નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – ૫૯

પ્રભુની ધીરજનો પણ કોઈ અંત હોય કે નહીં?

નલિન શાહ

ચા પીતાં સવારે માનસીએ પરાગને પૂછ્યું, ‘મારી ગાડીનું શું થયું?’

‘કેમ, બહુ ઉતાવળ છે?’

‘ઉતાવળની વાત નથી, પણ જરૂરિયાત તો છે ને.’

‘શનિવારે ડિલિવરી લેવાની છે.’

‘શનિવારે તો હું અહીં નથી. રાજુલ અને સુનિતાબેન સાથે ગામ જવાની છું. સોમવારે સવારે આવીશ. હું ફિલોમિનાને કહીશ. એલોટમેન્ટનો કાગળ ઑથોરિટિ લેટર બતાવીને એ ડિલિવરી લેશે.’

‘હા, એ બરાબર છે.’

‘ને કેટલાની આવી?’

‘લગભગ પીસ્તાળીસ હજારની છે.’

‘તો એટલા પૈસા તારા એકાઉન્ટમાં જમા કરાવી દઉં છું.’

પરાગ અચંબામાં પડી ગયો. ‘આ તને ગિફ્ટ તરીકે આપું છું.’

‘ના, કોઈ જરૂર નથી. હું મારી કમાણીમાંથી ખરીદવા માંગુ છું.’

‘આ તે કેવી જીદ?’

‘આ જીદ નથી, સિદ્ધાંતનો સવાલ છે.’

‘કેમ મારા પૈસા તારા નથી?’

‘એ ચર્ચામાં નથી પડવું મારે. પણ કાર લઈશ તો કેવળ મારા પૈસે.’

‘એમાં ખોટું શું છે?’ ચૂપચાપ સાંભળી રહેલી ધનલક્ષ્મીથી બોલ્યા વગર ના રહેવાયું. ‘માનસી એના પૈસે લેવા માંગે છે. તો ભલે લેતી.’ આટલી મોંઘી ગિફ્ટ એના દીકરાની કમાણીમાંથી ખરીદાય એ ધનલક્ષ્મીને નહોતું જચ્યું. પછી ભલે એ ગિફ્ટ કુટુંબમાં જ કેમ ના રહેવાની હોય!

કાંઈ પણ વધારે ચર્ચામાં પડ્યા વગર માનસી ચાલી ગઈ. માનસી હોસ્પિટલમાં જવા તૈયાર થઈ બહાર આવી ત્યારે ફિલોમિના એની વાટ જોતી બહારના રૂમમાં બેઠી હતી. એણે ફિલોમિનાને પચાસ હજાર (૫૦,૦૦૦) રૂપિયાનું કવર તૈયાર રાખ્યું હતું એ આપ્યું. સાથે આભાર વ્યક્ત કરતો કાગળ બીડ્યો હતો. ‘આ અમિતકુમારને પહોંચાડી દેજે’ ને સાથે સાથે કારને લગતા જરૂરી કાગળો આપી શનિવારે ડિલિવરી લેવાની સૂચના આપી.

માનસીને ગાડીનો કોઈ મોહ નહોતો. પણ ક્યારેક ક્યારેક ઇમરજન્સીમાં કે કન્સલ્ટિંગ રૂમમાં જવા રિક્ષા નહોતી મળતી. જેમ જેમ પ્રસુતિકાળ નજદીક આવતો ગયો તેમ તેમ ગાડીની ઉપયોગિતા વધુ જણાવવા લાગી હતી. રિક્ષામાં ધક્કા પણ બહુ લાગતા હતા. રાજુલને ત્યાં જવા રાજુલ ગાડી મોકલતી હતી એ એને નહોતું જચતું અને સુનિતાબેનને ત્યાં લાંબે નેપિયનસી રોડ જવા પરાગના જવાઆવવાના સમયનો મેળ સાધવો શક્ય નહોતું. જ્યારે માનસીએ રાજુલ પાસે ખાનગીમાં કહ્યું કે એના જન્મદિવસે અમિતકુમારે એને એક મોંઘીદાટ ગાડી ભેટ આપવાનું નિર્ધારિત કર્યું હતું અને એ બાબતમાં કઈ અને કેવી ગાડી માનસી પસંદ કરશે એ ચર્ચા રાજુલ સાથે કરી હતી ત્યારે માનસીએ ત્વરિત ફિયાટ જેવી સાદી ગાડી ખરીદવાનો નિર્ણય કર્યો. એ જ અરસામાં પરાગે ગાડીનો પ્રસ્તાવ મૂક્યો ને માનસીએ કબૂલ કરી લીધો. પ્રસુતિકાળ નજદીક આવી રહ્યો હોવાથી કાર ડ્રાઇવિંગનું કામ ફિલોમિનાએ જબરદસ્તીથી સંભાળી લીધું હતું. માનસીના સ્વાસ્થ્યની સંભાળ માટે અને એની આવવા જવાની સગવડ સાચવવા થોડા સમય માટે એણે માનસીના ફ્લેટમાં સ્થળાંતર કર્યું હતું.

‘તારી કાર આવે એટલે મારી એક ચિંતા દૂર થાય.’ પરાગે ટકોર કરી.

‘કઈ ચિંતા?’ માનસીએ પૂછ્યું.

‘મારા જેવા સફળ ડૉક્ટરની પત્ની હોવા છતાં તારી પોતાની કાર ન હોય એ કેટલી સંકોચજનક વાત હતી મારા માટે!’

માનસી વિચારમાં પડી ગઈ ‘એને એની સામાજિક પ્રતિષ્ઠાની ચિંતા હતી. માનસીનાં સ્વાસ્થ્યની નહીં! અનાયાસે એના મનમાં આસિતની યાદ તાજી થઈ ગઈ, ‘આસિતે કેવળ સ્વાસ્થ્ય અને સલામતીના કારણે એને કદી રિક્ષામાં મુસાફરી કરવા ના દીધી હોત, ને માનસીનો સમય સાચવવા એણે પોતાના સમયમાં ફેરફાર કર્યો હોત અથવા ડ્રાઇવર રાખવાની ફરજ પાડી હોત.’ એ વિચાર સાહજિક હતો, એમાં કોઈ એણે ગુનાની ભાવના નહોતી અનુભવી. પણ કલ્પના અને વાસ્તવિકતા બે જુદી વસ્તુઓ હતી. કલ્પના મનને બદલાવા માટે હોય છે. આખરે સામનો તો વાસ્તવિકતાનો જ કરવો પડે છે.

જ્યારે ધનલક્ષ્મીએ ગાડીની ડિલિવરી માટે બ્રાહ્મણ પાસે મુહૂર્ત જોવડાવવાની વાત કરી ત્યારે માનસીએ નકારી દીધી. ગાડી પર ભગવાનને ચઢાવેલાં ફૂલ અને કંકુ છાંટવાની વાત કરી એનો પણ એણે વિરોધ કર્યો. ‘સાવ નાસ્તિક છે’ સમસમીને ધનલક્ષ્મી મનમાં બબડી. પછી વિચાર્યું કે ગમે તે હોય આટલાં વર્ષોની એની સેવા પૂજા સાવ વ્યર્થ તો ના જાય. ‘કોણ જાણી શકે કરમ કી ગત ન્યારી’ એને આવી દુર્બુદ્ધિ સુઝાડવા પાછળ પણ ભગવાનની કોઈ યોજના હોઇ શકે!’ ખોટા મુહૂર્તે ગાડી લેવાય ને કોઈ જીવલેણ અકસ્માત થાય ને પરિણામ સ્વરૂપ એના જીવનમાં દીકરા માટે એની પસંદગીની વહુ લાવવાનો યોગ પેદા થાય. જો કે ભગવાને એને ખાસ કરીને શશી ને રાજુલની બાબતોમાં ઘણા આઘાતો આપ્યા હતા, પણ હવે એની કરેલી અવિરત સેવાઓની યાદ કદાચ ભગવાનને પણ શરમમાં નાખી દે ને છેવટે એનું ધાર્યું થાય! ભગવાનની અવગણના અને ધર્મનો સંહાર આવી માથા ફરેલીને નાસ્તિક વહુઓને આભારી હોય છે. પ્રભુની ધીરજનો પણ કોઈ અંત હોય કે નહીં? આવી વહુઓ એમનાં બાળકોને પણ નાસ્તિક બનાવે. નાસ્તિકોની સંખ્યા વધે એ કયો ભગવાન સહન કરે?

બીજે દિવસે વહેલી સવારે માનસીએ જોયું કે ધૂપસળીનું બોક્ષ ખાલી હતું. એણે જઈને ધનલક્ષ્મી પાસે ધૂપસળી માંગી તો ધનલક્ષ્મીથી પૂછ્યા વગર ના રહેવાયું, ‘તારે શું કામ છે એનું?’

‘મારા રૂમમાં પણ ભગવાનની મૂર્તિ છે, ધૂપસળી પેટાવીને હાથ જોડી માથું નમાવું છું.’

‘તે આરસની મોટી મૂર્તિ અહીં સ્થાપિત છે ત્યાં માથું નથી નમાવાતું?’

‘મૂર્તિ તો એક પ્રતીક છે, નાની હોય કે મોટી, ભગવાનનું અસ્તિત્વ ભક્તોનાં હૃદયમાં હોય, આરસનાં મંદિરમાં નહીં.’

‘તે માથું નમાવાનો શું અર્થ? કોઈ શ્લોકો તો બોલતા આવડતા નથી!’

‘મને એની કોઈ જરૂર લાગતી નથી.’

‘અરે! પણ ભગવાનનો ડર તો છે ને?’

‘ડર! શાનો ડર? ભગવાન કોઈ ડરામણી વસ્તુ છે એ આજે જાણ્યું. મેં તો સાંભળ્યું છે કે જો એ હોય તો ઘણાં દયાળુ ને સહિષ્ણુ હોય છે.’

‘મને ભગવાનનો તારા કરતાં વધારે અનુભવ છે. જો એ વીફરે તો ખેદાનમેદાન કરી નાખે.’

‘મને એવી કોઈ ચિંતા નથી. જ્યાં સુધી મારી નાનીના આશીર્વાદ મારી પાસે છે ત્યાં સુધી તમારો ભગવાન મારો વાળ પણ વાંકો કરવાની હિંમત નહીં કરે. ડરવાનું તો એ લોકોએ હોય જે કેવળ ધનપ્રાપ્તિ માટે પૂજા આદરે છે ને અનીતિનું કામ કરતાં જેમનો અંતરાત્મા ડંખતો નથી. મારું કન્સલ્ટિંગ રૂમ મારું મંદિર છે. મને ડર તો ત્યારે લાગવો જોઈએ જ્યારે મારા મંદિરને શો રૂમ બનાવવાનો લોભ પેદા થાય. આ જનમમાં એ શક્ય નથી.’

ધનલક્ષ્મી અવાક્‍ થઈ સાંભળી રહી. એ એટલું તો સમજી ગઈ કે માનસીનો સંકેત એની અને એના દીકરા તરફ હતો. વિચાર્યું, ‘કેવી વહુની આશા રાખી હતી ને કેવી મળી!’

‘તારાં બાળકમાં પણ આવા જ સંસ્કાર રેડવાની છે?’ ધનલક્ષ્મીનો ગુસ્સો હવે કાબૂમાં ના રહ્યો.

‘મારી એ જ પ્રાર્થના છે કે એમ કરવામાં હું સફળ થાઉં.’ બોલીને માનસી પીઠ ફેરવીને ચાલી ગઈ.

તે દિવસે ધનલક્ષ્મીએ પૂજામાં સારો એવો સમય ગાળ્યો. ભગવાનને વિનંતી, બલ્કે તાકીદ કરી, ‘મારી ચિંતા તને ના હોય તો કાંઈ નહીં પણ તારી પોતાની તો ચિંતા કર.આવી વહુઓનું અસ્તિત્વ તારા જ અસ્તિત્વને નષ્ટ કરશે. પછી તને પૂજશે કોણ?’

ભગવાને સાંભળ્યું કે નહીં એ તો કહેવું શક્ય નહોતું, પણ એણે કોઈ જવાબ ના વાળ્યો.

 

 

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.