વિન્સેન્ટ વાન ગોગ : તમે થીજેલા કાળા લોહીમાંથી ઉગેલું ઇન્દ્રધનુષ જોયું છે?

ભાત ભાત કે લોગ

જ્વલંત નાયક

ગત બે પ્રકરણોમાં આપણે મહાન ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોગ વિષે વાતો કરી. એ જીનિયસ હતો, પણ સાથે જ કદાચ શાપિત પણ હતો. ક્યારેય સુખી ન થઇ શકવાનો શ્રાપ એના માથે મઢાયો હોય, એમ એ એક પછી એક દુઃખોમાં સબડતો રહ્યો. બાળપણથી માંડીને જીવનના અંત સુધી એ ભાવનાત્મક અસંતુલનનો શિકાર રહ્યો. પ્રેમભગ્ન થવું કે પછી દુનિયાદારીથી દુભાયેલા રહેવું, એ કદાચ એની નિયતી બની ગઈ. એની અંદર પડેલી ભારોભાર સર્જકતાએ એને વધુને વધુ અસંતુલિત બનાવતી ગઈ. નસીબમાં ક્યાંકથી જરા સરખું સુખ આવી ચડે તો એનું માનસિક અસંતુલન વેરી બનીને ત્રાટકતું. જેમ ખીજે ભરાયેલું બાળક પોતેજ બનાવેલો રેતીનો મહેલ લાત મારીને તોડી નાખે, એમ વિન્સેન્ટ પોતાના વિચિત્ર વર્તન-વ્યવહાર દ્વારા પોતાના જ સુખને વેડફી નાખતો! પ્રેમમાં પડીને પોતાનો જ હાથ બાળનાર કે પછી પોતાના મિત્ર અને વિખ્યાત ચિત્રકાર ગોગા ઉપર ક્રોધે ભરાઈને પોતાનો જ એક કાન કાપી નાખનાર વિન્સેન્ટ વાન ગોગ ચિત્રકાર તરીકે જીનિયસ હતો. સાથે એટલો જ તરંગી, દારુડીયો અને ગુસ્સાવાળો પણ હતો.

અંતિમો વચ્ચે જીવનારા વિન્સેન્ટને કોઈ વ્યક્તિએ આજીવન સાથ આપ્યો હોય, તો એ હતો એનો ભાઈ થીઓ. થીઓ પોતાના ભાઈને બરાબર સમજતો હતો. મોટા ભાઈનું તરંગીપણુ, એનો આક્રોશ, દુનિયાદારી પ્રત્યેનો એનો અણગમો, અને આ બધા વચ્ચે ફાટ ફાટ થતી સર્જનાત્મકતા… આ બધી બાબતોને થીઓ બરાબર પારખી શકતો હતો. આથી એ હંમેશા વિન્સેન્ટને ચિત્રો બનાવવા માટે પાનો ચડાવતો રહ્યો. વિન્સેન્ટના માતા-પિતા નહોતા ઇચ્છતા કે એ ચિત્રકામ કરવામાં જીવન વેડફી નાખે. પણ નાના ભાઈ થીઓના નૈતિક-આર્થિક ટેકાથી વિન્સેન્ટ ચિત્રકાર બની શક્યો. જ્યારે જરૂર પડે ત્યારે આર્થિક મદદ પહોંચાડીને વિન્સેન્ટને ચિત્રકામ માટેની સાધન સામગ્રી પૂરી પાડવામાં થીઓ તૈયાર જ હોય. જો થીઓનું પ્રોત્સાહન ન હોત તો કદાચ પોતાના વિશ્વવિખ્યાત માસ્ટર પીસ ચિત્રોનું સર્જન થાય એ પહેલા જ વિન્સેન્ટ પાગલ થઈને મરી ગયો હોત!

થીઓ પોતાના ધૂની મગજના મોટા ભાઈ વિન્સેન્ટ સાથે સતત પત્રવ્યવહારથી જોડાયેલો રહ્યો. આજે વિન્સેન્ટ વાન ગોગ વિષે આપણી પાસે જે કંઈ જાણકારી ઉપલબ્ધ છે, એમાં આ બન્ને ભાઈઓ વચ્ચેના પત્રવ્યવહારનો બહુ મોટો ફાળો છે. આ પત્રવ્યવહારને કારણે આપણને વિન્સેન્ટના જીવન પ્રસંગોને ક્રમાનુસાર જોડતી કડીઓ ઉપલબ્ધ થાય છે. ઇસ ૧૮૮૧માં પોતાની વિધવા કઝીન કી વોસ પ્રત્યેના એકતરફી પ્રેમમાં નિષ્ફળતા મળ્યા બાદ વિન્સેન્ટ પોતાના માબાપથી પણ દૂર થઇ ગયો. એ જ વર્ષે ક્રિસમસને દિવસે એણે ઘરની ત્યાગ કર્યો. ૨૩ ડિસેમ્બર, ૧૮૮૧ના દિવસે વિન્સેન્ટ પોતાના ભાઈ થીઓને પત્રમાં લખે છે, “પિતાને મારા તરફ સહેજે ય સહાનુભૂતિ નથી. આપણા માતા-પિતાની ઈચ્છા મુજબ હું મારી જાતને ગોઠવી શકતો નથી. મારે માટે એ પરિસ્થિતિ બહુ ગૂંગળાવનારી છે.” ઘર છોડ્યા બાદ ૧૮૮૨નું વર્ષ વિન્સેન્ટના જીવનમાં બહુ મહત્વનું બની રહ્યું. આ જ વર્ષે એ પોતાના પિતરાઈ બનેવી અને વિખ્યાત ચિત્રકાર એન્ટન મોવે પાસેથી ચિત્રકળા વિષે ઘણું શીખ્યો. એ લગભગ રોજ મોવેના સ્ટુડીયોની મુલાકાતે જતો અને નવી નવી ટેકનિક્સ શીખતો. પછી એણે જીવંત વ્યક્તિઓને મોડેલ તરીકે લઈને ચીતરવાનું શરુ કર્યું. એમાં એની એક મોડેલ અને વ્યવસાયે વેશ્યા એવી સિયેન સાથે અફેર થઇ ગયું, જે વિષે આપણે ગત સપ્તાહે વાત કરેલી. જ્યારે સિયેન સાથેના સંબંધો લાંબા નહિ ચાલે એવી ખાતરી થઇ, ત્યારે વિન્સેન્ટ ૧૪ સપ્ટેમ્બર, ૧૮૮૩ના રોજ થીઓને પત્રમાં લખે છે, “હું પહેલેથી જ જાણતો હતો કે એનું (સિયેનનું) ચરિત્ર ખરાબ છે. પણ મને આશા હતી કે તે બદલાશે, પણ હવે મને એ આશા ઠગારી લાગે છે.” હકીકતે સિયેન કેટલી હદે દોષી હતી, એ કોઈને નથી ખબર, પણ વિન્સેન્ટ પોતે તરંગી હતો, અને એની અસર સંબંધો પર પડી હોય એ બનવાજોગ છે.

સિયેનથી છૂટો પડેલો વિન્સેન્ટ નેધરલેન્ડના ડ્રેન્થે તરીકે ઓળખાતા પ્રદેશમાં આવી ચડે છે. અહીનું વાતાવરણ ખુશનુમા છે અને વિન્સેન્ટનો જીવ અહીં થોડી શાતા અનુભવે છે, છતાં એનું ડિપ્રેશન યથાવત રહે છે. ૬ ડિસેમ્બર, ૧૮૮૩ના રોજ પત્રમાં વિન્સેન્ટ લખે છે, “ડ્રેન્થે શાનદાર જગ્યા છે. પણ અહીં રહી શકાય કે કેમ, એ મુદ્દો કેટલીક બાબતો પર આધાર રાખે છે. જેમકે, તમારી પાસે કેટલા રૂપિયા છે… અને તમે એકલતા સાથે કેટલી હદ સુધી બાથ ભીડી શકો છો!” વિન્સેન્ટના પત્રો સતત એની એકલતા અને હતાશાની ચાડી ખાતા રહે છે. આમ તો સર્જકની ‘કરોડરજ્જુ’ ટટ્ટાર હોવાનું મનાય છે, જે એને કદી ઝૂકવા નથી દેતી. પણ ભાવનાત્મક રીતે અસંતુલિત થઇ જનારા સર્જકો વારંવાર પોતાના જ સજ્જડ નિયમોને ફેરવી તોડવા માટે જાણીતા હોય છે! વિન્સેન્ટ આમાંથી બાકાત નથી. ડ્રેન્થે ખાતે માત્ર ત્રણ મહિનામાં જ ઠંડી, વરસાદ અને એકલતા વેઠીને ત્રાસેલો વિન્સેન્ટ એ સ્થળ છોડીને ફરીથી માબાપ ભેગો રહેવા આવી જાય છે! માતાપિતા પણ જૂનું ઘર છોડીને ન્યુએનન નામના ટાઉનમાં રહેવા આવી ગયેલા. વિન્સેન્ટ પણ એમના જ ઘરમાં રહેવા માંડયો. અહીં એ ખેડૂતો અને ગ્રામ્ય પરિવેશ ચીતરવાનું શરુ કરે છે. એક બાબત નોંધનીય છે. ગમે એવું ડિપ્રેશન આવે કે તરંગોનો શિકાર બને, પણ વિન્સેન્ટની કળા ક્યાંય ઝાંખી પડતી નથી. ઉલટાનું વધુને વધુ બળવત્તર થતી જાય છે.

થીઓ નિયમિત રીતે પૈસા મોકલીને આર્થિક મદદ પહોંચાડતો હતો. પણ ૧૫ જાન્યુઆરી, ૧૮૮૪ને દિવસે વિન્સેન્ટ લખે છે, “મેં દોરેલા કેટલાક ચિત્રો હું તને મોકલી રહ્યો છું. (તેં મને મોકલેલી આર્થિક મદદના વળતર તરીકે) તું આ ચિત્રોને વેચીને ધન કમાઈ લેજે. પણ માર્ચ મહિના પછી તું મને જે રકમ મોકલશે, એ મારા ચિત્રો બદલ મળેલું વળતર હશે.” આ પત્ર વાંચતા લાગે છે કે વિન્સેન્ટની કેરિયર પાટે ચડી રહી છે. ખુદ વિન્સેન્ટ ઈચ્છે છે કે વધુ સમય નાના ભાઈ ઉપર બોજારૂપ બનવાને બદલે પોતે ચિત્રો વેચીને જાતની આવક ઉભી કરે. ૧૮૮૫માં પિતાના મૃત્યુ બાદ એ એન્ટવર્પ ગયો. અહીં બધું જ હતું, ચિત્રકામ માટેનું સારું મટિરિયલ, મોડેલ્સ, મ્યુઝિયમ્સ, આર્ટ ગેલેરીઝ… પણ વિન્સેન્ટને લાગ્યું કે એન્ટવર્પમાં જોવા મળતી ચિત્રકળા જમાના જૂની અને અર્થ વગરની છે. આખરે ૧૮૮૬માં એ કળાનગરી પેરિસમાં આવી પહોંચે છે.

પેરિસમાં ભાઈ થીઓની મદદથી એ નવી પેઢીના જાણીતા ચિત્રકારોને મળે છે. એક સમયે પોતાની અંગત લાગણીઓ અને હતાશાની અસર હેઠળ ડાર્ક કલર્સનો ઉપયોગ કરતા વિન્સેન્ટના નવા ચિત્રો તેજસ્વી-ચમકદાર રંગોથી ખીલી ઉઠે છે. બે વર્ષ ઝડપથી પસાર થઇ જાય છે અને વિન્સેન્ટ થોડી થોડી નામના મેળવે છે. પણ પછી પેરિસનું ઉન્માદપૂર્ણ શહેરી જીવન આ ગામડીયા જીવને અબખે પડી ગયું. ૨૧ જાન્યુઆરી, ૧૮૮૮માં ભાઈને લખેલા પત્રમાં વિન્સેન્ટ બળાપો કાઢે છે, “આ શહેરમાં રહેવું અશક્ય છે…. અહીં મગજ સુન્ન મારી જાય એવો માહોલ છે!” બધું છોડીને પ્રકૃતિને ખોળે જવા વિન્સેન્ટ દક્ષિણી ફ્રાન્સના આર્લ્સ ખાતે પહોંચે છે. ઇસ ૧૮૮૮થી શરુ થયેલો આ સમયગાળો દુષ્કર સાબિત થાય છે. અહીં વિન્સેન્ટ પુષ્કળ કામ કરે છે, પણ સાથે જ માનસિક અસંતુલનનો શિકાર બને છે, દારુડીયો બની જાય છે. એક આર્ટિસ્ટ તરીકે પોતે વેઠેલી એકલતાને એ સમજે છે. આથી બધા આર્ટિસ્ટસ્ સાથે રહીને કામ કરી શકે, એવું ગામ વસાવવાની ઈચ્છા થાય છે. એ માટે થઈને યલો હાઉસ નામના મકાનમાં કેટલાક ઓરડા ભાડે રાખે છે. વિખ્યાત ચિત્રકાર ગોગા (Paul Gauguin) અહીં રહેવા આવે છે. બન્ને સાથે મળીને ખૂબ કામ કરે છે, પણ બન્ને વચ્ચે ‘ક્રિએટીવ ડિફરન્સ’ પણ તીક્ષ્ણ છે. પરિણામે અવારનવાર મોટા ઝગડાઓ પણ થાય છે. એક વાર આવાજ એક ઝગડામાં વિન્સેન્ટ છરો લઈને ગોગાને મારવા દોડ્યો. ગોગા તો બચી ગયો, પણ ક્રોધાવેશમાં વિન્સેન્ટે પોતાનો જ કાન કાપી નાખ્યો!

આ ઘટના પછી માનસિક સ્વાસ્થ્ય વધુ કથળતું ગયું. આખરે વિન્સેન્ટે પોતે જ સેન્ટ રેમી ખાતેની સાઈકિયાટ્રિસ્ટ હોસ્પિટલમાં ઈલાજ માટે દાખલ થવાનો નિર્ણય લીધો. જાણીને નવાઈ લાગશે કે આટલા કઠિન સમયમાં પણ એની ચિત્રકલા સોળે કળાએ ખીલી! અહીં એણે પુષ્કળ ચિત્રો બનાવ્યા. એની કળાથી અભિભૂત થઈને તબીબોએ એને હોસ્પિટલમાં જ એક રૂમ ફાળવ્યો, જેને સ્ટુડિયો તરીકે વાપરી શકાય. આ દરમિયાન સતત માનસિક વ્યગ્રતાના હુમલાઓ આવતા રહ્યા. એક વાર તો એ પોતાના રંગો ખાઈ ગયો! તબીબોએ નાછૂટકે સ્ટુડિયો બંધ કરવો પડ્યો. જો કે થોડા દિવસો બાદ ફરી ચિત્રકામ શરુ કરવાની પરવાનગી મળી. ગાંડપણ અને હતાશાના સતત હુમલાઓ વચ્ચે વિન્સેન્ટ બાણ ગોગે પોતાના કેટલાક ઉત્કૃષ્ટ ચિત્રોનું સર્જન કર્યું, જે પાછળથી માસ્ટરપીસ સાબિત થયા. આખરે ૧૮૯૦ના મે મહિનામાં હોસ્પિટલમાંથી મુક્તિ મળી.

જો કે વ્યગ્રતાથી મુક્તિ મેળવવી આસાન નહોતી. હોસ્પિટલમાંથી પાછા ફર્યા બાદ વિન્સેન્ટે કેટલાક ચિત્રો દોર્યા. એ કહેતો કે એના ચિત્રોમાં દેખાતા ઘઉંના ખેતરો અને ઉપર ઝળુંબતું ભૂરું આકાશ એની એકલતાના પ્રતિક જેવા છે. એ દિવસોમાં વિન્સેન્ટ પોતાના આર્થિક ભવિષ્ય વિષે બહુ ચિંતિત રહેવા લાગ્યો. એક દિવસ વ્યગ્રતા એટલી વધી પડી કે ઘઉંના ખેતરોમાં જઈને એણે પોતાની જાતને જ ગોળી મારી દીધી! ઘાયલ થયા બાદ જેમતેમ લથડિયા ખાતો ઘર સુધી પહોંચ્યો. ઘટનાની ખબર મળતા જ ભાઈ થીઓ દોડતો આવ્યો. ૨૯ જુલાઈ ૧૮૯૦નો એ દિવસ હતો. નાના ભાઈ થીઓનો હાથ પકડીને વિન્સેન્ટ કહે છે, “બધાની ભલાઈ માટે થઈને મેં આમ કર્યું છે!” વિન્સેન્ટની આત્મહત્યા બાદ માત્ર છ જ માસમાં નાનો ભાઈ થીઓ પણ અનંતની વાટે ચાલી નીકળ્યો! બને ભાઈઓ વચ્ચેનો પ્રેમ આજીવન અતૂટ રહ્યો. એમના મૃત્યુ બાદ થીઓની વિધવાએ વિન્સેન્ટના કાર્યોને જગત સમક્ષ મુક્યા. જીવતેજીવ વિન્સેન્ટ વાન ગોગને જે પ્રસિદ્ધિ નહોતી મળી, એ એના મૃત્યુ બાદ મળી!

…અને વિન્સેન્ટના અસંખ્ય ચિત્રોના રંગો આજેય નવા-ચમકદાર દેખાય છે. એનું રહસ્ય શું? અભિવ્યક્તિ વિન્સેન્ટની નસોમાં તોફાની નદીના પાણી સરીખી ઉછળતી હતી. બંદુકની ગોળીથી વીંધાઈ ગયા બાદ પીળા ઘાસ પર રેડાયેલા વિન્સેન્ટના લોહીમાં લાલચોળ અભિવ્યક્તિય સામેલ હશે. લોહી તો થોડા સમયમાં સૂકાઈને કાળું પડી ગયું હશે, ઠંડીમાં થીજી ગયું હશે. પણ એ થીજેલા કાળા લોહીમાંથી ઉઠેલું અભિવ્યક્તિનું ઇન્દ્રધનુષ કેનવાસના રંગોને આજદિન સુધી ચમક આપતું રહ્યું છે! વિન્સેન્ટ વાન ગોગની કથા જાણ્યા પછી એના ચિત્રોને નિરખશો, તો આ ઇન્દ્રધનુષ છુપું નહિ રહે! આવનારી કેટલીય સદીઓ સુધી આ રંગછટા આથમવાની નથી.


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.