કોઈ વહાણ રેતીમાં તરી શકે નહીં

મંજૂષા

વીનેશ અંતાણી

“જો તમારા બાળકમાં વારંવાર જૂઠું બોલવાની ટેવ પડી હોય તો એનું એક કારણ એ પણ હોઈ શકે કે તમે એના વર્તન માટે વધારે પડતી સખતાઈ બતાવો છો. તમે તમારાં સંતાનને વિશ્ર્વાસમાં લઈને એણે કરેલી ભૂલો વિશે એની સાથે ખુલ્લા મને વાતચીત કરશો નહીં તો ભવિષ્યમાં તમે એને ખોઈ બેસશો. તમે તમારાં સંતાનને નાનકડી બાબતો માટે પણ ટોક્યા કરશો તો એનામાં આત્મવિશ્ર્વાસ જન્મશે જ નહીં. તમે તમારાં સંતાનને વાતેવાત હુકમ જ કર્યા કરશો તો તમારું સંતાન તમારી સાથે કે અને અન્ય વ્યક્તિ પ્રત્યે માનપૂર્વક વર્તન કરશે નહીં. તમારું સંતાન વધારે પડતું ઇર્ષાળુ બની ગયું છે? એનાં મૂળ પણ તમારા વર્તનમાં જ પડેલાં છે – તમે માત્ર એ સંપૂર્ણ રીતે સફળ થાય છે ત્યારે જ એની પ્રસંશા કરો છો, એણે સફળ થવા માટે કરેલા પ્રયત્નો તમારે મન કશું જ મૂલ્ય ધરાવતા નથી. જો માબાપ એમના સંતાનની નાનામાં નાની ભૂલને વધારે પડતી ચગાવીને વધારે પડતી પ્રતિક્રિયા આપતાં હશે તો એમનાં સંતાનમાં બધી જ બાબતો છુપાવી રાખવાની આદત પડશે. તમારા સંતાનને સામે બોલાવાની આદત પડી હોય કે એ તમારી કોઈ વાત માનતું ન હોય તો એનું કારણ પણ તમે જ છો, કારણ કે એણે તમને એવું કરતાં જોયાં છે.”

બાળઉછેર માટે સુવર્ણ અક્ષરો જેવી આ વાતો આધુનિક સમયના કોઈ બાળમનોવિશ્ર્લેષકની નથી, પરંતુ ઈ.સ. પૂર્વે ત્રીજીથી પહેલી સદીની વચ્ચે થઈ ગયેલા તામિલનાડુના મહાન કવિ અને વિચારક તિરુવલ્લુવરના છે. એમણે ‘તિરુક્કુરળ’ નામના ગ્રંથની રચના કરી છે. એના ત્રણ વિભાગ છે – ધર્મ, અર્થ અને કામ. એમાં માનવ-વ્યવહારનાં જુદાંજુદાં પાસાં વિશે સુંદર વાતો કહેવાઈ છે. એમાં વર્ણવાયેલી વાતો આટલાં બધાં વરસો પછી પણ આધુનિક જીવનને અનેક રીતે સ્પર્શે છે. એમણે ધર્મ, ગૃહસ્થજીવન, સંન્યાસ, અધ્યાત્મ, નિયતિ જેવા વિષયોની સાથે રાજનીતિ, શાસકોની ફરજો, રાજ્યની અર્થવ્યવસ્થા જેવા વિષયો પર માર્ગદર્શન આપ્યું છે. માનવવ્યવહાર અને જીવનમાં નીતિમત્તા વિશે માર્ગદર્શન આપતા આ પ્રાચીન ગ્રંથના લેટિન સહિત અનેક ભાષામાં અનુવાદ થયા છે.

કહેવાય છે કે તિરુવલ્લુવર વણકરનું કામ કરતા હતા. એમની પત્નીનું નામ વાસુકી અમ્માઈયાર હોવાનું માનવામાં આવે છે. એ દંપતિ વિશે લોકોમાં ઘણી દંતકથા પ્રચલિત છે. વાસુકીના પતિ માટેના પ્રેમ અને ભક્તિભાવ માટે એક વાત જાણીતી છે. એક વાર વાસુકી કૂવામાંથી પાણી સીંચતાં હતાં. એ જ વખતે પતિએ કોઈ કામ માટે એમના નામની બૂમ પાડીને બોલાવ્યાં. એ સાંભળતાં જ વાસુકી પાણી સીંચવાનું છોડીને એમની પાસે દોડી ગયાં. પરંતુ અર્ધે સુધી ખેંચાયેલો ઘડો કૂવામાં અદ્ધર લટકતો રહ્યો. તેઓ પતિએ નિર્દેશેલું કામ પૂરું કરીને પાછાં આવ્યાં પછી ફરી અર્ધે લટકતા ઘડાથી પાણી સીંચવાનું કામ પૂરું કર્યું. તિરુવલ્લુવર જમવા બેસતા ત્યારે નાનકડી સળી સાથે રાખતા, જેથી પત્ની પીરસતી હોય ત્યારે જો ભાતનો એક પણ દાણો પતરાળીમાંથી બહાર પડે તો એને ઉપાડી શકે, પરંતુ વાસુકી એટલા ધ્યાનથી પીરસતાં કે જમીન પર પડેલો દાણો ઉપાડવાનો એમને ક્યારેય મોકો જ મળ્યો નહીં.

કવિ-ફિલોસોફર તિરુવલ્લુવરે રાજા, અત્યારના સમયમાં પ્રધાનો, વિશે લખતાં શાસકોમાં ઉમદા ગુણોની અપેક્ષા વ્યક્ત કરી છે. એમણે કહ્યું છે કે દરેક રાજા (શાસક)માં પરોપકાર, ભલમનસાઈ, સદાચાર અને પ્રજાનું ભલું કરવાની ભાવના હોવી જ જોઈએ. એમણે જ્ઞાનનો મહિમા કર્યો છે. કહ્યું છે: “અજ્ઞાન વ્યક્તિ સૂકીભાંઠ જમીન જેવી હોય છે. એવા લોકો હોઈને પણ ન હોવા બરાબર હોય છે.” એમણે ડહાપણને આંતરિક કિલ્લા સાથે સરખાવ્યું છે. કહે છે: “એવા આંતરિક કિલ્લાને કોઈ દુશ્મન ભેદી શકતો નથી.” માણસ કેવી સોબત રાખે છે એના પરથી એનો વિકાસ કે વિનાશ નક્કી થાય છે. કહે છે: “પાણી જે ધરતી પરથી વહે છે એ ધરતીનો રંગ-ગંધ-સ્વાદ ગ્રહણ કરે છે.” કોઈ પણ કાર્ય કરતાં પહેલાં તેઓ સમયસૂચકતા અને યોગ્ય સ્થળની પસંદગી પર ભાર મૂકે છે. “દિવસના અજવાળામાં કાગડો પણ ઘૂવડને પરાજિત કરી શકે છે.” કાર્યસિદ્ધિ માટે યોગ્ય સ્થળની આવશ્યકતા રહે છે. “કોઈ રથ દરિયામાં દોડી શકે નહીં, કોઈ વહાણ રેતીમાં તરી શકે નહીં.” એમણે પ્રેમનો મહિમા કર્યો છે. કહે છે: “પ્રેમ વિનાનો માણસ ચામડીથી ઢંકાયેલા હાડપિંજર સમાન હોય છે.” તેઓ બાહ્ય દેખાવ કરતાં આંતરિક સમૃદ્ધિ પર ભાર મૂકતાં તીર અને સિતારનું દ્રષ્ટાંત આપે છે. “સીધું તીર એના કાર્યથી હાનિ પહોંચાડે છે, જ્યારે સિતાર સંગીતની પ્રસન્નતા આપે છે.”

સંત તિરુવલ્લુવરે આદર્શ જીવન માટે સંન્યાસની નહીં, ગૃહસ્થજીવનની પરિતૃપ્તિ પર ભાર મૂક્યો છે. તેઓ કહે છે કે સંસ્કારી પત્ની અને સમજુ સંતાનો જેવું બીજું કોઈ સુખ નથી. જો ચારિત્ર્યવાન પત્ની કહેશે કે આજે વરસાદ પડશે તો વરસાદ પડે જ!

***

શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com

Author: Web Gurjari

1 thought on “કોઈ વહાણ રેતીમાં તરી શકે નહીં

  1. તીર અને સિતાર નુ example as per me not appropriate
    તીર તાકનાર નો મનોભાવ છે તાકનાર હાનિ થાય માટે જ ઉપયોગ કરે જ્યારે સિતાર નો ઉપયોગ માનસિક અથવા આધ્યાત્મિક શાંતિ અથવા મનોરંજન માટે થાય છે

Leave a Reply

Your email address will not be published.