રક્તાનુબંધ : ભાગ -૩

ગતાંક ભાગ – ૨  થી આગળ

નયના પટેલ, લેસ્ટર, યુકે

શીલા ઘર છોડીને જતી રહી હતી. એની તપાસ ન કરવાનું કહી, લખ્યું હતું કે એ પપ્પાનાં જોહુકમીપણાથી ત્રાસીને ઘર છોડીને જાય છે.

આટલી નાની વાતમાં ઘર છોડીને જતી રહેલી મારી બહેનની વર્તણૂંકની મને અને મમ્મીને કોઈ ગતાગમ ન પડી. અમારે પપ્પાને આખરે કહેવું તો પડ્યું જ. જાણે કોઈ બીજાની છોકરી ભાગી ગઈ હોય તેમ જરાય આશ્ચર્ય બતાવ્યા વગર માત્ર ખભા ઊંચા કરી ઓફિસે જવા નીકળી ગયા હતા.

છેક સાંજે હું ડરતાં ડરતાં પપ્પા પાસે ગયો અને પોલિસ સ્ટેશને જવાની મારી વાત માત્રથી પપ્પા ભડક્યાં.

‘જેને જવું હોય તે જાય આ ઘરમાંથી. મારે ગામમાં ધજાગરાં નથી બાંધવા. પણ એટલું સમજી જજો કે એકવાર આ ઘરની બહાર પગ મૂક્યો તો ફરી આ ઘરામાં પાછા આવવાનું વિચારતા પણ નહીં’

એ આખી રાત હું અને મમ્મી ઓટલા પર બેસી રહ્યાં હતાં, કદાચને શીલા પાછી આવે! પપ્પાની જ પ્રતિકૃતિ ધરાવતી શીલા હંમેશ માટે અમારા જીવનમાંથી ગઈ એ ગઈ!

ત્રીજે દિવસે પપ્પાએ ઘરે આવીને ધૂંધવાતા ધૂંધવાતા સમાચાર આપ્યાં હતા કે અંજની પણ એના ઘરેથી ભાગી ગઈ છે અને એના બાપુજીએ બેંકમાં એ વિષય પર ખૂબ ધમાલ મચાવી હતી.

એ વાત પછી મારા પપ્પા એટલા તો બદલાઈ ગયાં હતાં કે હું અને મમ્મી એ બદલાવથી ડરી ગયાં હતાં.

ત્યાર પછી અમારા ઘરમાં સ્મશાનવત્ શાંતિનું સામ્રાજ્ય રહ્યું હતું.

મારા ગ્રેજ્યુએશનના દિવસે જ પપ્પાનું હાર્ટએટેકથી મૃત્યુ થયું હતું.

હું અને મમ્મી ધારતાં હતાં કે સમાચારપત્રોમાં સમાચાર વાંચીને કદાચ શીલા સંપર્ક કરશે… પણ અમારી આશા ઠગારી નિવડી.

નાનો હતો ત્યારથી મને અભિનય ક્ષેત્રે ખૂબ જ રસ હતો. મારા નિઃરસ પપ્પા સામે શીલા ઢાલ બનીને ઊભી રહેતી અને મને નાટકોમાં ભાગ લેવામાં મદદ કરતી.

પપ્પાનાં ગયા પછી મારી એ પ્રવૃત્તિ ધીમે ધીમે વધતી ગઈ અને અભિનય ક્ષેત્રે ડિગ્રી લેવાનો મારો વિચાર નિર્ણયમાં ફેરવાઈ ગયો હતો.

પૈસે ટકે અમારી સ્થિતિ સારી હતી એટલે મારે એક્ટિંગનો અભ્યાસ કરવા જવામાં કોઈ વાંધો નહોતો. પણ મમ્મીને કોને ભરોસે મૂકીને જાઉં?

આખરે મમ્મીને સાથે લઈને બેંગ્લોર ગયો અને ત્યાં થોડાં જ મહિનામાં મમ્મીનું કેંસરમાં નિધન થઈ ગયું.

મારી વાત સાંભળીને કામિની અને નીરાને ખ્યાલ આવી ગયો કે અનુજની મમ્મીનું નામ ‘શીલા’ સાંભળીને મને શંકા છે કે, અનુજ કદાચ મારી સંસારની ભીડમાં સંતાઈ ગયેલી બહેનનો દીકરો હશે.

તે વખતે નીરાનાં મનની સ્થિતિ વિચારવાની ક્ષમતા હું ખોઈ બેઠો હતો. મારું ચાલે તો એ જ ક્ષણે હું વડોદરા પહોંચી જાઉં એમ થતુ હતુ.

અમારા ત્રણમાંથી કામિની જ કંઈક સ્થિરતાથી વિચારી શકવાની પરિસ્થિતિમાં હતી.

એણે મને સમજાવવા પ્રયત્ન કરતાં કહ્યું, ‘ જો નુપ, એ ધારોકે તમારી સંતાઈ ગયેલી બહેન હોય તો પણ હમણાં એ બેન આઈસીયુમાં છે, તબિયત એકદમ નાજૂક છે એવા સંજોગોમાં તારું એને હમણા મળવાનું યોગ્ય હશે?’

કામિનીની વાત એકદમ વાસ્તવિક હતી. હવે મારું મન પણ કંઈક સ્વસ્થ થયું હતું. મારી અને કામિનીની નજર નીરા પર પડી. એ એકદમ ફિક્કી પડી ગઈ હતી. એની અનુજ માટેની લાગણી ઉપર જાણે વજ્રાઘાત થયો હતો…..જો અનુજ સાચે જ એના ફોઈનો દીકરો હોય તો! અમારા ત્રણેયના મનમાં વિચિત્ર અને સેળભેળ લાગણીઓનું ઘમસાણ મચ્યું હતું. હજુ તો નીરા સાથે અનુજ માટેની એની લાગણી વિષે નિખાલસતાથી વાતો પણ થઈ નહોતી. હવે આ સંજોગોમાં એ વાત કરવી યોગ્ય છે કે નહીં? કરવી જોઈએ કે નહીં? નહીં કરીએ તો….

નીરા મારી પાસે આવી અને નીચે મારા પગ પાસે બેસી ગઈ. મારા ખોળામાં માથું મૂકી ધ્રુસકે ધ્રુસકે રડી પડી, ‘ડેડ, હું…..હું…અમને……થોડી ખબર હતી……’

મેં એના માથે હાથ પસવારતાં કહ્યું, ‘બેટા, હજુ ક્યાં આપણને ખાત્રી છે કે એનાં મમ્મી એ જ મારી બહેન છે? અને હોય તો પણ…..’ આગળ શું બોલવું તેની મને જરાય સમજ ન પડી જો કે એના ગામનું નામ અને એની મમ્મીનું નામ બન્ને વાતથી મને તો ખાત્રી થઈ જ ગઈ હતી કે એ મારી શીલુ જ છે અને અનુજ એનો દીકરો છે. એટલે નીરાને આપેલું આશ્વાસન મને જ સાવ પોકળ લાગતું હતું. કામિની પણ આવીને સોફાનાં હાથા પર બેઠી અને અમારા બન્નેનાં માથે હાથ પસવારતી રહી. ઉદ્વિગ્ન વાતાવરણને ખળભળાવતી નીરાના ફોનની રીંગ વાગી. નીરાએ સ્ક્રિન ઉપર અનુજનું નામ વાંચ્યું અને એ મુંઝાઈ ગઈ. એણે વારાફરતી અમારી સામે જોયું પછી કંઈ નિર્ણય કરી ફોન ઊપાડ્યો અને સ્પીકર પર મૂકી બોલી, ‘ હાઈ અનુજ, કેમ છે તારા મમ્મીને?’

‘હમણા તો ઘેનનું ઇંજેક્શ આપ્યું છે એટલે ઊંઘમાં છે.’

‘તું પહોંચ્યો ત્યારે ભાનમાં હતાં કે નહીં?’

‘હા, આંખ ખોલીને જોયું હતું ખરું પણ સેપ્સીસમાં ઘણીવાર માઈંડ કન્ફ્યુસ્ડ થઈ જતું હોય છે, એમ મને ઓળખ્યો ન હોય તેમ મારી સામે જોયું હતું.’ અનુજ ધ્રુસકું મુકી રડી પડ્યો.

‘નીરી, આઈ નીડ યુ નાઉ.’ અનુજને ખ્યાલ નહોતો કે ફોન સ્પીકર પર છે એટલે નીરાએ ખુબ જ સિફતતાથી વાત સંભાળી લીધી, ‘અનુજ, ડેડ અને મમ અહીં જ બેઠાં છે એમની સાથે કંઈ ગોઠવણ થતી હોય તો જોઈએ.’ કહી મને બોલવા ઈશારો કર્યો.

‘બેટા અનુજ, નીરા આવે તો ખરી પણ કાલે તને તો ખબર છે ને કે ‘વિપુલ વર્મા શો’માં પ્રમોશન માટે તારીખ નક્કી થઈ ગઈ છે, બેટા. તમે બન્ને જણ ન જઈ શકો તો વાંધો નહીં, એક જણે તો જવું જ પડશેને?’

પછી કંઈક વિચારીને પૂછ્યું, ‘હું આવું?’

કામિની અને નીરા બન્નેના મોં પર એકદમ ચિંતા ધસી આવી. મેં હાથથી ઈશારો કરી એમને ચિંતા ન કરવા કહ્યું.

‘સર….’

‘અનુજ, હમણાં હું સર નથી તારો અંકલ છું એમ સમજ, ઓકે!’

‘ઓકે, અંકલ તમે આવો તો મને ચોક્કસ સાથ મળશે પણ…તમારાં અનેક કામો મૂકી..’

મેં એની વાતને અડધેથી અટકાવી કહ્યું, ‘જો અનુજ આ સંજોગોમાં કામ કરતાં પરિસ્થિતિ વધારે મહત્વની છે. હવે અમે તને અમારા કુટુંબનો સભ્ય જ માનીએ છીએ એટલે આનાકાની કરવાની જરાય જરૂર નથી, સમજ્યો.’

મેં એક જ મિનિટમાં વડોદરા જવાનો નિર્ણય લઈ લીધો, ‘કાલે સવારની ફ્લાઈટમાં હું આવીશ અને નીરા ત્યાર પછીના દિવસે આવી પહોંચશે, બરાબર?’ કહી મેં કામિની અને નીરા સામે જોયું. બન્નેના મોં પર અવઢવ હતી પણ એ ક્ષણે મને થયું કે બધી જ મુશ્કેલીઓનો અંત લાવવાનો આ જ સમય છે.

‘ગુડનાઈટ’ કહી ફોન મુક્યો. અમારા ત્રણેયનાં મનમાં કંઈ કેટલાય વિચારોનું ઘમસાણ મચ્યું હતું. રૂમમાં એકદમ ખામોશી છવાઇ ગઈ.

હું મારા નિર્ણય પર મહોર મારતો હોઉં તેમ બોલ્યો, ‘ જુઓ, મેં તમને જે વાત કરી તે વાત મારે એકાંતમાં અનુજને પણ કરવી છે અને મને લાગે છે કે આ જ યોગ્ય સમય છે. એની મમ્મી મારી શીલુ હશે તો હું એની સામે સમય પારખીને જવાનું નક્કી કરીશ. અને નહીં હશે તો તો કોઈ સવાલ જ નથીને!’

નીરાએ અમારા ટ્રાવેલ એજંટને ફોન જોડ્યો ત્યારે સવારનાં અઢી વાગ્યા હતાં. સવારનાં આઠ વાગ્યાની ફ્લાઈટ હતી. અમે ત્રણેય જણ સુવા માટે ગયા તો ખરાં પણ આંખોને પણ ખબર હતી કે આજે કોઈની પણ પાંપણોને આરામ નથી મળવાનો.

હું જ્યારે વડોદરાની સયાજીરાવ હોસ્પિટાલ પહોંચ્યો ત્યારે શીલાનો રૂમ શોધવાની જરૂર પડી નહીં. અનુજને ટિફિન લઈને આવતાં જોયો. એની સાથે ચલતા ચાલતા મારા હૃદયનાં ધબકારાં અસંખ્ય ગતિએ ધબકતા હોય એમ લાગ્યું. અનુજની મમ્મી મારી શીલુ હશે કે એ નામની કોઈ બીજી જ વ્યક્તિ હશે? મનને એક ખૂણે થતું હતું કે એ મારી બહેન શીલા ન હોય તો સારૂં…. પણ બીજી જ ક્ષણે આખુંય મન ઈચ્છતુ હતું કે એ જ મારી શીલુ હોય તો કેટલુ સારું! આવી દ્વિધા મેં જીવનમાં ક્યારેય અનુભવી નથી. અમે ચૂપચાપ ત્રીજા માળે આવેલા સ્પેશિયલ રૂમમાં આવ્યા. હું બહાર ઊભો રહ્યો. મને અંદર જવા દેવા માટે અનુજ એક તરફ ઊભો રહ્યો. મેં એને પહેલાં જવા માટે કહ્યું. અને હું બૂટની દોરી છોડવાને બહાને એ જ રૂમની બારી પાસે બહાર રાખેલા બાંકડા પર પગ મૂક્યો. ત્રાંસી નજરે બારીમાંથી અંદર જોયું….અને મારી અંદર દુઃખના પાતાળકૂવામાંથી આનંદનો જુવાળ ઊઠ્યો. કાબર ચિતરા વાળવાળી એ મારી શીલુ જ હતી. મારી આંખો મારા કહ્યામાં ન રહી અને અનરાધાર વરસી પડી. હું આસ્તે આસ્તે અંદર ગયો. શીલા ખાટલામાં આંખો મીંચીને સૂતી હતી. મારી સામે જોયા વિના જ અનુજ શીલાને ઊઠાડવા જતો હતો એને મેં અટકાવ્યો. મારી આંખમાં આંસુના તોરણ જોઈને અનુજ આભો બની ગયો! એની મમ્મી માટે મારી આંખમાં આમ આંસુ!

શીલાએ ધીમેથી આંખો ખોલી અને અનુજ તરફ જોયું. મારી હાજરીની હજુ એને ખબર નહોતી. અનુજે મારા  તરફ ઈશારો કરી કહ્યું, ‘મમ, અનુપઅંકલ’.

અને……અને…..શીલાએ મારી સામે જોયું, એની આંખોમાં મારી જેમ જ ભૂતકાળ અને વર્તમાનકાળ વચ્ચેના અવકાશને લાગણીઓના ધોધે છલોછલો ભરી દીધો!

એક જ ઉદરમાં સાથે રહેલો એનો પાંચ મિનીટ નાનો ભાઈલો પ્રત્યક્ષ ઊભો હતો એ સ્વપ્ન તો નથીને એવી આશંકાથી સંકોચાઈ, થોડી સેકંડ માટે તો એ મારી સામે જોઈજ રહી……આંખો ઉઘાડ – બંધ કરી, અને હું પ્રત્યક્ષ ઊભો છું ની ખાત્રી થતાં જ એની આંખો છલકાઈ પડી. ‘અનુ…..તું….’ કહી એની બિમારીને ભૂલીને ઊઠવા જતી હતી. આશ્ચર્યથી આભા બની ગયેલા અનુજને માટે તો આ અણચિંતવ્યો અવસર હતો – મારી મમ્મી, અનુપ અંકલને ‘અનુ’ કહીને બોલાવી શકે એટલા નજીકનાં સંબંધ હશે? એકબીજાને ઓળખે છે એ જ પહેલું આશ્ચર્ય અને તેમાં આટલી આત્મિયતા!

આગલા દિવસે જ શીલાને બ્લડ ટ્રાંસ્ફ્યુઝન કર્યું હતું એટલે થોડી સ્વસ્થ લાગતી હતી. દવાને લીધે તાવ પણ નહોતો. પણ સાવ અકવડિયું શરીર અને તેમાં આ બિમારી. મોં એકદમ નિસ્તેજ લાગતું હતું……પણ એ બધું તો પછી મને દેખાયું, આ સંસારના મેળામાં સંતાઈ ગયેલી મારી વહાલી બેની મળ્યાનો આનંદ વ્યક્ત કરવા માટે જાણે સ્પર્શ અને આંસુ સિવાય અમારા બન્ને પાસે કંઈ જ નહોતું.

ક્યાં સુધી અમે એકબીજાને આલંગી રહ્યા હોઈશું ખબર નથી પણ અનુજે શીલાના વાંસે હાથ મુકી સુવાનો ઈશારો કર્યો ત્યારે વસ્તવિક ધરતી પર અમે આવ્યા. હજુ પણ જાણે અમારા ડૂસકાંઓથી આખો રૂમ નિશબ્દ રૂદન કરતો હતો. કડવો ભૂતકાળ પીગળતો જતો હતો અને વર્તમાનના અમૃતકુંભમાં પરિવર્તિત થતો જતો હતો.

અને અનુજ આશ્ચર્યથી સ્તબ્ધ!

‘સર, સોરી અંકલ… તમે મારી મમ્મીને…’

‘હા, બેટા, માત્ર મા-જણ્યો જ નહી, પણ માના ઉદરમાં નવ નવ મહિના સુધી સાથે રહ્યાં હતાં એ મારો પાંચ મિનીટ નાનો ભાઈલો અનુપ છે.’ મારે બદલે શીલાને જવાબ આપ્યો.

અનુજ આ અચાનક ફૂટી નીકળેલા અમારા આટલા નિકટતમ્ સંબંધને હજુ સમજી શક્યો નહોતો, પણ જેવી એ સમજણ મગજમાં પહોંચી જ ત્યાં તો એ બેબાકળો થઈ ગયો.

શીલાએ એને પાસે બોલાવી, એને માથે હાથ ફેરવી પ્રેમથી કહ્યું, ‘ બેટા, તેં મને સર્પ્રાઈઝ આપવા માટે જેમની ફિલ્મમાં કામ કરે છે તે નહોતું કહ્યું તે સારું જ થયું….નહીં તો કદાચ…’

‘તું એને મારી ફિલ્મમાં કામ ન કરવા દેતે, એમને?’ મારી શંકા વ્યક્ત થઈ.

પ્રેમની સેળભેળ લાગણીઓને સંભાળતાં શીલાએ કબૂલ કર્યું કે એ અમારી દુનિયાથી એટલી તો દૂર જતી રહી હતી કે પાછા વળવાના વિચાર માત્રથી એ ધ્રુજી ઊઠતી હતી.

અમારી વાતોથી અનુજ વધારે ને વધારે ગુંચવાતો જતો હતો.

મેં એને કહ્યું, ‘બેસ, દીકરા, તને શીલા અમારું ઘર છોડીને ગઈ એ વાત હું કરીશ, બાકીની વાત તો તને ખબર હશેજ!’

શીલા ખીન્ન હસી, ‘ના અનુ, ત્યાર પછીની ઘણી વતો મેં અનુજને નથી કરી.’ કહી અનુજની સામે અનુકંપાભર્યું  જોયું.

રૂમમાં આવનારી ક્ષણોનો ભાર તોળાતો હતો. મને અચાનક અજંની યાદ આવી પણ એ પૂછવાની હિંમત પણ નહોતી અને હવે પછીનો સમય ને વાત શીલા જ માત્ર જાણતી હતી, એમાં વિક્ષેપ પાડવાનું મને યોગ્ય ન લાગ્યું…… કે પછી મને અનુજની સામે મારા એ માટીપગાપણાની શરમ આવતી હતી એ વાત હજુ મનમાં સ્પષ્ટ થાય ત્યાં તો શીલાએ અનુજને ખાટલામાં વહાલથી એની બાજુમાં બેસાડ્યો.

ખાટલાની સામી બાજુની ખુરશીમાં હું બેઠો હતો. શીલુએ મારા તરફ હાથ લંબાવ્યો. અમારા બન્નેનાં હાથ પોતાનાં હાથમાં લઈ અને ક્યાંય સુધી અમારા બન્ને તરફ વારાફરતી હેત નીતરતી નજરે જોતી રહી. પછી વાત કરવાનો મક્કમ નિર્ધાર કરી લીધો હોય એમ એણે મારો હાથ છોડી અને અનુજને માથે હાથ ફેરવી, વજ્રપાત જેવું કહ્યું, ‘અનુજ, બેટા, ઘરમાં એક માત્ર સહેલી સાથેનો મારો એક ફોટો જોઈને, તું સમજણો થયો ત્યારે તેં, ‘ એ કોણ છે’ એમ પૂછ્યું હતુંને ?

અનુજની આંખ સમક્ષ એની મમ્મી સાથે એક અન્ય વ્યક્તિનો ફોટો વર્ષોથી એમના બેઠક ખંડની દિવાલ પર લટકતો હતો એ આવી ગયો. શીલાએ વાત આગળ વધારી, ‘એ જેને મેં તારી માસી તરીકે ઓળખાવી હતી એ મારી સખી અજંની અને આ મારો કાયર ભાઈ પ્રેમમાં પડ્યા હતા.’ પછી મારી તરફ ફરી બોલી, ‘ અનુ, જ્યારે તને મેં અચાનક ચાલુ ભણતરે, અંજુ સાથે પરણવાની વાત પૂછી ત્યારે તને એક ક્ષણ માટે પણ એવો વિચાર ન આવ્યો કે અચાનક કેમ હું એમ પૂછતી હતી?’

હું અવાચક બની અને પચ્ચીસ વર્ષ પાછળ ધકેલાઈ ગયો…..’હા, નવાઈ લાગી હતી પણ….મને કંઈજ ગતાગમ…’

‘જો અનુ, તે વખતે મને અજંનીએ ચેતવણી સાથે કોઈ પણ કારણ કે બહાના નીચે તને લગ્ન કરવા મજબૂર ન કરવો એમ કહ્યું હતું, તે ‘કારણ’ આજે તને કહું,( પછી એક લાંબો નિશ્વાસ મૂકી કહ્યું) કેમકે હવે અંજુ પણ નથી અને એ તમારા બન્નેનું ‘કારણ’ જ મારા જીવનનું મધ્યબિંદુ માત્ર નહીં મારા જીવનનું જીવવા માટેનું એક માત્ર ‘કારણ’ બની ગયું છે, અનુ. ‘

રૂમમાં પારાવાર નિઃશબ્દતાનું વાતાવરણ હતું, ‘તેં જે બનાવને મહત્વ આપ્યું જ નહોતું અનુ, એ જ બનાવને લીધે મારે અંજનીને સાથ આપવા માટે ઘર છોડવું પડ્યું હતું. અંજુએ મને કહ્યું હતું કે……..તેં એની સહમતિથી જ સહશયન કર્યું હતું, બરાબર?’

મારી ઉપર વર્ષોથી તોળાય રહેલો એ બનાવ અચાનક વાસ્ત્વિકતા બનીને ખાબક્યો! ઓહ માઈ ગોડ….અનુજ મારો……’

મારી આંખે અંધારાં આવવા માંડ્યા. હું જાણે ઊંડા વમળમાં ઘસડાતો જતો હોઉં એમ લાગતું હતું. બહાર નીકળવા હવાતિયા મરવાની પણ શક્તિ નહોતી રહી એમ અનુભવતો હતો.

હું બેશુદ્ધિ તરફ ઘસડાતો જતો હતો, ત્યારે મેં છેલ્લું વાક્ય સાંભળ્યું હતું, ‘ અનુજ, બેટા, આજે મારે તને કહેવું જ પડે એમ છે એટલે કહું છું કે ભલે તને જન્મ આપનારી મા ‘અંજુ’ હતી પણ, તને જન્મ આપીને એણે કાયમ માટે જ્યારે આંખો બંધ કરી ત્યારે મેં તને મારા આ હાથેથી ઝીલી અને છાતી સરસો ચાંપી લીધો હતો, એ તારું મોં જોવા પણ પામી નહોતી. હું જ તારી મા છું અને રહીશ, એ વાત માનીશને બેટા?’

પછી જે વાત કરવા જવાની હતી તે વખ જેવી વાત કરવા હિંમત એકઠી કરતી હોય તેમ એણે એણે ઓઢેલી ચાદરને મુઠ્ઠીમાં સજ્જડ પકડી રાખેલી મેં જોઈ.

હું બેશુદ્ધિ તરફ ઘસડાતો જતો હતો ત્યારે ભયંકર સત્યને અનાવૃત કરતાં શીલુને બોલતી સાંભળી, ‘પણ …..હવે કડવું સત્ય એ છે દીકરા, કે આ તારા પિતા….’

મને પછી શું થયું ખબર નથી.

મારી આંખો પર મણ મણનો ભાર હોય એમ લાગતું હતું. આંખો ખોલવા પ્રયત્ન કરતો હતો પણ અંદરનાં ડોળા સિવાય કંઈજ હાલી શકતું નહોતું.

એ સ્થિતિમાં કેટલો વખત પડી રહ્યો હોઈશ એનાથી સાવ અજાણ મને ધીમે ધીમે આજુબાજુનાં અવાજો સ્પષ્ટ સંભળાવા માંડ્યા હતા. મેં મારી રાની અને ની નો અવાજ પારખ્યો, અરે, આ….કોનો અવાજ છે? થોડી ક્ષણ વિમાસણ થઈ પછી ખ્યાલ આવ્યો એ કોઈ અજાણ્યાનો સ્વર હતો…..એકદમ આંખો ખુલી તો નહીં પણ, આજુબાજુ જે કોઈ ઊભા હતાં તેમને, મને ભાન આવવા માંડ્યું છેની પ્રતિતિ થઈ હોય એમ લાગ્યું.

‘ડોક્ટર…ડોક્ટર….લુક હી ઈઝ…’

મારા માથે કોઈનો સ્નેહાળ હાથ ફરતો હતો……જાણીતો સ્પર્શ હતો પણ….કોનો હતો……?

માંડ માંડ આંખો ખોલી. પહેલા તો બધું ધૂંધળું દેખાયું. પછી ધીમે ધીમે સ્પષ્ટ દેખાવા માંડ્યું.

આજુબાજુ સફેદ કોટ અને બ્લ્યુ યુનિફોર્મ પહેરીને થોડાં લોકો ઊભા હતાં. મારી નજર ફરતી ફરતી માથા પર હાથ ફેરવનાર પર પડી…મારી શીલુ હતી. પગ પાસે, રડી રડીને સૂજી ગયેલી આંખોવાળી મારી ની બેઠી હતી. એની પાછળ મારો અંશ અનુજ ઊભો હતો અને મારી રાનીબેટી એની ફોઈની પાછળ ઊભી હતી. એ લોકો સાથે નજર મેળવવાની હિંમત ક્યાંથી લાવું?

ફરી પેલું અધૂરું રહી ગયેલું લાગણીઓ વચ્ચેનું દારુણ યુદ્ધ શરૂ થવાની તૈયારીમાં હતું, મને થયું કે હું પાછો બેભાન થઈ જઈશ!

*~~*~~*~~*~~*~~*~~*

 સમાપ્ત

*~~*~~*~~*~~*~~*~~*

નયનાબહેન પટેલ, લેસ્ટર, યુકે., નું વીજાણુ સંપર્ક સરનામું : ninapatel47@hotmail.com

Author: Web Gurjari

4 thoughts on “રક્તાનુબંધ : ભાગ -૩

  1. આ વાર્તા ની લાગણી નુ વણઁન કવાનુ મારૂ ગજુ નથિ. અતિ અચ્મબીત કરતી વાર્તા

  2. Superb Story… You are a good story writer. I mean it.
    ત્રણે ભાગ વાંચ્યા. રૂંવાડા ખડા થઈ ગયા. રહસ્યને છેક સુધી સાચવી રાખવાની આ કલાને સલામ.
    શૈલી પણ કેટલી રસાળ? વાહ..સુંદર,અતિ સુંદર વાર્તા..

Leave a Reply

Your email address will not be published.