લુત્ફ-એ-શેર: મણકો # ૯૨

ભગવાન થાવરાણી

રસા ચુગતાઈનું નામ લેતાં જ યાદ આવે આપણા પોતીકાં ઈસમત ચુગતાઈ આપા. એમ તો રસા સાહેબ પણ ક્યાં પારકા હતા ! જન્મ અહીંના સવાઈ માધોપૂરમાં અવસાન ત્યાંના કરાચીમાં ત્રણેક વર્ષ પહેલાં. રસા એટલે સક્ષમ. નાની બહેરના એમના અનેક શેરોમાં કમાલની સાદગી પણ છે અને ઊંડાણ પણ. આ જુઓ :

કૌન દિલ કી ઝુબાં સમજતા હૈ
દિલ મગર યે કહાં સમજતા હૈ  !
અને વિચારોની આ સુક્ષ્મતા :
તેરે  નઝદીક  આકર  સોચતા હૂં
મૈં ઝિંદા થા કે અબ ઝિંદા હુઆ હૂં
જીવનની આ નક્કર હકીકત :
ઔર  કુછ  યૂં  હુઆ  કે બચ્ચોં ને
છીના – ઝપટી મેં તોડ ડાલા મુજે
એટલે કે બાળકો જેમ રમત-રમતમાં રમકડાં તોડી નાંખે, એમ જ જાણ્યે – અજાણ્યે પોતાના માબાપને પણ પોતાની જિદ્દ અને જરુરિયાતોનું પ્યાદું સમજી બેસે છે. આ કશમકશમાં ક્યારેક માબાપ પોતે તૂટી જાય ! આ તૂટી જવાની પરાકાષ્ઠાનો એમનો આ શેર :
ન જાને ક્યૂં યે સાંસેં ચલ રહી હૈં
મૈં અપની ઝિંદગી તો જી ચુકા હૂં !
અને મારા સમગ્ર માનસ ઉપર વ્યાપ્ત આ શિરમોર :
અજબ મેરા કબીલા હૈ કિ જિસ મેં
કોઈ  મેરે  કબીલે  કા  નહીં  હૈ …
  
શું કહીએ ? આ એક સંવેદનશીલ ઈંસાનનો કણસાટ છે. કહેવા ખાતર આ મારો સમાજ છે પણ અહીં ‘ મારા લોકો ‘ ક્યાં ? અહીં તો કેવળ એ લોકો છે જે આકસ્મિક રીતે ‘ મારા ‘ છે પણ જેમને હું વિશ્વાસ અને ગર્વથી મારા લોકો કહી શકું એવા મારા પ્રકારના, મારી જેમ વિચારનારા, સમજનારા, અનુભવનારા ક્યાં છે ?  બિમલ કૃષ્ણ ‘ અશ્ક ‘ નામના શાયરે કહ્યું છે :
ગુઝરી  તમામ  ઉમ્ર  ઉસી  શહર  મેં જહાં
વાકિફ સભી થે, કોઈ ભી પહચાનતા ન થા..

શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

6 thoughts on “લુત્ફ-એ-શેર: મણકો # ૯૨

 1. વાહ ખુબ જ સરસ. એક એક શેર માં અત્યંત ગુઢ અર્થ સમાયેલો છે. ઘણી વાર એવું જ લાગે છે કે હવે જિંદગી ના આ બાકી રહી ગયેલાં શ્ર્વાસ ને પૂરાં કરવાં સિવાય કોઈ કામ નથી. આપણી જિંદગી તો જાણે જીવાઇ ચુકી છે. ખુબજ પોતીકી વાત લાગે તેવાં શેર. અજબ કબીલા….. શેર નો અહેસાસ તો ખુબજ થાય ભરચક મેળામાં જાણે એકલતા. ખુબ મજા આવી ગઈ. ખુબ ખુબ અભિનંદન તથા શુભેચ્છાઓ સર

 2. અજબ મેરા કબીલા હૈ કિ જિસ મેં
  કોઈ મેરે કબીલે કા નહીં હૈ …

  વાહ, લાજવાબ અભિવ્યક્તિ!

 3. તેરે નઝડદીક આકર સોચતા હૂં
  મૈ ઝિંદા થા કિ અબ ઝિંદા હુઆ હું
  . … અદ્ભુત

Leave a Reply to લલિત ત્રિવેદી Cancel reply

Your email address will not be published.