ભરત મુનિ (ભરતાચાર્ય) અને નાટ્ય શાસ્ત્ર – એક પરિચય

શબ્દસંગ

નિરુપમ છાયા

હમણાં જ ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૨નાં રોજ પસાર થઈ ગયેલી મહા સુદ પૂનમ  –માઘપૂર્ણિમા- એટલે નાટ્ય શાસ્ત્રના પ્રણેતા ભરત મુનિનો જન્મદિન. ભરતમુનિ વિષે કોઈ જ આધારભૂત માહિતી મળતી નથી. પણ એમ કહેવાય છે કે તેઓ નાટ્ય શાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર અને સંગીત તથા નૃત્ય જેવી લલિતકલાના  પ્રાચીન આચાર્ય હતા. તેમણે નાટ્યશાસ્ત્રના બધા જ વિષયો અભિનયકલા, ન્રત્ય,સંગીત, કાવ્યશાસ્ત્ર, પ્રેક્ષકગૃહ, મંચસજાવટ વગેરેને સમાવી એક સાર્થ  પ્રશિષ્ટ સંસ્કૃત ગ્રંથ તેયાર કર્યો જે આદ્યગ્રંથ અને પ્રમાણભૂત છે. જ્યારે એ બધાં શાસ્ત્રોનો સ્વતંત્રપણે વિકાસ થયો ત્યારે એ બધામાં આદિ આચાર્ય તરીકે ભરતાચાર્ય અત્યંત આદર અને સ્વીકૃતિ પામ્યા છે. એમનો સમય ઘણો વિવાદાસ્પદ છે પરંતુ ભરત કોઈ કાલ્પનિક વ્યક્તિ નથી.  કાલિદાસે પોતાનાં વિક્રમોર્શીયમ નાટક (૨/૧૮)ના શ્લોકમાં, અશ્વઘોષે શારિપુત્ર નાટકના  પ્રકરણમાં કરેલા ઉલ્લેખો  અને ભાસના નાટકોમાં નાટ્યશાસ્ત્રના પ્રભાવ પરથી અને આ મહાન સર્જકોના કાલખંડને તારવીને વિદ્વાનો  એવું નોંધે છે કે ભરતમુનિ ઈ. સ. પૂ. ૪થી થી પહેલી સદીમાં એટલેકે અંદાજે ૨૫૦૦ આસપાસ વર્ષો પહેલાં થઈ ગયા. તેમની રસ અંગેની વ્યાખ્યા, મત અને વિશ્લેષણને પાછળના તમામ  સર્જકો પ્રમાણભૂત ગણીને ચાલે છે.

ભરતને નાટ્યનો ઉપદેશ બ્રહ્મા પાસેથી મળ્યો હતો. ભાગવત, વિષ્ણુપુરાણ અને મત્સ્યપુરાણ અનુસાર ભરત મનુવંશીય રાજા ઋષભદેવના પુત્ર હતા. પછી તેઓ કર્નાટક ચાલ્યા ગયા અને ભરતનાટ્યમનો પ્રચાર પણ ત્યાંથી જ થયો. અભિનવગુપ્તના મત પ્રમાણે નાટ્યશાસ્ત્રની રચના પ્રથમ સદાશિવે કરી, જેની પાસેથી બ્રહ્માએ અને બ્રહ્માએ ભરતને આ શાસ્ત્રનું જ્ઞાન આપ્યું.

નાટ્યશાસ્ત્રના ઉદભવ  અંગે બીજી  એક રસપ્રદ કથા પણ  છે. ત્રેતાયુગના અંત પછી સતયુગનો પ્રારંભ થયો ત્યારે સ્વર્ગના રાજા ઈન્દ્ર બ્રહ્માજી પાસે ગયા અને  જોઈ અને સાંભળી શકાય-દૃશ્ય અને શ્રાવ્ય હોય-એવું દેવોનાં મનોરંજનનું સાધન માગ્યું. બ્રહ્માજી પ્રસન્ન થયા અને શંકર પાસેથી તેમને  મળેલું સ્વરૂપ નાટક આપ્યું. આ સ્વરૂપ ચાર વેદોમાંથી વિવિધ તત્વો લઈને તૈયાર કરવામાં આવ્યું હતું. ઋગ્વેદમાંથી કથાતત્વ, સામવેદમાંથી સંગીત અને અભિનયકળા, યજુર્વેદ અને અથર્વવેદમાંથી રાગ લીધા. તેમણે દેવો પાસે આ સ્વરૂપ પ્રસ્તુત કરાવવા ઈદ્રને સૂચના આપી. પણ દેવોએ આ માટે તોયારી બતાવી નહીં, અને કહ્યું કે ભરતમુનિ આ કળા પ્રસ્તુત કરે. બ્રહ્મા પાસે જઈ ભરતે આ શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કર્યું પછી પોતાના સો  પુત્રોને આ કળા શીખવી. બ્રહ્માજીએ ભરતને એમાં  કૈશિકી એટલે કલાત્મકતા ઉમેરવાની સલાહ આપી. આ માટે એમણે યોગ્ય અપ્સરાઓ પણ સર્જી. પછી ભરતપુત્રોએ ઈન્દ્રધ્વજ મહોત્સવ પ્રસંગે દેવાસુર સંગ્રામનું  કથાવસ્તુ લઈને પ્રથમ  નાટ્ય પ્રયોગ રજુ કર્યો. તે પછી છેલ્લા બે અધ્યાયમાં ભરતે મહેન્દ્ર વિજયોત્સવ ત્રિપુરદાહ અને અમૃતમંથન નાટકો રજુ કર્યાનો નિર્દેશ મળે છે. ભરતપુત્રોએ દેવસભામાં એકવાર ઋષિઓની મશ્કરી કરતુ દુરાચાર દર્શાવતું, ગ્રામ્યધર્મયુક્ત અને અપ્રસ્તુત નાટક પ્રયોજતાં ઋષિઓએ શ્રાપ આપ્યો કે તેઓનું નાટ્યજ્ઞાન નાશ પામશે અને તેઓ નિમ્નકક્ષાના બની જશે. પછી રાજા નહુષ દેવરાજ બન્યા ત્યારે તેમણે ભરતને વિનંતી કરી કે આ નાટક અપ્સરાઓ સાથે પોતાને ઘેર ભજવાય. ભરતે પુત્રોને નહુષને ત્યાં પૃથ્વી પર મોકલ્યા. તેમણે પ્રજાનું મનોરંજન કરી શ્રાપમુક્તિ મેળવી અને પછી પૃથ્વી પર રહી લગ્ન કર્યા. સંતાનોને પણ આ કળા શીખવી તેને જીવંત રાખી. તેમણે જે નાટ્યશાસ્ત્ર રચ્યું તેમાં કર્તાનું નામ નંદિભરત એવું પણ મળે છે. તે ઉપરાંત નંદિકેશ્વર, તંડુમતંગભરત જેવાં વિવિધ નામો પણ પ્રચલિત છે.

સંસ્કૃત નાટકની સમાપ્તિમાં આવતો ગેય મંગળ શ્લોક-આખું નાટક ભજવાઈ ગયા પછી ભરત એટલે નટ  દ્વારા ગાવામાં આવે છે. નાટકના પાત્ર તરીકે અભિનય પૂરો થઈ ગયા પછી નટ પોતાનાં મૂળ સ્વરૂપમાં આવીને જે વાક્ય બોલે છે તેને ભરત વાક્ય કહે છે. જો કે નાટ્યશાસ્ત્રના ગ્રંથોમાં ભરતવાક્ય એવો શબ્દ વાપરવામાં આવ્યો નથી એટલે તેનો બીજો અર્થ ભરત મુનિનું આદરથી સ્મરણ કરતું વાક્ય એવો પણ થાય છે. નાટ્યશાસ્ત્રમાં ભરતમુનિએ પાંચ નાટ્યસંધિઓનાં ૬૪ અંગ ગણાવ્યાં છે. એમાં અંતિમ ૬૪માં  અંગનું  ‘પ્રશસ્તિ’ એવું નામ છે. એમાં શુભ થવાની પ્રાર્થના હોય છે. ભરતવાકયનો શ્લોક  પહેલાં પૂર્વરંગની બાવીસ વિધિઓમાં બોલવામાં આવતો હતો. પાછળથી પુર્વરંગની વિધિઓ ઓછી થતાં છેવટે નાંદી એક જ વિધિ ફરજીયાત બની રહ્યો. આથી ભરતવાક્યનો શ્લોક નાટકના અંતે નાટ્યકારો આપવા માંડ્યા. છેક ભાસ અને કાલિદાસથી માંડીને તમામ સંસ્કૃત નાટકોમાં ભરતવાક્યનો શ્લોક આપવામાં આવ્યો છે. ભરતવાક્યમાં રાજા પોતાનાં રાજ્યનું પાલન પ્રજાહિતને ધ્યાનમાં રાખીને કરે, વરસાદ પડે, ધનધાન્યની સમૃદ્ધિ મળે, સુખ,શાંતિ અને કલ્યાણ લોકોને પ્રાપ્ત થાય, લક્ષ્મી અને સરસ્વતિનું સાહચર્ય વધે, વગેરે આશયોવાળી પ્રાર્થના અથવા રાજાની સ્તુતિ જોવા મળે છે. નાટકનો નાયક કે બીજું કોઈ પાત્ર ભરતવાક્ય રજુ કરે છે.

નાટ્યશાસ્ત્રમાં નાટ્યરચનાના બધા જ નિયમો ઉપરાંત અભિનેતા, રંગમંચ અને પ્રેક્ષકો એ ત્રણેય માટેની પૂર્તિની સાધનાનું વિવેચન હોય છે. નાટ્યશાસ્ત્રના ૩૭ અધ્યાયો છે. પ્રથમ  પ્રકરણ નાટયતા, દ્વિતીય મંડપાધાન, તે પછી ત્રણ અધ્યાયોમાં પૂર્વજન્મની પ્રક્રિયા, છઠ્ઠો-સાતમો  અધ્યાય રસ અને ભાવ, આઠ-નવ અધ્યાય પરિશિષ્ટ અને અંગો દ્વારા અભિનય, તે પછીના ચાર અધ્યાયોમાં ગતિ અને ક્રિયા તે પછી છંદો એમ દરેક અધ્યાયમાં વિવિધ વિષયોની ચર્ચા કરી છે. આ અધ્યાયો વિષે ઊંડાણમાં ક્યારેક ચર્ચા કરીશું. આજે તો ફક્ત પરિચયાત્મક ઉલ્લેખ જ કરીશું.

નૃત, નૃત્ય પરથી નાટક શબ્દ બન્યો છે. તેમાં આલ્હાદકતા, ગીતસંગીત અને મુખજજ અભિનય વગેરે સમાયેલાં છે. ભરત મુનિ લખે છે:

ન તજજજ્ઞાનમ ન તચ્છીલ્પ, ન સા વિદ્યા ન સા કલા
ન સા યોગો ન તત્કર્મ નાટ્યેડસ્મિન યન્નદૃશ્યતે

અર્થાત કોઈ જ્ઞાન, કોઈ શિલ્પ, કોઈ વિદ્યા, કોઈ કર્મ એવું નથી જે નાટકમાં જોવા ન મળતું હોય. નાટ્યશાસ્ત્ર વિષે કહી શકાય કે એ  ભાષણની વસ્તુ નથી, ચર્ચાની વસ્તુ નથી, વિવાદની પણ નહીં, પણ અભ્યાસની વસ્તુ છે., પ્રત્યક્ષ પ્રસ્તુતિ અને દર્શનની વસ્તુ છે. આપણે અગાઉ જોયું કે પાંચ વેદોમાંથી જુદાં જુદાં તત્વો લઈને એની રચના થઈ છે એટલે એક રીતે એને પાંચમો વેદ પણ કહેવાય છે. નાટક કેવું હોવું જોઈએ? ભરતમુનિ કહે છે,

વેદાધ્યાત્મોપન્ન તુ શબ્દચ્છંદ સ્સ્સમન્વિતમ લોકસિદ્ધમ ભવેત સિદ્ધમ

એટલે કે નાટ્ય લોકાત્મક તથા અધ્યાત્મથી ઉત્પન્ન હોય, શબ્દો, છંદો સુંદર હોય પણ લોકો સ્વીકાર કરે એ જ સફળ નાટક. કારણ કે નાટક લોકપરક હોય. એ પણ ધ્યાન રાખવું જોઈએ કે લોકો ઈચ્છે એવું નહીં, પણ લોકરુચિનું ઘડતર કરનારું હોય એ જરૂરી છે. નાટક એ કોઈ પ્રદર્શન કે તમાશો નથી. કરવા ખાતર કે કોઈ કામ નથી માટે નાટક કરવું એવું નહીં પણ નાટક કરવું છે, સારું નાટક કરવાની ઈચ્છા છે માટે નાટક કરવું. સમાજને સમુન્નત, સુશિક્ષિત અને સુસંસ્કારિત કરવાનો નાટકનો ઉદ્દેશ છે એ બહુ મહત્વની વાત છે. નાટક ચેતન તત્વની સામે ચેતન તત્વની પ્રસ્તુતિ છે એટલે બહુ મોટી જવાબદારી બની જાય છે.  અભિનયની મહત્વની વાત કરતાં ભરતમુનિ કહે છે,

યતો હસ્ત તતો દૃષ્ટિ, દૃષ્ટિસ્તતો મન યતો મન સ્તતો ભાવ.

અર્થ સરળ છે, જ્યાં હાથ છે ત્યાં  દૃષ્ટિ, જ્યાં દૃષ્ટિ ત્યાં મન અને જ્યાં મન ત્યાં ભાવ. એટલે અભિનય એક કસોટી કરતી કળા છે.અભિનય શબ્દ અભિ+ની જોડાઈને બન્યો છે. જેનો અર્થ છે, “ની સામે લઈ જવું’ કશુંક લઈ જવાનું છે પ્રેક્ષકો સુધી એટલે એ કલાત્મકતાથી, સમત્વપૂર્વક લઈ  જવાનું છે. આથી ભરતમુનિ અભિનયને ત્રણ પ્રકારમાં વહેંચે છે. આંગિક- શરીરજ, મુખજ અને ચેષ્ટાકૃત એટલે કે શરીર, મુખની વિવિધ ચેષ્ટા, આકૃતિ બનાવીને.

બીજો પ્રકાર છે વાચિક એટલે કે વાણી, કંઠ દ્વારા ઉચ્ચારો, કાકુ, સ્વર, વ્યંજનો , ભાષા  વગેરેથી અને આહાર્યનો અર્થ છે વસ્ત્રો, અલંકાર, અંગ રચના સજ્જીવ થઈને.ચોથો પ્રકાર છે સાત્વિક. વ્યક્તિના મનમાં સત્વ હોય છે. આ સત્વ પાત્ર સાથે જોડાય એટલે ભાવ ઉત્પન્ન થાય. આમ અભિનયમાં મન જોડાય છે.

નાટકના ૧૧  મુખ્ય અંગો છે. રસ. ભાવ, અભિનય ધર્મીવૃત્તિ, રંગમંડપ, પ્રવૃત્તિ, સિદ્ધિ, સ્વર, આતોદ્ય (વાદ્યો સાથેનું) ગાન. રસ નવ છે. શૃંગાર, હાસ્ય કરુણ, રૌદ્ર, ભયાનક, બિભત્સ અદભુત, અને  વીર. નવમો  શાંતરસ  છે પણ એ નાટકમાં ઉપયોગી નથી. એ જ રીતે ભાવ પણ આઠ છે: રતી, હાસ, ક્રોધ, ઉત્સાહ, ભય શોક જુગુપ્સા વિસ્મય. આમાં બધામાં પણ પાછા પેટાપ્રકાર અને એની વિશદ સમજુતી પણ ભરતે આપી છે. એના ઊંડાણમાં જવાનો અહીં  ઉપક્રમ નથી.

ભારતીય રંગભૂમિ સાથે પશ્ચિમની રંગભૂમિમાં પણ આજ રીતે વિચાર થાય છે, સમય સમય પર પ્રયોગો થયા છે એની પણ વાત ભવિષ્યમાં  ફરી ક્યારેક.


શ્રી નિરુપમ છાયાનું વિજાણુ સંપર્ક સરનામું : njcanjar201@gmail.com

Author: Web Gurjari

3 thoughts on “ભરત મુનિ (ભરતાચાર્ય) અને નાટ્ય શાસ્ત્ર – એક પરિચય

  1. ભરત મુનિ અને નાટ્ય શાસ્ત્ર ને લગતો માહિતી પૂર્ણ લેખ વાંચવાની મજા આવી. ઘણું નવું જણાવ મળ્યું.

    1. આભાર…આનંદ..શ્રમસાર્થક્યનો રોમાંચ …

  2. બહુ ઓછા લોકોને ખબર હોય છે.. ભરતમુનિ જયંતિ હોય છે..અને તેમણે નાટયશાસ્ત્ર ની રચના કરી છે.. વાત પહોચાડવા બદલ આભાર, અભિનંદન

Leave a Reply

Your email address will not be published.