પગદંડીનો પંથી : ભાગ ૧ – ૧૧. તમારા સાથીની આલોચના ન કરો

પુરુષોતમ મેવાડા

ડૉ. પરેશ આજે સીનિયર પ્રોફેસરને કહેવા માટે અધીર હતો. એક પ્રાઇવેટ સર્જનનો દર્દી પ્રોસ્ટેટ (Prostate Gland)ના ઑપરેશન પછી ઘા નહીં રુઝાતાં વૉર્ડમાં દાખલ થયો હતો. તેનું ડ્રેસિંગ કરતાં ઘામાંથી એક ગોઝ (Gauze)નો ટુકડો નીકળ્યો હતો. તેથી જ ઘા રુઝાતો નહોતો અને પેશાબ અને પરુ ભરાયા કરતું હતું (Urinary and Wound Infection). ડો. પરેશે આ જાણકારીની અને પેલા સર્જનની બેદરકારીની વાત કરી;

“સર, આવો ગોઝ પીસ રહી જાય તે કેટલી બેદરકારી કહેવાય! મેં તો દર્દીને પણ એ બતાવ્યું. બિચારો રડતો હતો. એણે ખેતર વેંચીને ઑપરેશન કરાવેલું.” (At that time Benign enlarged prostate was operated by open surgery, TURP came after many years).

તેના પ્રોફેસર જરા વાર તો તેની સામે જોઈ રહ્યા. થોડી વાર વિચાર કરીને એ બોલ્યાઃ

“જો પરેશ, જ્યારે પણ મોટા પ્રોસ્ટેટનું ઑપરેશન કરીએ, ત્યારે ખૂબ જ લોહી વહે, કારણ કે આ લગભગ આંખો બંધ કરીને ઑપરેશન કરતા હોઈએ (Blind Enucleation of Benign Prostate), એ તને ખબર છે. વળી જો ટાંકા મારીને લોહી બંધ ના કરી શકાય તો ગોઝ દબાવી મૂકવું પડે છે. થોડી વાર રાહ જોયા પછી પણ લોહી બંધ ના થાય તો ગોઝ રાખી મૂકવું પડે. માટે આવું ક્યારેય બોલવું નહીં. ઑપરેશન કરનાર સર્જને કયા સંજોગોમાં આમ કર્યું હશે એ જાણ્યા વગર દોષ ના દઈ શકાય.”

ડૉ. પરેશને આજે એક નવો જ અભિગમ શીખવા મળ્યો.

એ સમયે તો તેને એવો વિચાર પણ નહોતો આવ્યો, કે ભવિષ્યમાં અજાણતાં જ તેની પોતાની પણ આવી જ પરિસ્થિતિ થશે! આગળ જતાં ૫૦ વર્ષના, પ્રોસ્ટેટના એક દર્દીનું એણે ઑપરેશન કર્યું. બધું બરાબર પાર ઊતરેલું, પણ દર્દીને પેટના નીચેના ભાગે, ગુદા અને પેશાબની જગ્યાએ ખૂબ જ દુખાવો રહેતો હતો. દવાઓની કંઈ પણ અસર ના થાય! દર્દી રડ્યા કરે, બેહદ દુખાવો થાય! ડૉ. પરેશને લાગ્યું કે તે ખોટી બૂમો પાડે છે (Psychic Pain), કારણ કે ઘા તો સરસ રીતે રુઝાઈ ગયો હતો! આખરે એણે નિષ્ણાત પેશાબના સર્જનનો (Urosurgeon) અભિપ્રાય લીધો, અને ચોંકી જવાય એવા સમાચાર મળ્યા; એન્ડોસ્કોપી (Endoscopy) કરતાં દેખાયું કે પ્રોસ્ટેટ કાઢેલી જગ્યામાં એક ગોઝ ભરાઈ પડ્યો હતો! ડૉ. પરેશને માટે આ આઘાતના સમાચાર હતા. હવે શું થાય? ફરીથી ઑપરેશન કરીને જ એ કાઢી શકાય એમ હતું.

કમરમાં ઇન્જેક્શન આપી (Spinal Anaesthesia) શરીરનો નીચેનો ભાગ બહેરો કરીને દર્દીને ઑપરેશનમાં લીધો. ઘાને ફરી ખોલવામાં આવ્યો. અને ગોઝને શોધી કાઢે ત્યાર પહેલાં જ દર્દીને હાર્ટ ઍટેક (Myocardial Infarction, Angina) આવ્યો અને ટેબલ પર સારવાર દરમ્યાન જ મૃત્યુ પામ્યો (Death on table). સગાં, ખાસ કરીને તેની પત્નીને એની સાથે મનમેળ નહોતો તેથી ખાસ કંઈ પ્રશ્ન ઊભા થયા નહીં, પણ ડૉ. પરેશને આવા આઘાતમાંથી બહાર આવતાં ઘણા દિવસો નીકળી ગયા હતા. એને એના પ્રોફેસરના શબ્દો વારંવાર યાદ આવ્યા કર્યાઃ

“Never criticize your colleague; you do not know his circumstances in which he did what he did.”


ડૉ. પુરુષોતમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.