લુત્ફ-એ-શેર: મણકો # ૮૯

ભગવાન થાવરાણી

હવે ગુલઝાર. અસલ નામ સંપૂર્ણસિંહ કાલરા. જાવેદ અખ્તર જેટલી જ લોકપ્રિય હસ્તી. પોતાની રૂમાની અને જઝબાતી રચનાઓ માટે હિંદુસ્તાન જ નહીં, સમગ્ર વિશ્વના ઉર્દૂ વર્તુળોમાં સન્માનનીય. ફિલ્મો સાથે સંકળાયેલા હોવા છતાં બહુધા પોતાનું સ્તર અને ગરિમા જાળવી રાખ્યાં. મિર્ઝા ગાલિબના જીવન – કવન ઉપર બનાવેલ એમનું એ જ નામનું ધારાવાહિક એમની કક્ષાની સાખ પૂરે છે. એમણે દિગ્દર્શિત કરેલી અનેક ફિલ્મોની વાત જ નિરાળી. એમના ફિલ્મી ગીતો પણ ઉમદા શાયરીના દ્રષ્ટાંત. એક નમૂનો :

જાને  કૌન  આસપાસ  હોતા હૈ
એમના વિચારોની નજાકત :
વક્ત  રહતા  નહીં  કહીં  ટિક  કર
આદત ઈસકી ભી આદમી – સી હૈ
માનવીય સંબંધો બાબતે તો એમણે એક – એકથી ચડિયાતા શેર કહ્યા છે. જેમ કે :
આદતન તુમને  કર દિયે વાદે
આદતન હમને ઐતબાર કિયા
અથવા
આપકે બાદ હર ઘડી હમને
આપકે સાથ હી ગુઝારી હૈ
પરંતુ કોણ જાણે કેમ, મને એમનો એક રોમાંટિક શેર અને એમાં નિહિત કલ્પના રોમ-રોમ લગી રોમાંચિત કરી દે છે. આ શેર ૧૯૭૮ ની ફિલ્મ ‘ઘર’ ના એક ગીતનો હિસ્સો છે. લતા મંગેશકરે ગાયેલા એ ગીતનો મુખડો છે ‘ તેરે બિના જિયા જાએ ના ‘ . આ ગીતનો આ અંતરો જૂઓ :
જબ ભી ખયાલોં મેં તૂ આએ
મેરે  બદન  સે  ખુશ્બૂ આએ
 
મંત્રમુગ્ધ કરી દે તેવો તાજગીસભર વિચાર ! ( અહીં રચના એક ગીત છે પરંતુ વચ્ચે આવતી આ  પંક્તિ કોઈ ગઝલનો મત્લો હોય એવી છે . ) કોઈ વિષે માત્ર વિચારવાથી દેહમાંથી સુગંધ પ્રસરવા લાગે એ કેવું રોમાંચક ! ક્યારેક આવી કવિતાઈ પંક્તિઓને વાસ્તવિક જીવન સાથે કોઈ લેવાદેવા ન હોવા છતાં આવું વિચારવું જ એવું આહ્લાદક લાગે કે આપણે માનવા લલચાઈએ કે ખરેખર આવું થતું હોત તો !

શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

4 thoughts on “લુત્ફ-એ-શેર: મણકો # ૮૯

  1. A nice writing on Gulzar..Gulzar has written too many excellent lyrics in films.The most touching and my favourite is “Mera kuchh saaman tumhare paas pada hai” …and ” Hazaar raahen mudke dekheen ,kaheen se koi sadaa na aayee” a real life experience of himself perhaps..

Leave a Reply

Your email address will not be published.