મજા જે હોય છે ચુપમાં

ગઝલાવલોકન

સુરેશ જાની

પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી.
મઝા જે હોય છે ચુપમાં, તે ચર્ચામાં નથી હોતી.

દયામાં પણ નથી હોતી, દિલાસામાં નથી હોતી,
કહે છે જેને શાંતિ દિલની, દુનિયામાં નથી હોતી.

ગુલાબી આંખની રંગીની શીશામાં નથી હોતી,
નજરમાં હોય છે મસ્તી, જે મદીરામાં નથી હોતી.

મજા ક્યારેક એવી હોય છે જે એક ‘ના’ માં પણ,
અનુભવ છે કે, એવી સેંકડો ‘હા’ માં નથી હોતી.

જઇને તૂર ઉપર એમણે સાબિત કરી દીધું,
કે આદમ જેટલી હિંમત ફરિસ્તામાં નથી હોતી.

તમારી આ યુવાનીની બહારો શી બહારો છે !
બહારો એટલી સુંદર બગીચામાં નથી હોતી.

અરે આ તો ચમન છે, પણ યદિ વેરાન જંગલ હો,
કહો જ્યાં જ્યાં તમે હો છો મજા શામાં નથી હોતી?

મોહબ્બત થાય છે પણ થઇ જતાં બહુ વાર લાગે છે,
મોહબ્બત ચીજ છે એવી જે રસ્તામાં નથી હોતી.

ગઝલ એવીય વાંચી છે અમે ‘લીલા’ની આંખોમાં,
અલૌકિક-રંગમય જે કોઇ ભાષામાં નથી હોતી.

અનુભવ એ ય ‘આસિમ’ મેં કરી જોયો છે જીવનમાં,
જે ઊર્મિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.

– ‘આસીમરાંદેરી

તેમનો પરિચય અહીં –    https://sureshbjani.wordpress.com/2008/08/14/asim_randeri/ )

શ્રી. મનહર ઉધાસે ગાયેલા સીમિત શેર વાળો આ વિડિયો માણો.

 

પણ ઉપરની મૂળ ગઝલમાં  તેમણે નહીં ગાયેલ શેર પણ છે.

સાભાર – http://devakagod.blogspot.com/2007/01/blog-post_3723.html

——–

કેટલાં બધાં વરસ બ્લોગ જગતમાં લેખો/ કવિતાઓ લખી/ વાંચી; કોમેન્ટો મેળવી/ આપી?

હવે ચુપ રહેવાનો મહિમા.

આર્ટ ઓફ સાયલન્સ!

અંતરયાત્રાનું એક પ્રદાન – ભાવજગતની માત્ર અભિવ્યક્તિ જ નહીં; આખુંને આખું એ જગત જ, રોમે રોમમાં રમમાણ. જેમ જેમ એમાં ડુબકી વધારે ને વધારે સમય માટે રહેતી થાય; તેમ તેમ ઝાંઝવાના જળ જેવા ‘ગંગાજળ’ માટે કોઈ વલોપાત નહીં. અંદર રહેલા, પોતીકા, તાપીના શીતળ જળનો આકંઠ આસ્વાદ.

તો અનુવિચાર થયો, પણ સાથે પ્રતિવિચાર પણ ઉપજ્યો

ચૂપ રહેવાની વાત સાચી તો છે પણ, જો ચૂપકિદીની આ મજા બધા માણતા થઈ જાય તો? ભેંકાર શૂન્યતા ન વ્યાપી જાય? કોઈ પ્રતિવિચાર રજુ જ ન કરે તો? કદાચ જે છે, તે જ સત્ય છે – એમ માની નવું કોઈ અન્વેષણ પણ ન જ થાય ને?

ચર્ચાના વલોણામાં છાશની જેવા વિચારો વલોવાય તો જ નવી કશીક સંરચનાનું માખણ સપાટી પર તરી આવે નહીં વારૂ?

અને સામ્પ્રત પદ્ધતિ? ચર્ચા પણ નહીં કે ચૂપ પણ નહીં. માત્ર ‘લાઈક’ જ! વાંચવું કે જોવું જરૂરી જ નહીં. ‘કોને વધારે લાઈક મળી?’ – એ વ્યક્તિ જંગ જીતી !

———

     લો! ચર્ચા નહીં કરવાની વાત પર પણ આ અવલોકનકારે એકલા હાથે ત્રણ અભિગમ વિચારી લીધા! બીજા શૂરવીરો કદાચ મેદાનમાં આવે તો બીજાં કોઈક પાસાં પણ છતાં થઈ શકે. વળી આ તો એક જ વિષય થયો. માનવ જીવન અને માનસ સંચારમાં તો અગણિત વિષયો હોય છે. દરેકના બે કે તેથી વધારે પાસાં અને બધાં પોતાની આગવી રીતે સાચાં.   ચર્ચા યુદ્ધો માટે કેટલું મોટું મેદાન? અથવા ચૂપ રહેવા માટે કેટલાં બધાં કારણો?

આ સબબે અવલોકનકારનો માનીતો પ્રશ્ન ઉપસી આવ્યો – સામાન્ય માણસે આ બધી ભૂલ ભુલામણીમાં અટવાયા જ કરવાનું? શું એના માટે કોઈ નિર્ભેળ આનંદ આપે તેવી કોઈ છટકબારી જ નથી?

ના, સાવ એમ નથી. સ્વાનુભવે એ સમજાયું છે કે, સાવ અદના માનવી માટે પોતાનાં આગવાં મેદાનો અસ્તિત્વ ધરાવે છે – એક બે કે ત્રણ નહીં, અનેક ! એમાં બીજા કોઈની સાથે માથાકૂટ કરીને નાહકની પીડા ઊભી કરવાની કોઈ જરૂર જ નથી રહેતી. અથવા સાવ ચૂપ બેસી રહીને સહી ન શકાય તેવી એકલતા કે Boredom ટાળી શકાય છે. જાતે જ એને ‘લાઈક’ કરવાની મજા!

એ માર્ગમાં દિલ ખુશ થઈ જાય એવું કાંઈક કરી કરી શકાય છે – માત્ર નિજાનંદી કારોબાર/ કારીગીરી. એ છે  હોબીમાર્ગ. એ જરાક નિરાળો માર્ગ છે. એમાં અનેક ઉપવનો છે. એનો વ્યાપ એટલો બધો છે કે, એનું માત્ર લિસ્ટ જ બનાવી આ લેખનાં પાનાં વધારવાં નથી!

હોબી પ્રોગ્રામિંગની એક હોબી માત્ર જ  લો. આઠ વર્ષથી આ અવલોકનકાર એનો આશક છે. એમાં ૪૧૫ હોબી પ્રોગ્રામિંગના પ્રોજેક્ટ તેણે બનાવ્યા છે. એ જાણવા અને માણવા ત્યાં ચકલું ય ફરકતું નથી. પણ એનો કોઈ ખેદ તેને નથી. કારણ એ કે, ત્યાં કોડિંગ  કરી અવનવાં સર્જનો બનાવવાનો આનંદ અદભૂત છે. અને એમાં કલાકોના કલાકો ધ્યાનસ્થ બનીને વિતાવી શકાય છે.

એમ બનાવેલો આ એક જ પ્રોજેક્ટ લો –  Matrix designs, Ver – 4.6.  એની લિન્ક આ રહી – https://scratch.mit.edu/projects/455325687

એ શી રીતે બનાવાય એની અંદરની ભાંજગડમાં પડ્યા વિના, એ પ્રોજેક્ટની સહાયથી બનાવેલ આ ત્રણ ડિઝાઈનો જુઓ –  દરેક ડિઝાઈન બનાવતાં માંડ એક મિનિટ થઈ છે.

—-

    જુઓ, માણો, આનંદો. મન થાય તો જાતે બનાવવાની મજા માણો


શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ
· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના
· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.