માથું બોડકુ પણ દેખાવે ભભકાદાર પહાડી ગીધ અને હિમાલયન ગીધ

ફરી કુદરતના ખોળે

જગત કીનખાબવાલા

*પહાડી ગીધ/ Griffon Vulture / Gyps fulvus / હિમાલયન ગીધ/ Himalayan Griffon Vulture / Gyps himalayensis*
કદ: ૪૦ ઇંચ થી ૪૮ ઇંચ – ૧૧૦ સે.મી. થી ૧૧૨ સે.મી. /વજન: સરેરાશ ૭ કિલોગ્રામ/ પાંખનો ફેલાવો: ૭.૫ –૯.૨ ફૂટ.
(ફોટોગ્રાફ: શ્રી સેજલ શાહ ડેનિયલ / શ્રી વનિત ડેનિયલ/ શ્રી કિરણ શાહ)

ગરુડ/ ઇગલ જેવું માથું અને સિંહ જેવી કેશવાળી વાળું ભપકાદાર પક્ષી એટલે પહાડી ગીધ. માથુ  અને ગળુ બોડકુ પીળા રંગનું પીંછા વિનાનું તેમજ આછી રૂંવાટી વાતેવું દેખાય છે અને તેઓનું પીંછાળું ગળુ જે રંગે રંગે મેલું સફેદ – ભૂખરું હોય છે. તેઓના બચ્ચા બિલકુલ બોડકા જન્મે છે. તેઓની પાંખો ખુબ પહોળી ખુલે છે અને પૂંછડીના પીંછા ખુબ ટૂંકા હોય છે. ચાંચ ચમકીલી પીળી હોય છે અને માથું સફેદ હોય છે.

સામાન્ય સંજોગોમાં તેઓનું સરેરાશ વજન ૭ કિલોગ્રામ સુધી હોય છે. કેટલાક પાળેલા અને ખુબ લાંબુ જીવેલા આવા પહાડી ગીધનું વજન ૧૫ કિલોગ્રામ સુધી ભારેખમ જોવા મળેલ છે. સામાન્ય રીતે સરેરાશ ૪ થી ૭ વર્ષ નું આયુષ્ય ધરાવે છે. બંધિયાર અવસ્થામાં તે ૪૧ વર્ષ જેટલું ખુબ લાંબુ જીવ્યાની નોંધ છે.

પહાડી ગીધની ગુજરાતમાં જે જાતિ છે તે ઉત્તર ગુજરાતમાં પાલનપુર પાસે બનાસકાંઠામાં અને કચ્છના મોટા રણમાં  જોવા મળે છે.

મૃત પશુપક્ષીનું માંસ તે તેમનો મુખ્ય ખોરાક છે. આવો ખોરાક ખાતી વખતે તેઓ ગળામાંથી ઘેરો અવાજ પણ કાઢે છે અને તેવી રીતે તેમની ખાસિયત પ્રમાણે જ્યારે પોતાના બચ્ચાને ખવડાવે ત્યારે પણ આવો ઘેરો અવાજ કાઢતા હોય છે.

મુખ્ય રંગ બદામી હોય છે. તેની ડોક લાંબી હોય છે. માથું અને ડોક બોડકા હોય છે જેમાં પીંછા ન હોય પરંતુ રૂંવાટી હોય છે. આ પ્રકારનો દેખાવ ભાગ્યેજ બીજા પક્ષીમાં જોવા મળે છે. તેઓની છાતી અને પેટાળ આચ્છા ગુલાબી રંગના બદામી ઝાંયવાળા હોય છે. ડોકમાં ફરતે સુંદર ભૂખરા અને મેલા દેખાતા સફેદ રંગના પીંછાનો બનેલો પટ્ટો ફરતો હોય છે, જાણે કે તેણે પીંછાનું દેખાવડુ રુંવાવાળું મફલર પહેર્યું હોય! પગ લીલાશ ઉપર પીળી ઝાંય વાળા હોય છે. ચાંચ સુંદર પીળા રંગની હોય છે. ઊડતી વખતે પાંખોનો વ્યાપ ઘણો મોટોત હોય છે અને તે સમયે પાંખોના નીચેના ભાગમાં ઉડવાના પીછાનો ઘેરો રંગ ખુબજ વિવિધતા સભર દેખાવ ઉભો કરે છે.

મૃત પશુપક્ષીનું માંસ તેમનો મુખ્ય ખોરાક હોઈ તેઓ સમાજ માટે બહુ અગત્યનું સફાઈ કામદારનું કામ કરે છે. જયાં ખોરાક મળી રહેતો હોય તેને ધ્યાનમાં રાખીને તેવા ખુલ્લા વિસ્તારથી ઘણે દુરદુર પોતાની વસાહત કુળના સભ્યો સાથે માનવ વસાહતની ડખલ ના હોય તેવા ભેખડોવાળી અને ઊંચા પથરાળ વિસ્તારમાં બનાવે છે. તે જ્યાં વસેલા હોય તેવા વિસ્તારનું સ્થાનીય પક્ષી છે.

આવા પથરાળ વિસ્તારમાં ભેખડો, પથ્થરમાં મોટી તિરાડ અથવા ગુફા જેવી જગ્યાઓમાં સલામત લાગતી જગ્યાએ પોતાનો માળો બનાવે છે. તેઓ પોતાના સાથીને જીવનભર વફાદાર રહે છે. માદા પ્રજનનની ઋતુમાં એક ઈંડુ મૂકે છે. લગભગ ૫૭ થી ૬૦ દિવસમાં ગુલાબી ઝાંયવાળા ઇંડામાંથી બચ્ચું બહાર આવે છે. બચ્ચું પોતાના પગ ઉપર લગભગ ૧૪૦ દિવસમાં સ્વતંત્ર થઇ જાય છે.

વિવિધ પ્રકારના ઉડાન અને તેના નિયમનનો કાર્યક્ષમ વૈજ્ઞાનિક અભ્યાસ કરવા માટે પહાડી ગીધના ઉડાનનો અભ્યાસ કરવામાં આવે છે. ઉડાનના અભ્યાસ માટે તેમને આદર્શ જીવ ગણવામાં આવે છે. પહાડી ગીધની ખાસિયત છે કે તે ગરમ પવનની લહેરોનો નહિ પરંતુ તેમના બોડકા માથાનો અને ડોકનો હવા સરળતાથી કાપવા માટે ઉપયોગ કરે છે.આ રીતે બંને ઠંડી અને ગરમ ઋતુમાં તેમની ડોકને ઋતુ પ્રમાણે અને બદલાતા તાપમાન પ્રમાણે જરૂરી જુદાજુદા વળાંક/ મુદ્રા આપે છે જેનાથી તેમની શક્તિ ઓછી વપરાય છે.

ખુબજ ગરમ દિવસોમાં અને તે પ્રમાણે ઠંડા દિવસોમાં તેમના શરીરની અંદરનું તાપમાન અને બહારના તાપમાનને અનુકૂળ કરી તેમના શરીરનું પાણી અને શક્તિ ઓછી વપરાય તે રીતે તેમનું શરીર અનુકૂળ બનાવે છે. તેમના ઉડાનના આવી લાક્ષણિકતાના વૈજ્ઞાનિક અભ્યાસ ઉપરથી  એરોપ્લેન જેવા વાહનની બળતણ ખર્ચ ઓછો કરવા માટેનો અભ્યાસ કરવામાં ઉપયોગ કરાય છે.

તેમની શ્વાસ લેવાની ક્ષમતા કાબેલિયત પણ આગવી છે. ખુબ લાંબી ઉડાન બાદ તેમની શ્વાસ લેવાની સામાન્ય ગતિ પાછી વધુમાં વધુ ફક્ત ૧૦ મિનિટમાં થઇ જાય છે.

તેમની વસાહત ઉજાડી નાખવી, ખોરાકનો અભાવ, મરેલા ઢોર જે તેમનો મુખ્ય ખોરાક છે તે વહેલા સાડી જાય માટે તેની ઉપર ઝેરી દવાનો છંટકાવ કરવો જેવા કારણોસર તેમનું અસ્તિત્વ જોખમમાં છે. ૨૦૦૪ ના સમયે લગભગ નહિવત સંખ્યામાં બચ્યા હતા. ૨૦૧૨માં તેઓનું અસ્તિત્વ ખુબજ જોખમમાં જોવાયું છે તેવી નોંધ છે.  મુખ્યત્વે માનવીને કારણે તેમનું અસ્તિત્વ જોખમમાં આવી ગયું છે.

હિમાલયન ગીધ તેના નામ પ્રમાણે તે હિમાલયમાં તેમજ તેની ભારતથી ઉપ્પરે તિબેટમાં વસેલા છે. હિમાલયન ગીધ ખુબજ કદાવર હોય છે અને હિમાલયમાં તેનાથી મોટું કોઈ પક્ષી નથી. તેવી રીતે તેનું વજન પણ ખુબ હોય છે. તેઓનું સરેરાશ વજન ૯ કિલોગ્રામ જેટલું હોય છે અને ૧૨ કિલોગ્રામ જેટલા વજનની નોંધ જોવા મળે છે. તડકો ખાવા ઊંચા પહાડ ઉપર બેઠેલા જોવા મળે છે. સામાન્ય રીતે ૧૮૦૦૦ ફૂટની ઊંચાઈ સુધી હિમાલયમાં ઉડતા જોવા મળે છે.

હિમાલયન ગીધ ભારત ઉપરાંત ભૂતાન, નેપાળ, અફઘાનિસ્તાન, કઝાકિસ્તાન, ઈરાન, મોંગોલિયા અને ચીનમાં જોવા મળે છે. તેમના આ બધાજ વિસ્તારનો એક ભૌગોલિક પ્રદેશ છે જે એક બીજાથી નજીક નજીક છે.

 *આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.*

       *સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*

       *Love – Learn  – Conserve*


લેખક: જગત.કિનખાબવાલા – Ahmedabad
Author of the book: – Save The Sparrows
Email: jagat.kinkhabwala @gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.