મિ. ક્રુઅલ : એક એવો પીડોફાઈલ, જે આજદિન સુધી ઝડપાયો નથી!

ભાત ભાત કે લોગ

જ્વલંત નાયક

‘સિરીયલ કિલર’ શબ્દની આજુબાજુ હંમેશા રોમાંચ, રહસ્ય, વિકૃતિ અને ભયના તાંતણાઓથી બનેલું જાળું ગુંથાયેલું રહે છે. દુનિયાના લગભગ દરેક સમાજમાં કોઈને કોઈ કાળખંડમાં સિરીયલ કિલર્સ પાકતા રહ્યા છે. આપણા જેવો જ દેખાતો કોઈ સામાન્ય વ્યક્તિ શા માટે સિરીયલ કિલર બનીને નિર્દોષ લોકોની ક્રૂર કત્લેઆમ કરવા પ્રેરાતો હશે, એ પ્રશ્નના ઉત્તરો શોધવા માટે માનસશાસ્ત્રીઓ પ્રયત્ન કરતા રહે છે. સામાન્ય સંજોગોમાં પોલીસ ગુનેગારોને જુના રેકોર્ડ્સ, ખબરીઓ અને ગુનાની કાર્યપદ્ધતિને આધારે ઝડપી પડતી હોય છે. પણ સિરીયલ કિલર્સ બાબતે મામલો થોડો ગૂંચવાઈ જાય છે. કારણકે કોઈક માનસિક વિકૃતિનો ભોગ બનીને એક પછી એક હત્યા કરનારા મોટા ભાગના કિલર્સનો બીજો કોઈ ક્રિમીનલ રેકોર્ડ હોતો નથી, આથી એમનું પગેરું દબાવવું અતિશય અઘરું નીવડે છે. એના પરિણામે કેટલાક જાણીતા સિરીયલ કિલર્સ પોલીસ પકડથી દૂર રહેવામાં સફળ રહ્યા છે. આજે એવા જ એક સિરીયલ કિલરની વાત કરવાની છે. આમ તો એને ‘સિરીયલ’ કિલર ન કહી શકાય, કેમકે એના નામે પોલીસ ચોપડે એક જ હત્યા નોંધાઈ છે, પણ એને ‘સિરીયલ પીડોફાઈલ’ જરૂર કહી શકાય.

૧૯૮૦ અને ૯૦ના દાયકામાં ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં કેટલીક એવી ઘટનાઓ બની કે લોકો ફફડી ઉઠ્યા. ખાસ કરીને કિશોરીઓ અને તરુણીઓના માતા-પિતાની તો ઊંઘ ઉડી ગઈ. એનું કારણ હતું એક વિકૃત માણસ, જે ઘરમાં ઘૂસીને છોકરીઓ પર હુમલા કરતો હતો. ‘મિ. ક્રુઅલ’ તરીકેનું ઉપનામ પામેલ આ વ્યક્તિ ‘પીડોફાઈલ’ એટલે કે બાળકો પ્રત્યે વિકૃત જાતીય વૃત્તિ ધરાવનાર માણસ હતો. તેણે અનેક કન્યાઓ પર જાતીય-શારીરિક હુમલા કર્યા, જેમાં એક કમનસીબ છોકરી મોતને ભેટી!

૨૨ ઓગસ્ટ, ૧૯૮૭ના દિવસે શનિવાર હતો. મેલબોર્નના લોઅર પ્લેન્ટી નામક વિસ્તારમાં મોટા ભાગની વસ્તી વ્હાઈટ કોલર જોબ કરનારા પ્રોફેશનલ લોકોની હતી. એટલે સ્વાભાવિક રીતે જ અહીં ગુનાખોરીનું પ્રમાણ સાવ નીચું હતું. અને આમે ય એ સમયે મેલબોર્નની ગણના પ્રમાણમાં સુરક્ષિત શહેર તરીકે થતી હતી. પણ એ રાત્રે શહેરની આવી સુઘડ છાપ કરતા સાવ વિપરીત ઘટના બની ગઈ. એ રાત્રે, ટુ બી સ્પેસીફિક મળસ્કે ૪.૦૦ વાગ્યે લોઅર પ્લેન્ટીના એક સુરક્ષિત ગણાતા ઘરમાં અજાણ્યા હુમલાખોરે પ્રવેશ કર્યો. ઘરમાં ચાર સભ્યોનું પરિવાર વસવાટ કરતું હતું, જેમાં પતિ-પત્ની અને એમના બે સંતાનોનો સમાવેશ થતો હતો. છ વર્ષનો પુત્ર અને અગિયાર વર્ષની પુત્રી, બન્ને સાવ કુમળી વયના ગણાય. ઘરમાં ઘૂસેલા હુમલાખોરે પહેલા તો પરિવારને જગાડીને બંદૂકની અણીએ બંધક બનાવ્યો. પતિ-પત્ની અને છ વર્ષના પુત્રને ઉંધા સુવડાવીને એમના હાથ-પગ બાંધી દેવાયા. એમની આંખો અને મોઢાને પણ ચુસ્ત સર્જીકલ ટેપ મારીને બંધ કરી દેવાયા, જેથી તેઓ કશું જોઈ ન શકે. ત્યાર પછીના બે કલાક સુધી એ નરાધમ માત્ર અગિયાર વર્ષની બાળકી પર જાતીય અત્યાચાર કરતો રહ્યો. આ દરમિયાન એણે વચ્ચે ‘બ્રેક’ લઈને ઘરમાં પડેલા ખાદ્ય પદાર્થો પણ આરોગ્યા. પોતાની વિકૃતિ સંતોષીને એ નાસી છૂટ્યો. પાછળથી પોલીસ તપાસમાં ખબર પડી કે એ માણસ માત્ર પોતાની વિકૃતિ સંતોષવા માટે જ ઘરમાં ઘૂસેલો. માકી ઘરની એક્કેય ચીજ કે કરન્સીની ચોરી થઇ નહોતી! પેલી કમનસીબ બાળાએ પોલીસને જણાવ્યું કે એ નરાધમે લેન્ડ લીન ફોન ઉપરથી કોઈ બીજા વ્યક્તિને ફોન કરીને ધમકી આપેલી, કે” આના પછી હવે તારા બાળકોનો વારો છે!” પરંતુ પોલીસે કોલ ડીટેલ તપાસી તો જણાયું કે એ રાત્રે કોઈ જ ફોન કોલ થયો નહોતો! આ બધા પરથી સ્પષ્ટ હતું કે ઘરમાં ઘૂસેલો એ નરાધમ જાતીય વિકૃતિ ધરાવતો હતો, અને બાળા પર અત્યાચાર કર્યા બાદ કોઈ બીજા પરિવારના બાળકોને શિકાર બનાવવાની પિશાચી કલ્પનામાં રાચતો હતો. પોતાની આવી ‘ફેન્ટસી’ને કારણે જ એણે પેલો કાલ્પનિક ફોન કોલ કરેલો. પોલીસે ખૂબ તપાસ કરી, પણ વિકૃત ગુનેગાર તરફ ઈશારો કરતી કોઈ કડી ન મળી. ગુનાની ગંભીરતા જોતા લોકોએ એ વિકૃત ગુનેગારને ‘મિ. ક્રુઅલ’ (શ્રીમાન ક્રૂર) તરીકેનું ઉપનામ આપ્યું.

એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડી બીજી બે ઘટનાઓમાં જોવા મળી

આ દુર્ઘટનાના એકાદ વર્ષ બાદ મિ. ક્રુઅલ ફરી ત્રાટક્યો. આ વખતે મેલબોર્નના રિંગવુડ વિસ્તારમાં રહેતું વિલ્સ ફેમિલી એનો શિકાર બન્યું. ૨૭ ડિસેમ્બર, ૧૯૮૮ની સવારે પોણા છ વાગ્યે ત્રાટકેલા મિ. ક્રુઅલે આ વખતે પણ અગાઉ જેવી જ મોડસ ઓપરેન્ડી અમલમાં મૂકી. પતિ-પત્નીને બાંધી દીધા બાદ એ બાળકોના રૂમ તરફ સરક્યો. ત્યાં મોજૂદ ત્રણ બાળકો પૈકી દસ વર્ષની શેરોનને એણે ઉપાડી. આ દરમિયાન કોઈક રીતે મિસ્ટર એન્ડ મિસિસ વિલ્સ પોતાના બંધનો દૂર કરવામાં સફળ રહ્યા. તેઓ દોડતા બાળકોના રૂમ તરફ ગયા, પણ એ પહેલા તો પેલો વિકૃત માણસ શેરોનનું અપહરણ કરી ગયેલો. લગભગ અઢાર કલાક બાદ એક શાળા પાસેથી પ્લાસ્ટિક બેગ્સમાં વીંટળાયેલી શેરોન મળી આવી. એ જીવતિ હતી, પણ જાતીય અત્યાચારનો ભોગ બની હતી. મિ. કૃઅલે એના ઉપર પણ ઉપરાછાપરી બળાત્કારો કર્યા હતા!

૩ જુલાઈ ૧૯૯૦ના દિવસે કેન્ટરબરી વિસ્તારના લિનસ પરિવારનો વારો હતો. બ્રિટીશ મૂળના બ્રાયન લિનસ અને એની પત્ની રોઝમેરીને ફૂલ જેવી બે દીકરીઓ હતી, ૧૫ વર્ષની ફિયોના અને ૧૩ વર્ષની નિકોલા. બ્રાયન અને રોઝમેરી બ્રિટન પાછા ફરવાની તૈયારીમાં હતા, અને એ પહેલાકોઈ મિત્રના ઘરે પાર્ટી માટે ગયા હતા. ઘરમાં બે દીકરીઓ એકલી જ હતી. એટલે મિ. ક્રુઅલનું કામ આસાન થઇ ગયું. એણે મોટી ફિયોનાને બાંધી દીધી, અને કહ્યું,”હું તારી નાની બહેનને ઉપાડી જાઉં છું. જો તારો પરિવાર એને જીવતી જોવા માંગતો હોય, તો મને તાબડતોબ પચ્ચીસ હજાર ડૉલર્સ પહોંચાડે!” ફિયોનાને લાગ્યું કે ખરેખર કોઈ ગુંડો પૈસા ખાતર એની નાની બહેનનું અપહરણ કરી રહ્યો છે. પણ આ તો પેલા વિકૃતની ચાલ હતી. એ પૈસા ખાતર અપહરણ કર્યાનું નાટક ઉભું કરવા માંગતો હતો, જેથી અનેક ગણા વધુ ગંભીર ગણાય એવા ચાઈલ્ડ રેપના આરોપથી બચી શકાય. ૧૩ વર્ષની નિકોલાનું અપહરણ કરીને કોઈક અજાણ્યા ઘરમાં લઇ જવામાં આવી. અહીં સતત એનું જાતીય શોષણ કરવામાં આવ્યું! પચાસેક કલાક બાદ નિકોલા ત્યજેલી હાલતમાં, છતાં જીવતી મળી આવી.

…માત્ર બળાત્કાર નહિ, પણ હત્યા!

ત્રણ ઘટનાઓ એવી બની જેમાં અજાણ્યા હુમલાખોરે નાની બાળાઓ-કિશોરીઓને પોતાની હવસનો શિકાર બનાવી. એમાંથી બે – શેરોન અને નિકોલા – તો અપહરણ થયા બાદ પણ જીવતી પાછી ફરી હતી. એટલે પોલીસ એવા નિષ્કર્ષ પર પહોંચી કે બાળાઓ પર બળાત્કાર કરનાર વિકૃત શખ્સ માત્ર પોતાની હવસ સંતોષવા માંગે છે, એ સિવાય એ લૂંટફાટ કે હત્યા જેવા બીજા ગુનાઓ આચરતો નથી. પણ કારમેન ચેનના કિસ્સામાં આ થિયરી ખોટી સાબિત થઇ. ૧૩ એપ્રિલ, ૧૯૯૧ના દિવસે મિ. ક્રુઅલે સૌથી ગંભીર ગુનાને અંજામ આપ્યો. વિક્ટોરિયા વિસ્તારમાં ચાઈનીઝ રેસ્ટોરન્ટ ચલાવતું ચેન દંપત્તિ પોતાના બિઝનેસના સ્થળ પર હતું, અને એમની ૧૩ વર્ષની દીકરી કારમેન ઘરે રહીને નાની બહેનોની દેખરેખ રાખી રહી હતી. એ દરમિયાન મિ. ક્રુઅલ ત્રાટક્યો અને નાની બહેનોને બંધક બનાવીને ૧૩ વર્ષની કારમેનને ઉઠાવી ગયો. જતા જતા એણે ચેન પરિવારની માલિકીની કાર પર કલરના સ્પ્રે વડે લખ્યું, “પે બેક. મોર ટુ કમ.” અર્થાત ચૂકવણી માટે તૈયાર રહો, હજી વધુ ખરાબ બાબતો તમારી રાહ જોઈ રહી છે! આવું લખીને પેલા સાયકો રેપિસ્ટે પોલીસને ગેરમાર્ગે દોરવાની કોશિષ કરી હતી. એ ઇચ્છતો હતો કે આવું લખાણ વાંચીને પોલીસ એવી થિયરી પર આગળ વધે, કે ચેન પરિવારને કોઈક સાથે દુશ્મની હશે, જેના કારણે એમની દીકરીનું અપહરણ થયું. જો કે તપાસકર્તા પોલીસ અધિકારીઓએ ચેન પરિવારનું બેકગ્રાઉન્ડ તપાસ્યું તો જણાયું કે એ પરિવાર સારી શાખ ધરાવતો હતો, અને એમને કોઈની સાથે દુશ્મની ય નહોતી. કારમેનના અપહરણ બાદ શું થયું એ કોઈને નથી ખબર, પણ થોડા દિવસ બાદ કાર્મેનની ડેડ બોડી મળી આવી. અપહરણકર્તાએ એને ગોળી મારી દીધી હતી!

કેટલાક સાંયોગિક પુરાવા અને શકમંદો

પોલીસ માને છે કે કારમેનની હત્યા, એ મિ ક્રુઅલે આચરેલો આખરી ગુનો હતો. અગાઉના તમામ દુષ્કૃત્યો બાદ બાળાઓ જીવિત રહેવા પામી હતી. પણ એ બાળાઓ પૈકી કોઈએ મિ ક્રુઅલનો ચહેરો જોયો નહોતો. એમણે કરેલા વર્ણ મુજબ મિ ક્રુઅલ આશરે પોણા છ ફીટ ઉંચો આદમી હતો, જે હમેશા ડાર્ક કલરના કપડા પહેરતો અને માત્ર આંખો જ ખુલ્લી રહે એવી ટોપી કાયમ પહેરી રાખતો હતો. પોલીસ માનતી હતી કે કારમેને કદાચ વધુ પ્રતિકાર કર્યો હોય, અથવા એ મિ. ક્રુઅલનો ચહેરો જોઈ ગઈ હોય એમ બને. જેથી પોતાની ઓળખ છતી થઇ જવાના ભયે મિ. ક્રુઅલે એને ગોળી મારી દીધી હશે. મિ ક્રુઅલનો એક માત્ર ઈરાદો કિશોરીઓ પર બળાત્કાર કરીને પોતાની વિકૃત હવસ સંતોષવાનો જ હતો, એ બાબત તો દરેક ગુનાની પદ્ધતિ જોતા સાબિત થઇ ચૂકી હતી. પણ કારમેનની હત્યા પછી કદાચ મિ ક્રુઅલ ગભરાયો હશે, કારણ ગમે ટે હોય, પણ આ હત્યા બાદ આ પ્રકારનો બીજો એક્કેય બનાવ બન્યો નથી. તેમ છતાં એ પણ મહત્વનું છે કે અજાણ્યો વિકૃત માણસ પોલીસની પકડથી પણ દૂર જ રહેવા પામ્યો છે. પોલીસે આકાશ-પાતાળ એક કર્યા હોવા છતાં એવી કોઈ કડી મળી નહોતી, જેનાથી ખરા ગુનેગારની ઓળખ છતી થાય.

તેમ છતાં કેટલાક પોલીસ ઓફિસર્સનું માનવું હતું કે આ બળાત્કારી કોઈ સ્કુલ ટીચર હોવો જોઈએ. કેમકે જ્યારે એણે વિલ્સ ફેમિલી પર હુમલો કર્યો, ત્યારે શેરોન વિલ્સને એણે નામ દઈને બોલાવેલી. એનો અર્થ એ કે એને શેરોનની પાકી ઓળખ હતી. બીજી મહત્વની બાબત એ હતી કે તમામ બનાવો સ્કુલમાં વેકેશન હોય એ દરમિયાન – જાહેર રજાઓના દિવસે બનેલા! વળી જાતીય દુરાચારનો ભોગ બનેલી નિકોલા અને હત્યાનો ભોગ બનેલી કારમેન એક જ સંસ્થામાં ભણતી હતી! પોલીસે આ કેસમાં એક ભૂતપૂર્વ શિક્ષક શંકાને આધારે ધરપકડ કરી પણ ખરી, પણ એ વ્યક્તિ પોતાના નિર્દોષ હોવાના પુરાવાઓ રજૂ કરીને છૂટી ગયો.

પોલીસ અને સરકારી તંત્રના અનેક પ્રયત્નો છતાં મિ. ક્રુઅલ તરીકે કુખ્યાત થયેલો એ વિકૃત બળાત્કારી આજ દિન સુધી ઝડપાયો નથી!


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.