ભગવાન થાવરાણી
બ્રિટિશ લેખક જેફરી આર્ચરની વાર્તાઓની એક ખાસિયત રહેતી. લગભગ દરેક વાર્તાનું હાર્દ – રહસ્ય હમેશા ખૂલે વાર્તાના છેલ્લા પરિચ્છેદમાં, ક્યારેક તો છેલ્લા વાક્યમાં !
અનેક શેરો બાબતે પણ એમ છે. ઊલા મિસરો સાંભળ્યા – વાંચ્યા બાદ ભાવક ઉત્કંઠ તો હોય જ, પણ સાની મિસરો એ અનપેક્ષિત રીતે વાર કરે કે ભાવક એ મીઠી ચોટનો ચચરાટ મમળાવતો રહી જાય !
પવન દીક્ષિતના અનેક શેરોની આ તાસીર છે. ( એ દીક્ષિત ધનકૌરીના ભાઈ છે જેમના શેરોનો લુત્ફ આપણે આ શ્રુંખલાની એકત્રીસમી કડીમાં લઈ ચૂક્યા છીએ. ) નાની બહેરમાં એમનું આ કૌશલ્ય વધુ મુખરિત થાય છે. જુઓ :
વો ઊંચાઈ છૂ લેગા
ઉસને ઝુકના સીખા હૈ
અને એમની આ વાત કેવી વિચારવાને મજબૂર કરે છે :
ક્યા પતા હૈ કબીર યા શાતિર
વો કિસી સે ખફા નહીં લગતા
અર્થાત જે કોઈથી નારાજ ન હોય, જરૂરી નથી કે એ કબીર જેવો સંત જ હોય, કોઈ ચાલાક ગણતરીબાજ માણસ પણ હોઈ શકે !
અને આ કટુ સત્ય કોણ નથી જાણતું ?
કિતના હમકો ઉન લોગોં ને ભટકાયા
જો કહતે થે, રસ્તા સીધા – સાદા હૈ
અંતમાં આ અદ્ભુત શેર :
ચિડીયોં કો ચુગતે દેખ રહા થા કિ યક-બ-યક
હંસ કર કટોરા ફેંક દિયા એક ફકીર ને …
આ વાત સમજાવવી નહીં ગમે. કેવળ સમગ્ર પરિદ્રષ્ય ફરી વર્ણવી દઉં. એક ફકીર છે જે ચોકમાં દાણા ચુગતી ચકલીઓને ચુપચાપ નીરખી રહ્યો છે. એ કશુંક વિચારી રહ્યો છે. અચાનક એના મનમાં કશુંક ઊગી આવે છે. એ ધીમેકથી મુસ્કુરાય છે. એ પોતાના હાથમાંનુ ભિક્ષા-પાત્ર ફેંકીને આગળ વધે છે. એને શાનું હસવું આવ્યું ? શાનું ? એણે કટોરો કેમ ફેંકી દીધો ? કેમ ? એ ચોક વટાવી કેમ આગળ વધી ગયો ? કેમ ?
તમે જાણો જ છો ..
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
વાઆહ…….
*અજગર કરે ના ચાકરી,
પંછી કરે ના કામ, દાસ મલૂક કહ ગયે,.
સબ કે દાતા રામ…*
કીડી ને કણ, હાથી ને મણ,
દેનારો બેઠો છે તો ભિક્ષા પાત્ર લઇ ને શું કામ ફરું???
શાયર ની તસ્વીર ની જગ્યા એ શૈલેષ લોઢા ની તસ્વીર કેમ????
ધન્યવાદ બહેન !
ફોટો ભૂલથી મુકાયો હતો. હવે સાચો ફોટો મૂક્યો છે.
આભાર !
અદભુત
વાહ. સાચી વાત છે કટોરા ની પણ શું જરુર નું લેશન મેળવી લીધું. ખુબજ સરસ 🙏🙏🙏