બંદિશ એક રૂપ અનેક (૮૪): ૧ : ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાં – જીવની અને ગાયકી

નીતિન વ્યાસ

ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાંનો જન્મ ૧૧ નવેમ્બર ૧૮૭૨,  ઉત્તર પ્રદેશના શામલી તાલુકામાં આવેલા કૈરાના (કીરાના) ગામમાં થયેલો. પરંપરાગત રીતે ભારતીય સંગીતમાં માહિર એવાં આ કુટુંબમાં અબ્દુલ કરીમ ખાંના પિતાજી, કાકા અને ભાઈઓ સર્વે સંગીતકાર હતા.  સારંગી અને તબલા વાદનમાં પારંગત આ કુટુંબીજનો તે  સમયના ઘણા ગાયકો અને વાદકો  જોડે અવારનવાર મહેફિલોમાં સંગત કરતા. અબ્દુલ કરીમ ખાં ની શરૂઆતની તાલીમ તેમના મોટાભાઈ  ગુલામ અલી અને ગુલામ મૌલા પાસેથી થઇ. તેમના  પિતા ઉસ્તાદ કાલે ખાં તે સમયના વિખ્યાત સંગીતકાર પૈકીનાં એક હતા. શરૂઆતમાં તબલા પર હાથ જમાવ્યો, સારંગી શીખ્યા, પછી સીતાર અને વીણા વગાડવા  સાથે સરગમ નિયમિત ગાતા થયા. ધીરે ધીરે સીતાર માંથી નીકળતા મીંડના સ્વર ગળામાંથી કેમ નીકળે તેનો સ્વાભ્યાસ શરૂ કર્યો. સાથે ગવાતા શબ્દો ભાવના સાથે કેમ ગાઈ શકાય તેના અભ્યાસપૂર્ણ પ્રયોગ ગાયકીમાં કર્યા. પરિણામે તેમના ગાયનમાં મીઠાશ ઉમેરાઈ.

સાલ ૧૯૩૭ સુધીમાં ખાં સાહેબની ૪૭ ગ્રામોફોન રેકોર્ડ બહાર પડેલી. એ સમયમાં રેકર્ડ ની એક જ  બાજુ ધ્વનિ મુદ્રિત થતો. જ્યારે ડિસ્કની બંને બાજુ ધ્વનિ મુદ્રણ શક્ય બન્યું ત્યારબાદ ખાં સાહેબ ની ૧૭,રેકર્ડ એટલેકે ૩૪ બંદિશ સાંભળવા મળે છે. તે પૈકીની થોડી અહીં પ્રસ્તુત છે.
પ્રથમ સાંભળીયે , સૌથી મધુર શાસ્ત્રીય સંગીતકારોમાંના એક: ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાં, રાગ ઝીંઝોટી

“પિયા બીન નહી આવત ચૈન”

ઠુમરી, રાગ ગારા, “જાદુ ભરી (ભરેલી) કૌન અલબેલી નાર તેરે નૈના રસીલે”

રાગ સરપરદા, “અરે ગોપાલ મેરી કરુણા મેં નહી આતા”

રાગ “વસંત”, ખાં સાહેબની ગાયેલી સુમધુર બંદિશ “ફગવા બ્રિજ દેખનકો ચલો”

“રામ નગરીયા મેં કૈસે જાઉં” – ગુર્જરી તોડી

રાગ બિલાવલ માં કર્ણ પ્રિય  પ્રસ્તુતિ “પ્યારા નજર નાહી”

એક ઓર કર્ણપ્રિય ઠુમરી, રાગ તિલંગ, “સજન તુમ  કાહેકો નેહા લગાય”

“પીરન જાની દેખી ” રાગ માલકૌંસ

“સોચ સમજ નાદાન” રાગ પીલુ

રાગ જોગીયા “મંદાર બાજે”

રાગ દેવગાંધાર: “ચંદરી કા  હી જાનુ”

રાગ મિયાં કી મલ્હાર, વિલંબિત ના શબ્દો છે “કરીમ નામ તેરો” અને દ્રુત તીનતાલ “દર્શન લાગી રે”  – અબ્દુલ કરીમ ખાં સહેબની બે રેકર્ડને જોડી એક લગભગ છ મિનિટ આ બંદિશ સાંભળવા મળે છે.

આવી સુંદર ઘણી રચનાઓ છે  જે બધી અહીં સમાવી મુશ્કેલ છે.

અબ્દુલ કરીમ ખાં તેમના કાકા પાસેથી પધ્ધતિસર સરસ્વતી વીણા વાદન શીખેલા. વીણા વગાડવાની સાથે તેમને સરગમ ગાવાની ટેવ હતી. તે સાંભળી તેમના કાકા એ ગાવાનું શીખવાની સલાહ આપી.

પ્રસ્તુત છે અબ્દુલ કરીમ ખાં એ વીણા પર વગાડેલો રાગ પીલુ:

કીરાના ઘરાણાં સ્થાપના કરનાર અબ્દુલ કરીમ, ખયાલ, ઠુમરી, ભજન અને મરાઠી નાટ્ય સંગીત ગાવામાં ઘણી મહારથ હાંસલ કરેલી. તેઓ કન્નડ ભાષામાં પણ ગાતા. સાલ ૧૮૮૮,અબ્દુલ કરીમ ની ઉંમર ૧૬ વર્ષની હતી. પિતાજી સાથે તેઓ મૈસુર ગયા. અહીં નાં  રાજદરબારમાં અબ્દુલ કરીમ ના કાકા સારંગી વાદક હતા. મહારાજાને અબ્દુલ કરીમ ની ગાયકીની મીઠાશ બહુ પસંદ આવી અને તેમને એક રાજગાયક તરીકે નીમ્યા. દક્ષિણ ભારતીય સંગીત નો બહોળો અભ્યાસ  અબ્દુલ કરીમે કરેલો. ઘણા ત્યાં ના સંગીતમાં ગવાતા રાગ ઉત્તર ભારતીય સંગીતમાં તેમણે પ્રચલિત કર્યા, તેમના 0મૈસુરના વસવાટ દરમિયાન રેકર્ડ થયેલ આ કન્નડ બંદિશ, શબ્દો છે:  “રામા ની સમાના મેવારું”, રાગ “કરહરપ્રિયા”

પ્રસ્તુત છે એક રચના જે ખાં સાહેબે મરાઠી નાટકમાં ગાઈ હતી. અહીં અબ્દુલ કરીમ સાથે હાર્મોનિયમ ઉપર તે સમયના મહાન મરાઠી સંગીતકાર શ્રી ગોવિંદરાવ ટેમ્બે સંગતમાં છે. રાગ ભીમપલાસ અને શબ્દો છે: “પ્રેમ સેવા શરણ”

૧૮૯૦ માં અબ્દુલ કરીમ ખાં સાહેબના લગ્ન તેમની પીત્રાઈ  ગફુરનબાનુ જોડે થયાં. ૧૮૯૪ માં  વડોદરાના મહારાજા સયાજીરાવ ના આમંત્રણને સ્વીકારી તેઓ દરબારમાં એક રાજગાયક નું સ્થાન કબુલ કર્યું.

લક્ષ્મી વિલાસ પેલેસ ની સામે બદામડી બાગ ને અડીને આવેલા એક મેડીવાળા મકાનમાં તેઓ તેના ભાઈ સાથે રહેતા. વહેલી સવારે તેઓ રિયાઝ કરતા ત્યારે એ બદામડી બાગ સંગીતનાં શોખીનોથી  ભરાઈ જતો.

શ્રીમંત સયાજીરાવ એક પ્રગતિશીલ શાસક હતા. શિક્ષણ, કલા અને સંસ્કૃતિનું ધામ ગણાતું

વડોદરામાં નિઃશુલ્ક કેળવણીની ઉમદા કન્યા શાળાઓ હતી. સાથે ,ચિત્રકામ અને સંગીત શીખવા માટે ખાસ શાળાઓ હતી. પેલેસ થી નજીક ગાયન શાળા હતી. અહીં  રાજ્ય કુટુંબની અને તેમના ભાયાતોની દીકરીઓ માટે સંગીત શીખવવાની ખાસ  વ્યવસ્થા હતી.

આ શાળામાં ઉસ્તાદ મૌલા બક્ષ  સંગીત શીખવાડતા. તેમણે અબ્દુલ કરીમ ખાં સાહેબને પણ સાથે સંગીત શિક્ષણમાં જોડ્યા. સરદાર  મારુતીરાવ માને અને શ્રીમતી હીરાબાઈ માને, જે તે સમયના મહારાણીના પિતરાઈ બહેન હતા તેઓ અબ્દુલ કરીમને મહારાજાએ  સોપેલા એક સંગીત સંબંધિત કાર્ય માં  મદદ કરતા.

સાલ ૧૮૯૮માં ભારત ઘણા શહેરોમાં કોલેરાનો  ઉપદ્રવ એકદમ ફાટી  નીકળ્યો. વડોદરા તેમાંથી બાકાત ન હતું. હીરાબાઈ કોલેરાથી મૃત્યુ પામ્યા. ગાયન શાળામાં ચાલતા  કામ માં અબ્દુલ કરીમ સાથે હીરાબાઈના  દીકરી તારાબાઈ જોડાયા. તારાબાઈને સંગીત શીખવાનું પસંદ હતું.

પત્ની ગયા નાં આઘાત સરદાર મારુતીરાવ માટે કારમો  હતો. તેમને નશો કરવાની  આદત પડી ગઈ. તેઓ તારાબાઈ ઉપર ગુસ્સે થતા. ગાયન શાળાના કામમાં વધારે સમય  વીતાવવા બદલ તારાબાઈ ને ઠપકો આપતા. આ પરિસ્થિતિ તારાબાઈ અબ્દુલ કરીમ ખાં સાહેબની વધારે  નિકટ લઈ ગઈ.

બંને વડોદરા છોડી, કોલ્હાપુર થોડા  સમય માટે રહ્યા. ત્યાંથી મીરજ અને પછી મુંબઈમાં સ્થાયી  થયા. રાજ કુટુમ્બની દીકરી કોઈ મુસ્લિમ ગવૈયા સાથે ભાગી ગઈ તેનો વડોદરાનાં રાજકુટુંબને મોટો આઘાત લાગ્યો.

તારાબાઈ અને અબ્દુલ કરીમ ખાં સાહેબ મુંબઈમાં સંગીતનાં કાર્યક્રમ, ગ્રામોફોન કંપની સાથે રેકોર્ડિંગ, રેડિયો પ્રોગ્રામ માં બંને વ્યસ્ત રહેતા. તેઓ સંગીત શાળા ચલાવતાં. સાલ 1902 માં બંનેએ મુંબઈમાં લગ્ન કર્યાં

તેમના  ૨o  વર્ષના સહજીવનમાં તારાબાઈ અને અબ્દુલ કરીમને પાંચ  સંતાનો થયાં. બે દીકરા અને ત્રણ દીકરી  અબ્દુલ રહેમાન, બેટી ચંપાકલી, ગુલાબ, સકીના.

સાલ ૧૯૨૨ તેમના લગ્ન જીવનનો અંત આવ્યો. કારણ હતું અબ્દુલ કરીમની તેની એક વિદ્યાર્થીની, જે તેના કરતા ૨૨ વર્ષ નાની, ગોવાની સરસ્વતી નીરજકર ઉર્ફે બાનુબાઈ લતાકર સાથે વધતી જતી નિકટતા.

છૂટાછેડા થયા પછી તારાબાઈએ પહેલું કામ એ કર્યું કે તેમના સંતાનોનાં નામ બદલાવી નાખ્યા. અબ્દુલનું નામ હવે સુરેશબાબુ માને થયું, ચંપાકલી હવે  હીરાબાઈ બરોડેકર  કહેવાવા લાગી. સકીના હવે સરસ્વતી દેવી રાણે. ગુલાબ નું નવું નામ કમલાબાઈ બરોડેકર થયું. તારાબાઈએ દરેક સંતાન ને પૂરેપૂરાં ભણાવ્યા અને સાથે ઉચ્ચકક્ષાનું સંગીત શિક્ષણ પણ આપ્યું. તેઓએ પણ સંગીત ક્ષેત્રે ઘણી નામના મેળવી.

તારાબાઈ અને સંતાનોથી જુદા પડવું તે અબ્દુલ કરીમ માટે અસહ્ય હતું. અહીં તેમને તેમની શિષ્યા સરસ્વતીબાઈ નીરજકર નો સહારો મળ્યો.

સંગીતના જાણકારોના મત મુજબ કુટુંબને છોડ્યા ના આઘાત ની અસર ખાં સાહેબની ગાયકી ઉપર પણ જોવા મળતી.

સુરેશબાબુ માને ના સ્વરમાં એક ઠુમરી, રાગ ભૈરવી

બહેનો હીરાબાઈ બરોડેકર અને સરસ્વતી રાણે  કાર્યક્રમોમાં જુગલબંધી પણ ગાતાં.

સાંભળીયે શ્રીમતી હીરાબાઈ બરોડેકરને ,રાગ શ્યામ કલ્યાણ:

સરસ્વતી રાણે એક પાર્શ્વગાયિકા તરીકે હિન્દી અને મરાઠી ફિલ્મમાં ગાતાં.

સાંભળો ગયા જમાનાનું એક લોકપ્રિય ગીત: ફિલ્મ “રામરાજ્ય”,

“બીના મધુર મધુર કછુ બોલ”,  રાગ ભિમપલાસ

ખાં સાહેબ અબ્દુલ કરીમ ખાંનાં શિષ્ય અને કિરાના ઘરાણાંના નામી ગાયકો: શ્રી સવાઈ ગાંધર્વ, રોશનારા બેગમ,  ભાલેરાવ બુઆ, બાલ કૃષ્ણ બુઆ કપીલેશ્વર, હીરાબાઈ બરોડેકર, ભીમસેન જોશી, ગંગુબાઇ હંગલ, ફિરોઝ દસ્તુર, માણેક વર્મા,સરસ્વતી રાણે, પ્રભા અત્રે વગેરે પોતાની ગાયકી માં ઘણી પ્રસિદ્ધિ પામ્યા છે.

તેમની રાગ ભૈરવીમાં ગવાયેલ  એક અન્ય પ્રસિદ્ધ બંદિશ અને તેનાં અન્ય ગાયકોના સ્વરમાં રજુ થયેલ અલગ અલગ રૂપનો સ્વાદ હવે પછીના મણકામાં માણીશું.

શ્રી નીતિન વ્યાસનો સંપર્ક ndvyas2@gmail.com સરનામે કરી શકાશે.

Author: Web Gurjari

17 thoughts on “બંદિશ એક રૂપ અનેક (૮૪): ૧ : ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાં – જીવની અને ગાયકી

 1. ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાન વિષે સવિસ્તાર માહિતી સભર લેખ આપવા બદલ નીતિનભાઈને અભિનંદન.
  અર્વાચીન યુગની શરૂઆતના વર્ષોમાં હિન્દુસ્તાની ક્લાસિકલ સંગીતનો બહોળો પ્રચાર કરવાનું શ્રેય અબ્દુલ કરીમ ખાનને ફાળે જાય છે તેમ કહેવામાં અતિશયોક્તિ ના હોય .

 2. ઉસ્તાદ અબ્દુલ કરીમખાં સાહેબ એટલે ભારતિય શાસ્ત્રીય સંગીતનું એક Iconic નામ. અને તેમનું કિરાના ઘરાના એટલે શાસ્ત્રીય સંગીતનો એક મહત્વનો Milestone. જે ગાયકી એ આપણને રોશનઆરા બેગમ, સુરેશબાબુ માને, ગંગુબાઈ હંગલ, સવાઈ ગાંધર્વ,ભીમસેન જોશી, બસવરાજ રાજગુરુ,પ્રભા અત્રે, ફિરોઝ દસ્તુર અને છન્નુલાલ મિશ્રાથી માંડીને નવી પેઢીના મિલિન્દ ચિત્તલ, કૈવલ્ય કુમાર ગુરવ, જયતિર્થ મેવુંડી જેવા અનેક દિગ્ગજ ગાયકો આપ્યા છે.
  તમે આ લેખ દ્વારા અબ્દુલ કરીમખાં સાહેબના જીવન અને કવન સાથે આ ઘરાના વિશે તલસ્પર્શી માહિતીનો રસથાળ આપી દિધો છે. આટલા ઝીણવટ ભર્યા સંશોધન સાથેનો આ લેખ કાબિલેદાદ છે. બંદિશોની પસંદગી પણ સરસ છે.
  જે વાંચકોને આ ઘરાના નો ખાસ ખ્યાલ નથી તેમને માટે તો એક ખજાનો ખુલી ગયોજ સમજો.
  અભિનંદન અને શુભેચ્છાઓ નીતિનભાઈ.

  1. શ્રી ભરતભાઇ અને યોગેનભાઇ નો ખરા દિલથી
   આભાર. મારે માટે આ અતીતમાં લાગણી સભર મુસાફરી છે.

  2. ગુજરાતનું ગૌરવ એવા કિરાના ઘરાનાના રસિકભાઈ અંધારિયાને પણ યાદ કરવા પડે.

 3. Dear Nitinjee
  So wonderful collection you have here to appreciate from the very heart. It raises spirits that we lived with, otherwise, deep living somewhere in our hearts. My Uncle Dad listened to Mumbai Radio Station A and heard these or something like these called “Shastriya Sangeet” for hours. I too listened along with but was too young to appreciate. Yes, you have put together a collection above with some of the songs like one from Ram Rajya — Beena Madhur Madhur. Please keep this nostalgia alive and well as you have done, it seems for many of us for a long time. It is hard today to find people who have deep conviction in old music and older gharana as we are talking now, say music of some 80 years gone by. Thank You very much.

 4. ખૂખ જ માહિતી સભર રોચક ઈતિહાસ નોંધવા અભિનંદન. આજની પેઢી માટે સંગીત અને તે સમયના સમાજ અને ગાયકવાડી રાજ્યનો શિક્ષણ અને સંગીત પ્રેમની ઝાંખી નું સુંદર દર્શન..

  1. સર્વ શ્રી સર્યુબહેન, રશ્મિબહેન અને દિલીપભાઇ – આપના પ્રતીભાવ બદલ ખુબ ખુબ આભાર. .

 5. Nitinbhai, thanks for this article in Web Gurjari. I found it very interesting as well as informative. It also reminded me how much the Gaekwad family, ruler of Baroda, was interested in music and other performing arts.

  Besides Ustad Abdul Karin Khan, many other well-known musicians of India were sponsored and supported by the royal family. They were Maula Bux and later Innayat Khan and Faiyyaz Khan of Rampur-Sahaswan Gharana. Gaekwads used to invite top-notch musicians and keep music programs in the Durbar Hall of Laxmi Villas Palace. Around 1963, one very well-known female singer, I do not remember exactly who but very likely Mogubai Kurdikar (mother of Kishori Amonkar) or Gangubai Hangal, made a wonderful mesmerizing performance. At that time Fatehsinhrao Gaekwad to show his appreciation, bent down and put a garland at her feet and asked for her blessings rather than putting a garland on her neck, It shows how humble he was and how much he loved the music. His younger brother Ranjitsinh Gaekwad was a very good classical vocal singer and well-known painter who taught at the Faculty of Music and Drama, now called the Faculty of Performing Arts. In 1961-62 during my first year in engineering, we had a subject called General Knowledge and in one semester a professor from the Faculty of Music used to come once a week and teach us about Hindustani classical music.

  Reading your article, I got lost in my memory lane of the good old days that we had during our college time in Baroda, but somehow we did not appreciate that much at that time. I have not heard many of your collections of this article yet, but will listen to them and I am sure I will enjoy them; especially, Thumaris. You are doing hard work of compiling information and putting it very nicely for our pleasure and want to let you know that it is very much appreciated.

  Again very many thanks.

  With regards, Deepak Bhatt.

  1. શ્રી દિપકભાઇ, આપના પ્રતિભાવ બદલ ખરાદિલથી આભાર. શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ સમયના વડોદરાની વાતો લખતાં મોટામોટા ગ્રંથો ભરાય. શિક્ષણ, સાહિત્ય, લલિતકળા , સંગીત – સમગ્ર સંસ્ક્રતિક પ્રવ્રુત્તિઓ થી ધમધમતું શહેર, બળવંતરાય ઠાકોર, સુંદરમ્, ર. વ. દેસાઈ, ચં. ચી. મહેતા અને સુ. જો. , વગેરે સાહિત્યકારો, , જ્યોતિ ભટ્ટ , ગુલામમહમદ શેખ , ભુપેન ખખ્ખર – કોના નામ લખીયે કોનાં નહીં – આ બધાજ વડોદરા આવી વસ્યા. આપે યાદ કરેલા મહાનાભાવો સાથેજ. ખરેખર આપનો સંદેશો વાંચવાનું ગમ્યું . સાભાર- નીતિન

 6. આવી સરસ બંદિશો, આવા સાધકોના સ્વરો, આ બધું રમ્ય. આ બધાં સાથે ખાં સાહેબના શિષ્યોની યાદી….
  આપનો આભાર કે. આ આર્કાઈવ તૈયાર કરો છો.

  1. ધ્રુવભાઈ, આર્કીઇવલ કાર્ય કરવાની મારી હેસિયત નથી. લક્ષ્મીવિલાસ પેલેસનાં દરબાર હોલમાં પરોઢિયે યોજાતી મહેફિલ માં ખાં સાહેબ માં શાગીર્દો – કીરાણા ઘરાનાં ના ઘણા ગાયકોને સાંભળળવાનો લાભ મળ્યો છે.

 7. અબ્દુલકરીમ ખાન સાહેબ અમારા પૂરા કુટુંબના અતિશય પ્રિય કલાકાર રહ્યા છે. એમના જીવન વિશે આટલી સુદીર્ઘ માહીતિ અને એમની ગાયકીનાં ટોચનાં ધ્વનિમુદ્રણો થકી મારો તો દિવસ સુધરી ગયો. હાર્દીક આભાર અને ધન્યવાદ.

 8. Nitin,
  Enjoyed the collection. It is great of you to have collected and shared all the information.

  Prasanna Kane

 9. Thanks for your time in researching the past music makers. Through Music Meditation you can reach true peace of mind. Best regards.

Leave a Reply

Your email address will not be published.