સૂરની અખંડ જ્યોત: લતા મંગેશકર

લ્યો, આ ચીંધી આંગળી

રજનીકુમાર પંડ્યા

સંગીત અને વિશેષ તો ફિલ્મસંગીતના ક્ષેત્રમાં એક અનન્ય અને અદ્વિતીય સ્થાન ધરાવતાં, સૂર અને સ્વરથી અમર રહેવા સર્જાયેલાં એવાં લતા મંગેશકરનું ૬ઠી ફેબ્રુઆરી, ૨૦૨૨ના દિવસે વહેલી સવારે દેહાવસાન થયું. તેમના વિષે અસંખ્ય પુસ્તકો લખાયાં છે અને ઈન્ટરનેટ પર પણ ધોધબંધ માહિતીઓ ઉપલબ્ધ છે અને હવે તો વિશેષ રૂપે દિવસો સુધી ઠલવાયા કરશે. એમાં ક્યાંક થોડી અતિશયોક્તિ હશે તો ક્યાંક અહોભાવથી પ્રેરિત ભેળસેળ પણ હશે. અહીં એમના વિષે અતિ જાણીતી અને ચવાઇ ગયેલી માહિતીઓનું શબ્દો બદલીને પુનરાવર્તન કરવાને બદલે કંઈક વિશિષ્ટ વાત કરવાનો ઈરાદો છે.

હિંદુ પરિવારોમાં બાળકનો જન્મ મોટે ભાગે એમના મોસાળમાં થતો હોય છે એ રીતે લતાજીના જન્મસ્થાન તરીકે અનેક લોકો એમનું નામ મધ્યપ્રદેશના શહેર ઈન્દોર સાથે જોડે છે, પણ તે સાચું નથી. તેમનો જન્મ તો મહારાષ્ટ્રના ખાનદેશ વિસ્તારના ધૂલે (ગુજરાતીમાં ઘણાં તેને ‘ધુળીયા’ તરીકે ઓળખે છે) જીલ્લાના શીરપુર તાલુકામાં આવેલા અને તાપી નદિના કિનારે વસેલા થાલનેર નામના નાના ગામડામાં થયો. એ ગામડાનું અસલ અને પૌરાણિક નામ ‘સ્થાલને૨’ હતું. પણ લોકોના સરળ ઉચ્ચાર કરવાના વલણને હવે તે ‘થાલનેર’ તરીકે ઓળખાય છે. તે જ ગામના પાદરમાં ‘સ્થાલેશ્વર મહાદેવ’નું મંદિર છે, જે જર્જરિત થઈ ગયું ત્યારે તેનો જીર્ણોદ્ધાર રાણી અહલ્યાબાઈ  હોલકરે સાલ ૧૭૯૦ ની આસપાસ કરાવેલો. શીરપુર શહેરથી તે માત્ર પચાસેક કિલોમીટ૨ જ દૂ૨ છે. ૨૦૧૧ની વસ્તીગણતરી અનુસાર આજે તેમાં માત્ર ૨૫૦૦ ઘરની વસ્તી છે. એટલે કે હવે તે મધ્યમ કદનું નહીં, પણ સાવ નાનું કદ ધરાવતું નાનું ગામડું બની રહ્યું છે. તેમ છતાંયે તેનું મૂલ્ય જરા પણ ઓછું આંકી શકાય નહીં, કારણ કે મહત્વ મકાનનું નહીં, ભૂમિનું છે.

વર્તમાનનું ઐતિહાસિક મહત્વ તો આજે પ્રસ્તુત છે એવા સાવ જુદાં જ કારણે છે અને તે એ કે એ મહાન, જાજ્વલ્યમાન ગાયિકા લતા મંગેશકરનું એ જન્મસ્થળ છે. (જન્મઃ ૨૮ સપ્ટેમ્બર ૧૯૨૯, જો કે કેટલાક પુસ્તકોમાં તે સાલ ૧૯૨૮ લખવામાં આવી છે.) અહીં તેનું મોસાળ હતું અને તેના માતાના દાદા (માતાના પિતામહ) શેઠ હરિદાસ રામદાસ લાડ ગુજરાતી હતા, જે બહુ મોટા વેપારી અને એ જમાનાના સમૃદ્ધ એવા આ થાલનેરમાં મોટી મોટી આલિશન હવેલીઓના માલિક હતા. તેમના વિષે જો કે બહુ વિગતો ઉપલબ્ધ નથી, પણ વયોવૃદ્ધ લોકો કહેતા હતા કે સમય જતાં તેમની સમૃદ્ધિ ક્ષીણ થઇ ગઈ અને પોતાનું એ ઘર કે જેની દિવાલો વચ્ચે લતા મંગેશકર જેવી મહાન અને અમર રહેવા સર્જાયેલી સંગીતકિન્નરીએ આ પૃથ્વી પર પોતાની જીંદગીનો પહેલો શ્વાસ લીધો તે એના જન્મસ્થાનનું પોતાનું એ મકાન પણ ઘર વેચી દીધું. હવે તેમનું કોઈ ભૌતિક-સ્થૂળ સ્મૃતિચિહ્ન ત્યાં રહ્યું નથી. છતાં આજે પણ લોકો એ ગામને  આજે ‘લતા મંગેશકર’ના જન્મ સ્થળ તરીકે યાદ કરે છે.

પિતા- નાટ્ય અને સંગીત કલાકાર એવા દિનાનાથ મંગેશકર( જન્મ ૧૯૦૦)ના પ્રથમ લગ્ન આ થાલનેરના ગુજરાતી શેઠ હરીદાસની દિકરી નર્મદા સાથે ૧૯૨૨માં થયાં, પણ એમને કોઇ સંતાન ન થયું એટલે પોતાનાં નાની સાળી સેવંતિ સાથે ૧૯૨૭માં એમણે બીજું લગ્ન કર્યું, જેના ફળસ્વરૂપ ૧૯૨૯માં તેમને ત્યાં જે પુત્રીસંતાન જન્મ્યું તેનું નામ તેમણે હેમા પાડ્યું પણ આગળ જતાં તેમણે નાટક ‘ભવબંધન’ના મુખ્ય પાત્ર લતિકા પરથી લતા રાખ્યું.

તેર વર્ષની વયનાં લતા હજુ તો પિતા પાસે સંગીતના પ્રારંભિક પાઠ લઈ રહ્યા હતાં ત્યાં તો ૨૪ એપ્રિલ,  ૧૯૪૨ના દિવસે તેમનું હૃદયરોગથી અવસાન થયું. એ પછી તો સાવ છત્રવિહોણા થઇ ગયેલા એવા મંગેશકર પરિવારે પિતાના અવસાનના બીજા જ વર્ષથી પિતાની નાટકમંડળીના સરંજામ સાથે ઈન્દોરમાં નાના નાના કાર્યક્રમો શરુ કર્યા, (જુઓ એની એક વિજ્ઞપ્તિ) પણ એમાં ભલીવાર ન વળતાં મુંબઇ સ્થળાંતર કર્યું.

એ સ્થળાંતરના પ્રેરક હતા એમના કૌટુંબિક મિત્ર અને મરાઠી ફિલ્મનિર્માતા તેમજ અભિનેતા એવા માસ્ટર વિનાયક. આગળ જતાં હિંદી ફિલ્મોની સુપ્રસિદ્ધ અભિનેત્રી તરીકે પોતાનું સ્થાન જમાવનારી નંદા તે એમની જ પુત્રી. મુંબઈ આવ્યા પછી પણ એ પરિવારની સંઘર્ષકથા અતિ દારુણ અને લાંબી છે, જે આમ તો અતિ જાણીતી છે. પણ થોડી ઓછી જાણીતી વાત એ છે કે  જે વર્ષે પિતા અવસાન પામ્યા એ જ સાલ ૧૯૪૨માં એમણે એ તેર વર્ષની ઉંમરે પહેલી જ વાર વ્યાવસાયિક ધોરણે મરાઠી ફિલ્મ ‘किती हसाल’માં એક ગીત ગાયું, પણ એ ગીતને ફિલ્મમાંથી બાતલ કરી નાખવામાં આવ્યું હતું. એ પછી મરાઠી ફિલ્મ ‘गजा भाउ’માં એમણે એક હિંદી ગીત ‘માતા એક સપૂત કી ગાયું,  એ પછી હિંદી ફિલ્મ ‘બડી માં’માં તેમનો એક સહગાન(કોરસ)માં સ્વર લેવામાં આવ્યો, જેમાં એમના ભાગે ગાવાની આવેલી પંક્તિઓ એમના પોતાના ઉપર જ ફિલ્માવવામાં આવી હતી.

(બાળ કલાકાર તરીકે લતા)

પણ પાર્શ્વગાયિકા તરીકે એની એમની કારકિર્દી તો તેમની અઢાર વર્ષની વયે આવેલી ૧૯૪૭ની ફિલ્મ ‘આપ કી  સેવામેં’થી શરુ થઈ, જેમાં એમણે અભિનેતા કવિ મહિપાલની લખેલી એક ઠુમરી ગાઈ,  જેના શબ્દો હતા: પા લાગું કર જોરી (હાથ જોડીને પ્રણામ કરું છું).

એ પછીની એમની સંગીતયાત્રા અતિ પ્રલંબ અને યશસ્વી છે, જેના આલેખન માટે ગ્રંથોના ગ્રંથો પણ ઓછા પડે, પણ એ જમાનો મહિલા ગાયિકાઓમાં નૂરજહાં, શમશાદ બેગમ વગેરેનો હતો. કંઇ અંશે ગીતા રોય (દત્ત) નો પણ હતો. આ બધાના મુકાબલે લતાજીનો સ્વર ભલે વધુ તાલીમી હતો, પણ વધુ તીણો અને પાતળો હતો પરિણામે એમને અનેક સ્થળેથી જાકારો પણ સાંભળવો પડ્યો હતો. ફિલ્મીસ્તાન સ્ટુડીયોના એ વખતના સર્વેસર્વા શશધર મુકર્જીએ એમના સ્વરને નાપસંદ કર્યો, તો સરદાર ચંદુલાલ શાહે પણ બિલાડી જેવો અવાજ કહીને એમને નકારી કાઢ્યાં હતાં. પણ એ દિવસોમાં લાહોરથી આવતા અને હિંદી ફિલ્મ સંગીતની પરંપરાને પોતાની પંજાબિયતથી નવો ઓપ આપનારા સંગીતકાર ગુલામ હૈદર એમની અનન્ય ક્ષમતાની બરોબાર પારખી ગયા હતા, એમણે પોતાના સંગીતનિર્દેશનવાળી ફિલ્મ ‘મજબૂર’ ના આઠ ગીતોમાંથી સાતમાં લતાજીનો સ્વર લીધો અને એકમાં ગીતા રોયનો. એમાંનું લતાજીનું એક ગીત જે અતિ પ્રખ્યાત થયું તે મુકેશ સાથેનું એમનું યુગલ ગીત ‘અબ ડરને કી કોઈ બાત નહી, અંગ્રેજી છોરા ચલા ગયા.  

એ પછી તો એમણે અનેક સુંદર અને સુરીલા ગીતો ગાયાં. પણ પછી એમના કંઠે જાદુ કર્યો ૧૯૪૯ ની ફિલ્મ ‘મહલ’ ના ગીત ‘આયેગા, આયેગા, આયેગા આનેવાલા’થી. એનાથી તો રાજસ્થાનથી આવેલા સંગીતકાર ખેમચંદ પ્રકાશનું નામ પણ વધુ ઉજાગર થયું અને એ રીતે પોતાની અદભુત ગાયકી દ્વારા સંગીતકારો માટે પણ એ એમની આબરુ અને બજાર વધારી આપનારાં ગાયિકા બની રહ્યાં. લગભગ બધા જ સંગીતકારો સાથે એમનો ઘરોબો ઊભો થયો. (જુઓ એક તસ્વીરમાં ‘ડાલડા’ વડે રસોઇ કરવાની અજમાઈશ કરતા સંગીતકાર અનિલ બિશ્વાસને અને અભિનેત્રી સ્મૃતિ વિશ્વાસને તેઓ બહુ ઝીણવટથી નિરખી રહેલાં દેખાય છે.)

એ પછીની એમની સંગીતયાત્રા અતિ જાણીતી છે, જે એક લેખમાં સમાય તેવી નથી.

તેમનાં સ્નેહસંબંધોની વાત અવારનવાર અખબારોમાં ખાનગી વર્તુળોમાં ચર્ચાતી રહી. તેમનાં ડુંગરપુરના રાજવી અને પ્રખ્યાત ક્રિકેટર રાજસિંહ સાથેના સંબંધો તો કુદરતી લાગણીના હતા, પણ તે અંજામ પામી ન શક્યા. તેઓ તો લતાજીથી 6 વર્ષ નાના હતા અને ૨૦૦૯માં તેમનો દેહાંત થયો. તેની પણ પહેલાં એમની પાસે અનેક મીઠાંમધુરાં ગીતો ગવડાવનારા સંગીતકાર સી.રામચંદ્ર સાથેની નીકટતા પણ બહુ ચર્ચાઇ હતી, પણ બહુ જલ્દી એ એમાંથી પાછાં ફરી ગયાં. પણ સી.રામચંદ્ર પોતાનો પ્રતિભાવ છૂપાવી શક્યા નહીં અને પોતાની મરાઠીમાં લખાયેલી આત્મકથા ‘माझा जीवनची सरगम’  (મારા જીવનની સરગમ)માં નામ બદલીને પણ લોકો ઓળખી જ જાય તે રીતે એ પ્રકરણનો બહુ વરવો ઉલ્લેખ કર્યો. પણ લતાજીને એ વાતની ખબર પડતાંવેંત એમણે બાળાસાહેબ ઠાકરે પાસે એની રાવ ખાધી અને બાળાસાહેબે પણ એ પુસ્તકની તમામ નકલો ખરીદી લઇને એને બાળી મૂકાવી. અલબત્ત, આ વાતની વારેવારે કરવામાં આવતી ચર્ચાએ લતાજીના હૃદયને અપાર પીડા આપી, પણ એમની દૈદિપ્યમાન પ્રતિભાને એથી જરા સરખો પણ ડાઘ લાગ્યો નહીં.

**** **** ****

લતાજીના ગુજરાત સાથેના મોસાળ પક્ષના સંદર્ભની વાત જેટલી અજાણી છે, એવી જ થોડી બીજી છૂટીછવાઈ,  પણ રસ પડે તેવી કેટલીક હકીકતો પણ ધીરે ધીરે બહાર આવી રહી છે.

(દેવ આનંદ સાથે લતા)

સુરેન્દ્રનગર વિસ્તારમાં ‘ટાંગલિયા આર્ટ્સ’ દ્વારા બનાવવામાં આવતા પટોળાં વિષે લતાજીને ક્યાંથી ખબર હોય? પણ એ ઉત્પાદકોના મુંબઈનાં એક ગ્રાહકબહેને કોઇ સમારંભમાં પહેરેલાં એ પટોળાં પર લતાજીની નજર પડી અને એ એના ઉપર મોહિત થઇ ગયાં. એમણે ઈચ્છા વ્યક્ત કરી કે એવું પટોળું પોતે કોઇ કે સ્ટોરમાંથી નહીં ખરીદે, પણ એને બનાવનાર કારીગર પાસેથી જ ખરીદશે. એમની એ ઈચ્છા એમણે એક સ્વજન પાસે વ્યક્ત કરી. એમણે સીધો એ કારીગરનો જ સંપર્ક લતાજીને કરાવ્યો. એ સમયથી એ કારીગર અને એ પેઢી પાસેથી લતાજીએ  પટોળાં ખરીદવા માંડ્યા અને પોતે તો પહેરવા જ માંડ્યા, પણ પોતાની નિકટની મહિલાઓને પણ એનો લાભ દેવા માંડ્યાં. આ સીલસીલો એમના અવસાન સુધી એટલે કે વીસ વર્ષો સુધી જારી રહ્યો. સાયલાના પટોળાંના એ કારીગર મુકેશભાઇ એમને વરધી મુજબના પટોળાંની ડિલવરી આપવા જાતે જ મુંબઇના પેડર રોડ પરના નિવાસસ્થાન ‘પ્રભુકુંજ’ જતા. અને ત્યારે પટોળાં ઉપરાંત સુરેન્દ્રનગરની પ્રખ્યાત ‘સિકંદર’ બ્રાન્ડની ખારી સિંગ, વઢવાણનાં લીલાં મરચાં, ભાલિયા ઘઉં અને ઝાલાવાડમાં પાકતું જીરું લઇને જ જતા. આમ છતાં, મુકેશભાઇની અનેક વિનંતીઓ છતાં એમની સાથે એક તસ્વીર પણ ન લેવા દીધી. કારણમાં એ હસીને કહેતાં કે ભાઈ મુકેશ, તારાં બનાવેલા પટોળાં શરીરે ચડાવીને હું તારી સાથે તસવીર ન પડાવું તો એ તારી પ્રોડ્ક્ટની જાહેરાત જ ગણાય અને હું કદી કોઇ પ્રોડક્ટની જાહેરાત નથી કરતી. બેશક,  કોઇ જાહેર સમારોહમાં તું મને મળીશ તો હું જરૂર તારી સાથે તસવીર પડાવીશ.

આમ છતાં પોતાના એ સિદ્ધાંત વચ્ચેથી એમણે એક સરસ રસ્તો શોધી આપ્યો. એક વાર મુકેશભાઇ ત્યાં ગયા ત્યારે લતાજીએ એમને ઉષા મંગેશકર અને લતાજીનો લખેલો કંપનીના ફેવરનો ચેક આપ્યો અને કહ્યું કે પહેલાં આ ચેકની કલર ઝેરોક્સને મઢાવીને ઘરમાં રાખજે પછી જ ચેક બેંકમાં નાખજે. જેથી તારી પાસે એ વાતનો કોઇ પુરાવો રહે કે તે લતાજીને તેં પટોળાં વેચ્યાં છે.

(મુકેશભાઈને લતા મંગેશકરે આપેલો ચેક)

જો કે, એમનાં ખરેખરાં સંભારણાં એમનાં હજારો ગીતો છે, જે સતત હવામાં કોઇ ને કોઇ માધ્યમ દ્વારા અહર્નિશ વ્યાપી રહે છે.


માહિતી સહયોગ: ‘તાપીપુરાણ’ જેવા અદ્‍ભુત ગ્રંથના રચયિતા એવા ઐલેશ શુક્લ (સુરત) અને જવલંત છાયા (રાજકોટ).


લેખકસંપર્ક
રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com

Author: Web Gurjari

1 thought on “સૂરની અખંડ જ્યોત: લતા મંગેશકર

Leave a Reply

Your email address will not be published.