આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૧૫

પ્રવાસી યુ. ધોળકિયા

ઈ. સ . ૧૦૦૦ થી ઇ.સ. ૧૮૫૭ નો વિદેશી આક્રમણો અને મુસ્લિમ શાસનોનો કાળખંડ

વેબ ગુર્જરીના સુજ્ઞ વાચકોએ અત્યાર સુધી આ શ્રેણીમાં ભારતીય ઇતિહાસનું જે દર્શન કર્યું છે તે ભારતનો ભવ્ય ભૂતકાળ હતો. પરંતુ ઈ. સ . ૧૦૦૦ થી ઇ.સ. ૧૮૫૭ વચ્ચેના કાળખંડનું જે દર્શન આપણે કરીશું તે ભારે શરમ ભરેલું અને દરેક ભારતીયને અતિ કાયર સાબિત કરતું નિદર્શન છે. આપણા દેશના ઇતિહાસના સંદર્ભમાં એક વિદેશી વિદ્વાને સાચું જ કહ્યું છે કે ઈશુ ખ્રિસ્તના પહેલાં ૧,૦૦૦ વર્ષમાં ભારત વિશ્વના રાષ્ટ્રોની પ્રથમ હરોળમાં હતું, પરંતુ ઈશુ ખ્રિસ્તનાં તે પછીનાં ૧,૦૦૦ વર્ષમાં ભારતની ભારે દુર્દશા થઈ. વિદેશીઓના સતત આક્રમણો અને ૮૫૦ વર્ષનાં શાસને ભારતને સાવ કંગાળ કરી મુક્યું અને વિશ્વનાં રાષ્ટ્રોની છેલ્લી હરોળમાં મુકી દીધું.

મહમ્મ્દ પયંગર સાહેબે ઈ.સ. ૫૭૦થી ૬૩૨ દરમ્યાન અરેબિયામાં ઇસ્લામ ધર્મ સ્થાપિત કર્યો તે પછી બહુ થોડા સમયમાં જ ભારતમાં મુસલમાનોનાં આગમન શરૂ થઈ ગયાં અને તેની સાથે ઇસ્લામ ધર્મ પણ પ્રવેશતો ગયો. પયંગર સાહેબે ઇસ્લામ ધર્મ ભલે ભાઈચારા અને શાંતિ માટે સ્થાપિત કર્યો , પણ એ ધર્મ લોહિયાળ યુદ્ધોનું એક યંત્ર બનીને રહી ગયો. આરબો મુસલમાન બન્યા પછી ભારે જુલ્મી, ધર્માંધ, કટ્ટરવાદી અને લડાયક બની ગયા.

મુસ્લિમ સંસ્કૃતિ અને ધર્મના ભારતમાં પ્રવેશના ત્રણ તબક્કાઓ

ઇસ્લામ ધર્મ અને મુસલમાનો ભારતમાં પ્રવેશ ત્રણ તબક્કામાં થયો.

(૧) મુસલમાનોના પ્રથમ હુમલાઓનો ભોગ ઈ. સ. ૭૧૨માં સિંધ પ્રદેશ બન્યો. મુહમદ કાસિમ નામના આરબે હિંદના રાજવી દાહિરશાહનો પરાજય કર્યો, પરંતુ સિંધ પ્રદેશ પર આરબોને સત્તા જમાવવાનો આ તબક્કો બહુ લાંબો ન ચાલ્યો. રાજપુત વંશના આદ્યસ્થાપક બાપ્પા રાવળે આઠમી સદીમાં જ આરબોને સિંધમાંથી તગેડી મુક્યા. ફક્ત મુલતાન અને મનસરા નામના નાના પ્રદેશો પર જ આરબોનાં થાણાં ચાલુ રહ્યાં. બધા ઇતિહાસકારો એ બાબતમાં એકમત છે કે મુસલમાનોનાં સિંધ પરનાં આક્રમણે ભારત પર કોઈ દીર્ઘકાલીન અસર ન છોડી.

(૨) બીજો હુમલો મુહમદ ગઝની નામના ટર્ક મુળના મુસ્લિમ બનેલા આક્રમણખોરે ઈશુના બીજાં ૧૦૦૦ વર્ષના પ્રારંભે જ કરેલો. ઇતિહાસ એવું નોંધે છે કે તેણે ભારત પર સત્તર વાર આક્રમણ કરી વિજય મેળવ્યો અને ભારતનાં મંદિરો અને મહેલોમાં રાખેલ અખૂટ સંપત્તિને લુંટીને લઈ ગયો. તેણે ઘણા ભારતીયોને ગુલામ પણ બનાવ્યા. જોકે ખુદ તે સમયના મુસ્લિમ ઇતિહાસકારો કબૂલ કરે છે કે ગુજરાત અને રાજસ્થાન પર રાજ્ય કરી રહેલા ગુર્જર પ્રતિહાર વંશના રાજવીઓએ તેનો અનેક વખત પરાજય પણ કરેલો. આમ છતાં, ઈ. સ. ૧૦૨૪-૨૫માં મુહમદ ગઝનીએ જ્યારે સોમનાથનાં ભવ્ય મંદિરને ભ્રષ્ટ કરી અને અઢળક ધનની લુંટ કરી ત્યારે ઉત્તર ભારતની ત્રણ રાજકીય સત્તાઓ ગુર્જર પ્રતિહાર, રાષ્ટ્રકૂટ અને પાલવંશના રાજવીઓ આ લૂંટ્ફાટને અટકાવી શક્યા ન હતા. એટલું  જ નહિ, પરંતુ દક્ષિણના ચોલ વંશના મહાન શિવભક્તો પણ આવાં આક્રમણથી અજાણ હતા અને દક્ષિણ પૂર્વ એશિયાના શ્રીવિજય સામ્રાજ્યનો  પરાજય કરવામાં જ વ્યસ્ત રહ્યા. મુહમદ ગઝનીએ અફઘાનિસ્તાનનો કેટલોક ભાગ અને પંજાબના અમુક ભાગો પર મુસલમાની શાસન કાયમ કર્યું. પરંતુ પછી, લગભગ ૧૦૦ વર્ષ સુધી ભારત પર કોઈ મુસ્લિમ આક્રમણ થયું ન હતું.

(૩) હવે ભારત પર મુસલમાની આક્રમણનો ત્રીજો અને અંતિમ દૌર શરૂ થયો. અફઘાનિસ્તાનના તુર્કી મુળના શાસક મુહમ્મદ ઘોરીએ ઈ.સ. ૧૧૭૫થી તેનો પ્રારંભ કર્યો. તેણે ભારતના કેટલાક પ્રદેશો જીત્યા પરંતુ ગુજરાત સામે તેનો પરાજય થયો. ઈ. સ. ૧૧૯૧માં તેણે ભારત પર ચડાઈ કરી ત્યારે ચૌહાણ વંશના રાજપુત રાજા પૃથ્વીરાજ ત્રીજાએ ઘોરીને કારમો પરાજય આપ્યા બાદ તેને ગંભીર રીતે ઘાયલ હાલતમાં જવા દીધો. જો કોઈ અન્ય દેશ હોત તો વિજયી રાજાએ આવું મુર્ખતાભર્યું કૃત્ય કર્યું ન હોત. હારેલા રાજાને ઘાયલ હાલતમાં જવા દેવાને બદલે તેનો પીછો કરી અને વધ જ કર્યો હોત. તે ઉપરાંત, અન્ય રાજાઓ સાથે મળીને ઘોરી સમે કોઈ વ્યૂહરચના ઘડવાને બદલે પૃથ્વીરાજ રંગરાગમાં ડૂબી ગયા. ઘોરીએ સ્વસ્થ થઈને ઈ. સ. ૧૧૯૨માં ફરીથી ચડાઈ કરી અને પૃથ્વીરાજને હરાવી તેનો વધ કરી નાખ્યો. ભારતીય મુળ સભ્યતાની અસ્મિતાની જ્યોત હંમેશ માટે બુઝાઈ ગઈ.

આટલેથી ન અટકતાં મુહમ્મદ ઘોરીએ પોતાના ગુલામ અલ્તમસને દિલ્હીની ગાદી પર બેસાડીને, ઈ. સ. ૧૨૦૬માં, ભારતમાં મુસ્લિમ શાસનનો વિધિવત પ્રારંભ કર્યો. આમ મુસલમાનોનો સલ્તનતકાળ ભારતમાં શરૂ થયો. સામાન્ય રીતે આપણે સુલતાનોને રાજા માનીએ છીએ, પરંતુ તેનો સાચો અર્થ મધ્ય-પૂર્વના દેશોમાં શાસન કરતા ખલિફાઓનો  પ્રતિનિધિ થાય છે. ઈ. સ ૧૨૦૬થી ૧૫૨૬ વચ્ચેના ૩૨૦ વર્ષના ગાળામાં ૩૨ સુલતાનોએ અત્રે રાજ્ય કર્યું., જેના વંશો અને કેટલાક પ્રસિદ્ધ સુલતાનોનાં નામ આ મુજબ છે.

વંશ રાજ્યકાળ (વર્ષોમાં) જાણીતા સુલતાનો
(૧) ગુલામ વંશ ૧૨૦૬ થી ૧૨૯૦ ઐબક અને ઇલ્તુમિશ
(૨) ખિલજી વંશ ૧૨૯૦ થી ૧૩૨૦ અલ્લાઉદ્દીન ખીલજી
(૩) તુઘલખ વંશ ૧૩૨૦ થી ૧૪૧૩ મુહમ્મદ તુઘલખ, ફિરોજશાહ
(૪) સૈયદ વંશ ૧૪૧૪ થી ૧૪૫૧ મુહમ્મદ શાહ
(૫) લોદી વંશ ૧૪૫૧ થી ૧૫૨૬ બહલોલ લોદી, ઈબ્રાહિમ લોદી

આપણે જાણીએ છીએ કે ઈ.સ. ૧૫૨૬માં અન્ય  એક તુર્ક અને મોગલ વંશના મિશ્રિત રક્ત ધરાવતા બાબરે પાણીપતના યુદ્ધમાં ઈબ્રાહિમ લોદીને હરાવીને ભારતમાં મોંગોલ વંશના નવા રાજ્યકાળનો પ્રારંભ કર્યો. બાબરનું શાસન ફક્ત પાંચ વર્ષ જ ચાલ્યું. તેના મૃત્યુ પછી તેના પુત્ર હુમાયુંને અફઘાન વંશના શેરશાહ સુરે હરાવ્યો. પરંતુ આ વંશ ભાગ્યે જ ૧૫ વર્ષ રાજ કરી શક્યો. હુમાયું ફરીને મોગલ વંશના બીજા રાજવી તરીકે ગાદી પર ગોઠવાઈ ગયો.

સલ્તનતકાળની અન્ય વિગતો

સલ્તનતકાળના સુલતાનોએ કેટલાંક એવાં કાર્યો કર્યાં કે જેનો એ સમયના ઇતિહાસકારોએ ખાસ ઉલ્લેખ કર્યો છે.

ખિલજી વંશનો કુશળ શાસક અલ્લાઉદ્દીન ખીલજી ભારે કંજૂસ હતો. પોતાના નોકરો અને સૈનિકો વધારે વેતન ન  માગે તે માટે તેણે બજારોમાં ખુબ જ કડક નિયંત્રણો લાદ્યાં. આથી ખેડૂતોએ ત્રાસીને બળવા જેવી સ્થિતિનું નિર્માણ કર્યું. સુલતાનના મૃત્યુ પછી આ બજાર નિયંત્રણો હળવાં થયાં.

રાજધાની દિલ્હી મોંગોલોના આક્રમણોથી સુરક્ષિત નહીં હોવાથી, તુઘલખ વંશના શાસક મુહમ્મદ તુઘલખે  તેને મહારાષ્ટ્રના દોલતાબાદમાં ફેરવી. ત્યાં જવા માટે તેણે કડક લશ્કરી પહેરા હેઠળ અમીરો અને સામાન્ય પ્રજાજનોને ફરજ પાડી. આથી બધાને બહુ જ કષ્ટ પડ્યું. સુલતાને, આખરે, રાજધાની પાછી દોલતાબાદથી દિલ્હી ખસેડી. તેના પછી આવેલા ફિરોઝશાહે ઘણાં લોકોપયોગી કાર્યો કર્યાં અને પ્રજામાં શાંતિ સ્થાપી. આ સમયગાળા દરમ્યાન થયેલાં મોંગોલ આક્રમણોને સુલતાનોના બાહોશ સેનાપતિઓએ ખાળીને ભારતની રક્ષા કરી.

મુસ્લિમ સ્થાપત્યોની બાંધણીની શરૂઆત આ સમયગાળામાં થઈ ચુકી હતી. જોકે કુતુબ મિનાર સિવાય સલ્તનતકાળની ખાસ કોઈ ઈમારતો આજે અસ્તિત્વમાં નથી. સુલતાનોએ ખેડુતો અને હસ્તકળા આધારિત વિવિધ જીવનોપયોગી પેદાશો પ્રજા પર ભારે કરભારણ કરેલ. પરિણામે ભારતની કરોડરજ્જુ જેવી ખેતી અને નય પેદાશો ના વ્યવસાયો પર નભતી પ્રજા અતિ કંગાળ અને ગરીબ બની ગઈ.

સુલતાનો ભારે ધર્માંધ હતા. તેથી તેઓએ ભારતનાં, ખાસ કરીને ઉત્તર ભારતનાં, મંદિરો તોડ્યાં અને તેમની અપાર સંપત્તિ યુદ્ધો અને પોતાના મોજશોખ સંતોષવા વાપરી નાખી. આ પ્રક્રિયા સાથે તેઓએ અનેક હિંદુઓ અને બૌદ્ધધર્મીઓનાં. તલવારના જોરે, ધર્મ પરિવર્તનો કરાવ્યાં.

ભારતમાં સલ્તનત કાળના પ્રાંરંભ સાથે જ ઈરાન અને અન્ય મુસ્લિમ દેશોના ચૌદ જેટલા સૂફીવાદના પંથોએ ભારતમાં પ્રવેશ કર્યો, જેમાં ચિશ્તી, સુહરાવર્દી અને નક્શબંદી જેવી મુખ્ય પરંપરાઓએ આપણા દેશમાં સૂફીવાદને નામે , તલવારના જોરે નહીં પણ કહેવાતા ભક્તિવાદ, સૂફી સંગીત અને તેમના ગુરુઓના પવિત્ર જીવનને કારણે અહીંના મુળ નિવાસીઓનાં ધર્મ પરિવર્તનો કર્યાં. આજે પણ દિલ્હીના નિઝામુદીન ઓલિયા અને અજમેરના મોહ્યુદ્દીન ચિશ્તી સંતોનાં નામો ભારતમાં જ નહીં પણ વિશ્વમાં પણ પ્રસિદ્ધ છે.

ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના અનેક સંતોએ ભારતને ભક્તિવાદથી ભરી દીધો હતો એ સંદર્ભે સૂફીવાદનું આગમન ઘણું મોડું થયું એમ કહી શકાય. આમ છતાં સલ્તનતકાળમાં ગુરુ રામાનન્દ અને તેમના શિષ્ય કબીર,  રવીદાસ, રાજસ્થાનનાં સ્ત્રી સંત મીરાબાઈ, શીખ ધર્મના સ્થાપમ ગુરુ નાનક, મહારાષ્ટ્રના સંત એકનાથ, તુકારામ અને જ્ઞાનેશ્વર, કચ્છના સંત મામઈ અને અન્ય અનેક સંતોએ આપણા સમાજને ભક્તિમાં તરબોળ કરી દીધેલો. આજે પણ આ સંતોની સુવાસથી પંચદેવમાં માનતી સનાતન ધર્મી મુળ ભારતીય પ્રજાને સંતોમાં અપાર શ્રદ્ધા છે. સલ્તનત કાળમાં ઈરાન અને મધ્ય એશિયાના અતિરક્તપિપાસુ અને ક્રૂર તૈમુર લંગે ઇ.સ. ૧૩૯૮માં આપણા દેશ પર ચડાઈ કરી. દિલ્હીમાં તેણે લાખો લોકોની કતલ કરી. દિલ્હીના અત્યાર સુધીના શાસકોએ ભારતને લુંટીને જે ધન એકત્રિત કર્યું હતું તે બધુ તૈમુર અહીંથી ઉસેડી ગયો.

મલ્લિક કાફુર નામના સુલતાનોના સેનાપતિએ નાલંદા, વિક્ર્મશીલા અને વલ્લભી વિદ્યાપિઠોનો જડમૂળથી નાશ કર્યો. આમ થવાથી અત્રે ભારતીય જ્ઞાનવિજ્ઞાન પરના જે અમૂલ્ય ગ્રંથો હતા તેનો નાશ થયો. ત્યાં રહેતા તમામ બૌદ્ધ અને સનાતન ધર્મના સંતોનો ક્રૂરતાપુર્ણ રીતે વધ કરવામાં આવ્યો. આપણા દેશનો હજારો વર્ષથી પ્રજ્વળતો જ્ઞાનદીપ હંમેશ માટે બુઝાઈ ગયો.

સલ્તનતકાળમાં અલ બિરુની અને ઈબ્ન બતુત્તાહ નામના ને વિશ્વવિખ્યાત મુસ્લિમ યાત્રિકોએ ભારતની યાત્રા કરી. તેઓ અહીં ઘણાં વર્ષ રોકાયા અને ભારતીય સમાજ, સંસ્કૃતિ, વિજ્ઞાન અને ધર્મોનો ઊંડો અભ્યાસ કર્યો. તેના આધારે લખેલા બે ગ્રંથો તે સમયના આપણા દેશને સમજવા માટે બહુ ઉપયોગી સાબિત થયા છે. આ ઉપરાંત અમીર ખુશરો નામના એક બહુ પ્રતિભાવાન વિદ્વાનનો ઉલ્લેખ અત્રે જરૂરી છે. તેમણે પર્શિયન અને હિંદી ભાષા મિશ્રીત હિંદવી ભાષામાં અનેક કાવ્ય રચનાઓ કરી. તેઓ સંગીતના પણ નિષ્ણાત હતા. એવું માનવામાં આવે છે કે નાદ સ્વરમ નામના વાદ્ય પરથી તેમણે શરણાઈ અને વીણા પરથી સિતાર અને સરોદ વિકસાવ્યાં.

વિજયનગરનો આપણે અગાઉના મણકાઓમાં ઉલ્લેખ કરી ગયાં છીએ. સલ્તનતકાળમાં ડેક્કનમાં સ્થપાયેલાં બીજાપુર, અહેમદનગર અને ગોલકોંડા વગેરેના પાંચ  શાસકોએ આ છેલ્લાં મહાન હિંદુ સામ્રાજ્યનો કાલિકોટાના યુદ્ધમાં નાશ કર્યો. સલ્તનત જ્યારે ટોચ પર હતી ત્યારે ભારતનો ૭૦ ટકા વિસ્તાર તેના કબજા હેઠળ હતો. આમ છતાં એ સમયની હિંદુ પ્રજાએ તેમના પર કરાતાં ધર્મ પરિવર્તનો સામે ભારે ટક્કર ઝીલી. સુલતાનોનાં લગભગ ૩૨૦ વર્ષનાં શાસન દરમ્યાન ફક્ત ૧૦ ટકા હિંદુઓનું ધાર્મિક પરિવર્તન થયું હતું.

હવે પછી મોગલ કાળની ચર્ચા કરીશું.


ક્રમશ : ભાગ ૧૬ માં


શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.