ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૭૫ – એકસો નેવું વર્ષની ગુલામીનો અંત

દીપક ધોળકિયા

કોંગ્રેસે માઉંટબૅટનને ગવર્નર જનરલ તરીકે ચાલુ રહેવા વિનંતિ કરી. માઉંટબૅટનનો ખ્યાલ હતો કે પોતે બન્ને ડોમિનિયન રાજ્યોના  ગવર્નર જનરલ બનશે, પણ જિન્ના એના માટે તૈયાર નહોતા. એમનું કહેવું હતું કે નવા રાષ્ટ્રના જન્મ સાથે લોકો એમને ટોચ પર જોવા માગે છે. કોઈ બ્રિટિશર સર્વોચ્ચ સત્તા પર હોય તે લોકો પસંદ નહીં કરે. ભારત બ્રિટિશ સત્તાનું અનુગામી રાજ્ય બન્યું હતું એટલે હજી કેટલાક પ્રશ્નો ઉકેલવાના હતા. માઉંટબૅટનની હાજરીથી એ કામ સહેલું બનવાનું હતું અને બ્રિટનની માન્યતા પણ આપમેળે મળી જવાની હતી. કોંગ્રેસના નેતાઓને બ્રિટિશ ગવર્નર જનરલ હોય તેમાં નાનપ નહોતી લાગતી.

પરંતુ હજી પાકિસ્તાનની સરહદ નક્કી થઈ નહોતી. કયો પ્રદેશ પાકિસ્તાન છે તે હજી નક્કી થવાનું હતું સરહદની આંકણી માટેના ખાસ અમલદાર સર સિરિલ રેડક્લિફે હજી પોતાનો રિપોર્ટ આપ્યો નહોતો. પરંતુ પાકિસ્તાને ૧૪મી ઑગસ્ટે આઝાદ થવાનો નિર્ણય લીધો.  જિન્નાના સોગંદવિધિ સમારંભમાં ભાગ લેવા માઉંટબૅટન અને પત્ની ઍડવિના કરાંચી ગયાં. આ પહેલાં પંજાબના ગવર્નરે વાઇસરૉયને રિપોર્ટ મોકલાવ્યો હતો તે પ્રમાણે કેટલાક શીખો ૧૪મી ઑગસ્ટે જિન્નાની હત્યાનો પ્રયાસ કરવાના હતા.

આ વાત જિન્ના સુધી જુદી રીતે પહોંચાડાઈ. માઉંટબૅટને આવો ખતરો પોતાના પર હોવાનું કહ્યું અને જિન્ના શહેરમાં નીકળે ત્યારે એમની સાથ જ ખુલ્લી કારમાં બેસવાનો આગ્રહ રાખ્યો. લિયાકત અલી ખાનને લાગ્યું કે માઉંટબૅટનને કારણે કાયદે-આઝમ પણ ખતરામાં મુકાશે.  માઉંટબૅટન અને જિન્ના ખુલ્લી કારમાં નીકળ્યા અને કશું અણઘટતું ન બન્યું. જિન્નાએ તે પછી  માઉંટબૅટનને કહ્યું કે મારા કારણે તમે બચી ગયા. માઉંટબૅટને શબ્દોમાં જવાબ તો ન આપ્યો પણ મનમાં  જરૂર બોલ્યા  કે “મારા કારણે તમે બચી ગયા!”

ભારતમાં જ્યોતિષીઓએ કહ્યું હતું કે મધરાતે ૧૫મી ઑગસ્ટની પહેલી ઘડી પહેલાં શુભ ચોઘડિયાં નથી એટલે મધરાતને ટકોરે ભારત એકસો નેવું વર્ષની ગુલામીનો અંત લાવીને આઝાદ થયું અને તે સાથે આપણે વિધાતા સાથે કરેલો વાયદો પૂરો કર્યો.

આ લેખમાળાની સમાપ્તિ જવાહરલાલ નહેરુના આ વિશ્વવિખ્યાત ભાષણથી કરીએઃ

૦૦૦                  ૦૦૦                      ૦૦

૧ માર્ચ ૨૦૧૮થી આ સાપ્તાહિક લેખમાળા શરૂ થઈ અને આજે ૨૦૦ અઠવાડિયે પૂરી થાય છે. ઈ. સ. ૧૫૯૯થી ૧૯૪૭ સુધીના આખા સમયગાળાની ઝલક આપવાનો પ્રયાસ કર્યો છે.

ગુજરાતીમાં આઝાદીના ઇતિહાસનું સર્વાંગ સંકલન કરવાનો આ પ્રથમ પ્રયાસ છે એ વાતે સંતોષ છે. આશા છે કે વાચકોને મારો આ પ્રયાસ ગમ્યો હશે.

દીપક ધોળકિયા

૨૭. ૧ ૨૦૨૨


શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gmail.com
બ્લૉગઃ મારી બારી

Author: Web Gurjari

2 thoughts on “ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૭૫ – એકસો નેવું વર્ષની ગુલામીનો અંત

  1. ઈ. સ. 1599 થઈ 1947 સુધી ના ઈતિહાસ નુ સર્વાંગ સુંદર સંકલન દીપકભાઈ નો સમૃદ્ધ પ્રયાસ, ખુબ ખુબ આભાર અને અભિનંદન

  2. આ લેખમાળા પુસ્તક સ્વરુપે હોય તો જણાવશો.

Leave a Reply to મહેશ શાહ Cancel reply

Your email address will not be published.