કર્મ અને ભાગ્ય

હકારાત્મક અભિગમ

-રાજુલ કૌશિક

એક ચાટવાળો હતો. જયારે પણ ચાટ ખાવા જઇએ ત્યારે એમ જ લાગે કે એ આપણી જ રાહ જોઈ રહ્યો છે. વાતોડીયો પણ ભારે. દરેક વિષય પર એને વાત કરવામાં મજા આવતી.

એકવાર અચાનક જ કર્મ અને ભાગ્ય પર વાત શરૂ થઇ.

નસીબ અને પ્રયત્નની વાત સાંભળીને ત્યાં ઉભેલામાંથી કોઇએ વિચાર્યું કે ચાલો આજે એની ફિલોસોફી જોઈએ.

સવાલ હતો કે “માણસ મહેનતથી આગળ વધે છે કે નસીબથી?” અને એણે જે જવાબ આપ્યો એનાથી તો સૌના મનમાં જામેલા અવઢવના તમામ જાળા સાફ થઈ ગયા.

એ કહેવા લાગ્યો કે, “આપણું કોઈક બેંકમાં લોકર તો હશે જ? એની ચાવીઓ જ આ સવાલનો જવાબ છે. દરેક લોકરની બે ચાવીઓ હોય છે. એક ચાવી આપણી પાસે હોય છે અને એક મેનેજર પાસે. આપણી પાસે જે ચાવી છે એ પરિશ્રમ અને મેનેજર પાસે છે એ નસીબ. જ્યાં સુધી બંને ચાવી ના લાગે ત્યાં સુધી તાળું ખુલી શકે નહિ. આપણે કર્મયોગી માનવ છીએ અને મેનેજર ભગવાન. આપણે આપણી ચાવી પણ લગાવતા રહેવું જોઈએ. ખબર નહિ ઉપર વાળો ક્યારે પોતાની ચાવી લગાવી દે. ક્યાંક એવું ના થાય કે ભગવાન પોતાની ભાગ્યવાળી ચાવી લગાવતો હોય અને આપણે પરિશ્રમ વાળી ના લગાવી શકીએ અને તાળું ખોલવાનું રહી જાય.

આ કર્મ અને ભાગ્યનું સુંદર અર્થઘટન છે.

અહીં વાત યાદ આવે છે રાઇટ બ્રધર્સની. અત્યારે આપણે સહેજ ઉપર નજર કરીએ તો દૂર ક્યાંકને ક્યાંક તો એકાદ-બે વિમાન ઉડતા નજરે પડશે જ. કોઇપણ સ્થાનિક કે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જઈને ઉભા રહો. પ્રત્યેક મિનિટે વિમાન ઉપડતું અને ઉતરતું દેખાશે. પણ એક સમય હતો જ્યારે આ રાઇટ બ્રધર્સ પોતાના સાઇકલના નાનકડા ધંધામાંથી મળતા પૈસા એકઠા કરીને વિમાનની શોધ પાછળ અવિરત મહેનત કરતાં હતા. તેમના આ પ્રયાસો કે પ્રયોગોની છાપાવાળા, તેમની આસપાસના લોકો તો ખરા જ પણ વૈજ્ઞાનિકો સુદ્ધા હાંસી ઉડાડતા હતા. વૈજ્ઞાનિકો પણ માનતા કે આ વ્યર્થ, અર્થહીન આયાસો છે કારણકે હવાથી વધુ વજન ધરાવતી કોઇ ચીજ ક્યારેય ઉડી જ ન શકે. અનેક વાર તેમની નિષ્ફળતાની વાતો છપાઇ અને કહેવાતું કે માનવી જો ઊડી જ શકતો હોત તો ઇશ્વરે જ આપણને પાંખો ના આપી હોત?

જ્યારે સમગ્ર વિશ્વ તેમની વિરૂદ્ધમાં હતું ત્યારે પણ તેમણે કર્મ કરવાનું ન છોડ્યું અને એક દિવસ ભાગ્ય બેંકના લોકરની ચાવી ઇશ્વર નામના મેનેજરે કામે લગાડી. રાઇટ બ્રધર્સના કર્મ અને ભાગ્યનો સુભગ સમન્વય થયો .

રાઇટ બ્રધર્સ તો માત્ર એક જ દ્રષ્ટાંત છે. જરા જોઇશું તો આવા કેટલાય કર્મ અને ભાગ્યની સંયુક્ત ચાવીઓથી ભાગ્યોદય થયો હોય એવા દ્રષ્ટાંત જોવા મળશે.


સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.>

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.