શું તમે ઊંઘ કે પાણી વિના જીવી શકો? આ લોકો જીવે છે!

ભાત ભાત કે લોગ

જ્વલંત નાયક

એવું કહેવાય છે કે ‘બહુરત્ને વસુંધરા’! અર્થાત, આ પૃથ્વી ઉપર રત્ન્સમાન કિમતી એવા અનેક મનુષ્યો છે. અનેક ગુણવાન, જ્ઞાની, ચારિત્ર્યવાન લોકો પૃથ્વીના પટ પર હાજર છે, જે માનવજાતને દિશાનિર્દેશ આપી શકે છે. એની સામે અનેક લોકો એવા ય છે, જેમને જોઈને તમને નવાઈ લાગે કે આ જીવતા કઈ રીતે હશે! કેટલાક એવા છે જેમના પ્રત્યે તમને સૂગ ચડે, તો વળી કેટલાકની પરિસ્થિતિ જોઈને તમને એમના ઉપર દયા ય આવી જાય! કેટલાકની જીવનશૈલી અને આદતો એવી વિચિત્ર હોય, જે સભ્ય સમાજમાં રહેતા લોકો કોઈ કાલે ન સ્વીકારે! આ પ્રકારના લોકો માટે ય એક વિશિષ્ટ શબ્દસમૂહ વપરાય છે, “ભાત ભાત કે લોગ”! આજે સામાન્ય કરતા જુદી જ ભાતમાં જીવતા કેટલાક લોકોની વાત.

આ ભાઈ વર્ષોથી ‘ગોળી’ લે છે

હોસ્ટેલમાં રહીને ભણ્યા હોય, એવા મોટા ભાગના પુરુષ વિદ્યાર્થીઓ ક્યારેકને ક્યારેક રોજીંદી સ્નાન ક્રિયામાં ગાપચી મારવાની કુટેવનો શિકાર બનતા હોય છે. સ્નાન યોગ્ય ગરમ પાણીનો અભાવ કે પછી (મોડા ઉઠવાને કારણે) સમયનો અભાવ નડતો હોય ત્યારે આવી કુટેવ ચલાવી લેવી પડે છે. જે દિવસે ન્હાવામાંથી મુક્તિ લીધી હોય, એ દિવસે આ વિદ્યાર્થીઓ ‘ગોળી લઇ લીધી’ જેવો કોડવર્ડ વાપરે છે. હવે જરા વિચારીને જવાબ આપજો, કોઈ ટોકવાવાળું ન હોય અને કડકડતો શિયાળો ચાલતો હોય, તો ય તમે વધુમાં વધુ કેટલા દિવસ ‘ગોળી’ લઇને ખેંચી શકો છો? તમને જાણીને નવાઈ લાગશે કે ઈરાનમાં એક અંકલ છેલ્લા સાતેક દાયકાથી આ રીતે ન્હાવાને નામે ‘ગોળી’ઓ લઇ રહ્યા છે!

   ૮૭ વર્ષના એમોઉ હાજી ઈરાનના ગામડા નજીક રહે છે, અને એણે છેલ્લા ૬૭ વર્ષોથી સ્નાનક્રિયાનો ત્યાગ કર્યો હોવાને ‘ધી મોસ્ટ ડર્ટી મેન’ તરીકેની એની ખ્યાતિ દુનિયાભરમાં પહોંચી છે! વીસ વર્ષની ઉંમર સુધી સામાન્ય જીવન જીવી રહેલા હાજીને કોણ જાણે ક્યાં કારણોસર મનમાં એવું ઠસી ગયું કે શરીરને પાણીનો સ્પર્શ થાય, તો આપણે માંદા પડી જઈએ! પરિણામે હાજી શરીરની ચામડી પર ક્યાંય પાણી ન અડે, એની તંતોતંત કાળજી રાખે છે! વાળ કપાવવા માટે હજામની દુકાને ય પાણીનો છંટકાવ થતો હોય છે, આથી હાજી પોતાના વાળ જાતે જ – જરા વિશિષ્ટ રીતે ‘ટ્રીમ’ કરે છે. લાંબી થયેલી ઝુલ્ફોને કાતરથી કાપવાને બદલે હાજી એને સળગાવી મૂકે છે! સૌથી આશ્ચર્યજનક બાબત તો એ છે કે દાયકાઓ સુધી આવું વિચિત્ર અને જોખમી જીવન જીવતા હોવા છતાં હાજીએ જીવનના સાડા આઠ દાયકા પસાર કરી નાખ્યા છે! સ્વાભાવિક છે કે આવા ગંદાગોબરા માણસને કોઈ પોતાના સમાજમાં રહેવા ન દે. એટલે હાજી પોતાના ગામની બહાર, રણપ્રદેશમાં રહે છે. વસવાટ માટે એ રેતીના ઢગલા વચ્ચે બનેલા ખાડાઓનો ઉપયોગ કરે છે. કોઈક વાર વળી ગામલોકોને દયા આવી જાય ત્યારે તેઓ હાજીને ઈંટો આપે છે. હાજી આ ઈંટો એકબીજા પર ગોઠવી દિવાલ બનાવીને હવામાન સામે રક્ષણ મેળવે છે. રણપ્રદેશની રાત્રિ હાડ થીજાવી દે એવી કડકડતી ઠંડી માટે જાણીતી હોય છે. રાતના સમયે હાજી પોતાને માથે એક જૂનો પુરાણો હેલ્મેટ પહેરીને સુઈ જાય છે. ક્યારેક વળી ગામના લોકો એને વસ્ત્રો અને સિગરેટ્સ પણ ભેટમાં આપી જાય છે.

એમોઉ હાજીને ધૂમ્રપાનનો ભારે શોખ છે. એકસાથે ત્રણ-ચાર સિગરેટ સળગાવીને, સ્ટાઈલમાં આંગળીઓ વચ્ચે ગોઠવીને, બધી સિગરેટમાંથી એક સાથે કશ મારવાની એને મજા પડે છે. પણ ગામલોકો કંઈ રોજ થોડા સિગરેટ આપે? રોજ તલબ લાગે તો શું કરવાનું? હાજીએ આનોય રસ્તો શોધી કાઢ્યો છે. સ્મોકિંગની તલબ લાગે ત્યારે આ ડર્ટી મેન ધાતુના કાટ ખાયેલા પાઈપમાં પશુઓના સૂકાયેલા પોદળા ભરીને ‘હેન્ડ મેઈડ’ ચલમ બનાવીને ટેસથી ફૂંકી લે છે! આસપાસથી પસાર થતા વાહનોના સાઈડ મિરર તૂટી જાય, તો હાજી એ વણી લાવે છે, અને એમાં પોતાનો ચહેરો જોઈને રાજી થાય છે. જો કે પોણા સાત દાયકાથી સ્નાન ન કર્યું હોય, એવા માણસને પોતાનો ચહેરો જોવામાં શું મજા આવતી હશે?! પાણીથી દૂર ભાગતો એમોઉ હાજી શરીરને હાઈડ્રેટેડ રાખવાનું ચૂકતો નથી. રોજનું પાંચેક લિટર પાણી એ અચૂક ગટગટાવી જાય છે!

ઊંઘ્યા વિના કેટલું જીવી શકાય?

ઊંઘ માનવ શરીર માટે બહુ અગત્યની બાબત છે. આજની ફાસ્ટ લાઈફમાં આપણને જાતજાતની શારીરિક અને માનસિક સમસ્યાઓ હોય છે. આ સમસ્યાઓ માટે જવાબદાર ગણાતા અનેક પરિબળો પૈકી, અપૂરતી ઊંઘને એક મુખ્ય પરિબળ ગણવામાં આવે છે. વિજ્ઞાન કહે છે કે ઊંઘ લીધા સિવાય તમે વધુમાં વધુ ૨૬૪ કલાક, એટલે કે અગિયાર દિવસ જીવી શકો. એ પછી તમારી વિકેટ પડી જાય. ઇસ ૧૯૬૫માં રેન્ડી ગાર્ડનર નામની ૧૭ વર્ષીય છાત્રાએ સાયન્સ પ્રોજેક્ટના ભાગરૂપે સતત અગિયાર દિવસ જાગતા રહેવાનો રેકોર્ડ નોંધાવેલો. બીજા કેટલાક પ્રયોગોમાં નોંધાયું છે કે આઠ કે બહુ બહુ તો દસ દિવસ સુધી તમે ઊંઘ વિના ખેંચી શકો. વિજ્ઞાનીઓ હવે તો અનિદ્રા (insomnia)ને ગંભીર રોગનો દરજ્જો આપે છે. અપૂરતી ઊંઘ અનેક શારીરિક અને માનસિક રોગોનું કારણ બની શકે છે. તમારો સ્વભાવ ચીડિયો બની જાય છે અને તમારી નિર્ણયશક્તિ ઉપર પણ વિપરીત અસર પડે છે! પણ થાઈ નોક નામના આદમીનો જન્મ જાણે આ બધા વૈજ્ઞાનિક તથ્યોને ખોટા પાડવા માટે જ થયો છે!

  થાઈ નોકનો જન્મ ઇસ ૧૯૪૨માં વિયેતનામના એક ગામડામાં થયો. થોડા વર્ષો સુધી તો બધું સમૂસુતરું ચાલ્યું, અને જીવનના પ્રથમ ત્રણેક દાયકા જેવો સમય થાઈ નોક બીજા સામાન્ય લોકો જેવું જ જીવન જીવતો હતો. પણ ઇસ ૧૯૭૩માં થાઈ બિમાર પડ્યો. બીમારી એવી કોઈ ખાસ નહોતી. પણ એ બીમારી જે લક્ષણ છોડી ગઈ, એણે નિદ્રાને લગતા વૈજ્ઞાનિક તથ્યોની વાટ લગાડી દીધી! થાઈ નોક બીમારીમાંથી તો સંપૂર્ણ સાજો થઇ ગયો, પણ એની ઊંઘ સદાને માટે ઉડી ગઈ! થાઈને ગમે એટલો શારીરિક કે માનસિક શ્રમ કર્યો હોય, તેમ છતાં પણ ઊંઘ હાથતાળી આપતી રહી. સામાન્ય સંજોગોમાં તમે જો ઉજાગરો કરો તો બીજા દિવસે થાક લાગ્યા વિના ન રહે. જો સતત બે-ત્રણ દિવસ સરખી ઊંઘ ન મળી હોય તો તો એવી પરિસ્થિતિ આવે કે તમે ચાલુ ટ્રેન કે બસમાં ય ઉભા ઉભા ઊંઘ ખેંચી નાખો. પણ થાઈને એવું ય કશું થતું નહિ. એ તો સાવ નોર્મલ – તંદુરસ્ત માણસ તરીકેનું જ જીવન જીવે છે. ઉલટાનું ખેડૂત હોવાને કારણે બીજા લોકોની સાપેક્ષે એનું જીવન વધુ શારીરિક શ્રમ માંગી લે છે. સ્થાનિક છાપાના રિપોર્ટ પ્રમાણે થાઈ નોક રોજ પોતાના ખભા ઉપર ૫૦ કિલોગ્રામની બોરી ઉઠાવીને પાંચ કિલોમીટરનો પગપાળા પ્રવાસ કરે છે. તેમ છતાં એને રાત્રે ઘસઘસાટ ઊંઘવાની તો ઠીક, પણ મટકું મારવાની ય જરૂર નથી પડતી! આ પ્રકારની શારીરિક પરિસ્થિતિ કુદરતી રીતે જ સેટ થઇ ગઈ છે, જેમાં એ ચાહીને પણ બદલાવ લાવી નથી શકતો. નિષ્ણાંતો માટે થાઈ નોકનો કેસ મેડિકલ ફેક્ટસને ખોટા પાડનારો છે, પણ એનું પાછળનું કારણ અજ્ઞાત છે. થાઈને કેમ ક્યારેય ઊંઘ નથી આવતી? આજે ૮૦ વર્ષની ઉંમર નજીક પહોંચેલો થાઈ નોક છેલ્લા પાંચ દાયકાથી ઊંઘ્યા વિના જીવે છે, છતાં એના શરીર પર ઉજાગરાનો થાક વર્તાતો નથી! જો કે ઇસ ૨૦૦૬માં એણે કબૂલ કરેલું કે, “મને મારા શરીર પ્રત્યે કંઈક જુદા પ્રકારની લાગણી થાય છે. મને લાગે છે કે વર્ષોથી ઊંઘ વિનાનું મારું શરીર જાણે પાણી વિનાના છોડ જેવું છે!”

આવો જ એક કિસ્સો ૨૯ ફેબ્રુઆરી, ૧૯૦૪ના ‘ધી ન્યૂયોર્ક ટાઈમ્સ’ અખબારમાં નોંધાયો છે. એ અખબારનો અહેવાલ જણાવે છે કે પહેલી જાન્યુઆરી, ૧૮૬૨ના દિવસે પેરિસમાં જન્મેલ એલ હર્પીન નામનો અમેરિકન માણસ ક્યારેય સૂતો નથી. તબેલાના રખેવાળ તરીકે કામ કરતો હર્પીન ૯૪ વર્ષ લાંબુ જીવન જીવ્યો, છતાં એની તબિયત છેલ્લે સુધી ઘોડા જેવી રહી!

સ્ત્રી શા માટે પાછળ રહે? “જાવ, નથી પીવું મારે પાણી….!”

  જો કોઈ પુરુષ સ્નાન કર્યા વિના કે ઊંઘ્યા વિના લાંબુ જીવન જીવતો હોય અને આખી દુનિયામાં જાણીતો થઇ જતો હોય, તો સ્ત્રીઓએ પણ આવું કશુંક અટપટું કરવામાં શા માટે પાછળ રહેવું જોઈએ? આવો ફેમિનીસ્ટ ટાઈપનો વિચાર લોરી ચીક નામની એક સુંદર મહિલાને આવ્યો હશે કે કેમ, એ આપણે નથી જાણતા, પણ એણે વર્ષોથી પાણી પીવાનું બંધ કરી દીધું છે! આપણે બાળપણથી જ સાંભળતા આવ્યા છીએ કે ‘જળ એ જ જીવન છે.’ પણ લોરી કહે છે કે એને તો પાણીનો ટેસ્ટ જ નથી ભાવતો! લો બોલો, તમને આજ સુધી આવું કહેવાવાળું કોઈ નહિ મળ્યું હોય! લોરી પાણીને બદલે ઇલેક્ટ્રોલાઈટ, કૉફી વગેરે પીવાનું પસંદ કરે છે. એનું કહેવું છે કે “હું ફિટનેસ પાછળ પાગલ છું. ગમે તે થઇ જાય, પણ હું રોજ એક્સરસાઈઝ કરવાનું ચૂકતી નથી. અને વર્કઆઉટ્સ કરી લીધા બાદ હું પાણી નહિ પણ કૉફી પીવાનું જ પસંદ કરું છું.” લોરી પોતે પાણી પીવાના ફાયદા વિષે માહિતગાર છે જ, પણ એનું કહેવું છે કે જો મને પાણી ભાવતું જ નહિ હોય તો પીઉં કઈ રીતે?

ખેર, સબકે અપને અપને ફન્ડે હૈ!


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.