મહિલાઓની લગ્નવયમાં વધારો કેટલો જરૂરી, કેટલો યોગ્ય ?

નિસબત

ચંદુ મહેરિયા

૨૦૨૧ના વરસના અંતે, સંસદના શિયાળુ સત્રમાં, મહિલાઓની લગ્નની કાયદાકીય વય અઢાર વરસથી વધારીને એકવીસ કરવા બાબતને લગતું,  ૨૦૦૬ના બાળ વિવાહ નિષેધ કાયદામાં સુધારો કરતું  બિલ રજૂ થયું હતું. વ્યાપક ચર્ચા અને સમીક્ષા માટે તે સંસદીય સમિતિને સોંપવામાં આવ્યું છે.  ૨૦૨૦-૨૧ના અંદાજપત્રમાં મહિલાઓ સંબંધી યોજનાઓ જાહેર કરતાં નાણાં મંત્રીએ મહિલાઓની લગ્નવય વધારવા ટાસ્કફોર્સની રચનાનું વચન આપ્યું હતું. તે પછી સામાજિક –રાજકીય આગેવાન જયા જેટલીના અધ્યક્ષસ્થાને કેન્દ્રના મહિલા  અને બાળવિકાસ મંત્રાલયે આ અંગે સમિતિની રચના કરી હતી. આ સમિતિએ માતા મ્રુત્યુ દર ઘટાડવા, માતા અને બાળકનાં પોષણસ્તર સુધારવા તેમ જ મહિલાઓની  લગ્ન વય વધારવા જેવી બાબતો ચકાસીને અહેવાલ આપ્યો હતો. તેના આધારે લગ્ન વયમાં વધારાનો ખરડો તૈયાર કરાયો છે.

સ્ત્રી-પુરુષની લગ્ન વય કાયદા દ્વારા નિર્ધારિત કરવામાં આવી છે.  બ્રિટિશ શાસનકાળના ૧૮૭૨ અને ૧૮૯૧ના કાયદામાં છોકરીઓની લગ્નની ઉંમર ૧૨ અને ૧૪ વરસની હતી. ૧૯૩૦ના શારદા એકટમાં તે વધારીને ૧૬ વરસની કરવામાં આવી હતી. ૧૯૭૮માં કાયદામાં સુધારા મારફત હાલમાં છોકરાઓની લગ્નવય ૨૧ વરસ અને છોકરીઓની ૧૮ વરસ છે. એક સદીમાં છોકરા-છોકરીઓની લગ્ન વયમાં માંડ છ-આઠ વરસનો જ વધારો કરી શકાયો છે ૧૯૭૮થી છોકરીઓની લગ્ન વય ૧૮ વરસની છે તેમાં સરકાર ત્રણેક વરસનો વધારો કરવા માંગે છે.

બાળલગ્નોને કારણે મહિલાઓ નાની ઉંમરે માતા બનતાં માતા અને બાળકના મ્રુત્યુ અને નબળા સ્વાસ્થ્ય જેવા કારણોના નિવારણ માટે મહિલાઓની લગ્નવયમાં વધારો કરવો જોઈએ એવી દલીલો થાય છે. પહેલી નજરે ઝટ ગળે ઉતરી જાય એવી આ દલીલને હકીકતોની સરાણે ચકાસવી જોઈએ. ફોર્થ નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના આંકડા જણાવે છે કે ૨૦૦૫-૦૬ના વરસમાં ૨૦ થી ૨૪ વરસની ઉંમરની ૪૭  ટકા મહિલાઓના લગ્નો ૧૮ વરસ પહેલાં થઈ ગયા હતાં. પરંતુ ૨૦૧૫-૧૬માં તે ટકાવારી ઘટીને ૨૬.૮ ટકા થઈ હતી.  ભારતની વસ્તી ગણતરીના અહેવાલો પરથી પણ જણાય છે કે ૨૦૦૧ની તુલનાએ ૨૦૧૧માં ૧૫ વરસની વય પૂર્વે લગ્ન થયાં હોય તેવી સ્ત્રીઓ ૬.૬ ટકા જ છે. અર્થાત બાળ લગ્નોનું પ્રમાણ ઘટી રહ્યું છે. જોકે તે સંપૂર્ણ નાબૂદ થયાં નથી. હવે બાળવયના બદલે કિશોરવયે થતાં લગ્નો વધ્યાં છે. એટલે છોકરીઓની લગ્નવય વધારવાથી બાળલગ્નો કે કિશોર લગ્નો બંધ થઈ જશે તે દલીલ યોગ્ય નથી.

બાળલગ્નોમાં થયેલો મોટો ઘટાડો માતા મ્રુત્યુ દરના મોટા ઘટાડારૂપે જોવા મળતો નથી. ૨૦૧૭ના  વિશ્વ બેન્કના એક અભ્યાસમાં નોંધાયું હતું કે ૧૮૬ દેશોમાં માતા મ્રુત્યુ દરમાં ભારત ૧૩૦મા નંબરે હતું. નીતિ આયોગના જણાવ્યા મુજબ ૨૦૧૪-૧૬માં દર એક લાખ જન્મદીઠ માતા મ્રુત્યુ દર ૧૩૦ હતો. જે હવે ઘટીને ૧૨૨ થયો છે. માતા અને બાળકના મ્રુત્યુ કે નબળું આરોગ્ય અને ઓછા વજનનું કારણ નાની વયે લગ્ન જ માત્ર નથી. ગરીબી અને કુપોષણ પણ છે. જો ગરીબી નહીં હઠે, પેટ પૂરતું ખાવાનું જ નહીં મળે તો મોટી ઉંમરે થતાં લગ્નથી પણ  આ સમસ્યા હલ થવાની નથી. એટલે મહિલાઓની લગ્નવય વધારવા સાથે તેમનું પોષણસ્તર સુધારવાના પગલાં પણ લેવાં જરૂરી છે.

સ્ત્રીઓના વહેલાં લગ્નનું કારણ પણ ગરીબી અને શિક્ષણનો અભાવ છે. ૨૦ થી ૨૪ વરસની ૨૧ વરસ પહેલાં લગ્ન કર્યા હોય તેવી તમામ આર્થિકસ્તરની સ્ત્રીઓ ૫૬ ટકા છે. પણ એજ આયુની સૌથી ગરીબ વર્ગની મહિલાઓમાં તેની ટકાવારી ૭૫ ટકા જેટલી ઉંચી છે. માબાપ માટે દીકરી બોજ ગણાતી હોય અને તેની સુરક્ષા , શિક્ષણ ,રોજગારની ચિંતા હોય તે કારણથી તેના વહેલા લગ્નો કરી દેવામાં આવે છે.ગામમાં જ શિક્ષણની વ્યવસ્થા ન હોવાથી  ૧૫ થી ૧૭ વરસની ઉંમરની છોકરીઓ મોટાપ્રમાણમાં ભણવાનું છોડે છે. એટલે પણ લગ્ન વયનો વધારો ગરીબી, બેરોજગારી , સ્ત્રી સુરક્ષા અને મહિલા શિક્ષણની પર્યાપ્ત વ્યવસ્થા વિના બેમતલબ બની શકે છે.

સ્ત્રી-પુરુષની લગ્ન વયમાં હાલમાં જે તફાવત જોવા મળે છે તે મહિલાઓની લગ્નવય વધારવાથી યથાવત રહેશે કે દૂર થશે તે પણ સવાલ છે. આખી દુનિયાએ મહિલાઓની ૧૮ વરસની ઉંમરને લગ્ન યોગ્ય માની છે. એ ઉંમરે સ્ત્રીનું શરીર પૂર્ણપણે વિકસી ગયાનું, પ્રસવ માટે સક્ષમ હોવાનું અને બાળકની દેખભાળ રાખી શકે તેવા મનો-શારીરિક વિકાસ થયાનું કહેવાય છે. પરંતુ હાલમાં સ્ત્રી-પુરુષની લગ્ન વયમાં જે ત્રણ વરસનો તફાવત છે તેનો તર્ક સમજાતો નથી. પત્ની પતિ કરતાં ઉંમરમાં નાની હોવી જોઈએ તેવી રૂઢિજડ પરંપરાનું તે ધ્યોતક છે. સ્ત્રીના સમાનતા અને ગરિમામય જીવનના બંધારણદીધા વચનનો પણ તેમાં ભંગ થાય છે.તેથી સ્ત્રી-પુરુષની લગ્ન વય સમાન રાખવા વિચારવું રહ્યું.

અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ, કશ્મીરમાં અનુચ્છેદ ૩૭૦ની નાબૂદી, તીન તલાક પર પ્રતિબંધ, નાગરિકતા કાનૂન અને કોમન સિવિલ કોડની જેમ વસ્તી વ્રુધ્ધિ પર નિયંત્રણ એ ભારતીય જનતા પક્ષનો રાજકીય એજેન્ડા અને ખરી રાજકીય  ઓળખ મનાય છે. તમામ ધર્મની મહિલાઓની લગ્ન વયમાં વધારો કરવાનો વર્તમાન  પ્રયાસ સરકારનું મહિલા સમાનતાની દિશાનું પગલું છે કે તેનો વસ્તી નિયંત્રણનો એજેન્ડા છે તેવો સવાલ પણ ઉઠવો સ્વાભાવિક છે. મહિલાઓની લગ્ન વય વધતાં તેની પહેલી પ્રસૂતિની ઉંમર વધશે તેને કારણે વસ્તી નિયંત્રણ થઈ શકશે. આ ફાયદો  લગ્નવયના વધારાનો છે. જોકે ભારતમાં મહિલાઓનો પ્રજનન દર ઝડપથી ઘટી રહ્યો છે તે જોતાં સરકારનો ઈરાદો વસ્તી નિયંત્રણનો હોવાની આશંકા સાચી ઠરતી નથી.

જે કામ સમાજસુધારણા થકી કરવાનું હોય તે કાયદાના દંડૂકાથી કરવાનું કેટલું યોગ્ય મનાય ? સ્ત્રી-પુરુષ સમાનતા, બાળ લગ્ન નિષેધ, સ્ત્રી શિક્ષણ અને સુરક્ષા આ બધી બાબતો સરકારના જેટલી જ સમાજને લાગુ પડે છે. આપણાં દેશમાં સમાજ સુધારણાનું સ્થાન  જાણે કે કાયદાએ લઈ લીધું છે. શિક્ષણનું પ્રમાણ વધતાં અને ગરીબી ઘટતાં બાળ લગ્નો જેમ ઘટી રહ્યાં છે તેમ વસ્તીવ્રુધ્ધિ પણ અટકી છે. રોજગાર, આરોગ્ય, શિક્ષણ, સલામતી, સામાજિક –આર્થિક અસમાનતાની નાબૂદી અને સંસાધનોની સમાન, ન્યાયી તથા યોગ્ય વહેંચણી માટે સરકારે પ્રયત્નશીલ બનવાનું છે. સાથે જ સમાજ સુધારણા અને જાગ્રતિ માટે સમાજે પ્રયાસો વધારવાના છે. તો જ સમાજનો સાચો વિકાસ થઈ શકે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.