અનારકલી (૧૯૫૩)

ટાઈટલ સોન્‍ગ

બીરેન કોઠારી

એક જ વિષયવસ્તુ પર અનેક ફિલ્મો બનતી હોય છે, કેમ કે, દરેક બનાવનાર એ વિષયને પોતાની રીતે જોતો હોય છે. કે.આસિફે ‘મુગલ-એ-આઝમ’ બનાવવાનું નક્કી કર્યું હશે ત્યારે તેમના મનમાં ફિલ્મની ભવ્યતા કેન્દ્રસ્થાને હશે. ફિલ્મ તૈયાર થવામાં જેટલો સમય લાગ્યો, અને એ પછી જે રીતે તેની રજૂઆત થઈ એ ધ્યાનમાં લેતાં આ ખ્યાલ આવે છે. ‘મુગલ-એ-આઝમ’ના કેન્દ્રમાં સલીમ અને અનારકલીની પ્રેમકથા હતી. આ જ વિષય પર, અગાઉ ૧૯૫૩ માં ફિલ્મીસ્તાન દ્વારા નિર્મિત ‘અનારકલી’ રજૂ થઈ ચૂકી હતી. સંગીત ફિલ્મનો પ્રાણ ગણાતો એવા એ કાળમાં આ ફિલ્મનું સંગીત અત્યંત લોકપ્રિય બન્યું હતું. બીજી કોઈ રીતે સરખામણી ન થઈ શકે એમ હોવા છતાં, કેવળ વિષયવસ્તુની સમાનતાને લઈને સરખામણી કરીએ તો આજે પણ અમારા જેવા અનેક ચાહકો હશે જે ‘મુગલ-એ-આઝમ’ કરતાં ‘અનારકલી’નાં ગીતોને એક વેંત ઊંચા સ્થાને મૂકે.

(મારો નાનો ભાઈ) ઉર્વીશ અને હું જીવનમાં પહેલવહેલી વાર લૉન્ગ પ્લે રેકર્ડ ખરીદવા માટે ગયા ત્યારે ખિસ્સામાં એ માટે અલાયદા રાખેલા ત્રણસો રૂપિયા હતા, જેમાંથી સાઠ રૂપિયાની એક લેખે કુલ પાંચ રેકર્ડ ખરીદવાની હતી. અમદાવાદની એ દુકાનમાં રેકર્ડ તો હારબંધ ગોઠવાયેલી હતી, અને એમ થતું કે બધી જ ખરીદી લઈએ. પણ બજેટને ધ્યાનમાં રાખવાનું હોવાથી અમે સંગીતકાર મુજબ રેકર્ડ ખરીદવાનું વિચારેલું. એ મુજબ, પ્રિય સંગીતકાર સચીન દેવ બર્મનની ‘બાઝી’, બીજા પ્રિય સંગીતકાર ઓ.પી.નય્યરની ‘એક મુસાફિર એક હસીના’, વધુ એક પ્રિય સંગીતકાર નૌશાદની ‘દાસ્તાન’ અને ગમતા સંગીતકાર સી.રામચંદ્રની ‘સરગમ’ની રેકર્ડની પસંદગી પ્રાથમિક ધોરણે થઈ ગઈ. હજી એક સંગીતકારની ફિલ્મની રેકર્ડ ખરીદવાનો અવકાશ હતો. એ દરમિયાન રેકર્ડને ફેરવતાં ફેરવતાં અમારી નજરે ‘અનારકલી’ની એલ.પી. રેકર્ડ પડી. બસ, પછી કશું વિચારવાનું રહ્યું જ નહીં. ભલે એક સંગીતકારની બે ફિલ્મોની રેકર્ડ આવે, પણ ‘અનારકલી’ની રેકર્ડ તો લેવી જ પડે. એમ, અમારી પહેલવહેલી પાંચ રેકર્ડની ખરીદીમાં ‘અનારકલી’નો નંબર લાગ્યો. એ પાંચે રેકર્ડ અસંખ્ય વાર સાંભળી હશે. ‘અનારકલી’નાં એકે એક ગીતો અતિશય પ્રિય, અને એમ લાગે કે સી.રામચંદ્રે માત્ર આ એક જ ફિલ્મમાં સંગીત આપ્યું હોત તો પણ તેમનું પ્રદાન માતબર ગણાત- એવું તેનું વૈવિધ્ય. છતાં, એક ગીત ત્યારે હતું એટલું જ આજે પણ એકદમ પ્રિય. યોગાનુયોગે એ જ ગીત આ ફિલ્મનું ટાઈટલ સોન્‍ગ છે.

રાજેન્‍દ્ર કૃષ્ણ (ડાબે) અને સી.રામચંદ્ર

૧૯૫૩ માં રજૂઆત પામેલી, ફિલ્મિસ્તાન નિર્મિત, નંદલાલ જસવંતલાલ દિગ્દર્શીત ‘અનારકલી’માં પ્રદીપકુમાર, બીનારાય, કુલદીપ કૌર, મુબારક, મનમોહન કૃષ્ણ જેવા કલાકારોની મુખ્ય ભૂમિકા હતી. આ ફિલ્મનાં કુલ અગિયાર ગીતો ચાર ગીતકાર અને બે સંગીતકાર વચ્ચે વહેંચાયેલા હતા.

જો કે, બીજા સંગીતકાર બસંત પ્રકાશ (ખેમચંદ પ્રકાશના નાના ભાઈ) દ્વારા સંગીતબદ્ધ કરાયેલું ગીત એક જ હતું. જાંનીસાર અખ્તર દ્વારા લખાયેલું, ગીતાદત્ત દ્વારા ગવાયેલું એ ગીત એટલે ‘આ જાને વફા આ…’.

આ સિવાયનાં ગીતોમાં ગાયિકા તરીકે લતા મંગેશકરનો જ સ્વર હતો. ‘મુહબ્બત ઐસી ધડકન હૈ’ (લતા) અને ‘ઓ આસમાનવાલે શિકવા હૈ’ (લતા) – આ બે ગીતો હસરત જયપુરીએ લખ્યાં હતાં. ‘આજા અબ તો આ’ (લતા) અને ‘દુઆ કર ગમ-એ-દિલ ખુદા સે દુઆ કર’ (લતા) – આ બે ગીતો શૈલેન્દ્રે લખેલાં. આ સિવાયનાં તમામ ગીતોના ગીતકાર હતા રાજેન્દ્ર કૃષ્ણ, જેમાં ‘યે જિંદગી ઉસી કી હૈ’ (લતા- બે ભાગમાં ગીત), ‘જાગ દર્દે ઈશ્ક જાગ’ (લતા, હેમંતકુમાર), ‘મુહબ્બત મેં ઐસે કદમ ડગમગાયે’ (લતા) અને ‘જિંદગી પ્યાર કી દો ચાર ઘડી હોતી હૈ’ (હેમંતકુમાર) નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ફિલ્મનું ટાઈટલ સોન્ગ ‘એ બાદ-એ-સબા આહિસ્તા ચલ’ હેમંતકુમાર દ્વારા ગવાયેલું અને રાજેન્દ્ર કૃષ્ણ દ્વારા લખાયેલું છે. આ ગીત પંજાબી હીરની શૈલીમાં છે. પણ તેમાં ખરો જાદુ છે હેમંતકુમારના અદ્‍ભુત સ્વરનો. આ ગીત જાણે કે કદી પૂરું ન થાય અને સાંભળ્યા જ કરીએ એવું અનુભવાય છે.

ગીતના શબ્દો આ મુજબ છે, જેમાં સલીમ-અનારકલીની કથાનું ટૂંકમાં વર્ણન છે:

 

ऐ बाद-ए-सबा आहिस्ता चल

यहाँ सोयी हुई है अनारकली

आँखों मे जलवे सलीम के

लिये खोयी हुई है अनारकली

 

है शहीद-ए-इश्क़ का मकबरा

ज़रा चल अदब से यहाँ हवा

तुझे याद हो के न याद हो

मुझे याद है उस का माजरा

 

अभी याद है मुझे वो घड़ी

जब किसी की उसपे नज़र पड़ी

यहाँ हुस्न था,वहाँ ताज था

यहाँ इश्क़ था, वहाँ राज था

ये कहा सलीम ने प्यार से

हँस-हँस के अपनी अनार से

 

तू कहे तो तारों को तोड़ लूँ

तू कहे तो ताज भी छोड़ दूँ

ज़रा देख ये क्या हवा चली

न रहा सलीम न वो कली

ये मज़ार निशानी है प्यार की

किसी दर्दभरे इकरार की

किसी भँवरे के इंतज़ार में

यहाँ सोयी है कली अनार की

ऐ बाद-ए-सबा आहिस्ता चल

(बाद-ए-सबा = સવારની લહેર, माजरा = ઘટના)

અહીં આપેલી લીન્ક પર આ ગીત સાંભળી શકાશે.

(તસવીર નેટ પરથી અને લીન્‍ક યૂ ટ્યૂબના સૌજન્યથી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

1 thought on “અનારકલી (૧૯૫૩)

  1. બીરેનભાઈ નો લેખ વાંચી ને જૂની યાદો તાજી થઈ ગઈ. ૧૯૭૨ માં નોકરી મળતા જ પહેલા ૨ પગાર માં થી HMV નું રેકર્ડ પ્લેયર લીધું અને ત્રીજા મહિને તલત મહેમૂદ ની ‘ in blue mood’ ખરીદી. જેનો આનંદ આજ ૫૦ વર્ષે પણ એટલો જ તાજો છે !
    એક આડ વાત . મે પણ અનારકલી ની રેકર્ડ ખરીદેલી પણ તેમાં રહેલ ગીતો રેડિયો માં સાંભળેલ ગીતો થી અલગ લાગતા થોડી નિરાશા થયેલ

Leave a Reply

Your email address will not be published.