કબ કે બિછડે હુએ હમ આજ કહાં આ કે મિલે

ફિર દેખો યારોં

બીરેન કોઠારી

ટેક્નોલોજી બેધારી તલવાર જેવી હોય છે, કેમ કે, એ નિર્જીવ છે. તેનો ઉપયોગ કોણ કરે છે એની પર તેનો મોટો આધાર રહેલો છે. ઈન્‍ટરનેટના આગમન પછી ગૂગલ એક મહત્ત્વના સર્ચ એન્‍જિન તરીકે સ્થાપિત થયેલું છે. ગૂગલની પોતાની એક જાહેરખબર બહુ માનવીય સ્પર્શવાળી હતી, જેમાં ભારત અને પાકિસ્તાનના વિભાજન પછી વિખૂટા પડેલા બે મિત્રો બલદેવ મહેરા અને યુસૂફનું પુનર્મિલન તેમનાં પોતરાં ગૂગલના ઉપયોગ થકી કરાવે છે. અલબત્ત, વાસ્તવ પર આધારિત આ કાલ્પનિક કથા છે.

એ અગાઉ, ૧૯૬૫માં પાકિસ્તાન સાથેના યુદ્ધ પછી તેની સાથેના રાજદ્વારી સંબંધોનો અંત આવ્યો. પણ પાકિસ્તાનીઓ સાથે કંઈક સંપર્ક જાળવવાના હેતુથી ૧૯૬૬માં તત્કાલીન વડાપ્રધાન ઈન્‍દિરા ગાંધીના શાસનકાળમાં ઑલ ઈન્‍ડિયા રેડિયોની ઉર્દૂ સેવાનો આરંભ કરવામાં આવ્યો. આ સેવાનું મુખ્ય ધ્યેય પાકિસ્તાનના શ્રોતાઓ સુધી પહોંચવાનું હતું, પણ બહુ ઝડપથી તે ઉત્તર ભારતમાં લોકપ્રિય થઈ ગઈ. ગુજરાતમાં પણ તેનો મોટો ચાહકવર્ગ ઊભો થયેલો. અહીંથી પ્રસારિત થતા અનેક કાર્યક્રમોમાં શ્રોતાઓના બહોળા વર્ગની હિસ્સેદારી રહેતી. આ સેવા પરથી પ્રસારિત થતા એક કાર્યક્રમ ‘આવાઝ દે કહાં હૈ’ અને તેના સંચાલક એ.જબ્બારે અપ્રતિમ લોકપ્રિયતા હાંસલ કરી. મલેકા-એ-તરન્નુમ નૂરજહાંના સ્વરે ગાયેલા ‘અનમોલ ઘડી’ના અમર ગીત ‘આવાઝ દે કહાં હૈ’ની સિગ્નેચર ટ્યૂનથી આરંભાતા અને સમાપન પામતા આ કાર્યક્રમમાં સરહદની બન્ને તરફથી શ્રોતાઓના અનેક પત્રો આવતા. આ પત્રોના અંશનું વાંચન જબ્બારસાહેબ દ્વારા કરવામાં આવતું, જેમાં કાર્યક્રમની પ્રશંસા ઉપરાંત વિવિધ ગીતોની ફરમાઈશ રહેતી, પણ તેનું મુખ્ય આકર્ષણ બની રહ્યું વિખૂટા પડેલા સગાંસંબંધીઓ યા મિત્રોનો પુન:સંપર્ક થવો. સરહદની એક તરફથી કોઈક પોતાના પરિચીતનું નામ અને તેનું કોઈ સ્મરણ પત્રરૂપે જણાવે અને તેનું વાંચન થાય ત્યારે ઘણી વાર તેનો સરહદની બીજી તરફથી પ્રતિસાદ મળતો. આમ, વિભાજનને કારણે વિખૂટા પડેલાં પરિચિતો યા સ્વજનો રેડિયોના પરોક્ષ માધ્યમથી મળી શકતાં. આવું કશું બન્યું ન હોય એવા, અમારા જેવા શ્રોતાઓને પણ આવા કિસ્સા સાંભળીને અનેરો રોમાંચ થતો.

ટેક્નોલોજી હવે તો અનેકગણી આગળ વધી ગઈ છે અને ઈન્‍ટરનેટના માધ્યમે ખરા અર્થમાં ભૌગોલિક સરહદોને ઓગાળી નાંખી છે. આમ છતાં, આ માધ્યમનો ઉપયોગ માહિતીને બદલે ગેરમાહિતી ફેલાવવા અને નફરત તેમજ વૈમનસ્ય ફેલાવવા માટે વધુ થતો રહે છે. આવા માહોલમાં હૈયાને શાતા આપે એવી એક ઘટનામાં ટેક્નોલોજી નિમિત્ત બની.

વિભાજન વેળા સિક્કા ખાન અને તેની મા પંજાબમાં રહી ગયાં, જ્યારે તેના ભાઈ સાદીક ખાન અને તેના પિતાજીએ નવનિર્મિત પાકિસ્તાન જવું પડ્યું. સિક્કાનો ઉછેર પંજાબના ફૂલેવાલ ગામમાં પોતાનાં દાદાદાદી પાસે થયો. વિભાજન વેળા લોકોના માનસ પર છવાયેલા કોમી પાગલપણ વચ્ચે પણ ફૂલેવાલનાં ગ્રામજનોએ ત્યાં વસતા તમામ મુસ્લિમ પરિવારોને રક્ષણ આપ્યું હતું. સરહદપારથી લખાતા પત્રો ખોટા સરનામાને કારણે કદી મળ્યા જ નહીં. પરિણામે તેનો પ્રતિભાવ મળે એ શક્ય નહોતું. એ મૂહુર્ત આવ્યું છેક 74 વર્ષ પછી.

પાકિસ્તાનના એક યૂ ટ્યૂબર નાસિર ઢિલ્લોં ‘પંજાબી લહર’ નામની એક પાકિસ્તાની ટી.વી.ચેનલ પર વિભાજનની કથનીઓ અંગેના વિડીયોનું નિર્માણ કરે છે. પંજાબના પાકિસ્તાન અને ભારતના હિસ્સામાં એ અત્યંત લોકપ્રિય છે. પાકિસ્તાન વસતા સાદિક ખાને સામાજિક નેટવર્કિંગનાં માધ્યમથી પોતાના ભાઈ જોગ એક અપીલ કરી. તેમને ખાતરી હતી કે સરહદની પેલે પાર પોતાનો ભાઈ અવશ્ય હયાત હશે. આ અપીલ કોઈક રીતે સિક્કા ખાન સુધી પહોંચી. તેમણે ઉત્કટતાપૂર્વક તેનો પ્રતિસાદ વાળ્યો. બન્ને ભાઈઓ વિડીયો કૉલના માધ્યમથી રૂબરૂ થયા. સાત સાત દાયકા પછી મળી રહેલા આ ભાઈઓએ સિત્તેર મિનીટ વાતો કરી. ત્યારે બન્નેને ખ્યાલ આવ્યો કે વિભાજન પછી થોડા જ અરસામાં તેમણે પોતાનાં માબાપ ખોઈ દીધાં હતાં. સિક્કા ખાન ચાર જ વર્ષનો હતો ત્યારે તેની માતાએ આત્મહત્યા કરી લીધી હતી. બીજી તરફ વિભાજનને પગલે સર્જાયેલી અરાજકતામાં સાદિકના પિતા તેનાથી વિખૂટા પડી ગયા અને તેમનો કદી મેળાપ થઈ ન શક્યો. આટલા દીર્ઘ અરસા પછી બન્ને ભાઈઓનું આ પ્રથમ મિલન કેવું લાગણીસભર અને હૃદયવિદારક રહ્યું હશે તેની કલ્પના જ કરવી રહી!

એ પછી પ્રત્યક્ષ મળવાનું તેમણે નક્કી કર્યું, પણ બેમાંથી કોઈ પાસે પાસપોર્ટ ન હતો. પાસપોર્ટ તૈયાર કરાવડાવ્યા ત્યારે વીસાનો પ્રશ્ન આવીને ઊભો રહ્યો. એ પછી કોવિડને કારણે સરહદો બંધ કરવામાં આવી. આમ ને આમ બે વરસ વીતી ગયાં. આખરે નવેમ્બર, 2021માં કરતારપુર કૉરિડોરને ખોલવામાં આવ્યો અને ત્યાં બન્ને ભાઈઓનું મિલન ગોઠવાયું.

સિક્કા ખાન સીત્તેર વટાવી ચૂક્યા છે, તો સાદિક ખાન એંસીને પાર છે. સિક્કા ખાનને આશા છે કે પાકિસ્તાનની સરકાર તેમના વીસા મંજૂર કરે, જેથી તે પોતાના ભાઈને અવારનવાર મળતા રહી શકે. આટલા વરસના જુદારા પછી હવે પોતાનું શેષ જીવન તેઓ સતત મળતા રહીને ગુજારવા માંગે છે.

બન્ને ભાઈઓ જે દેશમાં વસે છે તેના રાજદ્વારી સંબંધો એવા રહ્યા છે કે તેઓ ભેગા રહી શકે એ શક્ય નથી. આ બન્ને ભાઈઓની જેમ વિખૂટા પડ્યાના અનેક કિસ્સા હશે, અને એમાંના ઘણાખરાને પોતાનાં સ્વજનના મેળાપનું સદનસીબ પ્રાપ્ત નહીં થયું હોય. આમ જોઈએ તો, આ બન્ને દેશ પણ એક માનાં બે સંતાનોની જેમ જ વિખૂટા પડેલા છે. બીજી અનેક રીતે સાંસ્કૃતિક સામ્ય હોવા છતાં તેમની વચ્ચે રાજદ્વારી સંબંધો હંમેશાં તંગ રહ્યા છે. ટેક્નોલોજી થકી મિલનની આવી કોઈ સુખદ અને સંતર્પક ઘટના બને ત્યારે ટેક્નોલોજીના ઉપયોગથી જ ધિક્કાર અને નફરત પ્રસરાવીને ફાટફૂટ પડાવનારાઓની પીછેહઠ થતી જણાય છે. ભલે વાસ્તવમાં એમ ન હોય, પણ એવી કલ્પના કરવી ગમે છે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૭ -૦૨ –૨૦૨૨ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.