કાચની કીકીમાંથી
ઈશાન કોઠારી
આ વખતે કોઈ ચોક્કસ વિષય પર ફોટા નથી, પણ બધા ફોટામાં વિષય પૃષ્ઠભૂમિ (બેકગ્રાઉન્ડ) સાથે જોડાયેલો છે. પહેલાં હું ફોટો ખેંચતો હતો ત્યારે એક જ વિષય કે બાબત પર ફોકસ કરતો હતો. પણ હવે હું ફોકસ કરતાં પહેલાં તેની આસપાસ શું છે એ જોઈ લઉં છું. એને લઈને કંઈક ને કંઈક એવું મળી રહે કે જેને ફ્રેમમાં સમાવી શકાય. વિષય સ્થિર હોય તો તેમાં ગતિ (મોશન) ઉમેરવાનો અને વિષય ગતિમાં હોય તો કંઈક સ્થિર ઉમેરવાનો પ્રયત્ન કરું.
આ ફોટો નડીઆદનો છે. સંતરામ ગેટમાંથી પસાર થઈએ ત્યારે સામેની બાજુએ દીવાલ પર આ ચિત્ર ચીતરાયેલું હતું. દીવાલની પોપડીઓ ઊખડી ગઈ હતી પણ ચિત્ર ઘણી સારી હાલતમાં હતું. અંબામાતાનું આ ચિત્ર એવી જગ્યા પર છે જ્યાં સામાન્ય રીતે કોઇની નજર ન પડે. તેને જોવું હોય તો ચહેરો ફેરવીને જોવું પડે. હું ચાલતો જતો હતો એટલે મારી નજર આ દીવાલ પર પડી. અને આ ફોટો ખેંચ્યો. આ સ્થિર ચિત્રમાં મેં ગતિ ઉમેરવાનો પ્રયત્ન કર્યો છે.
****
રસ્તે પડતી એક દુકાનમાંનું આ દૃશ્ય છે. વહેલી સવાર હતી એટલે સામાન હજી કબાટમાં ગોઠવાયો ન હતો. કબાટનાં ખાનાં અને નીચે મૂકેલી દેવીદેવતાની ફ્રેમ મને આકર્ષક લાગી.
****
મારી પહેલી નજર દીવાલ પર ચિતરેલી બોટલ પર પડી. એ પછી મેં નીચે જોયું તો એક બહેન લીલા રંગની સાડીમાં ઉભેલાં હતાં. ફરી પાછી મેં બોટલ પર નજર કરી. એ બોટલમાં ચીતરાયેલો રંગ અને બહેનની સાડીનો રંગ સરખો જ હતો. થોડી પણ રાહ જોયા વગર એ ક્ષણને ક્લિક કરી.
****
આ ફોટામાં પણ દીવાલનો રંગ અને તેની બાજુમાં ઉભેલા બે ભાઈઓ પૈકી એકના શર્ટનો રંગ મેચ થતો દેખાય છે. આને લીધે ઘડીભર એમ પણ લાગે કે જાણે આ જ દિવાલનો એક હિસ્સો અલગ થઈને બાજુમાં આવી ગયો છે.
****
બે બાળકો એકબીજાને જોઈને ખુશ થઈ ગયા એ મેં જોયું અને એ જ વખતે પાછળ દીવાલ પર ચિતરેલા ઉડતા પતંગિયા નજરે પડ્યા. એ બન્ને સાથે આવે એ રીતે મેં ફોટો લીધો.
****
ઘણી વાર દીવાલ પર સિમેન્ટનો ધબ્બો પણ ફોટાને રસપ્રદ બનાવે છે.
****
ગોળના કોલામાં કામ કરતી આ બહેનોનો ફોટો સૂર્યાસ્ત સમયે લીધો હતો. ફોટાની ડાબી બાજુએ જાણે કોઈએ ચિત્ર દોરીને પેન્સિલ શેડિંગ કર્યું હોય એવું લાગે છે. ફોટો મેં એવી રીતે લીધો કે જેથી આખી ફ્રેમ ભરેલી લાગે.
****
આ બધા ફોટા અલગ અલગ સ્થળે લીધેલા છે અને કોઈ મનમાં ચોક્કસ વિષય લઈને નહોતા ખેંચ્યા. પણ હવે હું ઘણા ફોટામાં મુખ્ય વિષય ઉપરાંત બીજાં એલિમેન્ટ્સને સમાવવાનો પ્રયત્ન કરું છું એ દર્શાવતા આ ફોટા છે.
શ્રી ઈશાન કોઠારીનો સંપર્ક ishankothari1999@gmail.com વિજાણુ સરનામે થઈ શકશે
તસ્વીરકલા સાથે મૌલિક સર્જકતા ભળતી જાય છે. અંગત રીતે મને દીવાલ પર ચીતરેલી બોટલના રંગ સાથે અને દીવાલના રંગ સાથે ભળી જતાં વસ્ત્રો પહેરેલાં સ્ત્રી પુરુષો ઝડપાયાં છે એ બેય છબીઓ ખુબ ગમી.