કપરી શોધ

વાંચનમાંથી ટાંચણ

– સુરેશ જાની

મે૩૦, ૧૯૮૯ એટલેન્ટીક મહાસાગર

‘ડેડ અમે તૈયાર છીએ.’ ટોડે તેના  પિતા, રોબર્ટને કહ્યું.

ત્રણ માઈલ ઊંડા એટલેન્ટિક મહાસાગરના તળિયામાંથી સિગ્નલો લઈ, ‘સ્ટાર હર્ક્યુઅલસ’ સ્ટીમર પર મોકલવા માટેના;  ત્રણ ઊંચા અને શક્તિશાળી ટ્રાન્સ્પોન્ડરો દરિયાના તળિયે ગોઠવાઈ ગયા હતા. આનાથી શોધ માટેના ‘આર્ગો’નામના  રોબોટમાં રાખેલા ‘સોનાર’માંથી પ્રસારિત થતા સંદેશાઓ વાપરીને, આર્ગોનું સ્થાન બહુ સ્પષ્ટતા અને ચોક્કસાઈથી મળવાનું હતું.

રોબર્ટના આવતાંની સાથે જ ‘આર્ગો’ને દરિયાના તળીયે ઉતારવા બધા પાછલા છેડે ભેગા થઈ ગયા. બે ટન વજનના આર્ગો ઉપર બહુ જ શક્તિશાળી ફ્લડલાઈટો, સોનાર ટ્રાન્સમીટર અને ત્રણ વિડિયો કેમેરા લગાવેલા હતા. સવારના છ વાગ્યા હતા. એક મોટી ‘એ’ ફ્રેમ ઉપરથી દોરડાથી લટકાવેલું આર્ગો ધીરે ધીરે નીચે ઉતરવા માંડ્યું. સાથે આર્ગો ને પાવર સપ્લાય આપતો વાયર પણ હતો. ત્રણ માઈલ ઊંડાઈએ તેને પહોંચાડતાં ચાર કલાક થયા. હવે આર્ગો દરિયાના તળિયાથી માત્ર ૫૦ મિટર ઊંચે હતું. તેની જગ્યા બહુ ચોકસાઈથી ટ્રાન્સ્પોન્ડરો બતાવતા હતા.

ધીરે ધીરે સ્ટીમરને હંકારવામાં આવી. આર્ગોના કંટ્રોલ સ્ટેશનમાં બધા કેમેરાઓના વિડિયો રીસીવરો, અને ટ્રાન્સ્પોન્ડરોના સંદેશાઓ વડે આર્ગોની જગા બતાવતાં સાધન પર ટોડ નજર નાખી રહ્યો હતો. આઠ કલાકની તેની ફરજ હતી. તેના બીજા બે મિત્રો બીલી અને કર્ક બીજી અને ત્રીજી પાળીમાં આ ફરજ નિભાવવાના હતા. ત્રણે ૨0-૨૧  વર્ષના નવલોહિયા, તરવરતા જુવાનો હતા.

પણ આ શોધ સહેલી ન હતી. ત્રણ માઈલ ઊંડું અને ૨૦૦ ચોરસ માઈલનો વિસ્તાર ધરાવતું દરિયાનું સાવ અંધકારગ્રસ્ત તળિયું ખુંદવાનું હતું. ઘાસની ગંજીમાં રાતે એક નાની ફ્લેશલાઈટ વડે સોય શોધવા જેવું આ દુષ્કર કાર્ય હતું. અને દરિયાનું તળિયું પણ કંઈ થોડું સાવ સપાટ હતું? તેમાં તો બેસુમાર ટેકરીઓ અને ખીણોથી ‘આર્ગો’ ને સાચવવાનું હતું. સ્ટીમર ધીરે ધીરે ચાલતી હતી, તો પણ આ બે ટનના દાગીનાને તેના ત્રણ માઈલ લાંબા ઝોલા સાથે સ્થિર રાખવાનું કામ લોઢાના ચણા ચાવવા જેવું હતું. ટોડે તેને દેખાતા દ્રશ્ય પરથી આર્ગોને કુશળતાથી ઉપર નીચે કરી ટેકરીઓથી સલામત અંતરે રાખવાનું હતું, અને સાથે સાથે વિડિયો મોનિટર પર પણ સતત નજર રાખવાની હતી. અને તે દ્રશ્ય પણ કાંઈ થોડું આકર્ષક હતું? સાવ અંધકારગ્રસ્ત દરિયામાં આર્ગોની સર્ચ લાઈટો જેટલો પ્રકાશ પાથરી શકે તેના આધારે ધુંધળું ધુંધળું દ્રશ્ય જ દેખાતું હતું. ત્રણે જવાનિયા વિડિયો ગેમ રમવામાં પાવરધા હતા, માટે જ રોબર્ટે તેમને આ કામ સોંપ્યું હતું. એક એક માઈલના અંતરે સીધી લીટીમાં સ્ટીમર જવાની હતી, અને આમ આખા વિસ્તારને આવરી લેવાનો હતો. સમયવાર કયા અંતરે શું ખાસ દેખાયું તેની નોંધ પણ તેમણે રાખવાની હતી.

પહેલે જ ધડાકે, થોડે આગળ જતાં ટોડની કુશળતાની પરીક્ષા થઈ ગઈ. એક સખત ઢોળાવવાળી ટેકરી દેખાઈ. આર્ગોને કેટલી ઝડપથી ઉંચે લેવું તે બહુ મુશ્કેલ કામ હતું. જો ધીરેથી લે તો ટેકરી સાથે અથડાઈ જાય અને ઝડપ કરે તો આ બે ટનનો ત્રણ માઈલ લાંબો દાગીનો ઝોલાં ખાવા લાગે. પણ ટોડ આ પરીક્ષામાં પાસ થયો! ધીરે ધીરે તેને ફાવટ આવી ગઈ.

બપોરે
૧2-૨૧ –   માછલી
૧3- ૦૩  –  ઓક્ટોપસ
૧૪ – ૪૨  – કાળી શીલા
૧૫ – ૪૫   –   કાચબો

સાવ નીરસ શોધ હતી.

જુન – ૫,  ૧૯૮૯

બીલી, ટોડ અને કર્ક હવે અકળાયા હતા. શોધનો પોણા ભાગનો વિસ્તાર ખુંદાઈ ચુકાયો હતો. ત્રણે શિસ્તવાળા યુવાનો હતા; છતાં પણ તેમની ઉમ્મર માટે આ બોજો વધારે પડતો હતો. તેમની અકળામણ સ્પષ્ટ જણાઈ આવતી હતી. રોબર્ટ પોતે જ બોલી ઉઠ્યો , “મને લાગે છે કે કોઈ ‘બ્લેક હોલ’માં આપણો શિકાર ગરકી ગયો છે.”

ટોડે કહ્યું ,” ડેડ! તમે ચિંતા ન કરો. આપણે તેને શોધીને જ જંપીશું.” રોબર્ટ તૂતક પર ગયો અને પોટેટો ચીપ અને કોક લઈ સાંત્વના મેળવવા લાગ્યો! થોડી વાર બાદ કેબિનમાંથી ટોડનો અવાજ આવ્યો ,”ડેડ! કાંઈક કાટમાળ જેવું લાગે છે.”

રોબર્ટ ઉછળીને દોડ્યો. કોકની બાટલી અને ચીપ્સ ફર્શ પર ઢોળાઈ ગયાં! કેબિનમાં વિડિયો મોનિટર પર એક લાંબી પાઈપ જેવી કોઈક ચીજ દેખાતી હતી. ટોડે વિડિયો કેમેરાને ઝુમ-ઈન કર્યા. ફટાફટ નેશનલ જ્યોગ્રાફિકની ટીમ પણ તેમના કેમેરા અને સરંજામ લઈને આવી પહોંચી. સાંજના ચાર વાગી ગયા હતા, અને પાળી બદલાવાની હતી, પણ બધા સાથીદારો અઠવાડીયાથી નિર્જીવ રહેલી કંટ્રોલ કેબિનમાં ભેગા થઈ ગયા. સુસ્તીના સ્થાને સતેજતા આવી ગઈ હતી.

હવે સ્ટીમરને તે પાઈપની દિશામાં જ આગળ લેવાનું નક્કી કરવામાં આવ્યું. થોડા થોડા અંતરે બીજા કાટમાળ પણ દેખાવા માંડ્યા.

કેબિનમાં આટલા બધા માણસો ભેગા થયેલા હોવા છતાં નીરવ શાંતિ છવાઈ ગઈ. માત્ર સ્ટીમરના એન્જીનની આછી ઘરેરાટી જ સંભળાતી હતી. કદાચ તે ન સંભળાતી હોત તો બધાના હૃદયના ધડકારા પણ સંભળાવા માંડ્યા હોત! શિકાર મળશે ખરો અને મળશે તો ક્યારે ?  બધાની આંખો વિડિયો મોનિટર પર ચોંટી ગઈ હતી. પણ એક ચીજ સમજાતી ન હતી. દરિયાનું તળિયું આગળ દેખાતું હતું તેવું ખરબચડું અને પથરાઓ કે ખાડાખૈયાવાળું રહ્યું ન હતું. અભૂતપૂર્વ રીતે તે લીસું જણાતું હતું. જાણે કે કોઈ બુલડોઝર ફરી વળ્યું હોય તેવો દેખાવ હતો.

રોબર્ટ બોલ્યો ,” ચોક્કસ તે રાક્ષસ અહીંથી જ લપસ્યો લાગે છે.”

જુન૮, ૧૯૮૯

બે દિવસમાં ઘણો બધો કાટમાળ આવતો જતો હતો, પણ કાંઈ વજુદવાળી ચીજ  દ્રષ્ટિગોચર થતી ન હતી. સ્ટીમરમાં બળતણનો પુરવઠો જોતાં ચાર દિવસથી વધારે રોકાવાય તેમ ન હતું. રોબર્ટની ચિંતા વધતી જતી હતી. છેક આરે આવેલું વહાણ બૂડી જાય તેવી હતાશા તેને ઘેરી વળી હતી. રોબર્ટ આ મનોભાવો સાથે સવારના નવ વાગે તેની કેબિનમાં આડો પડ્યો હતો. તેની પથારીની સામે જ વિડિયો મોનિટરનો સ્ક્રીન હતો.

અચાનક એક મોટો ધોળો આકાર વિડિયો મોનિટર પર દેખાયો. તેને લાગ્યું કે આ કોઈ મોટું જળચર પ્રાણી સૂતેલું તો નહીં હોય ને? અને ત્યાં જ મોટી ગન દેખાણી. રોબર્ટ કૂદકો મારીને ભાગ્યો. હવે ઊંધી પડેલી તોપ સ્પષ્ટ રીતે દેખાતી હતી. આખી સ્ટીમરમાં સમાચાર ફરી વળ્યા. કન્ટ્રોલ સ્ટેશન પર કર્ક હતો. તેણે આખું દ્રશ્ય રીપ્લે કરીને બધાને બતાવ્યું. તાળીઓના ગડગડાટથી કન્ટ્રોલ રુમ ગાજી ઉઠ્યો.

થોડે આગળ ગયા અને તે દેખાણી.  આર્ગોને ૬૦ મિટરની ઊંચાઈ પરથી ૩૫ મિટરની ઊંચાઈ પર કર્ક લઈ ગયો. દરિયાની આબોહવા ઘણી વિષમ થઈ ગયેલી હતી. તેમની  ‘સ્ટાર હર્ક્યુલસ ‘  હિલોળા ખાઈ રહી હતી. આમાં ત્રણ માઈલ ઊંડે ‘ આર્ગો ‘ ને સ્થિર બહુ કઠણ હતું. પણ આ ત્રણ લબ્બર મૂછિયા જુવાનિયા ગાંજ્યા જાય તેવા ય ક્યાં હતા? બિસ્માર્કની પાછળની ગનરી પાર કરીને તેના બીજા છેડા સુધી આર્ગો પહોંચી ગયું. હવે બિસ્માર્કના તૂતક પર ચિતરેલો ભયાનકતાના પ્રતિક જેવો રાક્ષસી સ્વસ્તિક બરાબર દેખાતો હતો.

તેમની નજર સામે બીજા વિશ્વયુદ્ધ વખતની, સૌથી વધુ શક્તિશાળી, જર્મન વિનાશિકા ૪૮ વરસથી નિબીડ અંધકાર અને અત્યંત ઠંડા પાણીમાં સોડ  વાળીને સૂતી હતી.

બિસ્માર્ક એક માઈલના છઠ્ઠા ભાગ  જેટલી  – સોકરના ત્રણ મેદાન જેટલી – લાંબી હતી. તળિયાથી કુવાથંભ સુધીની તેની ઊંચાઈ ૧૭ માળના મકાન જેટલી હતી! તેનો વિનાશ થયો ત્યારે બન્ને પક્ષના ચાર હજારથી વધારે નવલોહિયા યુવાનોએ જળસમાધિ લીધી હતી. દરિયામાં ગરકાવ થતાં પહેલાં તેણે બ્રિટનના મોટા અને ખતરનાક યુદ્ધજહાજ ‘ હુડ ‘ નો ભોગ લીધો હતો. તે જર્મનીની રાક્ષસી વિનાશિકા ‘ બિસ્માર્ક ‘ હતી. તે જમાનાની એ સૌથી મોટી અને સાવ નવી નક્કોર વિનાશિકા હતી, તેની વિનાશકતાના સમાચારથી ઈન્ગ્લેન્ડના સેનાપતિઓ અને રાજકારણીઓની ઉંઘ હરામ થઈ ગઈ હતી. એટલેન્ટિક મહાસાગરમાં હજારો માલવાહક જહાજોનો નાશ કરી, ઈન્ગ્લેન્ડની પુરવઠા હરોળ કાપી નાંખવાના ખાસ મિશન માટે હિટલરે ખુદ મુલાકાત લઈ તેને વળાવી હતી. તેને ખતમ કરવા ઈન્ગ્લેન્ડનો બહુ મોટો નૌકા કાફલો સજ્જ કરવામાં આવ્યો હતો. તે વખતના વડાપ્રધાન ચર્ચિલના એક જ નારા સાથે –  ” સિન્ક બિસ્માર્ક. ”   ( આ નામનું બહુ જ હૃદયસ્પર્શી, દિલ ધડકાવી દે તેવું, ખતરનાક નૌકા યુદ્ધનું આલેખન કરતું ચલચિત્ર પણ ઉતરેલું છે.)

રોબર્ટ સંતોષથી નાચી ઊઠ્યો. તેનું આ નવલું  વિશ્વપ્રસિદ્ધ સાહસ હતું. આ અગાઉ તેણે ૧૯૮૫  માં ‘ટાઈટેનિક ‘ ને શોધી કાઢી હતી. બીજાં આવાં અનેક જળસમાધિ લીધેલાં જહાજો પણ તેણે ખોળી કાઢ્યાં હતાં.

દુર્ભાગ્યે આ શોધ પછી થોડાક જ અઠવાડિયામાં ટોડ એક કાર અકસ્માતમાં અવસાન પામ્યો હતો. પણ રોબર્ટને યુદ્ધની  બિભિષક વિનાશકતા અને તેનાથી હ્રાસ પામતા માનવમૂલ્યોનો સ્વતઃ પરચો થઈ ગયો હતો. ટોડની યાદમાં તેણે ‘ એક્સ્પ્લોરિન્ગ ધી બિસ્માર્ક’ નામનું અત્યંત રોચક શૈલી અને અનેક ફોટોગ્રાફ સાથેનું  પુસ્તક લખેલું છે.

એ  પુસ્તકના સહારે જ આ સત્યકથા અહીં પ્રકાશિત કરવામાં આવી છે.


શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ
· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના
· ઇ-પત્રવ્યવહારનું સરનામું: surpad2017@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.