ઓટલા દાવ : વેઠીને મેળવનારની કથા

પુસ્તક પરિચય

ચૈતાલી ઠક્કર

આત્મકથનાત્મક સાહિત્યસ્વરૂપોમાં સંસ્મરણકથા એક આગવું સંવેદનલોક રચી આપે છે. પાશ્ચાત્ય સાહિત્યના પ્રતાપે આપણે ત્યાં ગુજરાતી સાહિત્યમાં આ પ્રકારનું લેખન સૈદ્ધાંતિક રીતે આકારિત થતું જોવા મળે છે. કાકાસાહેબના જેલજીવનના અનુભવો હોય કે જયંત પાઠકના પ્રકૃતિમય બાળપણના વર્ષો હોય – આ સંસ્મરણો ભાવકને સર્જકના જીવનના વૈવિધ્યસભર પાસાઓ વડે જ તેમનો પરિચય કરાવે છે. સંસ્મરણ અંગે કહેવાયું છે,

“વ્યક્તિગત અનુભવોની સ્મૃતિઓ સહારે રચાયેલું ઇતિવૃત્ત એટલે સંસ્મરણ.”

આવું જ એક સંસ્મરણોનું પુસ્તક એટલે ડૉ. દર્શના ધોળકિયાનું ‘ઓટલા દાવ’. લેખિકાનો પરિચય અને ઘડતરથી માંડીને જીવનના મહત્વના અંશો આ પુસ્તકમાં રસાત્મક રીતે નિરૂપણ પામ્યાં છે. પુસ્તકના મુખપૃષ્ઠથી કૃતિનો આસ્વાદ આરંભાય છે અને ‘ઓટલાદાવ’ની રમત મંડાયાનો પ્રતીકાત્મક આલેખ મળે છે. જે રમત આરંભાઈ છે જીવનની કોઈ સવારે.. અને આ પુસ્તક જીવનના છ દાયકા પસાર થયા પછી લેખિકા પાસેથી મળે છે. જીવનના ઉતાર-ચડાવ, કેટલાંય પરિમાણો એક બાળસહજ રમતની જેમ રમી લેવાની મજા કે આનંદ સૂચવે છે. તો સાથે સાથે એક સાક્ષીભાવ પણ અહીં જોઈ શકાય છે. પ્રસ્તાવનામાં આ અંગે લેખિકા નોંધે છે,

“નાનપણમાં મારા ઘરમાં અમે ‘ઓટલાદાવ’ નામની રમત રમતાં જેની વાત અહીં મેં માંડવા ધારી છે. જીવનને રમત ગણવાનું આપણા ઋષિઓએ આપણને શીખવાડ્યું છે, જે તેમના માટે સહજસાધ્ય હતું, પણ મારા જેવાને માટે તો એવું કેમ અને ક્યાંથી જ બને? પણ જીવતરના છ દાયકે  વહી ગયેલા જીવતરના પ્રવાહને કિનારે ઊભીને જોઉં છું ત્યારે લાગે છે કે જીવતર કદાચ રમત જેવું સરળ તો નથી લાગ્યું, પણ એણે આપેલો આનંદ મને રમતિયાળ બનાવવામાં મહદંશે કારગત બન્યો છે.”

એક નિખાલસ કબૂલાત અને જીવન પ્રત્યેનો હકારાત્મક દૃષ્ટિકોણ અહીં રજૂ થયો છે. વાચકને આરંભે જ જાણીતા સર્જક હરિકૃષ્ણ પાઠકનો આ પુસ્તક અંગેનો અભિપ્રાય પણ મળે છે. આમ તો ‘કુમાર’માં લેખિકાની લેખમાળા પુસ્તકરૂપે આકારિત થાય છે ડિસેમ્બર, ૨૦૨૧. જે પછીથી પુસ્તકરૂપે પરિણમે છે અને ખાસ તો જ્યારે લેખમાળા નિમિત્તે સર્જકને ‘કુમારચંદ્રક’ પ્રાપ્ત થાય છે, ત્યારે સર્જકની સત્વશીલ કલમ પોંખાઈને વાચકો સમક્ષ આવે છે. પ્રસ્તુત પુસ્તકમાં કુલ ૩૬ પ્રકરણો અને દરેકના મનોરમ્ય કાવ્યાત્મક શીર્ષકો ધ્યાન ખેંચ્યા વિના ન રહે. જેમ કે, પોતાના જન્મ અંગેની વાત ‘પૃથ્વી પટે પ્રવેશની ક્ષણે’, તો વળી ‘રમતાં રમતાં લાધી ભાળ’ વિશેષ વાત વણાઈ છે, તો ગુજરાતી સર્જકોની પંક્તિઓ જુદા અર્થ સાથે પ્રકરણના શીર્ષક તરીકે સ્થાન પામી છે. કેટલાક ઉદાહરણો જોઈએ,

 • ‘વળી નવા આ શૃંગ’
 • ‘પંચમી આવી વસંતની’
 • ‘ઊભા રહો તો કહું વાતડી’

આ શીર્ષકો જોતાં લાગે છે કે સર્જક પાસેથી આમ સીધું પદ્યસર્જન નથી મળ્યું, પણ જીવનના આવા પ્રસંગોને તેઓ કાવ્યમય શીર્ષકોથી ભરી આપે છે. આ બધાં જ પ્રકરણોમાં કેટકેટલા પરિમાણો વ્યક્ત થઈ, એકબીજામાં ભળી ગયા છે. આ સઘળું જ્યારે એક ચોક્કસ ક્રમમાં આવે છે, ત્યારે ભાવકને જરૂર તે કોઈ આત્મકથા વાંચતો હોય તેવો ભાસ થાય છે; તો સ્વરૂપની દ્રષ્ટિએ જોતા આત્મકથા અને સંસ્મરણકથા વચ્ચે ભેદ છે, પણ તેને પારખવો પણ મુશ્કેલ છે. આ અંગે કહેવાયું છે,

“આત્મકથા આત્મ–સ્વ-ની કથા છે, જ્યારે સંસ્મરણ સ્મૃતિકથા છે. સ્મરણકથા છે. આત્મકથામાં ‘સ્વ’નો મહિમા છે; સંસ્મરણમાં ‘સ્મૃતિ’નો. આત્મકથા સ્વરૂપ ઘડતરની કથાના હેતુથી સ્મૃતિનો સાધન તરીકે ઉપયોગ કરે છે. સંસ્મરણમાં સ્મૃતિ જ સાધ્ય છે.

પ્રસ્તુત વિધાન ‘ઓટલાદાવ’ માટે જોતાં સુસંગત જણાય છે, કેમ કે અહીં ‘સ્વ’ કરતાં ‘સ્મૃતિ’નો જ તો મહિમા થયો છે. જો કે એમાં ક્રમશઃ આવતા પ્રસંગો જે રીતે આલેખાયાં છે, તે આત્મકથાસ્વરૂપની શિસ્ત પ્રગટ કરે છે. પણ તે આ કૃતિનું જમા પાસું છે. સળંગ ૧૭  પ્રકરણોમાં લેખિકાના જન્મ, ઉછેર, ઘડતર, આરંભકાલીન શિક્ષણથી માંડીને પીએચ.ડી. સુધીના અભ્યાસની વાત વણાઈ છે; તો ત્યારપછીનાં પ્રકરણોમાં વ્યાવસાયિક કારકિર્દી, ગુરુજનો, વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીગુરુઓ, સાહિત્યિક નિસ્બત ધરાવતા વ્યક્તિઓ, સર્જકો, પુસ્તકસર્જનથી પુરસ્કાર સુધીની યાત્રા આલેખાઈ છે, એમ કહી શકાય કે સ્વના કેન્દ્રથી સમષ્ટિના પરિઘ સુધીની જીવનયાત્રાના ચમકદાર પ્રસંગોની આ મધુર યાત્રા છે. ચમકદાર એ અર્થમાં કે આ પ્રસંગો તારલાસમ ચમક્યા કરે છે, ટમક્યા કરે છે. શું કડવા – માઠા પ્રસંગો નહીં આવ્યા હોય તેમના આ છ દાયકાની સફરમાં? પણ તેમણે જે પસંદગી કરી છે તે તારાઓના નિત્ય નિરંતર પ્રકાશની. આ પ્રસંગોમાં મોટે ભાગે તો જીવનનો કલાનુક્રમ જળવાયો છે. તો વળી ક્યાંક કોઈ પ્રસંગને ટાંકતાં ટાંકતાં ભૂતકાળમાં ફરી પાછા સરી પડતાં જણાયાં છે.

અહીં જે પાત્રસૃષ્ટિ છે તે સ્વાભાવિકપણે વાસ્તવ જગતનો નિર્દેશ કરતાં પાત્રો છે. બા, બાપુજી, નાના, નાની, રેવાકુંવર, પ્રવીણાબહેન, કુંજલતાબહેન, શાળાના શિક્ષકો, કોલેજના અધ્યાપકો, વિદ્યાર્થીઓ, સર્જકો વગેરેનો આ નિમિત્તે લેખિકાની નજરે પરિચય થાય છે. જેમાં ‘ત્રણ આધારસ્તંભો’માં તેઓ – બા, ગુરુવર્યો મહેતાસાહેબ અને કોઠારીસાહેબને ગણાવે છે. જેને કારણે પોતે જીવનમાં કશુંક બની શક્યા તેનો આધાર આ ત્રણેય વ્યક્તિઓને સૂચવી અને છેવટે તો તેમના વ્યક્તિત્વનો ઉમદા પરિચય આપે છે. તેમના બા વિશે આમ તો સમગ્ર પુસ્તકમાં વાત સવિશેષપણે વણાઈ જ છે, પણ એક-બે પ્રસંગો ચિત્તને આંદોલિત કરી જાય તેવા છે. પોતાની બહેનને નાની ઉંમરે ન પરણાવવા વિશે તેમના બાનું નાની વયે જ ઉપવાસ પર ઉતરવાનું વલણ, તો વળી લેખિકાને બાળવયમાં કોઈ કારણસર શાળામાં બાને લઈને જવાનું થાય છે, ત્યારે જે રીતે શિક્ષિકાબહેન શિષ્યાને દર્શનાને અને ઊભા થવા કહે છે. તે સમયે તેમના બા કહે છે,

“અત્યારે શાળાનો સમય પૂરો થઈ જવાથી એ ઊભી નહીં થાય. અત્યારે તમે મને મળવા બોલાવી છે….”

અહીં જે વિધાન ઉચ્ચાર્યું તેમાં લેખિકાના માતાની આ ખુમારી ખુદમાં ખરી, પણ તેમના નાની ચંચળકુંવરની યાદ અપાવી જાય છે. અગાઉ ‘ભોંય તારી મેં ચૂમી’ લેખમાં તેમના માતાએ ચારિત્ર્ય અને એ અંગે આપેલ તાલીમ આજની કોઈ આધુનિક માતાને પણ પાછળ પાડી દે તેવી રીતે અપાઈ છે. જે આ પુસ્તકમાં પણ સમાવિષ્ટ છે.

પ્રસ્તુત સંસ્મરણોમાં દરેક પ્રકરણના અંતે પોતાને સભરતાનું તત્વ ઈશ્વરે બક્ષયાનો સંતોષ જોઈ શકાય છે. હા, અતીતરાગ અહીં છે, પણ તે કરુણને બદલે ગૌરવાન્વિત તરાહે રજૂ થયો છે. જો સાંઈ મકરંદ જીવનના રાહને ચીંધનાર બન્યા અને કહ્યું ‘વેઠીને મેળવો’, તો ગોંડલ રહેતા ફુવાના અંત સમયના વાક્યો હોય કે પિતાના અંત સમયની સ્થિતિ હોય કે પછી રેવાકુંવરે કે પછી પ્રવીણાબહેને આપેલ પ્રગટ અપ્રગટ ઉછેરની તાલીમ હોય કે જીવનના અનાયાસપણે અપાયેલા બોધપાઠ લેખિકાને ઘડવામાં મહત્વના બની રહ્યાં છે.

તત્કાલીન સમય અને સ્થળમાં કચ્છ અને ખાસ તો ભુજની ફળિયા સંસ્કૃતિ, એકમેક પ્રત્યેનો સદભાવ, આત્મીયતા તેમજ નાગરકુટુંબોના સમકાલીન પ્રવાહો કરતાં જરા જુદા પડી આગળ ચાલવાના  શિસ્તથી ભાવકને પરિચિત કરાવતા જાય છે. સાંપ્રત સમયમાં વિલીન થવાને આરે આવેલ ફળિયા સંસ્કૃતિ વિશે સુરેશ દલાલની પંક્તિ યાદ કરી લેખિકા કહે છે,

“અમે જોયું અમારું ફળિયું,
જેણે અમારૂં જીવતર છલોછલ ભરિયું.”

આવી આ ફળિયા સંસ્કૃતિમાં મેળાવડા તેમજ મામાને ત્યાં વિતાવેલી સાંજ અને આવી તો કેટલીય સાંજ તેમના જીવતરને ભાથું આપતી રહી. મામા કાંતિપ્રસાદ હોય કે ફળિયાની, પાડોશની અંતરંગ બની ગયેલ વ્યક્તિ હોય, આ સૌ પાત્રસૃષ્ટિ તેમની જ કૃતિ ‘પરિચયપર્વ’ની યાદ અપાવ્ય વીણા ના રહે.

સંસ્મરણોના આ પુસ્તકના દરેક પ્રકરણનો આરંભ નાવીન્ય સભર છે. પોતાના વિદ્યાર્થી મેહુલના ઘરનું વાતાવરણ અને તેમાંથી પોતાના બાળપણની ફળિયા સંસ્કૃતિ તરફ ભાવકને તે દોરી જાય છે. તો વળી પ્રાથમિક સર્જકોના શિક્ષણની વાત માંડીને પછી પોતાના બાલ્યકાળના શિક્ષણ અને યાદોની કથા આગળ વધતી જોવા મળે છે, પોતાના અંગત સ્વજનો અને સાથે વિશિષ્ટ વ્યક્તિત્વો – જેમકે ગાંધીજી, માળવંકરજી, મકરંદ દવે, ઉમાશંકર જોશી, જયંત કોઠારી, હરિવલ્લભ ભાયાણી, રઘુવીર ચૌધરી વગેરે સર્જકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લેખિકાના જીવનને આગવો દ્રષ્ટિકોણ આપતા રહ્યા છે; તો ‘આદર્શ હિંદુ હોટલ’ની પ્રસ્તાવનાને યાદ કરીને નાના માણસની મોટાઈની સરાહના કરતાં તેઓએ પડોશીઓ, સહકર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને આ વિદ્યાર્થીઓના માતા-પિતા સાથેના અનુબંધને પણ અહીં સમાવ્યા છે. જે તેમની વિદ્યાર્થીપ્રિય છબિ ઉપસાવી જાય છે.

આમ તો સંસ્મરણકથાના સર્જકે સંસ્મરણ આલેખતા આલેખતા જાતને પણ અનાયાસ પ્રગટ કરી જ હોય છે અને કરી છે. જે ‘ઓટલાદાવ’માં જોઈ શકાય છે.

જીવનના આરંભકાલીન વર્ષોમાં પિતાને ગુમાવવા, એ ખાલીપો, બાનું વૈધવ્ય, ઘરની સાધારણ પરિસ્થિતિ, સરળ – આડંબરરહિત જીવનશૈલી, નાનપણથી મળેલ લક્ષ્મણનો અધ્યાત્મભાવ, સાંઈ મકરંદના આશિષ, સંઘર્ષની સ્થિતિમાં પીએચ.ડી. સુધીનો અભ્યાસ, યુવાનીમાં જ્યારે મા સાથેના ગાઢ અનુબંધને માણવાનું થયું ત્યાં બાનું જીવનમાંથી વિદાય થઇ જવું, કોઠારી સાહેબની વિદાય – આમ  કેટલાંય પ્રસંગો કરુણના આલેખનરૂપ બન્યાં છે. જેમાં ભાવક પણ સર્જક સાથે જોડાય છે. તો આ કરુણ છે પણ મનને ઉપશમ સુધી લઇ જાય છે. તેમાં ક્યાંય ઉચાટ કે દર્દ નથી. હા, એમ કહી શકાય કે ઝીણું ઝીણું ક્રંદન જરૂર છે.

પ્રકરણોના આરંભ અને અંતના પ્રસ્તુતિકરણનું વૈવિધ્ય, પ્રકરણમાં વાસ્તવની કથા અને તે કથાની કૃતક ન લાગે તેવી અનાયાસ અભિવ્યક્તિ અને પદ્યાત્મક લય ધરાવતું ગદ્ય આ સંસ્મરણની વિશેષતા છે, તો કબીર, નરસિંહ, ઉમાશંકર વગેરે કવિઓ પ્રકરણની શીર્ષક પંક્તિમાં આવીને સર્જકચિત્તમાં તેમના સ્થાન વિશેની પૂર્તિ કરતાં જાય છે. ‘રામાયણ’ અને ‘મહાભારત’ જે તેમના પ્રિય ગ્રંથો છે – તેમાંથી જીવન પ્રત્યેનો હકારાત્મક દ્રષ્ટિકોણ, જિંદગીના આટાપાટાને ઓટલાદાવની રમત સાથે સરખાવતા લેખિકા ‘વેઠીને મેળવનાર’ સર્જક બન્યાનો  ભાવક પરિતોષ અનુભવે છે. અંતે તેઓ મહાભારતનું વિધાન યાદ કરતાં કહે છે,

“દીર્ઘકાળ ધુમાડિયા રહેવા કરતાં ક્ષણભર ભભૂકીને સમાપ્ત થઈ જવું શ્રેયસ્કર છે.”

કથાના અંતે અખંડલહરીનો અનુભવ ભાવકને ક્ષણિક વિચારવંત કરી મૂકે છે. ગુજરાતી સાહિત્યમાં સ્ત્રીસર્જકો પાસેથી આંગળીને વેઢે ગણી શકાય તેવાં સંસ્મરણોમાં ‘ઓટલાદાવ’ એક નોંધનીય સ્થાન શોભાવતી કૃતિ બની રહેવાનું માન અને સ્થાન પામે છે.


ઓટલા દાવ (c) દર્શના ધોળકિયા
પ્રથમ આવૃતિ; પૃષ્ઠ : ૧૦+૧૭૪; કિંમત – રૂ,૨૨૦/-
પ્રકાશક: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ ૩૮૦૦૦૧
ઈ-મેલ :gurjari@yahoocom


નોંધ:

ડૉ. રમઝાન હસણિયાએ ‘ઓટલા દાવ’ને શ્રાવ્ય સ્વરૂપે રજૂ કરેલ છે છે તેમની યુટ્યુબ ચેનલ પર સાંભળી શકાય છે. નમુનારૂપ પહેલું પ્રકરણ


સુશ્રી ચૈતાલી ઠક્કરનો સંપર્ક cbchaitub@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.


આ શ્રેણી માટે કોઈ પુસ્તક મોકલવા ઈચ્છે તો શ્રેણી સંપાદક પરેશ પ્રજાપતિને તેમના વિજાણુ સરનામા pkprajapati42@gmail.com પર સંપર્ક કરી પુસ્તકો મોકલવા વિનંતી.

Author: Web Gurjari

4 thoughts on “ઓટલા દાવ : વેઠીને મેળવનારની કથા

 1. ગુજરાતી સાહિત્યની જૂજ આત્મકથાઓમાં આ આત્મકથા તેની કેટલીક વિશેષતાઓને જુદી પડતી કૃતિ બની છે. બેન ડૉ.ચૈતાલી ઠક્કરે બહુ જ સ્વસ્થ ને છતાં ભાવસભર રીતે કૃતિનો પરિચય કરાવ્યો છે.

  લેખિકાને ધન્યવાદ આપવાનું ગજું તો ક્યાંથી લાવવું પણ આનંદ તો વ્યક્ત કરી જ શકું..

  -રમજાન હસણિયા

 2. કોઈ મને કહેશો કે આ ઓટલાદાવ પુસ્તકકયાંથી મળે?
  હિમાંશુ ત્રિપાઠી 518-377-1418; hptripathi@gmail.com
  Thanks “Gurjari friends”.

  1. લેખને અંતે પ્રકાશકના સંપર્કની વિગતો આપેલ છે.

Leave a Reply

Your email address will not be published.