પારિજાત પેલેસ

રક્ષા શુક્લ

                      એક ભીની સાંજે બગીચામાં મૈત્રેયીદેવીની ‘ગુરુદેવ મારા આંગણે ‘વાચી રહી હતી. હિમાલયની તળેટીમાં આવેલા હિલસ્ટેશન મંગપૂના તેમના ઘરે રવીન્દ્રનાથ ટાગોરને રહેવાનું થયું. (1938-1941) એ વખતે ધન્યતા અનુભવતા મૈત્રેયીદેવીએ ‘મંગપૂતે રવીન્દ્રનાથ’માં એ અહેસાસને ઢાળ્યો. હું વાંચવામાં તન્મય હતી ત્યાં જ સામે પારિજાતમાં બે-ત્રણ ખિસકોલી ચડ-ઉતર કરી રમવા લાગી. એને જોતા મારા વિચારો પણ એ પુસ્તક સમાંતર યાત્રા કરવા લાગ્યા. મને થયું કે આ પારિજાતને મારા આંગણામાં પામીને હું પણ ધન્ય છું અને મૈત્રેયીદેવી જેવી જ પ્રસન્ન. મારા આ પરીજાતે મને અઢળક મીઠા સંવેદનોમાં તરબોળ કરી છે.

ઉઘડતી સવાર કેટકેટલાં રૂપે મનને મોહ્યા કરે. ક્યારેક કોયલના ટહુકા રુપે તો ક્યારેક બુલબુલના સંગીત રૂપે, ક્યારેક જૂઈ-ચમેલીની મધુરી સુગંધ રૂપે તો ક્યારેક પૂજાઘરમાંથી આવતા ઘંટડીના મંજૂલ રણકાર રૂપે એ આવી આપણા કાન-નાકને ભરી દે. અને જાગૃતિની આછી ઠેસ આપે. ખુલ્લી બારીમાંથી ધીમેથી સરીને આવતો શિળો પવન આપણને અડે ને થાય કે આજે તો દુનિયા ઊંધી પાડી દઉ. આવી સવાર મને કોઈ જુદા જ આત્મવિશ્વાસ અને હકારથી ભરી દે છે.

આવા જ એક પોષ મહિનાની સવારે ઠંડી હવા પર બેસી ‘ ઠકઠક’ અવાજ મારા ઘરમાં પ્રવેશ્યો. હું એકકાન થઇ. અવાજનો પીછો કરતી ઘરની બ્હાર નીકળી. જોયું તો પારિજાત પેલેસમાં એક નવા મહેમાનનું આગમન થયું હતું. કંસારો મારા પારિજાતના થડને કોતરીને માળા માટે બખોલ કરી રહ્યો હતો. પારીજાતનુ થડ એને એના આવાસ માટે પસંદ પડ્યું હતું. ક્યાં બાત હૈ ! મારો આતમરામ તો ખુશીથી ઉછળી પડ્યો. સૌ પ્રથમ તો હું બિલ્લી પગે ઘરમાં પાછી આવી અને સૌને આ શુભ સમાચાર આપ્યા. પછી તો હું છાની છાની કંસારાને બખોલ કરતો જોયા કરતી. એવા બીકથી કે એ ડરી જશે કે એને ખલેલ પહોંચશે ને એ માળો નહીં બનાવે તો ! પણ પછી એની ધરપત અને મારા પરનો વિશ્વાસ  જોઈ હું નિંરાતે એની મથામણ અને કારીગીરી જોવા લાગી. આ નિત્યક્રમ પછી તો એના બચ્ચાં ઉઝરીને મોટા થયા ત્યાં સુધી ચાલ્યો. ભલું થજો આ મારા પારિજાતનું કે એ મારા આંગણામાં ફાલ્યું.

પારિજાત એક એવું વૃક્ષ કે જેનું મુખ્ય થડ જ જાડું ને પહોળું હોય. બાકીની ડાળીઓ એવી નહીં કે જેમાં બખોલ કરી શકાય. એટલે ચાર-પાંચ વર્ષ કંસારાએ એ થડમાં જુદે જુદે માળો કર્યો પણ પછી એણે સરનામું બદલ્યું. કદાચ એવું હશે કે એને 2BHKની ઝંખના જાગી હશે. મોટું ઘર કોને ન ગમે?  ‘ને ઘર એ તો અદભૂત જગ્યા ! એ ઝુંપડું હોય કે આલીશાન બંગલો પણ પૃથ્વીના છેડાનો પરિતોષ ત્યાં જ મળે છે. એની જે વિભાવના છે એમાં હજુ સુધી કોઈએ સુધારા નથી કરવા પડ્યા. કોઈએ સરસ વાત કહી છે કે ઘરની બ્હાર આપણા પગ જાય છે પણ હૃદય નહી. નાની પણ કેવી ચોંટડુક વાત છે આ ! ગમે ત્યાં જઈએ પણ આપણો જીવ ઘરે જ હોય ! East or west, home is the best. ઘરમાં આપણે કોઈ ખચકાટ વિના વારંવાર જઈએ છીએ. એટલે જ ઘરમાં જે સુખ મળે છે એ હોમમેઈડ છે અને તેથી ટકાઉ પણ. બીજાને ત્યાંની હાઈ-ફાઈ સુવિધા પણ પોતાના ઘર જેવું સુખ આપતી નથી. પક્ષીઓનું ઘર ભલે ટેમ્પરરી હોતું હશે પણ  ત્યાં એને એ કાયમી વસવાટનાં સુખનો આનંદ મળતો જ હશે.
મારા દીવાનખંડની બારીથી પાંચ-છ ફૂટ દુર જ આ મારો પારિજાત પેલેસ. શ્રાવણ મહિનો આવે ને મોતી મઢેલા હોય તેમ એની સફેદ કળીઓ દેખા દેવા માંડે. તે છેક આસો મહિના સુધી એ પુરા મૂડમાં હોય અને અમારા પર પ્રસન્ન ! સવારે ઉઠીએ ત્યાં એની નીચે કેસરી દાંડીવાળા ફૂલોની શુભ્ર બિછાત હોય જે આપણને પરમ ધન્ય હોવાના અહેસાસથી ભરી દે. માણસનું ભોળું મન એવું નક્કી કરવા પ્રેરાય કે હવે કોઈ સાથે મનમાં કડવાશ રાખી જીવવું જ નથી. ઈશ્વરે કેટલું બધું આપ્યું છે ! પણ એનું આળવીતરું મન ઘડીકમાં ફરી જાય અને બોલેલું ફોક કરી કૂડકપટ કરવા માંડે. પોતાના જ મનને છેતરીને હયાતીનો એક એક ટૂંકડો માણસ આમ ખેરવ્યા કરે છે. પારિજાતથી તદ્દન વિરુદ્ધ દિશાનું આ ખરવું એને દેખાતું નથી ને એ અંદરથી ખોખલો થતો જાય છે.

પારિજાતને ‘a sad tree’ અથવા ‘a tree of sorrow’ પણ કહેવાય છે કારણ કે મધરાતે ખીલીને વ્હેલી સવારે એના બધા ફૂલો ઝરી જાય છે. આ વાત પાછળ એક દંતકથા છે. પારિજાતક નામની એક રાજકુંવરી સૂર્ય સાથે પ્રેમમાં હતી. સૂર્યનું દિલ જીતવા તેણે ખુબ પ્રયત્ન કર્યા પણ એ નિષ્ફળ ગઈ. આથી તેણે આત્મહત્યા કરી. એની રાખમાંથી આ પારિજાત જન્મ્યું. પ્રેમીઓની નજર એ જીરવી શકતી ન્હોતી એટલે રાત્રે જ ખીલીને સવાર સુધીમાં પોતાના બધા ફૂલો એ આંસુની પેઠે ખેરવી નાખતી. આપણા આંસુઓમાં તો ખારાશ સાથે દંભ અને છેતરપીંડી પણ હોય છે. કૈકેયીના આંસુ પાછળ શું હતું? યુદ્ધનું નોતરવું અને વિનાશ જ ને? રાધાના આંસુનો ઝુરાપો અને શબરીના આંસુની પાવસ ધન્યતા શોધવા આ જમાનામાં દીવો લઈને નીકળવું પડે. ખેર, મારામાં તો પારિજાતના દીવાએ અમાપ અજવાળું પાથર્યું છે.
રાત પડતા પારિજાતની મીઠી મહેક આપણા સમગ્રને મહેકાવી દે છે. એ વખતે બગીચાના વ્રુક્ષો ‘જીયો જીયો’ પોકારતા પારિજાત તરફી થઇ એને વધાવતા હોય એવું લાગે છે. ક્યારેક એના પાન બારીમાંથી સીધા મારા રૂમમાં આવી ઠસ્સાથી સોફાપર બેસી જાય છે. જાણે કહેતા હોય કે ‘હાશ, આ ઝૂકી ‘ને ઝૂલીને જરા થાક્યું તે વળી અહીં પો’રો ખાવા આવ્યું પણ જુઓ તો, હું ય અમારી સુગંધ જેટલું વ્હાલુંડું છું કે નહિ?’ વળી જરાક હવા આવતા એ સોફા પર કેટવોગ કરી, વધુ વ્હાલું થતું થોડી અદાઓ અને નખરાં  પણ બતાવે.

સામાન્ય રીતે જમીનપર પડેલા ફૂલો દેવોને ચઢાવાતા નથી. પરંતુ પારિજાતના ફૂલો એમાંથી બાકાત છે. પારિજાત એક જ એવા ફૂલો છે જે જમીન પરથી લઈને પણ દેવોને ચઢાવાય છે. ધૂળમાંથી જન્મેલા ફૂલો જમીન પર પડતા મલીન કેવી રીતે ગણાય એ મને સમજાતું નથી. આપણે મલીનતાના એટલા વિરોધી હોઈએ તો આ ધરતી પર જ્યાં ત્યાં કેમ કચરો ફેંકીએ છીએ? ઈશ્વરનો સઘળે વાસ છે એવું રટણ કરતા આપણાં કહેવાતા આસ્તિકો ધર્મસ્થાનોમાં ગંદકીના ઢગ કેમ ખડકે છે ? એને લીધે આપણું મન એ સ્થાન માટે અશ્રદ્ધાથી ભરાઈ જાય છે. અને ત્યારે મારું મન મંદિરના ગર્ભગૃહમાં દેવમૂર્તિ સાથે જોડાતું નથી. Cleanliness is Godliness – સ્વચ્છતામાં જ પ્રભુતા છે એવું રટણ કરતા આપણે ક્યાં સુધી વાણી વિલાસ કરીશું ? સૌને નુકશાન પહોંચાડતી આ જાહેરઆરોગ્યની વાત સમજાવવા સ્વચ્છતા માટે અભિયાન ચલાવવા પડે ? દેખાડા અને દેકીરા બહુ કર્યા. નક્કર પગલા ક્યા ? ખેર, આતો થઇ બ્હારની સ્વચ્છતાની વાત પણ મનની અંદર પડેલી મલિનતાનું શું ? પારિજાતની ભીતર-બ્હારની શુભ્રતા, પવિત્રતા અને સુવાસમાંથી આપણે માંહ્યલાની મલિનતા દુર કરી એને રળિયાત કરતા શીખીએ તોય ભયો ભયો !
હરિવંશ પુરાણ પ્રમાણે તો સ્વર્ગનું ઈચ્છાપૂર્તિ કરનાર કલ્પવૃક્ષ એજ આ પારિજાત. મારા પાડોશીએ એના બગીચામાં જુકેલી મારા પારિજાતની ડાળીઓ મને કાપી નાખવા કહ્યું કારણ કે એમાંથી ખરતા ફૂલો એને કચરો લાગતા હતા. સારું થયું કે કૃષ્ણ આ સાંભળી નહોતા ગયા. સમુદ્રમંથન વખતે લક્ષ્મી, ઐરાવત, ગંગા વગેરેની સાથે આ પારિજાત પણ નિષ્પન્ન થયું હતું. રુકમણી અને સત્યભામા બંને એને પોતાના બગીચામાં ઈચ્છતા હતા. પછીથી કૃષ્ણે એને સત્યભામાના બગીચામાં એવી રીતે વાવ્યું કે એનાં ફૂલો રુકમણીનાં બગીચામાં ખરે. અહી મને ગમતું એવું કૃષ્ણનું મુત્સદ્દીપણુ હાજર છે ખરું પણ સાવ નિર્દોષ અને નિરુપદ્રવી હો ! એવું પણ કહેવાય છે કે અર્જુન માતા કુંતી માટે આ વૃક્ષ ઇન્દ્ર પાસેથી લઇ આવેલો અને માતા કુન્તી રોજ  પારિજાતના ફૂલોથી શિવજીની પૂજા કરતા.

વૃક્ષોના ઘોડિયાઘર જેવી નર્સરીમાંથી લઇ આવેલી એ આ પારિજાત મારી ભીતર મૂળ નાખીને આમ અડીંગો જમાવશે એ મને ન્હોતી ખબર. પછી તો કઈ કેટલાય પંખીઓએ આ પારિજાત પેલેસમાં નોંધણી કરાવી. કોઈએ ઘર બનાવવા તો કોઈએ પ્લેગ્રાઉન્ડ માટે, કોઈએ મંડળી જમાવી ગપ્પા-ગોષ્ઠી કરવા તો કોઈએ નાહી ધોઈ તડકાના ટુવાલથી ડીલ લુછવા. કાગડાભાઈ ક્યારેક આવીને દાદાગીરી કરે પણ સૌ ઉદારતાથી ચલાવી લે. ખિસકોલીઓને તો વળી પગ વાળી બેસવું જ ન ગમે. કોઈની દેન છે કે એને પક્કડદાવ રમતા રોકી શકે ! કાળોકોશી આવે ને નાનકા પંખીઓ રાજીના રેડ. એ કોઈ શિકારી પક્ષીને બગીચામાં ટકવા જ ન દે. એને દુમ દબાવી ભાગે જ છૂટકો. એને કોટવાલ અમથો કહ્યો છે ? બીજા પક્ષીઓ બપોરે વામકુક્ષિ કરતા હોય ને કોયલબેનનાં મુઝીક ક્લાસ શરુ થાય. જ્યારે એના ટહુકાના રટણમાં થોડો રોફ ભળે ત્યારે સમજી લેવાનું કે કોઈ ઠોઠ વિદ્યાર્થીનું આવ્યું. પારિજાત પેલેસમાં આવતા કાબર, બ્રાહ્મણીમેના, પોપટ,ચકલી, હોલો, વનલેલા, ટુનટુની, દરજીડા, સક્કરખોરા, બુલબુલ અને મોહુકા જેવા અનેક પક્ષીઓએ મારી એકલતાને શણગારી છે અને વાચા આપી છે.
પારિજાત પેલેસની નામના વધતા મારા બગીચામાં ચબુતરો અને પરબડી પણ આવ્યા. પેલેસના મહેમાનો માટે ભોજન-પાણીની વ્યવસ્થા તો કરાવી જ રહી. રખને પાછી મહેમાનગતિ ઓછી પડે ને તેઓ મને યજમાનપદેથી  રદબાતલ કરે તો ક્યા જવું ! એવા ખોટના ધંધા આપણારામને ન પોસાય.

એક તો પારિજાત આટલો વ્હાલો એમાં એનો એક વધુ તાંતણો મારા ભણી લંબાયો અને હું એના વધુ પ્રેમમાં પડી. આની જાણ મને ઓચિંતી જ થઇ. પારિજાત પેલેસમાં અને આજુબાજુના વૃક્ષો પર એક રમણીય સાંજે પાંચ-છ દરજીડા આવ્યા. રોજ આવતા જ હશે. પણ તે દિવસે તેઓની હરકતો અને ફૂદકવું મને થોડા જુદા લાગ્યા.કૂ આમતેમ ફૂદતા તેઓ ખુબ બકબક કરતા હતા. હું તરત બ્હાર દોડી ગઈ. કોઈ બિલ્લી કે સાપ તો નથી ને એ જોવા. આ નાનકડા પંખીઓ બિલાડી કે સાપને જુએ એટલે એકજુટ થઈને જમાદાર થઇ જાય અને પછી દુશ્મન પર એવો રોફ જમાવે કે એણે ભાગવું જ પડે. પંખીઓ જાણતાં હોય કે આવો ઘોંઘાટ કરીએ એટલે કોઈને કોઈ માણસ તો ઘરની બ્હાર આવે જ અને સાપકે બિલ્લીને ભગાડે. પણ મે બ્હાર જઈને જોયું તો એવું કંઈ જ ન્હોતું. બસ, એ સૌ તો મોજમાં આવી હરાખુડાવેડામાં બકબક કરતા લાગ્યા.તોય મેં કુતુહલવશ થોડીવાર જોયા કર્યું. પણ પછી મેં જે જોયું એ કલ્પનાતીત હતું. અંધકાર ધીમે ધીમે ધરતી પર ઉતરીને દિવસમાં ઓગળતો હતો અને જેવો સંધિકાળ થયો કે તરત જ બધા દરજીડા કોઈને કોઈ ડાળી પર ગોઠવાઈ ગયા અને પાછા એકદમ ચુપ્પ ! જાણે પથ્થરમાંથી કોતરેલા હોય તેવા સ્થિર ! અંધારું સાવ છવાઈ ગયું છતાં ન હલ્યા કે ન ચલ્યા. ને મારા મગજમાં એકદમ સૂર્યોદય થયો કે ઓ…આ મારા વ્હાલીડા અત્યારે અહીં રાતવાસો કરવા પધાર્યા છે ! મારી સાથે તેઓને આટલો ઘરોબો હશે એ હું ન્હોતી જાણતી. વળી કમાલ તો ત્યાં થઇ કે બે દરજીડાએ તો પસંદગીનો કળશ પારીજાત પેલેસ પર ઢોળ્યો. હું અવાફ બની બધી ગતિવિધિ જોતી રહી. મને મારી અજ્ઞાનતા પર દયા આવી કે આ પંખીડા તો રોજ આમ સૂવા આવતા જ હશે પણ હું જ આ વૃક્ષો અને પંખીઓ તરફ ઉદાસીન હતી એટલે આવી મારા જ આંગણે ઘટતી આવી રમણીય ઘટનાની મે કદી નોંધ લીધી ન્હોતી. પછી તો રોજ આ ટીનકુડા દરજીડાઓની પ્રતિક્ષા આંખમાં આંજીને હું હીંચકે બેસતી અને ક્યારેક મનમાં કવિ દાદના ઓલા ભજનને થોડી જુદી રીતે મનમાં ગણગણી લેતી કે ‘હેજી, તારા આંગણિયા ના પૂછીને કોઈ જોને આવે રે, આવકારો મીઠો આપજે હો જી…’ એમના તરફના પક્ષપાતને લીધે હું ફળીયામાં મહેમાનો માટે ખાટલો પણ દરજીડા સુતા હોય એ ડાળીઓથી દૂર ઢાળતી. વળી સૂચના પણ આપ્યા કરતી કે ‘જો હો. ત્યાં ફલાં ફલાં ડાળી પર મારા દરજીડા સૂતા છે, સાચવજો’. મહેમાનો પણ હસીને મને ચીડવતા કે ‘તને તો અમારી કરતા ય તારા દરજીડા વધુ વ્હાલા !’ પછીથી મેં એ પણ નોંધ્યું કે જો પક્ષીઓની સુવાની જગ્યાને જો ખલેલ ન પહોંચાડીએ તો તેઓ ત્યાં એક જ જગા પર મહિનાઓ સુધી આરામથી સૂવે છે. ક્યારેક તેઓ ન દેખાય તો દોષનો ટોપલો હું મારા પર જ ઓઢાડતી કે મે જ કામમાં ને કામમાં ધ્યાન ન આપ્યું ને તેમને એટેન્ડ ન કર્યા એટલે જ તેઓ સૂવા નથી આવતા.  અરે, ક્યારેક તો હું દીવા ય માનતી.

પારીજાત સાથેની આત્મીયતાએ ઈશ્વર તરફની લોકોની શ્રદ્ધાનું એક નવું, નમણું અને નરવું રૂપ મારી સામે ઉઘાડી આપ્યું. મને જાણવામાં આવ્યું કે કેટલાક શ્રદ્ધાળુ લીકો પારિજાતના ઝાડની નીચે, થડની આસપાસ રાત્રે સ્વચ્છ કપડું પાથરી દે છે જેથી વહેલી પરોઢે બધા ફૂલો ખરીને એમાં જ પડે અને ધૂળથી મલિન ન થાય. પણ મને તો એવું લાગે છે કે નીચે ખર્યા પછી માટીની સોડમ એમાં ભળતી હશે એટલે જ પારિજાત આટલા મઘમઘતા હશે. માટીનો મહીમા કરતા મૂળ માટીના જ માણસ એવા એક કવિએ સરસ લખ્યું છે કે

‘બારીશોમેં કભી મહેકતા નહિ,
મુઝે પક્કા આંગન નહિ ચાહિએ’

વાહ, આવી નિસ્બત જો આપણાં સૌની પણ માટી સાથે હોય તો માટી એ સન્માનનો મલાજો જાળવે જ. છમ્મલીલી  ધરતી એ આવી નિસબતની દેણગી હોય છે.

ચંદનને ઓરસિયા પર ઘસતી વખતે જો એમાં પારિજાતના ફૂલોની બે-ચાર કેસરી દાંડી ઉમેરવામાં આવે તો એની સુગંધમાં એક જુદી જ લહેજત ઉમેરાય છે.  આવો, આવી  સુવાસથી મહેકતી આ કવિતા માણીએ.

હરિ, તમે તો પારિજાતનું ઝાડ !
રહું છાયડે ઉભો ને હું ઝીલું તમારા લાડ.

શ્રાવણમાં આકાશ ઝરે ને તમે ય ટપટપ વરસો,
સુગંધભીની બાથ ભરી મુને ચાંપો છાતી સરસો.

તમે ઉજળું હસો, મુને તો વ્હાલપનો વળગાડ.
હરિ, તમે તો પારિજાતનું ઝાડ !
ઓરસિયા પર બની સુખદ હું ઘસું કેસરી દાંડી,
ચંદન તિલક કરું તમને, મેં હોડ હોંશથી માંડી.

તમે મ્હેંક થઇ કર્યો ટકોરો ! ઉઘડ્યા હૃદય-કમાડ.
હરિ, તમે તો પારિજાતનુંઝાડ !

પારિજાતની આ કેસરી દાંડીનો ઉપયોગ સિલ્ક કે કોટન કપડાની ડાયમાં પણ થાય છે. આ રીતે ડાય કરેલા ભગવા વસ્ત્રો બૌદ્ધ સાધુઓ પહેરે છે એવું પણ સાંભળ્યું છે. પારિજાતના ફૂલો એની સુગંધને લઈને જેમ અગરબત્તી કે અત્તરની બનાવટમાં વપરાય છે તેમ એના ફૂલ-પાન નું એક આગવું ઔષધીય મુલ્ય પણ છે. એ એપિટાઇઝર પણ છે. વળી પેટ, કબજીયાત કે ચામડીના રોગોમાં એ ખૂબ ઉપયોગી છે. કોઈ જાણકાર વૈદ્ય આ બાબતમાં સારો પ્રકાશ પાડી શકે.એટલે જ નોર્થ-ઈસ્ટ ઇન્ડિયામાં તો પારિજાત વેજ-માર્કેટમાં પણ વેચાય છે. પારિજાતનું એક, નમણું નામ મંદાર પણ છે. એનું બંગાળી નામ શેફાલી કેવું ગમી જાય તેવું છે, કા ? બારાબંકી પાસેનાં કીન્તુર ગામમાં આવેલા પારિજાતના વિશાળ વૃક્ષ સાથે તો અનેક લોકોની આસ્થા પણ જોડાયેલી છે.

રાત્રે ફૂલોથી ભરસક્ક થયેલાં પારીજાતને જોતા લાગે કે જાણે અસંખ્ય સુવાસિત તારલા ટમટમી રહ્યા છે. મધરાતે ખીલતા આ ફૂલો સાથે આપણું આખું અસ્તિત્વ, ઘર, આંગણું બધું જ મઘમઘ થવા લાગે છે. પારિજાતની માદક-મીઠી ગંધ પ્રેમીઓને એના પ્રિય પાત્રની યાદ આવે છે. કોઈ કવિએ એના એક શેરમાં સરસ કહ્યું છે કે

‘ પત્રરૂપે તરતા પારિજાત છે ને તું નથી,
ફૂલના હોઠે ય તારી વાત છે ને તું નથી. ‘

કવિવર રવીન્દ્રનાથ ટાગોરે એમની કવિતામાં પારિજાતને સુંદર રીતે આલેખ્યો છે. શ્રી કુમારાદિત્ય સરકારેએનો અંગ્રેજીમાં આ પ્રમાણે અનુવાદ કર્યો છે.

How you sprinkle moon on earth,
The stamens of divine Parijat.
O which celestial belle has lit,
Her nuptial candle there.

આવા આ પારિજાતે મને એટલી સમૃધ્ધ બનાવી છે કે હું ગર્વથી સૌને કહી શકું કે ‘મેરે પાસ પારિજાત હૈ.’


સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com

Author: Web Gurjari

2 thoughts on “પારિજાત પેલેસ

Leave a Reply

Your email address will not be published.