નો લાઈટ! નો કેમેરા ! નો એક્શન! કટ…કટ…કટ!

ફિર દેખો યારોં

બીરેન કોઠારી

સર્જન, વિસર્જન, નવસર્જન અને પુન:સર્જન કુદરતની જેમ સરકારનો ક્રમ પણ હોઈ શકે છે એની સાબિતી વર્તમાન સરકારના વધુ એક નિર્ણય થકી મળી રહી છે. સરકારના નિર્ણય આડે કશી અડચણ નહીં આવે તો આ મહિનાના એટલે કે જાન્યુઆરી, 2022ના અંત સુધીમાં ફિલ્મ સાથે સંબંધિત ચાર સંસ્થાઓનું એક જ નિગમમાં વિલીનીકરણ થઈ જશે.

એ મુજબ ફિલ્મ્સ ડીવીઝન (એફ.ડી.), નેશનલ ફિલ્મ આર્કાઈવ ઑફ ઈન્‍ડિયા (એન.એફ.એ.આઈ.), ડાયરેક્ટરેટ ઑફ ફિલ્મ ફેસ્ટિવલ્સ (ડી.એફ.એફ.) અને ચિલ્ડ્રન્‍સ ફિલ્મ સોસાયટી ઑફ ઈન્‍ડિયા (સી.એફ.એસ.આઈ.)ને હવે નેશનલ ફિલ્મ ડેવલપમેન્‍ટ કોર્પોરેશન(એન.એફ.ડી.સી.)માં ભેળવી દેવામાં આવશે. વિલીનીકરણના આ નિર્ણયની ઘોષણા ડિસેમ્બર, 2021માં કરવામાં આવી હતી. તેના કારણમાં આ સંસ્થાઓ જે મંત્રાલય અંતર્ગત આવે છે એ માહિતી અને પ્રસારણ ખાતા દ્વારા આમ જણાવાયું હતું: ‘ફિલ્મ મિડીયા એકમોનું એક જ નિગમમાં વિલીનીકરણ તેમની પ્રવૃત્તિઓ અને સંસાધનોના બહેતર સંકલન તરફ દોરી જશે, જે પ્રત્યેક એકમના હેતુને પાર પાડવા માટેની કાર્યક્ષમતા અને સહક્રિયાને સુનિશ્ચિત કરશે.’ આ મંત્રાલયે ૯ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ આ ચારે એકમોને તેમની શાખાઓ સમેટવા અંગેનું વિગતવાર આયોજન તૈયાર કરવા અંગે જણાવ્યું હતું. આ પત્ર મોકલાયાના બે દિવસ અગાઉ, રાજ્યસભાના સભ્ય જહોન બ્રિટાસે માહિતી અને પ્રસારણ મંત્રીને એક પત્ર લખ્યો હતો, જેમાં આ વિલીનીકરણ ખોટું હોવાનું મુદ્દાસર જણાવ્યું હતું. આ સૂચિત વિલીનીકરણ બાબતે સમાજના વ્યાપક વર્ગ તરફથી વાજબી રીતે કચવાટ તેમજ શંકાકુશંકા થઈ રહી હોવાનું તેમણે લખ્યું હતું. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ પ્રકારનો નિર્ણય દેશના આ દૃશ્ય-શ્રાવ્ય દસ્તાવેજીકરણને ભૂંસી નાંખે તો નવાઈ નહીં.

બ્રિટાસે દર્શાવેલો સૌથી મહત્ત્વનો મુદ્દો નોંધપાત્ર અને ચિંતાજનક છે. તેમના જણાવ્યા અનુસાર આ સંસ્થાઓની મિલકત લગભગ તમામ મુખ્ય શહેરોમાં, અને એ પણ મુખ્ય વિસ્તારોમાં છે, જેની કિંમત કરોડોમાં થાય. આ વિલીનીકરણ પાછળનો અસલ ઈરાદો ક્રમબદ્ધ રીતે એન.એફ.ડી.સી.નું ખાનગીકરણ કરીને આ મિલકતોની રોકડી કરી લેવાનો હોવાનો આક્ષેપ છે. આ નિગમોના વિલીનીકરણ અને તેની મિલકતોની કિંમત અંગેના અહેવાલો અને દસ્તાવેજો તેમજ આગામી આયોજનને જાહેર કરવાની તથા કર્મચારીઓની છટણી ન થવાની ખાતરીની માંગ બ્રિટાસે માહિતી અને પ્રસારણ મંત્રી સમક્ષ કરી છે, અને એ ન થાય ત્યાં સુધી તમામ કાર્યવાહી મોકૂફ રાખવાની વિનંતી કરી છે.

બીજી તરફ નવસો જેટલા ભારતીય ફિલ્મજગત સાથે સંકળાયેલા ફિલ્મ કલાકારો, ફિલ્મનિર્માતાઓ અને અન્ય લોકોએ પણ આ વિલીનીકરણ બાબતે વિરોધ કરતું આવેદનપત્ર માહિતી અને પ્રસારણ મંત્રાલયને મોકલ્યું છે. પારદર્શિતા અને પરામર્શ સંબંધી બાબતોનો નિકાલ ન આવે ત્યાં સુધી આ સંસ્થાઓના વિલીનીકરણને મોકૂફ રાખવાનું તેમાં જણાવાયું છે. આવેદનપત્રમાં જણાવાયા અનુસાર: ‘અમને આશા હતી કે આટલી બધી મહત્ત્વની બાબત અંગે નિર્ણય લેવાતાં અગાઉ ફિલ્મજગત સાથે સંકળાયેલા

લોકો તથા આ સંસ્થાના કર્મચારીઓ જેવા તેના સહભાગીઓ સાથે વિસ્તૃત ચર્ચા થશે. પણ એવું કશું કર્યા વિના શ્રી બીમલ જુલ્કાના વડપણ હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિએ સીધેસીધો પોતાનો અહેવાલ જ સુપ્રત કરી દીધો.’ દરમિયાન 10 ડિસેમ્બર,2021ના રોજ સરકાર દ્વારા સેન્‍ટ્રલ બૉર્ડ ઑફ ફિલ્મ સર્ટીફિકેશન (સી.બી.એફ.સી.)ના વડા રવિન્દર ભાકરને ફિલ્મ્સ ડીવીઝનના ડાયરેક્ટર જનરલ અને ચિલ્ડ્રન્‍સ ફિલ્મ સોસાયટી ઑફ ઈન્‍ડિયાના વડા તરીકેનો વધારાનો કાર્યભાર સોંપી દેવામાં આવ્યો છે.

આવેદનપત્રમાં આ પગલું અયોગ્ય હોવાની અનેક દલિલો કરવામાં આવી છે, અને તેમાં સહી કરનારાઓનો સૌથી મોટો વાંધો એ છે કે માહિતી અધિકાર કાનૂન હેઠળ આવતું હોવા છતાં આ અહેવાલોને જાહેર કરવામાં આવ્યા નથી, જે સમગ્ર પ્રક્રિયાના વાજબીપણા વિષે શંકા ઉભી કરે છે.

આ ચારે સંસ્થાઓનો આગવો ઈતિહાસ અને કાર્યક્ષેત્ર રહ્યાં છે. સ્વાતંત્ર્યોત્તર કાળની રાષ્ટ્રનિર્માણ પ્રક્રિયાનો એ અવિભાજ્ય અંશ રહ્યા છે અને દેશભરમાં વૈવિધ્યપૂર્ણ ફિલ્મસંસ્કૃતિના નિર્માણ, પ્રસાર તેમજ જાળવણીમાં તેમનું નોંધપાત્ર પ્રદાન રહેલું છે. ભારત ફિલ્મનિર્માણની સંખ્યામાં વિશ્વભરમાં અગ્રક્રમે છે. ફિલ્મ હવે કેવળ મનોરંજનનું સાધન નથી રહ્યું, બલ્કે તે એક પ્રકારનો રાષ્ટ્રીય વારસો છે. આ જ કારણસર ઘણાં વિકસીત દેશોમાં ફિલ્મની જાળવણી માટે થઈને અલાયદું ભંડોળ ફાળવવામાં આવતું હોય છે. ખાનગી ધોરણે કોઈ નાણાં ન રોકે એવી, છતાં ગંભીર અને નક્કર કથાવસ્તુ ધરાવતી ફિલ્મો અને દસ્તાવેજી ચિત્રોનું નિર્માણ આ સંસ્થાઓ દ્વારા હાથ ધરતી આવી છે. એ જ રીતે પ્રાદેશિક ફિલ્મોની જાળવણી પણ જરૂરી છે, કેમ કે, તે જે તે પ્રદેશની સંસ્કૃતિ અને વારસાનું દર્પણ હોય છે. દેશની શાસનપ્રણાલિનાં વિવિધ અંગોને પણ આવી ફિલ્મોના માધ્યમ થકી સવાલ પૂછવામાં આવતા રહ્યા છે, યા તેની કાર્યપ્રણાલિ પ્રત્યે અંગુલિનિર્દેશ કરાતો રહ્યો છે.

આ તમામ બાબતો સ્વસ્થ લોકશાહી માટે જરૂરી છે અને ખરેખરતોઆ સંસ્થાઓના કાર્યક્ષેત્રને વિસ્તારવાની જરૂર છે. તેને બદલે એ બધાનું વિલીનીકરણ કરવાનો નિર્ણય સંદેહાત્મક જણાય છે. આમ લાગવાનું મુખ્ય કારણ વર્તમાન કેન્‍દ્ર સરકારની કાર્યપ્રણાલિ અને અભિગમ છે, અને જે રીતે આ કાર્યવાહી બારોબાર પતાવાઈ રહી છે એ આ શંકાને વધુ દૃઢ કરે છે. ફિલ્મ જેવા મુક્ત અભિવ્યક્તિના માધ્યમને સેન્સર પ્રમાણપત્ર આપવા બાબતે પણ સંબંધિત અધિકારીઓનો હસ્તક્ષેપ વારંવાર થતો હોવાની ફરિયાદ થતી આવી છે. હવે સાવ અલાયદું કાર્યક્ષેત્ર ધરાવતી આ સંસ્થાઓનું વિલીનીકરણ થવાથી તેમની સ્વતંત્ર ઓળખની સાથોસાથ કાર્યક્ષેત્ર પણ સમેટાઈ જાય એવી દહેશત વ્યક્ત થઈ રહી છે. એ સાચી હોય તો સરકાર એક કાંકરે ઓછામાં ઓછાં બે પક્ષીઓ સફળતાપૂર્વક મારવામાં સફળ થશે. આ સંસ્થાઓનું કાર્યક્ષેત્ર સંકુચિત થઈ જશે, અને જે સ્થળોએ એ સ્થિત છે તેની વિશાળ મિલકતો થકી નાણાં મળશે. એ જોવાનું રહે છે કે વિરોધના સૂરને કેટલી હદે ગણવામાં આવે છે કે સદંતર અવગણવામાં આવે છે! આમાં સફળતા મળશે તો આ અખતરો બીજાં કયાં ક્ષેત્રે લાગુ પાડવામાં આવશે એ પણ જોવાનું રહેશે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૦-૦૧ –૨૦૨૨ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.