નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – ૫૩

જ્યાં સરકારી અમલદારની જેમ પ્રભુને પણ લાંચ આપવાના પ્રયત્નો થાય છે…

નલિન શાહ

મહેમાનોએ જમવાની તૈયારી કરી ત્યારે માનસીએ રાજુલને ઇશારો કર્યો. રાજુલ આવીને સામે ઊભી. ‘મમ્મી, આ છે રાજુલ’ માનસીએ ઓળખાણ કરાવી, ‘ને રાજુલ, આ છે મારાં સાસુ. લો મમ્મી, જે વાત કરવી હોય એ કરો.’

‘તમે બહુ સરસ બોલો છો’ ધનલક્ષ્મીએ પ્રશંસાયુક્ત શબ્દોમાં કહ્યું.

‘મને માનાર્થે ના બોલાવો. હું બહુ નાની છું તમારાથી.’

‘તમારાં જેવાં મોટાં માણસને કાંઈ તુંકારે બોલાવાય?’

‘મોટાંની વ્યાખ્યા શું છે તમારી?’ રાજુલે પૂછ્યું.

‘મોટાં એટલે મોટાં’ ધનલક્ષ્મી મૂંઝાઈ ગઈ, ‘ખૂબ સાધન સંપત્તિવાળાં, ખૂબ નસીબદાર.’

‘જેને માનસી જેવી વહુ મળી હોય એ પણ કાંઈ ઓછા નસીબદાર ના કહેવાય.’

આનો જવાબ આપવાનું ધનલક્ષ્મીને ના સૂઝ્યું, એણે વાત બદલી, ‘સાંભળ્યું છે કે તમે કોઈને મળતાં નથી?’

‘કોણે કહ્યું?’

‘માનસીએ.’

‘સાવ એવું નથી. પણ વાત એમ છે ને કે હું મારા કામમાં એટલી ઓતપ્રોત ને અટવાયેલી રહું છું કે ક્યારેક સમય ફાળવવો જરા મુશ્કેલ બની જાય છે. બાકી એવું કાંઈ નથી, જુઓ ને તમને મળી ને?’

‘મારે તમને પૂછવું હતું કે તમને એ કહેતાં અને તે પણ જાહેરમાં સંકોચ ના થયો કે તમે બહુ ગરીબ દશામાં ઊછર્યાં છો?’

‘સાચી વાત કહેવામાં સંકોચ શાનો? અને ગરીબનો કાંઈ ગુન્હો નથી.’

‘તો પછી તમારાં મા-બાપ કેમ ના આવ્યાં? બહુ ગરીબ હશે એટલે જ બોલાવ્યાં નહિ ને તમે?’

માનસી સાંભળીને સડક થઈ ગઈ. રાજુલે પણ આંચકો અનુભવ્યો, પણ સમજી ગઈ કે આવું તો એ ધન્નો જ વિચારી શકે, એટલે એણે જરા સખ્તાઈથી જવાબ આપ્યો, ‘હું એટલી નગુણી નથી કે મારાં મા-બાપનું ઋણ વિસારી દઉં. આજની ઉદ્‌ઘાટન વિધિ મારાં સાસુએ એમને શુભ હસ્તે જ કરવાનું ઠેરવ્યું હતું, પણ બાપુ અચાનક બીમાર પડી જવાથી તેઓ આવી ના શક્યા. એટલે કાલે વહેલી સવારે અમે બધાં એમને મળવા ગામ જવાનાં છીએ. જો જરૂર લાગે તો એમને એમ્બ્યુલન્સમાં મુંબઈ લઈ આવીશું અને એવી જરૂર નહિ લાગે તો હું ત્યાં રહી જઈશ એમની સારવાર માટે.’

ત્યાં જ શશી અચાનક આવી, ‘અરે રાજુ, હું તને ક્યારની શોધું છું ને તું અહી ઊભી છે?’ શશી ધનલક્ષ્મીને જોઈ થંભી ગઈ.

‘આ છે મારી એકની એક બહેન, જેણે મને જિંદગીમાં કાંઈક બનવાની તક આપી.’ રાજુલે ઓળખાણ કરાવી. ‘તમે તો મળ્યાં છો ને એને?’

ધનલક્ષ્મી સ્તબ્ધ બનીને તાકી રહી. આ રાજુલ, મારી બેન! આ ન કલ્પેલા વિચારે હેબતાઈને એ શશીની સામે આંખ પણ ના મેળવી શકી, ‘સ્વામીજી જેવા મહાત્મા શશીને નમે, અમિતકુમાર જેવા અભિનેતા એને અહોભાવથી જુએ, સુનિતા શેઠ જેને દેવીની કક્ષામાં મૂકે અને થીંગડાંવાળાં ફ્રોકમાં રખડતી રાજુલ આજે રાણીની જેમ રાજ કરે, ત્યારે હું ક્યાં રહી? અરે મારા નાથ; મારી સેવાઓનો પણ તે વિચાર ના કર્યો? તારી સામે મોંઘીદાટ મીઠાઈના થાળ ધર્યા એની પણ તે કદર ના કરી? મને ક્યાંયની પણ ના રહેવા દીધી!’

ધનલક્ષ્મીને તમ્મર આવ્યા. એ સ્થિર ના રહી શકી. માનસીએ એને થામી લીધી.

‘મને ઘરે લઈ જા, હમણાં જ.’

માનસીએ રાજુલને પરાગને બોલાવવા કહ્યું ને ડ્રાઇવરને શોધી ગાડી લાવવાની સૂચના આપી. થોડી વારે પરાગ આવ્યો, ‘શું થયું મમ્મીને?’

‘મમ્મીની તબિયત સારી નથી, એમને ઘેર જવું છે, ચાલ સાથે.’

‘તું છે ને માનસી, ધ્યાન રાખવા. પછી મારું શું કામ?’ જોતી નથી કેવાં કેવાં લોકો આવ્યાં છે, કેટલા કામમાં આવે એવા છે એ તો વિચાર કર?’

ધનલક્ષ્મી હતપ્રત બનીને સાંભળી રહી. એણે આઘાત અનુભવ્યો, ‘હું મરવા પડી છું’ એણે વિચાર્યું, ‘ને મારા જ દીકરાને મારાં કરતાં એના ધંધાની ચિંતા વધારે છે. ને આજે મારે મદદ આ વહુની જ લેવી પડે છે જેને મેં ધુત્કારી! હે ભગવાન, હવે તો તેં હદ કરી. કોણ હવે તારી સેવા કરશે; જો આવાં જ ફળ મળવાનાં હોય તો?’ ધનલક્ષ્મી વધુ વિચારો જીરવી ના શકી, ‘વાંક તો છેવટે મારો જ ગણાશે ને? દીકરામાં ધંધાના સંસ્કારો તો મેં જ રેડ્યા છે. આજે પૈસાની ગણના ના કરનારાં માનપાન પામે છે ને મારી ગણના ચાર-છ પતંગિયાં જેવી સહેલીઓમાં થાય છે, જે મારું જ ખાઈને પીઠ પાછળ મારી જ કુથલી કરે છે!’

ગાડીમાં ધનલક્ષ્મી માનસીનો હાથ થામી આંખ મીંચીને બેસી રહી. થોડી વારે આંખ ખોલી બોલી, ‘માનસી, તું કાંઈ કહેવત કહેતી’તી ને હિન્દીમાં, એ બોલ.’

‘કઈ?’

‘બોયે બબુલ કે જેવું કાંક હતું.’

‘બોયે બીજ બબુલ કે, આમ કહાં સે હોય?’ માનસી બોલી

‘એનો સાચો અર્થ શું થાય?’

‘એ જ કે ઝેરી ફળવાળું કાંટાળું ઝાડ વાવવું ને આંબા ઊગવાની આશા રાખવી.’

‘બસ, એવું જ થયું ને? ઝાડ તો મેં જ વાવ્યું ને એનું ફળ આજે મળી રહ્યું છે.’

‘આટલી વિચારશક્તિ સાસુમાં આવી એ જ નવાઈ ભર્યું કહેવાય.’ માનસીએ મનોમન વિચાર્યું.

‘આ શશી અને આ રાજુલ કોણ છે, તને ખબર છે?’

‘હું કાંઈ સમજી નહીં!’

‘એ મારી સગી બહેનો છે. હું જ નઠારી સાબિત થઈ.’

‘શું!’ માનસીએ વિસ્મયતાનો ડોળ કરી પૂછ્યું. તમે કેમ ના કહ્યું જ્યારે શશીબેન ઘરે આવ્યાં હતાં?’

‘હું જ આંધળી બની ગઈ હતી. હવે શું! બધું ઢોળાઈ ગયું. કશું ના બચ્યું.’ આખા રસ્તે ધનલક્ષ્મી આંખ મીચીંને પડી રહી. “હું કાંઈ એટલી નગુણી નથી કે મા-બાપના ઋણને વિસારી દઉં.” રાજુલના આ શબ્દો પળેપળે એના કાનમાં અથડાતા રહ્યા. મનમાં થયું કે બાપુ બીમાર છે પણ હવે હું કયા મોઢે જાઉં?’

ધનલક્ષ્મી રાત્રે ઊંઘની ગોળી લઈને સૂઈ ગઈ.

વહેલી સવારે રાજુલનો ફોન આવ્યો. માનસી પેપર ઉથલાવી રહી હતી. ‘કેમ છે તારાં સાસુને?’ રાજુલે ગંભીરતાથી પૂછ્યું. ‘હજી સૂતાં છે. કાલની વાતો ઉપરથી લાગ્યું કે કદાચ પહેલી વાર પશ્ચાતાપની આગ એમને દઝાડી રહી હતી. તારી સાચી ઓળખ જ એમને ધ્વસ્ત કરવા માટે પૂરતી હતી. હવે આ આઘાત ક્ષણિક છે કે સ્થાયી, એ તો સમય બતાવશે.’ બે ઘડીના મૌન પછી માનસી બોલી, ‘રાજુલ, મને લાગે છે કે જે લાગણીના ઉદ્વેગને આપણે પશ્ચાત્તાપ માનીએ છીએ એ સાચા અર્થમાં ન કલ્પેલા પરાજયની ભાવના પણ હોઈ શકે. તમે બંને બહેનો આજે કોઈ ગામડામાં ગરીબી અને ગુમનામીના અંધારામાં સબડતાં હોત તો એ જાણીને શું મારાં સાસુને આઘાત લાગ્યો હોત? વિપરીત સંજોગોમાંથી પસાર થતાં માણસનું નવું રૂપ જ્યારે સામે આવે છે, જે રૂપ મેં મારાં સાસુનું ઘેર આવતાં ગાડીમાં જોયું, ત્યારે આપણને એના હૃદય પરિવર્તનનો ભાસ થાય છે. વાસ્તવિકતામાં એ એમની લાચારી હોય છે. માણસ કદી નથી બદલાતો, કેવળ સંજોગવશાત એનું રૂપ બદલાય છે.’

સાંભળીને રાજુલનાં મોંમાંથી એક નિસાસો નીકળી ગયો. ‘માનસી, તું માનીશ કે જે વેરની વસૂલાત માટે હું બેચેન હતી એ તો સિદ્ધ થઈ, પણ એનો ધાર્યા જેવો કોઈ આનંદ પ્રાપ્ત ના થયો. ઉલટાનું દુઃખ થયું. દરેક માણસ પોતાનાં સ્વર્ગ અને નરકનું નિર્માણ કરે છે. જો એનાં નરકમાં એને સ્વર્ગીય આનંદ પ્રાપ્ત થતો હોય તો એની ચિંતા મારે શીદને કરવી જોઈએ? મારી દીદીને માનપાનનું પાત્ર કરી, હું ને બા-બાપુ બધાં સુખેથી જીવીએ છીએ તો તારી એ કૃતઘ્ન સાસુનાં સુખ-દુઃખની ચિંતા મારે શીદને કરવી જોઈએ? વેરની વસૂલાત નબળાઈનું દર્શન કરાવે છે. દીદીએ તો કદી એનાં અપમાનનો ભાર મગજ પર રાખ્યો નથી. હું જ પરિવારની યાતનાઓનો ભાર ઝીલી એની સામે વેર લેવા નીકળી હતી. મળ્યું શું? હવે એ એનાં દુઃખ મેં કલ્પેલી આત્મસંતોષની લાગણી પણ દુઃખદાયી લાગે છે. આજે એ એના ભગવાનને કોસતી હશે. હું તો ઇચ્છું છું કે ભગવાન એને સદ્‌બુદ્ધિ આપે અને દુઃખમાંથી ઉગારે અને એ સાધવા મારી કોઈ પણ મદદની જરૂર હોય તો કહેતાં અચકાતી નહીં.’

‘થોડો વખત તો જોવા દે કે એનો પશ્ચાત્તાપ ખેલ છે કે વાસ્તવિકતા? ક્ષણિક છે કે સ્થાયી?’અને પૂછ્યું, ‘તમે ગામ જવાનાં હતાં ને?’

‘બસ નીકળી જ રહ્યાં છીએ. મને જાણવાની ઉત્કંઠા કરતાં ચિંતા વધારે થઈ એટલે થયું જરા તારી સાથે વાત કરી લઉં. રાત્રે બહુ મોડું થયું હતું એટલે ફોન ના કર્યો.’

‘મારી જરૂર છે?’

‘ના, મમ્મીએ વિચાર્યું કે વડોદરા કલાકથી ઓછા અંતરે છે એટલે ત્યાંના જ ડૉક્ટર હોય તો ઇમરજન્સીમાં કામ આવે એટલે ત્યાંના જ કોઈ કન્સલન્ટન્ટનો સંપર્ક સાધ્યો છે. ચાલ, મૂકું છું પછી વાત કરશું.’ કહીને રાજુલે ફોન બંધ કર્યો.

માનસી સોફામાં બેસીને વિચારતી રહી, ‘જિંદગીનો રસ્તો કેટલો વિકટ છે! દરેક વળાંક પર વિટંબણાઓનો સામનો કરવો પડે છે. એક ભૂલની કેટલી ભારે કિંમત ચૂકવવી પડે છે! પરાગના મુખવટાને એનો સાચો ચહેરો સમજી હું આજે કેવા કુટુંબમાં આવી પડી કે જ્યાં પૈસા અને પરમેશ્વરમાં કોઈ અંતર નથી, કે જ્યાં સરકારી અમલદારની જેમ પ્રભુને પણ લાંચ આપવાના પ્રયત્નો થાય છે અને હવે આવનાર બાળકને આ કુટુંબના સંસ્કારથી દૂર રાખવાની ચિંતા! આ બધું કેવળ એક જ ભૂલનું પરિણામ. રાજુલ જેવી મિત્ર અને ફિલોમીના જેવા સાથી ના મળ્યાં હોત તો….તો….વિચારોના આવેગને રોકવા… માનસી ન્હાવાને બાથરૂમમાં ચાલી ગઈ.

 

 

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.