાગૃતિ લાવવા માટે કામ કરી રહ્યા છે, જેમાં વૃક્ષરોપણ, સ્વચ્છતા અભિયાન, હવામાન પરિવર્તન સહિત બીજી અનેક બાબતોનો સમાવેશ થાય છે. તેમના દ્વારા આરંભાયેલી ઝુંબેશ એટલે ‘ચૉક ઑફ શેઈમ’, જે સાતત્યપૂર્વક ચાલી રહી છે અને વધુ ને વધુ લોકો તેમાં જોડાઈ રહ્યા છે.

દરરોજ સવારે નિયમિત ચાલવા જનારા સ્વાસ્થ્યપ્રેમીઓનો એક મોટો વર્ગ હોય છે. સવારના ખુશનુમા વાતાવરણમાં તાજી હવા લેતાં લેતાં કેટલાક લોકોનું ધ્યાન રસ્તે ઠેરઠેર પડેલા વિવિધ પ્રકારના કચરા પર પડે અને તેઓ એ કચરાને એકઠો કરવાનું શરૂ કરી દે એ વિશિષ્ટ પ્રવૃત્તિ વિશ્વભરમાં ‘પ્લૉગિંગ’ તરીકે ઓળખાતી થઈ છે. ‘પ્લૉગિંગ’ કરતો સમુદાય પોતાને ‘પ્લૉગર’ તરીકે ઓળખાવે છે. આ વિશિષ્ટ પ્રકારની પ્રવૃત્તિનો આરંભ સ્વીડનથી થયો અને જોતજોતાંમાં તે અન્ય દેશોમાં લોકપ્રિય થવા લાગી. આવા લોકોના સમુદાય બનવા લાગ્યા. સરકાર કે અન્ય કોઈ પર આધારિત રહેવાને બદલે યા તેની ટીકા કરવાને બદલે આ સમુદાયે નાગરિક તરીકેનો પોતાનો ધર્મ બજાવવા માંડ્યો.

પૂણેમાં અગાઉ વિવેક ગુરવે વિવિધ પ્રકારનાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યાં હતાં, જેમાં ધીમે ધીમે લોકોનો સહયોગ મળતો થયો હતો. આ દરમિયાન વિવેકે નોંધ્યું કે ધુમ્રપાન કરનારા છેલ્લે સિગારેટના ઠૂંઠાં રસ્તા પર ગમે ત્યાં ફેંકે છે. આ ઠૂંઠાંમાં આર્સેનિક અને સીસું જેવા વિષયુક્ત રસાયણો હોય છે, જે પાણીને પ્રદૂષિત કરી શકે છે. અનેક જળચરો અને તેમનો આહાર કરતા ભૂચર પ્રાણીઓને એ સીધું નુકસાન પહોંચાડે છે. વિવેક અને તેમના સાથીદારોએ વિચાર્યું કે આવાં ઠેરઠેર ફેંકાયેલાં ઠૂંઠાં આપણે વીણી લઈએ એટલું પૂરતું નથી. એ ફેંકનાર લોકોમાં પણ આ અંગે જાગૃતિ લાવવી જોઈએ. આ વિચાર સાથે આરંભાઈ ‘ચૉક ઑફ શેઈમ’ નામની ઝુંબેશ. આમાં કરવાનું શું હતું? વિવેક અને તેમની ટીમના સભ્યો બહાર નીકળે ત્યારે પોતાની પાસે રંગીન ચૉક રાખે અને રસ્તા પર ઠૂંઠું પડેલું દેખાય તેની ફરતે રંગીન ચૉક વડે કુંડાળું કરે છે. સાથે ક્રમાંક પણ લખે છે. આમ કરવાથી સહુ કોઈનું ધ્યાન પડે કે ફેંકનારે કેવી બેદરકારીપૂર્વક તેને ફેંક્યું છે! જો કે, વિવેકને આટલું પૂરતું ન લાગ્યું. તેમને થયું કે ‘પૂણેરી પાટ્યા’ની રીત અહીં અજમાવવા જેવી છે. આથી ઠૂંઠા ફરતે દોરાયેલા કૂંડાળાની સાથોસાથ અસલ પૂણેની શૈલીએ સંદેશ પણ લખાતો થયો. જેમ કે, ‘ધૂમ્રપાન તમારી વ્યક્તિગત પસંદગી હોઈ શકે, પણ ઠૂંઠાં ફેંકવાની નહીં.’, ‘આ ચરક માટે કાગડાને દોષી ઠરાવી શકાય નહીં’ વગેરે.. કોઈક ચિત્ર પણ દોરતું. આ ઝુંબેશે વેગ પકડ્યો અને અનેક લોકો, ખાસ કરીને યુવાઓ તેમાં જોડાવા લાગ્યા.

ધીમે ધીમે આ ઝુંબેશનું પરિણામ જણાવા લાગ્યું છે. સિગારેટ વેચનારા પોતાના ગ્રાહકોને ઠૂંઠા માટે કચરાપેટીનો ઉપયોગ કરવા વિનંતી કરે છે. આ સમુદાયના સ્વયંસેવકો કચરાપેટીમાં ફેંકાયેલાં ઠૂંઠાંને એકઠા કરીને તેનો નાશ કરે છે.

આ જ પદ્ધતિએ તેમણે ગૂટખા કે તમાકુ ખાઈને થૂંકનારા વિરુદ્ધ ઝુંબેશ ચલાવી છે, જેમાં તેઓ જે તે સ્થળે વાગેલી થૂંકની પીચકારી ફરતે રંગીન ચૉકથી કૂંડાળા દોરે છે.

આ ઝુંબેશની કેટલાક લોકો ટીકા પણ કરી રહ્યા છે. ચૉક વડે ચીતરામણ કરીને જાહેર સ્થળોને નુકસાન કરવાનો આરોપ તેમની પર મૂકવામાં આવે છે. જો કે, જાહેર સ્થળોનો દેખાવ ચૉકના કુંડાળાથી બગડે છે કે સિગારેટના ઠૂંઠા કે થૂંકની લાલ પીચકારીથી એ સ્વયંસ્પષ્ટ છે. ચૉકનું લખાણ થોડા કલાકોમાં ભૂંસાઈ જાય છે. આ ઝુંબેશ બહુઆયામી બની રહી છે. તેમાં વપરાતો ચૉક પર્યાવરણ સાથે સુસંગત છે. બેદરકાર નાગરિકોનો મૂક વિરોધ કરવાની આ અસરકારક રીત છે, કેમ કે, સરકાર જાહેર સ્થળોએ ધુમ્રપાન પર પ્રતિબંધ મૂકી શકે, પણ જાહેરમાં ઠૂંઠાં ફેંકનાર પર તેનો કોઈ કાબૂ નથી. સ્વયંસેવકોમાં રહેલો કળાત્મક અભિગમ કે સર્જનશીલતા આ ઝુંબેશ થકી પ્રગટી રહ્યાં છે, અને સાથે તેમને પોતાનો નાગરિકધર્મ બજાવ્યાનો સંતોષ પણ મળે છે. પૂણેથી હવે આ વિશિષ્ટ ઝુંબેશ મુમ્બઈ, નાગપુર, નાસિક, ઔરંગાબાદ, પટિયાળા, કાનપુર, મુરાદાબાદ, કોલકાતા, દિલ્હી તેમજ ઓડિશા અને ગોવાના કેટલાક નગરોમાં પ્રસરી રહી છે. વિવિધ શહેરનાં આવા સમુદાય જરૂર પડ્યે એકમેકને માર્ગદર્શન પણ આપે છે.

હજી ઘણા નાગરિકો માને છે કે આપણે સરકારને વેરો ચૂકવીએ છીએ એટલે સ્વચ્છતા જાળવવાની જવાબદારી સરકારની છે. સરકારની અવશ્ય જવાબદારી ખરી, પણ એને લઈને આપણને ગમે ત્યાં ગંદકી કરવાનો પરવાનો મળી જતો નથી. કેવળ પોતાના ઘર, શેરી, વિસ્તાર, નગર કે દેશને કાજે નહીં, આપણી પૃથ્વીને બચાવવા માટે આ અભિગમ કેળવવો જરૂરી બની રહે છે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૦-૦૩ –૨૦૨૨ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

2 thoughts on “શરમથી ધરમનું ભાન કરાવવવાની ઝુંબેશ

  1. ભાઈ શ્રી વિવેક ગુરવ ને ખૂબ ખૂબ અભિનંદન એમ ની ઝુંબેશ ખૂબ સફળ થાય એવી શુભેચ્છા

  2. દરેક વિસ્તારમાં એક વિવેક ગુરવ જરૂરિયાત છે.

Leave a Reply

Your email address will not be published.