સમીક્ષા

હકારાત્મક અભિગમ

રાજુલ કૌશિક

Question: What is the best advice your mother ever gave you?

આમ તો આ સવાલ બહુ સીધો સાદો જ છે, પણ જ્હોનાથન પેટીટે તેના આપેલા જવાબને કારણે તે બહુચર્ચિત બની રહ્યો છે.

જ્હોનાથન પેટીટ નામથી તો આપણે સૌ સાવ અજાણ્યા છીએ .એ નામ આજ સુધી આપણા કાને પડ્યું પણ નહીં હોય શક્ય છે ભવિષ્યમાં પણ નહીં પડે. પરંતુ એમણે એમના જીવનની એક એવી મર્મ સ્પર્શી વાતનો ઉલ્લેખ કર્યો હતો એ આજે અહીં મૂકુ છું.

એ કહે છે કે જ્યારે તેઓ દસ વર્ષની ઉંમરના હતા ત્યારે એમની માતાએ બનાવેલું અત્યંત ટેસ્ટી ખાવાનું મઝાથી ખાધું. ત્યાર બાદ એ એમની પ્લેટ સાફ કરતાં હતાં ત્યાં એમના માતાએ આવીને કહ્યું, “સોરી દિકરા, આજે પણ ખાવાનું અત્યંત ખરાબ હતું નહીં?”

જ્હોનાથને આશ્ચર્ય અને આઘાત પામતા મા ને કહ્યુ, “ ના , ખાવાનું અત્યંત સ્વાદિષ્ટ હતું. મને ખરેખર ખુબ ભાવ્યું.”

“ખરેખર? હવે આશ્ચર્ય પામવાનો વારો એમની માનો હતો. “તું કાયમ કશું જ બોલ્યા વગર ચૂપચાપ ખાય છે. ક્યારેય કશું કહેતો નથી, મારું બનાવેલું ખાવાનું તને ભાવે છે એવું ક્યારેય તેં મને જણાવ્યું નથી એટલે મેં ધારી લીધું કે તને મારું બનાવેલું ખાવાનું નહીં ભાવતું હોય.”

“ના મા, તું તો ખરેખર શ્રેષ્ઠ કૂક છું.”

“તો તારે મને ક્યારેક તો જણાવવું જોઇતું હતું.” મા એ જવાબ આપ્યો. “જ્યારે કોઇ તમારા માટે કશું સારું કરે ત્યારે તમારે એના માટે ક્યારેક તો ઉલ્લેખ કરવો જોઇએ, ક્યારેક તો જો ક્યારેય પણ એના કરેલા કામની કદર નહીં થાય તો જાણે-અજાણે એનો કશું કરવાનો ઉત્સાહ ઓસરી જશે.

જ્હોનાથન કહે છે, “એ વાત મને ખુબ સ્પર્શી ગઈ, મને એ શબ્દનું મૂલ્ય સમજાયું અને એ દિવસથી મહદ અંશે મેં દરેકનો આભાર માનવાનું શરૂ કર્યું. જ્યારે પણ કોઇએ કરેલી નાની અમસ્તી મદદ માટે મેં આભાર માનવાનું શરૂ કર્યું ત્યારથી એની મને એક આદત થઈ ગઈ અને એની મારા જીવનમાં જાણે જાદુઈ અસર થવા માંડી. હું લોકોને ગમવા માંડ્યો. લોકો મારી સાથે તાદાત્મય અનુભવવા લાગ્યા, મારી સાથે ખુલીને વાતો કરવા લાગ્યા.

એક દિવસ મારા હાઇસ્કૂલના વર્ષના અંતિમ દિવસો હતા ત્યારે હું ઘરે આવ્યો અને મેં એક મોટી ફ્રોઝન કેક ટેબલ પર જોઇ. આદતવશ હું બોલી ઉઠ્યો, “થેન્ક્સ મોમ.”

“એ હું નથી લાવી,” મા એ કહ્યું “એ તારી સ્કૂલના બસ ડ્રાઇવર તરફથી છે.”

હાઇસ્કૂલના વર્ષો દરમ્યાન જ્યારે અમે બસમાંથી ઉતરતા ત્યારે એક માત્ર હું અને મારા સહોદર હતા જે કાયમ એમને થેન્ક્સ કહેતા. આ નાના અમસ્તા શબ્દોએ મારા જીવનમાં ઘણો અગત્યનો ભાગ ભજવ્યો. કદરની પણ કિંમત હોય છે. પ્રશંસાનો એક શબ્દ કેટલો શક્તિશાળી છે એ મને મારી મા એ શિખવ્યું.

હવે આ આખી વાતને જરા અલગ રીતે જોઇએ. આપણે એવા કેટલા લોકોને જોયા હશે કે જેઓ પોતાની જાતને સારા ક્રિટિક – ટીકાકાર, પરીક્ષક, સમાલોચક કે વિવેચક કહેવડાવીને ગૌરવ અનુભવતા હશે પણ હું એક સારો પ્રશંસક છું એવું કહેતા જવલ્લે જ સાંભળ્યા હશે.

હા, પણ સાથે એક વાત પણ એટલી જ સમજી લેવી જોઇએ કે પ્રશંસાના એ મીઠા શબ્દો માત્ર મધમાં બોળાયેલા કે કહેવા ખાતર કહેવાયેલા ન હોવો જોઇએ, એ દિલથી અનુભવેલા પણ હોવો જોઇએ.


સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.>

Author: Web Gurjari

1 thought on “સમીક્ષા

  1. બીજો એક અભિગમ !

    પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી.
    મઝા જે હોય છે ચુપમાં, તે ચર્ચામાં નથી હોતી.

Leave a Reply

Your email address will not be published.