બાળ ગગન વિહાર : મણકો – ૮ : મીકેલ

શૈલા મુન્શા

“પતંગિયું ક્યે મમ્મી મમ્મી ઝટ પાંખો પ્હેરાવ,
ઉઘડી ગઈ છે સ્કૂલ અમારી ઝટ હું ભણવા જાંવ”

કૃષ્ણ દવે

મીકેલ હતો જ એવો નાજુક રંગબેરંગી પતંગિયા જેવો. હલકો ફુલ્કો, સુઘડ, માતા પિતાની કાળજી દેખાઈ આવે. સ્વચ્છ વ્યવસ્થિત યુનિફોર્મ પહેરીને આવે.

અવનવા રંગોને પોતાનામાં સમાવતો મીકેલ સ્કૂલમાં જેવા ત્રણ વર્ષ પુરાં થયા કે આવવા માંડ્યો. જાણે પેલા પતંગિયાની જેમ એને પણ ઝટ ભણવા આવવું હતું.

અમારા ક્લાસમાં ત્રણ વર્ષે બાળક આવવાનુ શરૂ કરે અને જલ્દી બધા સાથે ભળી ના જાય એ સ્વાભાવિક કહેવાય માતા પિતાનો ખોળો છોડી ઘરના વાતાવરણથી અલગ દુનિયામાં આવી જાવ તો થોડો સમય અતડું તો લાગે જ. પણ મીકેલ આવ્યો ત્યારથી જ એટલો ડાહ્યો લાગ્યો. એક બે દિવસ મમ્મી મુકવા આવી ત્યારે થોડું રડ્યો પણ જેવી મમ્મી ગઈ કે થોડીવારમાં ક્લાસની પ્રવૃતિમાં ભાગ લેવા માંડ્યો.
સ્પેસિઅલ નીડવાળા બાળકોને બસ સેવા મફતમાં મળે અને જેવું બાળક દાખલ થાય કે અઠવાડિયામાં એનુ નામ બસ લિસ્ટમાં આવી જાય અને ઘરે થી સ્કૂલ અને સ્કૂલથી ઘર બાળક એ બસમાં આવી શકે. મીકેલ પણ સ્કૂલ બસમાં આવવા માંડ્યો. ત્રણ વર્ષના બાળક માટે સવારના ૭.૩૦થી બપોરના ૩.૦૦ વાગ્યા સુધીનો સમય ઘણો લાંબો સમય કહેવાય. ખાસ કરીને શરૂઆતમાં એક વાગ્યા સુધીમાં તો એ બાળકો થાકી જાય. એટલે આ બાળકોને લંચ કરાવી અમે લગભગ એ સમયે સુવાડી દઈએ. કલાકની ઊંઘ મળી જાય એટલે ઘરે જતા પહેલાં થોડા સ્વસ્થ બને. બપોરના અમે એમને જ્યુસ ને કુકી કે પોપકોર્ન એવો કાંઈક હળવો નાસ્તો આપીએ ને બાળગીતોની કે ગમતા કાર્ટુનોની મુવી ચાલુ કરીએ. બાળકો હસતાં-રમતાં ઘરે જાય.
મીકેલને સુવાડવા લઈ જઈએ એટલે રોજ એક સવાલ પુછે “મુન્શા બસ?” (એટલે કે બસ કેટલા વાગે આવશે?) અને હું રોજ મારી ત્રણ આંગળી બતાડી જવાબ આપું કે ત્રણ વાગે. જવાબ સાંભળતાની સાથે ખિલખિલાટ હસીને પોતાની નાનકડી ત્રણ આંગળી બતાવી બોલે “ત્રણ વાગે” ને એક મિનિટમાં જરા થાબડતાંની સાથે ઊંઘી જાય એવી ધરપત સાથે કે બસ આવશે અને એ મમ્મી પાસે પહોંચી જશે.
ઊંઘતા મીકેલ ના મોઢા પર એ હાસ્ય જાણે સ્થિર થઈ જાય અને એવું લાગે કે એની એ નાનકડી નિર્દોષ આંખોમાં એને એની મા જાણે થાબડીને સુવાડાતી હશે એવું લાગતું હશે. મોટાભાગે મારો હાથ ત્યારે એના હાથમાં હોય અને સલામતી નો અહેસાસ એના ચહેરા પર.
બાળકોની દુનિયા કેટલી નિરાળી છે. બાળકો ને જ્યાં પ્રેમ મળે ત્યાં એ કેટલી સહજતા ને કેટલી સલામતી ની લાગણી અનુભવતા હોય છે.

મીકેલ જ્યારે ક્લાસમાં નવો હતો ત્યારે થોડું શરમાતો અને બધા સાથે જલ્દી ભળી નહોતો જતો, પણ ક્લાસના નિયમો પાળવામાં એક નંબર. આટલાં વર્ષોમાં મેં એના જેવો ડાહ્યો છોકરો જોયો નથી. કોઈપણ વાત એને બે વાર કહેવી ના પડે. સરસ રીતભાત અને મીઠા હાસ્ય વડે એ કોઈનુ પણ દિલ પલકવારમાં જીતી લે.
હમણા ક્લાસમાં અમે બાળકો ને રંગો ની ઓળખાણ કરાવીએ છીએ. લાલ પીળો વાદળી લીલો વગેરે અને એ માટે સરસ મજાના ગીતોની ડીવીડી અમારી પાસે છે. એમાં એક ઈંન્દ્રધનુષ દેખાય અને સાથે ઈંન્દ્રધનુષના રંગના ક્રમ પ્રમાણે લાલ કેસરી પીળો વગેરે રંગ આવતાં જાય અને સરસ રાગમાં ગીત ગવાતું જાય. લગભગ રોજ સવારે અમે આ ડીવીડી બાળકોને બતાડીએ.
અહીં વાત મારે બાળકોની કલ્પનાશક્તિની કરવી છે. બધા બાળકો સાથે જ આ ડીવીડી જોતા હોય છે. આ બાળકો વારંવાર એક ડીવીડી, ગીતો કે કાર્ટૂન જોતા હોય તો એમને યાદ રહી જાય અને એમની પ્રગતિ માતા પિતાને પણ દેખાય. અમારા સતત પ્રયાસો આ બાળકોને એમની જરુરિયાત પ્રમાણે તાલિમ આપવાના હોય છે.
વાત મારે મીકેલની કલ્પનાશક્તિએ ક્યાંનો તાળો ક્યાં મેળવ્યો એ કરવી છે. એની લાક્ષણિકતાએ અમને આશ્ચર્યચકિત અને ખૂબ આનંદિત કરી દીધાં.
સવારનો ક્લાસનો નિત્ય ક્રમ પતાવી બાળકોને અમે કાફેટેરિઆમાં જમવા લઈ જતાં હતા ત્યાં “water fountain” જોઈ મીકેલને તરસ લાગી ગઈ અને મને કહેવા માંડ્યો ”મીસ મુન્શા પાણી પીવું છે” જેવી હું એને વોટર ફાઉન્ટન પાસે લઈ ગઈ અને પાણી ચાલુ કર્યું કે મીકેલ બોલી પડ્યો “rainbow Ms Munshaw, its a rainbow”.

એ બાળમાનસમાં ઈંન્દ્રધનુના અર્ધ ગોળાકાર આકારની છાપ એવી જડાઈ ગઈ હતી કે જ્યારે પાણીના ફુવારામાંથી અર્ધ ગોળાકાર આકારમાં પાણીની ધાર થઈ કે મીકેલને ક્લાસમાં થોડીવાર પહેલાં જોયેલ ઇંન્દ્રધનુષ યાદ આવી ગયું.

બાળમાનસ અને એમની કલ્પનાશક્તિ ક્યાં થી ક્યાં પહોંચી જતી હોય છે એના અનુભવો અમને હમેશ થતાં હોય છે અને સાથે એક આત્મસંતોષ ની લાગણી પણ થતી હોય છે કે એમની આ કલ્પનાશક્તિ સપ્ત રંગે રંગાય અને એમનુ જીવન રંગસભર બને.

બસ આમજ આ ભુલકાંઓની દુનિયા હસતી રમતી રહે અને એ નિર્દોષ બાળપણ મારામાં પણ હમેશ જીવતું રહે એ જ મનોકામના.
આ બાળકો આગળ જતાં નભમંડળનાં ચમકતા સિતારા બને એ જ પ્રાર્થના સાથે,

અસ્તુ.


સુશ્રી શૈલાબેન મુન્શાનો સંપર્ક smunshaw22@yahoo.co.in  સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.