ફિર દેખો યારોં
બીરેન કોઠારી
કોઈ જાણીતી વ્યક્તિની ચિરવિદાય ટાણે ખાસ કરીને બે પ્રકારની અભિવ્યક્તિ જોવા-વાંચવા મળે છે. પહેલો પ્રકાર અહોભાવપ્રેરિત અભિવ્યક્તિનો છે, જેમાં અતિશયોક્તિઓનો અતિરેક થતો જોવા મળે છે. બીજા પ્રકારમાં દિવંગતની વિવિધ ખામી કે મર્યાદા વીણી વીણીને બિલોરી કાચ તળે મૂકવામાં આવે છે અને એ પુરવાર કરવાનો પ્રયત્ન થતો રહે છે કે મહાન ગણાતી એ વ્યક્તિ સદ્ગત વ્યક્તિ હકીકતમાં સામાન્ય, અને ઘણા ખરા કિસ્સામાં તો અતિ સામાન્ય વ્યક્તિ હતી.
૬ ફેબ્રુઆરીએ ૯૨ વર્ષની પાકટ વયે જેમનું દેહાવસાન થયું એ દંતકથારૂપ પાર્શ્વગાયિકા લતા મંગેશકર પણ આમાંથી બાકાત નહોતાં. તેમનાં વખાણનાં ગાડાં ઠલવાયાં અને તેમના નામે અનેક સિદ્ધિઓ અને કિસ્સાઓ સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો પર લખાતા રહ્યાં. આની સાથોસાથ તેમની એવી એવી બાબતોને ઉજાગર કરીને એમ દર્શાવવાના પ્રયત્નો પણ થતા રહ્યા કે તે કોઈ મહાન વ્યક્તિ નહોતી. આવું થાય ત્યારે પ્રમાણભાન ચૂકાય છે, અને પ્રમાણભાન વિનાનું સત્ય ગમે એટલું ટકોરાબંધ કેમ ન હોય, એ આવેશ કે ઉભરામાં ખપી જાય છે.
લતા મંગેશકરને તેમની ગાયકીની કળા સંદર્ભે મૂલવવા જઈએ તો એ જાણવું જરૂરી બની રહે છે કે તેમણે નિ:શંકપણે એક યુગનું સર્જન કર્યું હતું. એ બાબત ધ્યાનમાં રાખવા જેવી છે કે લતા મંગેશકરનું આગમન થયું એ યુગ મનોરંજનનાં મર્યાદિત માધ્યમોનો યુગ હતો. રેડિયો મનોરંજનનો મુખ્ય સ્રોત હતો. ફિલ્મનાં વિવિધ ભાવ ધરાવતાં ગીતો સાથે લોકો પોતાના મનોભાવને સાંકળી શકતા હતા, અને એમ કરવામાં એ સમયના ઉત્તમ ગીતકાર, ગાયક તેમજ સંગીતકારની ભૂમિકા મહત્ત્વની બની રહેલી. આવા યુગમાં લતા મંગેશકરનું હોવું ફિલ્મસંગીતના ચાહકો માટે આશીર્વાદરૂપ બની રહ્યું. ચાળીસીના દાયકામાં નૂરજહાં, શમશાદ બેગમ, અમીરબાઈ કર્ણાટકી, ઝોહરાબાઈ અમ્બાલેવાલી, રાજકુમારી, પારૂલ ઘોષ, ખુર્શીદ, હમીદાબાનુ સહિત બીજી અનેક ભારે અવાજવાળી ગાયિકાઓનું ચલણ હતું એવે સમયે સાવ પાતળો સ્વર ધરાવતી કિશોરી લતાનું આગમન થયું. તેના સ્વરમાં રહેલું માધુર્ય અને સજ્જતા એવાં હતાં કે એ સમયના ગુલામ હૈદર, અનિલ બિશ્વાસ, ખેમચન્દ પ્રકાશ, શ્યામસુંદર, હુસ્નલાલ-ભગતરામ, વિનોદ, સી. રામચન્દ્ર, નૌશાદ, મદનમોહન, શંકર-જયકિશન, હેમંતકુમાર સહિત અનેક કાબેલ સંગીતકારોએ એવી વિશેષ ધૂનો સર્જી કે જે માત્ર ને માત્ર લતા મંગેશકર જ ગાઈ શકે. લતાને લતા બનાવવામાં તેમના સ્વર જેટલું જ પ્રદાન એ સમયના અનેક પ્રતિભાશાળી સંગીતકારોનું હતું એ ભૂલવું ન જોઈએ. અલબત્ત, લતા મંગેશકરની ગાયકીને કારણે એક નવા યુગનો આરંભ થયો એમ ચોક્કસપણે કહી શકાય. તેમની કારકિર્દીનો વ્યાપ મુખ્યત્વે ચારેક દાયકામાં પ્રસરેલો કહી શકાય. આમાં તેમની કારકિર્દીના પ્રથમ દોઢ-બે દાયકા તેમની ગાયકીનો સુવર્ણકાળ ગણાવી શકાય. વધુ સ્પષ્ટતાથી કહીએ તો ૧૯૪૦ના દાયકાના ઉત્તરાર્ધથી લઈને ૧૯૬૦ના દાયકાના પૂર્વાર્ધ સુધીનો સમયગાળો તેમના શ્રેષ્ઠતમ દેખાવનો હતો. હિન્દી ફિલ્મસંગીતની તરાહ વખતોવખત બદલાતી રહી છે. ૧૯૮૦ના અને ૧૯૯૦ના દાયકામાં હિન્દી ફિલ્મસંગીતની જે તરાહ ચલણી બની એ સમયગાળામાં લતા મંગેશકરની ગાયકી ચાલુ રહી, પણ તેમણે આરંભેલો યુગ સમાપ્ત થઈ ચૂકેલો એ અવગણી ન શકાય એવી હકીકત છે.
લતા મંગેશકર એક ઉત્તમ કલાકાર ભલે રહ્યાં, પણ માનવસહજ મર્યાદાઓથી બાકાત નહોતાં. એ સમયની કેટલીક ગાયિકાઓની કારકિર્દી રુંધવાનો પ્રયાસ કરવાના સાચાખોટા આક્ષેપ તેમની પર થતા રહ્યા છે. તેમણે ગાયેલાં ગીતોની સંખ્યા અને એ અંગેનો વિશ્વવિક્રમ એવી બાબત છે કે તેમાં સામાન્ય બુદ્ધિ પણ કોરાણે મૂકાઈ જાય છે. કોઈ પણ તર્ક કે ગણતરીથી તેમણે ગાયેલાં ગીતોની સંખ્યા પચીસ હજાર હોઈ શકે નહીં, બલ્કે હરમંદિરસીંઘ ‘હમરાઝ’ દ્વારા સંપાદિત ‘હિન્દી ફિલ્મ ગીતકોશ’ના પ્રકાશન પછી એટલું સ્પષ્ટ થઈ ગયું છે કે હકીકતમાં તેમની નાની બહેન આશા ભોંસલે દ્વારા ગવાયેલાં ગીતોની સંખ્યા વધુ છે.
તેમના અવસાન નિમિત્તે તેમના વિશેના આદર અને પૂજ્યભાવના ઉભરામાં અનેક કાલ્પનિક કિસ્સા તેમના નામે ચડાવવાની જાણે કે સ્પર્ધા ચાલી! આ કિસ્સાઓમાં સામાન્ય જ્ઞાન કે જાણકારી તો ઠીક, સામાન્ય તર્કબુદ્ધિ અને સાદી સમજણનો પણ અભાવ જોવા મળે છે. લતા મંગેશકરને અનેક માનસન્માન દેશવિદેશમાંથી પ્રાપ્ત થયાં છે. તેઓ રાજ્યસભાનાં સભ્ય રહી ચૂક્યાં છે. પોતાના ક્ષેત્રમાં માતબર પ્રદાન બદલ રાજ્યસભાનું સભ્યપદ પ્રાપ્ત થાય એ જે તે વ્યક્તિના પ્રદાનની મહત્તાનો સ્વીકાર છે. આવી વ્યક્તિ રાજ્યસભાના સભ્ય તરીકે સક્રિય ભૂમિકા ભજવે એવું જવલ્લે બનતું હોય છે. લતા મંગેશકર તેમાં અપવાદ નહોતાં. તેમના રાજકીય વિચારો અંગે પણ તેમની ટીકા થયેલી.
અન્યોથી કંઈક અલગ લખવાનો આયાસ કરવામાં તેમના વિશેનાં અતિશયોક્તિયુક્ત વિશેષણોનો ઉપયોગ કે તેમનાં ગીતોની પંક્તિઓને ટાંકીને અને તેને મારીમચડીને તેમના જીવન સાથે બેસાડવાનો ઉદ્યમ સાવ બાળબોધી કક્ષાનો લાગે છે.
લતા મંગેશકરનું મરણોત્તર મૂલ્યાંકન ભલે થાય, પણ તેમાં એ પ્રમાણભાન જાળવવું જરૂરી બની રહે છે કે તેમની ગાયકી અને તેમણે ગાયેલાં ગીતોની સાથે એક વ્યક્તિ તેમજ એક નાગરિક તરીકેની તેમની ઓળખની કે તેમના અંગત યા વ્યાવસાયિક જીવનની ભેળસેળ ન થઈ જાય.
તેમના મૂલ્યાંકનના અતિ ઉત્સાહમાં એમની ગાયકીની અનન્યતાની બાદબાકી કરી શકાય નહીં. તેમણે એવાં અને એટલાં ગીતો ગાયાં છે કે ફિલ્મસંગીતના ચાહકોની કેટલીય પેઢીઓના લોકોનું એમાંના અનેક ગીતો સાથે અંગત અનુસંધાન હશે. આવા ચાહકોના જીવનની કેટલીય સારીનરસી ક્ષણોમાં આ ગીતોએ સધિયારો આપ્યો હશે અને હજી આપતાં રહેશે. તેમણે ગાયેલાં ગીતોને કયો એવોર્ડ મળ્યો કે એની કોઈક મહાનુભાવ પર શી અસર થઈ એનાથી અંજાવાને લેવાને બદલે જાતે એમનાં ગીત સાંભળવાનો પ્રયત્ન કરીને પોતાના પર શી અસર થાય છે એ જાણવાનો પ્રયત્ન કરવા જેવું છે. લતા મંગેશકર જેવાં ગાયિકાશ્રેષ્ઠને સાચી અંજલિ એ જ કહી શકાય.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૦-૦૨ –૨૦૨૨ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
સંદર્ભ તસવીર – નેટ પરથી
શ્રી લતા મંગેશકર સંગીતમાં પાર્શ્વગાયક તરીકેની તમારી વાત ઘણી સમતુલિત છે, ગાયકની કિમત અને તેમની પ્રશંસા તેમના દરેક ચાહકની સામે કોઈએ કઈં વાંધો ના હોવો જોઈએ. શ્રી લતા મંગેશકરે હિન્દી અને અન્યભાષી ફિલ્મોમાં પાર્શ્વગાયક તરીકે એક ઘણું
મોટું અનન્ય યોગ દાન છે. તેમના ચાહકો અને પ્રશંસકો હિન્દુસ્તાનની સરહદ પાર પણ લાખો ની સંખ્યામાં છે.
એક વાત ૧૦૦ % સત્ય છે કે તેમના જેવી હિન્દી ફિલ્મની પાર્શ્વગાયિકા નજીકના ભવિષ્યમાં હવે નથી થવાની!
એક બીજી વાત કે તદ્દન તાજા સમાચાર મુજબ એવું કહેવાય છે કે તેમણે પોતાની મિલકતનો ઘણો મોટો ભાગ લોકકલ્યાણ માટે દાન પણ કર્યો છે!
છેલ્લે એક વાત કહેવાની કે ગુજરાત-મહારાષ્ટ્રના ભાષાવાર રાજ્ય થયા ત્યારે મુંબઇમાં થયેલા તોફાનોમાં કહેવાય છે કે
તેમણે મરાઠી ભાષી મવાલી-ગુંડા લોકોને ગુજરાતીને મુંબઈ હંકારી કાઢવામાં ઉત્તેજન આપ્યું હતું. આ આરોપ કેટલો સાચો છે તે તો સમયના ગુજરાતી દૈનિકો ઉથલાવી જાણકારી મેળવવી હોય તો થાય.
આ રીતે સમજ પૂર્કકના અભિપ્રાયો ઘણા જૂજ જોવા મળે છે.