બંધારણનું આમુખ : ‘અમે ભારતના લોકો’ની આકાંક્ષાનું પ્રતિબિંબ

નિસબત

ચંદુ મહેરિયા

અમે ભારતના લોકો’થી આરંભાતું કાવ્યમય આમુખ ભારતીય બંધારણનો મનહર મુકુટ છે. આમુખ કે પ્રસ્તાવનારૂપી આ મુખડામાં બંધારણનો સાર છે..પ્રજાસત્તાક અને લોકતંત્રને વરેલા આપણા દેશના લોકોની આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે. બંધારણનિર્માતાઓના આદર્શ અને મહાન વિચારોનો પડઘો છે.આમુખ બંધારણને પ્રભાવ અને ગરિમા બક્ષે છે. બંધારણની આ પ્રસ્તાવના અમેરિકી બંધારણથી પ્રેરિત છે તો તેની  ભાષા પર ઓસ્ટ્રેલિયન બંધારણના આમુખની અસર વર્તાય છે.

પંડિત જવાહરલાલ નહેરુએ બંધારણસભામાં રજૂ કરેલા બંધારણના ઉદ્દેશો પર આમુખ રચાયું હતું  બંધારણના ઘડતરની પ્રક્રિયા દરમિયાન લગભગ અંતિમ તબક્કામાં,સત્તરમી ઓકટોબર ૧૯૪૯ના રોજ, બંધારણસભા સમક્ષ  આમુખ પ્રસ્તુત થયું હતું. તેના પર સંવિધાનસભામાં ચર્ચા અને મતદાન પણ થયાં હતા. અને બીજી નવેમ્બર ૧૯૪૯ના રોજ તેને પસાર કરવામાં આવ્યું હતું.

એક પાનાંના અને આશરે સો કરતાંય ઓછા શબ્દોના આમુખમાં બંધારણનો સ્ત્રોત, રાજ્યનું સ્વરૂપ, ઉદ્દેશ, ભારતની પ્રક્રુતિ અને ઓળખ, નાગરિકોના અધિકારો તથા બંધારણની સ્વીક્રુતિની તારીખ આલેખાઈ છે. ભારતના લોકોની પ્રતિનિધિરૂપ બંધારણસભાએ બંધારણ ઘડ્યું છે.એટલે આમુખમાં તે અમે ભારતના લોકોએ ઘડેલ અને તેમને જ સમર્પિત હોવાનું જણાવ્યું છે. ભારતના રાજ્યનું સ્વરૂપ કે તેની પ્રક્રુતિ આમુખના સાર્વભૌમ, લોકતાંત્રિક, પ્રજાસત્તાક, ધર્મનિરપેક્ષ અને સમાજવાદી શબ્દોમાં વ્યક્ત થાય છે. બંધારણનો ઉદ્દેશ, લક્ષ્ય અને લોકોના મૂળભૂત અધિકારો સામાજિક,આર્થિક, રાજકીય ન્યાય, સ્વતંત્રતા, સમાનતા , બંધુતા, ગરિમા અને અખંડતા દ્વારા વ્યક્ત થયાં છે. ૨૬મી નવેમ્બર ૧૯૪૯ના રોજ બંધારણસભાએ આ બંધારણ સ્વીકાર્યું હોવાનો પણ આમુખના અંતે ઉલ્લેખ છે. ભારતના બંધારણનો અમલ ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦થી આરંભાયો એટલે તે દિવસ પ્રજાસત્તાક દિન કહેવાય છે.

બંધારણસભાના અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદે આમુખ પસાર થયું ત્યારે તેને બંધારણનું મહત્વનું અંગ ગણાવ્યું હતું. પરંતુ આમુખ બંધારણનો ભાગ ગણાય કે નહીં તે બાબતે મતમતાંતર હતા. કેટલાક રાજ્યોની વડીઅદાલતો અને દેશની સર્વોચ્ચ અદાલતે પણ આમુખને બંધારણનો ભાગ ગણવાનો ઈન્કાર કર્યો હતો. જોકે ૧૯૭૩માં સુપ્રીમ કોર્ટની તેર ન્યાયાધીશોની પૂર્ણ પીઠે બંધારણના ન્યાયિક સમીક્ષા સંબંધી કેશવાનંદ ભારતી કેસના ચુકાદામાં આમુખને બંધારણનો ભાગ ગણ્યો છે. અદાલતે બંધારણના મૂળભૂત ઢાંચાને અસર ન કરતા અન્ય બંધારણીય સુધારાની જેમ અનુચ્છેદ ૩૬૮ હેઠળ આમુખમાં પણ સુધારો થઈ શકે છે તેમ ઠરાવ્યું હતું.

ભારતના સંવિધાનમાં અત્યાર સુધીમાં એકસો પાંચ સુધારા થયા છે. પરંતુ આમુખમાં માત્ર એક જ વખત સુધારો થયો છે. ઈન્દિરા ગાંધીએ લાદેલી આંતરિક કટોકટીના કાળમાં, ૧૯૭૬માં,બેતાળીસમા બંધારણ સુધારાથી આમુખમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડતા એ ત્રણ શબ્દોનું ઉમેરણ થયું છે.. ભારતનું રાજ્ય જેમ સંપૂર્ણ સાર્વભૌમ, લોકતાંત્રિક પ્રજાસત્તાક તેમ તે સમાજવાદી અને બિનસાંપ્રદાયિક પણ હશે.તેવો સુધારો થયો હતો. ઉપરાંત રાષ્ટ્રની એકતાની સાથે અખંડતા શબ્દ ઉમેરાયો હતો.

આમુખમાં થયેલા આ સુધારા અંગે રાજકીય વિવાદ જોવા મળે છે. ખાસ કરીને સોશ્યાલિસ્ટ (સમાજવાદી) અને સેક્યુલર(બિનસાંપ્રદાયિક) શબ્દો કેટલીક રાજકીય વિચારધારાને ખટકે છે. બંધારણસભામાં આમુખની ચર્ચા વખતે આચાર્ય ક્રુપાલાણીએ તેને ભારતના આધ્યાત્મિકતા અને નૈતિક વ્યવહારના પરિચાયક સમાન ગણાવ્યું હતું. પરંતુ હાલમાં જ જમ્મુ-કશ્મીર અને લદ્દાખની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ પંકજ મિત્તલે બંધારણના આમુખમાં ઉમેરાયેલા સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દોથી ભારતની વિરાટ આધ્યાત્મિક છબી સીમિત થઈ હોવાનો મત વ્યક્ત કર્યો છે.

કેન્દ્ર અને રાજ્યના વર્તમાન સત્તાપક્ષને આમુખમાં ઉમેરાયેલો અખંડતા શબ્દ તેની રાજકીય વિચારધારાને અનુરૂપ  હોઈ ગમે છે.પરંતુ સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દ સામે વાંધો છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણી પછી નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રીપદે ભારતીય જનતા પક્ષની કેન્દ્ર સરકારે તેના પ્રથમ પ્રજાસત્તાક દિન, છવ્વીસમી જાન્યુઆરી ૨૦૧૫, ની સરકારી જાહેરખબરમાં બંધારણનું આમુખ તો છાપ્યું હતું પણ સમાજવાદી શબ્દ કાઢી નાંખ્યો હતો. જ્યારે આ બાબતે વ્યાપક ઉહાપોહ થયો ત્યારે સરકારે બંધારણનું મૂળ આમુખ પ્રસિધ્ધ કર્યાનો લૂલો બચાવ કર્યો હતો.રાજ્યસભાના રાષ્ટ્રપતિ નિયુક્ત સભ્ય અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારક રાકેશ સિન્હાએ તો આમુખમાંથી સમાજવાદી શબ્દ હઠાવી દેવા રાજ્યસભામાં બિનસરકારી વિધેયક લાવવાની ઘોષણા કરી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉત્તરપ્રદેશમાં સમાજવાદ નહીં રામરાજ્ય પ્રવર્તતું હોવાનું અવારનવાર જણાવે છે. ભારતીય જનતા પક્ષે તેના મુંબઈના રજત અધિવેશનમાં, અટલબિહારી વાજપાઈના નેત્રુત્વમાં, “ગાંધીવાદી સમાજવાદ”નો સંકલ્પ રજૂ કર્યો હતો.પણ હવે પક્ષને સમાજવાદ શબ્દ ગમતો નથી !

૨૦૧૬માં અલ્હાબાદ હાઈકોર્ટે આમુખમાં ઉમેરાયેલા સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દોને બંધારણીય ઠેરવતો ચુકાદો આપ્યો હોવા છતાં દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમકોર્ટમાં આ શબ્દો આમુખમાંથી કાઢી નાંખવા દાદ માંગવામાં આવી છે. સમાજવાદી શબ્દ લોકોની અપેક્ષા અને આશા વ્યક્ત કરે છે. આમુખમાં સમાજવાદી શબ્દ હોવાથી સામંતી શોષિત સમાજના બદલે સમાજવાદી કલ્યાણકારી સમાજ સ્થાપવા સરકારો બંધારણીય જોગવાઈઓ કરવા બાધ્ય બની શકે છે. આભડછેટ નાબૂદી, સમાનકામનું સમાન વેતન, જમીનદારી, વેઠપ્રથા, બાળમજૂરીની નાબૂદીના કાયદા કદાચ તેને કારણે જ શક્ય બન્યા છે. બીજી તરફ ૧૯૯૧ પછી બજારકેન્દ્રી જે નવી આર્થિક નીતિ દેશમાં અમલમાં છે અને ખાનગીકરણ પૂરજોરમાં છે ત્યારે આમુખમાં સમાજવાદી શબ્દનું હોવું તે દંભ જેવું લાગે છે.

નાગરિક્ના મૂળભૂત અધિકારોમાં ધર્મ સ્વાતંત્ર્યનો અધિકાર આપ્યા પછી આમુખમાં રાજ્યનું ચરિત્ર ધર્મનિરપેક્ષ હશે તે દર્શાવવા સેક્યુલર શબ્દ ઉમેરીને શું હાંસલ થઈ શકે તેમ છે ? તેવો સવાલ કરાય છે. આજે સેક્યુલર શબ્દ એક ગાળ બની ગયો છે અને તેને વોટબેન્ક પોલિટીક્સ કે લઘુમતી તુષ્ટિકરણ સાથે જોડીને જોવામાં આવે છે. સેક્યુલરની આલોચનામાં નક્સલ, મુસ્લિમપરસ્ત, લેફ્ટ, લિબરલ,સ્યુડો સેક્યુલર જેવા શબ્દો છૂટથી વપરાય છે. સેક્યુલરોની પણ દલીલ છે કે જેમના નિશાના પર સોશ્યાલિઝમ છે તેમનું ખરું નિશાન તો સેક્યુલારિઝમ છે  ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી  હિંદુ દેખાવા મંદિરદરમંદિર પૂજાપાઠ કરવા ફરતા હતા ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના પરિણામો પછીના તત્કાળ પ્રતિભાવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ,‘આ ચૂંટણીના પ્રચારમાં કોઈ રાજકીય પક્ષની તાકાત નહોતી કે તે ધર્મનિરપેક્ષતાની વાત કરે’, એમ  જણાવ્યું હતું  આ બંને બાબતો દેશના બે સૌથી મોટા પક્ષનું ધર્મનિરપેક્ષતાના મુદ્દે વલણ છતું કરે છે.

લોકઆકાંક્ષાઓ અને રાજ્યનું ચરિત્ર દર્શાવતું બંધારણનું આમુખ માત્ર શોભારૂપ ન રહે પણ તેના પ્રત્યેક શબ્દો વાસ્તવમાં ચરિતાર્થ પણ થાય તો જ આપણું પ્રજાસત્તાક હોવું સાચું ઠરે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.