નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – ૫૪

…પણ હું ધંધો ને સંબંધ ભેગા નથી કરતો

નલિન શાહ

બા-બાપુને દીકરીના સપનાના મહેલ જેવો બંગલો બતાવવાની સુનિતાને તીવ્ર ઇચ્છા હતી. રતિલાલ અને સવિતા પણ દીકરીની અણકલ્પેલી સમૃદ્ધિનો સુખદ અનુભવ કરવા માંગતાં હતાં. રતિલાલને નબળાઈ સિવાય ખાસ કોઈ ફરિયાદ નહોતી, પણ જ્યારે ડૉક્ટરે હૃદયરોગના કોઈ નિષ્ણાતને બતાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો ત્યારે બધાંએ ટ્રેઇનમાં એમને મુંબઈ લઈ જવાની વ્યવસ્થા કરી. કાર કરતાં ફર્સ્ટ ક્લાસમાં વધારે આરામથી જવાય એમ હતું. રાજુલે માનસીને ફોનમાં જણાવ્યું તો માનસીએ એમને જુહુના બંગલા પર જ રાખવાનું સૂચન કર્યું ને પૂરું ચેકઅપ થયા બાદ પછીનો નિર્ણય લેવાનું ઠેરવ્યું. બંગલાનાં ફર્નિચર અને સજાવટનાં કામો બાકી હતાં પણ ખાવા-પીવાની, સૂવા-બેસવાની બધી સગવડો હતી.

જ્યારે પથ્થરની જર્જરીત લાગતી દીવાલ સામે ગાડી થંભી ગઈ ત્યારે રતિલાલને અચરજ થયું. શશીએ વર્ણવેલા બંગલા સાથે મેળ નહોતો બેસતો, પણ જ્યારે દરવાજામાં પ્રવેશ કર્યો ને જે દૃશ્ય જોયું એ માનવામાં ન આવે તેવું હતું. પછાત ગામડાના જર્જરીત ઘરમાં ઊછરેલી એની દીકરીના મહેલ જેવા ઘરની વાતો તો પરિકથામાં વાંચવા મળે જેને વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી હોતો.  રતિલાલ ને સવિતા આભાં બનીને જોઈ રહ્યાં. એમને એમની આંખો પર વિશ્વાસ ના બેઠો. વિશાળ હોલની બંને બાજુ ઓરડાઓ ને એટલા જ ઓરડાઓ ઉપર પણ હતા. ‘આટલા બધા ઓરડાઓનું શું કરશે?’ સવિતાએ વિસ્મયથી પૂછ્યું. સુનિતાએ કહ્યું, ‘બધા ઉપયોગમાં લેવાશે. એક રાજુલ-સાગરનો રૂમ, એક સાગરની ઓફિસ માટે, એક છોકરાઓનો, એક રાજુલનો સ્ટુડિયો, એક એની લાયબ્રેરી, એક એના કપડાં માટે…..’ સુનિતા બોલતી રહી ને બા-બાપુ વિચારતાં રહ્યાં,  ‘આ દીકરી સ્કૂલની નાની સરખી લાયબ્રેરીમાંથી પુસ્તકો વાંચવા લાવતી ને જેણે થીંગડાં દીધેલાં કપડાં પહેરવામાં કદી નાનમ નહોતી અનુભવેલી એની પાસે આજે પુસ્તકોનો ભંડાર ને ઢગલાબંધ ડ્રેસીસ! આથી વધુ મા-બાપ શેની અપેક્ષા રાખી શકે? ને શશીને સ્ટુડીયો માટે ફાળવેલો વિશાળ હોલ જેવો ઓરડો જોઈને ગામનાં ઘરમાં ખાટલા નીચે ગોઠવેલાં ચિત્રોના કાગળોના કુંડાળાં ને ભીંત પાસે ગોઠવેલા રંગના નાના ડબ્બાઓ ને બ્રશો યાદ આવી ગયાં. ‘સમય પણ અજબ ખેલ દાખવે છે!’ એણે વિચાર્યું.

માનસીએ આવીને રતિલાલને તપાસ્યા અને ચિંતાતુર વદને બે દિવસ હોસ્પિટલમાં દાખલ થવા સૂચવ્યું, જેથી પેથોલોજીના અને બીજા જરૂરી ટેસ્ટ થાય જે રોગનાં નિદાન માટે જરૂરી હતા. એણે રાજુલને તો ના કહ્યું, પણ સુનિતા આગળ ચિંતા વ્યક્ત કરી કે હાર્ટના વાલ્વમાં ખરાબી હોઈ શકે, અને એમ હોય તો ઓપરેશન જરૂરી થાય.

‘જરા વિચાર કરી રાખજે કે જો જરૂરી હોય તો ક્યાં કરાવવું?’

માનસીએ જવાબ ના આપ્યો.

‘પરાગ કેમ રહેશે?’ સુનિતાએ પૂછ્યું.

‘વાલ્વ બદલવો જરૂરી લાગે તો એમાં એ નિષ્ણાત છે.’ ને અચકાતાં ઉમેર્યું ‘એના સિવાય બીજો છૂટકો નથી.’

‘ખર્ચાનો વિચાર ના કરતી ને અત્યારે રાજુલને પણ કાંઈ જણાવવાની જરૂર નથી.’ સુનિતા માનસીની દ્વિઘા સમજતી હતી ને પરાગના લોભથી પણ વાકેફ હતી.

‘હોય કાંઈ, અહીં પૈસાની સવાલ જ નથી ઉદ્‌ભવતો.’ માનસીએ મક્કમતાથી કહ્યું.

‘ના, એ વાત જ ના કરતી તું. તું ભલે એ કુટુંબથી બંધાયેલી હોય પણ હું તને જુદી કક્ષામાં મૂકું છું. મારે એ કુટુંબનો ઉપકાર ના જોઈએ. બાપુને હું કોઈ સંકોચજનક સ્થિતિમાં નથી મૂકવા માંગતી.’

‘તમારે મન ભલે પૈસાનું મહત્ત્વ ના હોય’ માનસી જવાબ વાળ્યો, પણ મારે મન સંબંધનું મહત્ત્વ ઘણું છે. છેવટે તો એ પરાગના નાના ગણાય.’

સુનિતાને માનસીની દયા આવી. એ એની કફોડી સ્થિતિ પામી ગયાં હતાં. પણ એને સંકોચજનક સ્થિતિમાં ન મૂકવા ચૂપ રહ્યાં. માનસીની શંકા સાચી ઠરી. બધા ટેસ્ટ કર્યા બાદ હાર્ટનો વાલ્વ તત્કાલ બદલવાની જરૂર લાગી.

રાત્રે માનસીએ પરાગને રતિલાલના ઓપરેશન બાબત જણાવ્યું ને બધા રિપોર્ટ બતાવ્યા. ‘ઓપરેશનમાં જોખમ ઘણું છે’ પરાગે કહ્યું, ‘પણ લંબાવવામાં જોખમ વધારે છે.’

‘ક્યારે કરીશ?’

‘એક અઠવાડિયા બાદ.’

‘કેટલો ખર્ચો થશે?’

‘દોઢ લાખ ઓપરેશનના, હોસ્પિટલના જુદા.’

‘તારા સગા નાના પાસે પણ તું પૈસા લઈશ?’

‘નાના? જેને મેં કદી જોયા પણ નથી.’

‘પણ થાય તો તારી માના બાપુ.’

‘એ ભલે હોય પણ હું નથી માનતો કે બાપ-દીકરી જેવો સંબંધ હોય એ બેઉ વચ્ચે.’

‘એટલે કાંઈ એના બાપ નથી મટી જતા.’

‘હું જાણું છું તું શું કહેવા માંગે છે. તારા એ કુટુંબની સાથેના સંબંધના કારણે તું ભલે ફ્રી ટ્રિટમેન્ટ કરે, પણ હું ધંધો ને સંબંધ ભેગા નથી કરતો.’

‘ધંધા’ શબ્દે માનસીના મનમાં ઘૃણા પેદા કરી પણ કાંઈ બોલી નહીં.

‘સાંભળ્યું છે કે આવા ઓપરેશન માટે તારો ચાર્જ એક લાખ છે?’

‘એ સાચું છે, પણ તેં ઘણા પેશન્ટ્સને ઓપરેશન ટાળી સાજા કરી મને પારાવાર નુકસાન પહોંચાડ્યું છે એનું સાટું વાળવાનો મોકો કેમ જતો કરું? ને તે પણ સુનિતાબેન અને રાજુલ જેવાં સંપન્ન લોકો પેશન્ટની પડખે ઊભાં હોય, ને તે પણ પાછો પેશન્ટ દાખલ થશે સુપર ક્લાસમાં!’

‘પેશન્ટ, પેશન્ટ શું કરે છે, એ તારા સગા નાના છે, જેણે તારી માને ઉછેરીને પરણાવી છે. એમના પ્રત્યે તારી કોઈ ફરજ નથી? તું એમને લાચારીમાં દીકરીના કુટુંબની સહાય લેવા ફરજ પાડી રહ્યો છે. કેટલી સંકોચજનક સ્થિતિમાં મૂકી રહ્યો છે એમને!’

‘માનસી, તું શાને આટલી બધી ચિંતા કરે છે કોઈને માટે? હું જે કમાઉં છું એ કોને માટે છે! ને હજી તારે એ શીખવાનું બાકી છે કે ડૉક્ટરની ખ્યાતિ કેવળ પેશન્ટને સાજા કર્યાથી નથી પેદા થતી. એનું બેંક બેલેન્સ ને એના ભપકાની પણ ગણના થાય છે.’ થોડી વારની ચુપકીદી સેવી પરાગ બોલ્યો, ‘ને માનસી, તું આ રિક્ષામાં બધે જાય છે એ મને જરાયે નથી જચતું. મેં તારે માટે એક ફિયાટ બુક કરાવી છે. એક ડૉક્ટરે સ્ટેથોસ્કોપ ખરીદતા પહેલાં ગાડીનો વિચાર કરવો પડે છે- પછી ભલે લોન લેવી પડે એના માટે. ને હવે મને ઊંઘ આવે છે. સવારે આઠ વાગે ઓપરેશન છે.’ બોલીને પડખું ફેરવી એણે આંખ મીંચી દીધી.

માનસીનું મન ઉદ્વેગથી ભરાઈ ગયું. ઘડીભર એમ પણ થયું કે આ બધાં સામાજિક બંધનો ફગાવીને કહી દૂર ચાલી જઉં. આવા ઘૃણાસ્પદ વિચારો ધરાવતા કુટુંબમાં શ્વાસ પણ રૂંધાય છે. અનાયાસે આસિતની યાદ ઊભરાઈ ને એક ઊંડો નિસાસો સરી પડ્યો. મોડી રાત સુધી પાસાં બદલતી રહી. સવારે આંખ ખૂલી ત્યારે પરાગની પથારી ખાલી હતી.

 

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.