સ્પર્ધાત્મકતા અને ખેલદિલી

હકારાત્મક અભિગમ

-રાજુલ કૌશિક

આજે જ ફુરસદના સમયે એક સાથે બે તદ્દન વિરોધાભાસ ધરાવતી વિડીયો જોઇ. ક્યારેક એવું બને કે કોઇ બાબત આપણને વિચારતા કરી દે તો બીજી હ્રદયના ઊંડાણને સ્પર્શી જાય..આ વિડીયો પણ એમાંની જ એક હતી.

એક કોર્પોરેટ ઓફિસના હોલ જેવી જગ્યા જ હશે. એક વ્યક્તિ ઓફિસમાં હાજર સૌને જાણે રમત રમાડતા હતા. ત્યાં ઉભેલ તમામ વ્યક્તિઓના હાથમાં એક ફુલાવેલો ફુગ્ગો આપવામાં આવ્યો હતો અને બીજા હાથમાં એક ટૂથ પિક આપવામાં આવી. રમત શરૂ થાય એ પહેલા સૌને સૂચના આપવામાં આવી હતી કે નિર્ધારિત સમય સુધીમાં છેલ્લે જેના હાથમાં ફુલેલો ફુગ્ગો રહેશે એ ગેમ જીતશે.

દસ નવથી માંડીને ઉંધી ગણતરીએ  કાઉન્ટ ડાઉન શરૂ થયુ… અને સ્ટાર્ટની સૂચના સાથે જ સૌ એકબીજાના હાથમાં રહેલો ફુગ્ગો પેલી ટૂથ પિકથી ફોડવા મંડ્યા. પોતાનો ફુગ્ગો બચાવીને અન્યનો ફુગ્ગો ફોડવાની પેરવીમાં અંતે તો કોઇના ય હાથમાં ફુલેલો ફુગ્ગો રહ્યો નહી. અર્થાત ગેમ કોઇ જીત્યું નહીં.

ગેમ રમાડનાર વ્યક્તિએ અંતે એક સવાલ સૌને પૂછ્યો, “ દોસ્તો, મેં સૌને એવું કહ્યું હતું કે ગેમના અંતે જેના હાથમાં ફુલેલો ફુગ્ગો રહેશે એ વિજેતા. અહીં કોઇપણ એવા સંજોગ હતા જ્યાં આપણી જીતવાની કોઇ શક્યતા હતી?”

હતી શક્યતા હતી એ તો સૌએ કબૂલ કર્યું “ કોઇએ અન્યનો ફુગ્ગો ફોડવાની જરૂર જ નહોતી. જો એમ કર્યું હોત તો સૌ વિજેતા બની શક્યા હોત.” અર્થાત જીતવા માટે કોઇને હરાવવાની જરૂર નથી હોતી. જીતવા માટે અન્યનું નુકશાન કરવાની જરૂર તો જરાય નથી હોતી. પણ આપણી માનસિકતા એવી છે કે જો આપણે જીતવું છે તો અન્યને હરાવવા જ રહ્યા. કોઇનું નુકશાન એટલે આપણો ફાયદો. આ જ બનતું આવે છે પછી ભલેને એ કોર્પોરેટ જગત હોય, રાજકારણ હોય . આપણે અન્યને નીચા પાડવા જતા ખુદ નીચે ઉતરતા જઇએ છીએ.

હવે આની સામે એક બીજો સીન જોઇએ.

મોટા- ખુલ્લા મેદાનમાં સ્પર્ધાનો માહોલ હતો. સફેદ પાટા પર દોડવીરો દોડવા માટે અને જીતવા માટે સજ્જ થઈને ઉભા હતા. મેદાનની ફરતે પ્રેક્ષકો ગોઠવાયેલા હતા. કદાચ સૌના ચહેરા પર સ્પર્ધામાં ઉતરેલા પોતાના સ્વજનની જીત માટેની ઉત્તેજના હતી એની સાથે હાથ પ્રાર્થના માટે જોડાયેલા હતા.

સ્પર્ધા શરૂ કરવા માટેની વ્હિસલની સાથે લીલી ઝંડી ફરકી અને એની સાથે જ પેલા સફેદ પાટા પર ઉભેલા સ્પર્ધકોએ દોડવા માંડ્યુ. બે પાંચ પળ વિતી અને દોડી રહેલા સ્પર્ધકમાંથી એક દોડવીર ઠેબુ ખાઇને પડ્યો. સ્વભાવિક છે કે બાકીના સ્પર્ધકો માટે તો એમની સાથેની સ્પર્ધામાંથી એક બાકાત થયો . અન્યનું તો એ જ ધ્યેય હોય ને કે જેમ બને એમ ઝડપથી નિર્ધારિત લક્ષ્યાંક સુધી પહોંચીને અવ્વલ સ્થાન પ્રાપ્ત કરવું.

પણ ના, અહીં એમ ના બન્યું . એક સ્પર્ધકના પડી જવાથી બાકીના સ્પર્ધક ઉભા રહી ગયા . પાછા વળીને પેલા ગબડી પડેલા સ્પર્ધકને ટેકો આપીને ઉભો કર્યો. એટલું જ નહીં પણ બાકીની દોડ માટે સૌએ એકમેકના હાથ ઝાલીને સંયુક્ત રીતે સ્પર્ધા જીતી.

મેદાનમાં બેઠેલા તમામ પ્રેક્ષકોએ ઉભા થઈને તાળીઓના ગડગડાટથી તમામ સ્પર્ધકોને વધાવી લીધા. કારણ? આ કોઇ સામાન્ય સ્પર્ધકો નહોતા. રમતના મેદાનમાં ઉતરેલા તમામ બાળકો શારીરિક રીતે તો કદાચ સ્વસ્થ હશે પરંતુ માનસિક રીતે અસ્વસ્થ હતા. આ સ્પર્ધા મંદબુદ્ધિ (મેન્ટલી રિટાયર્ડ) બાળકો વચ્ચે યોજાયેલી સ્પર્ધા હતી.

હવે આ બાળકો માટે કેવી રીતે મંદબુદ્ધિ શબ્દ પ્રયોગ કરી શકાય? હુંસાતુંસીના આ જમાનામાં ભલભલા અકલમંદ લોકો પણ એક બીજાને પછાડવાની પેરવીમાં લાગેલા હોય છે. ક્યાંથી કોને પછાડીને હું આગળ વધુ એવી માનસિકતા વચ્ચે માનસિક સ્તરે નબળા કહેવાય એવા બાળકોએ શું કર્યું એ સમજવા આપણી સમજ અને એ મેન્ટલી રિટાયર્ડ બાળકોને નવાજવા માટે તો શબ્દો પણ ઓછા પડે.

સીધી વાત…..એકલી વ્યક્તિ પાણીનું બુંદ છે, જો એકબીજા સાથે ભળી જઈતો સાગર બનીએ. એકલી વ્યક્તિ એક માત્ર દોર છે સાથે મળીએ તો વસ્ત્ર બનીએ.  એકલી વ્યક્તિ કાગળ માત્ર છે. એકબીજા સાથે મળી જઇએ તો કિતાબ બની રહીએ. એકલા આપણે પત્થર છીએ. ભળી જઈએ તો ઇમારત બનીએ.


સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.>

Author: Web Gurjari

2 thoughts on “સ્પર્ધાત્મકતા અને ખેલદિલી

  1. .એકલી વ્યક્તિ પાણીનું બુંદ છે,
    વાત તો સાચી . પણ સમજવા , આત્મસાત કરવા, અમલમાં મૂકવા કોણ તૈયાર છે?

  2. મંદ બુધ્ધિ ના બાળકો intelligent ગણાતા વયસ્ક લોકો ને પાઠ ભણા વી ગયા
    મોટી શિખ
    United We win
    Hindus must learn

Leave a Reply to Mahesh B shah Cancel reply

Your email address will not be published.