ભારતના ઓટોમોબાઇલ ઉદ્યોગમાં કામદારોની સલામતી અને આરોગ્ય માટેની નીતિ

વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી

જગદીશ પટેલ

ભારતના ઓટોમોબાઈલ ઉદ્યોગમાં ૧ કરોડ ૯૦ લાખ કામદારો વાહન ઉત્પાદન કરતા એકમોમાં અને ૩૦ લાખ વાહનોના પાર્ટના ઉત્પાદનમાં રોજી રળે છે. તે પૈકી દર વર્ષે હજારો કામદારોના હાથ/આંગળાં કપાઇ જાય છે. સેઇફ ઇન ઇન્ડિયા નામની સ્વૈચ્છિક સંસ્થા હરીયાણાના ગુડગાંવ/માનેસર/ફરીદાબાદમાં આ મુદ્દે કામ કરે છે. તેના ત્રણ સભ્યોની ટીમને ૨૦૧૬થી ૨૦૨૦ના ગાળામાં જ ઓટો ઉદ્યોગમાં કામ કરવાને કારણે હાથ/આંગળા કપાઇ ગયા હોય તેવા ૨૫૦૦થી વધુ કામદારો મળ્યા. આ પરથી ખ્યાલ આવશે કે આ પ્રકારની ઇજાઓનું પ્રમાણ કેટલું મોટું છે.

શ્યામ દેવ નામના એક કામદારની ૨૧ વર્ષની ઉંમરે કારખાનામાં કામ કરતાં બે આંગળી કપાઇ ગઇ. એક વર્ષ પછી પણ તેને બીજી નોકરી મળી નહી. તે કારણે તેને ડીપ્રેશન આવ્યું. લોકો સાથે હળવા મળવાનું તે ટાળે છે. પહેલાં તેને ગીતો ગાવાનું બહુ ગમતું પણ હવે તે ગાવાનું ભુલી ગયો છે. સેઇફ ઇન ઇન્ડીયાના કાર્યકરોને કારણે આપણને એક અકસ્માત પીડીતના જીવન પર પડતી ઉંડી અસર વીશે જાણવા મળે છે.

આ સંસ્થાએ અગાઉ કેટલા કામદારોના આંગળા/હાથને ઇજા પહોંચે છે તે અંગેના બે અહેવાલો — ક્રશ્ડ ૨૦૧૯ અને ક્રશ્ડ ૨૦૨૦ રજુ કર્યા છે. સંસ્થા અકસ્માત પીડીતોને ઇએસઆઇમાંથી તેમને મળવાપાત્ર લાભ અપાવવામાં મદદ કરે છે. તે ઉપરાંત કાયદા હેઠળ આવરી લેવાયેલા કામદારોને વધુ સારી સેવા અને સુવિધા મળે તે માટે કામદાર રાજય વીમા નિગમને અવારનવાર સુચનો આપે છે અને કામદારોને લાભ મેળવવામાં કેવી અને કયાં મુશ્કેલી પડે છે અને તેનું નિવારણ શું કરવું તે અંગે સલાહ આપે છે. ઓટો એકમો અને ઉદ્યોગોના સંગઠનો સાથે પણ તેઓ કામ કરે છે અને કામદારોની સલામતી માટે તેમની કાનુની અને નૈતિક જવાબદારીનું ભાન કરાવે છે. ગયા ઓગષ્ટ મહીનામાં તેમણે કાર—સ્કુટર—ટ્રક—ટ્રેકટર—જીપ જેવા વાહનોનું ઉત્પાદન કરતી ૧૦ મોટી કંપનીઓની નીતિઓનો અભ્યાસ કરીને તેમાં કેવી ખામીઓ છે તેનો અભ્યાસ કરીને અહેવાલ પ્રસ્તુત કર્યો.

આ ૧૦ કંપનીઓ છેઃ અશોક લેલેન્ડ લી., બજાજ ઓટો લી.,આયશર મોટર્સ લી., હીરો મોટોકોર્પ લી., હોન્ડા મોટરસાયકલ્સ એન્ડ સ્કુટર્સ ઇન્ડીયા પ્રા.લી.,  હ્યુંડાઇ મોટર સાયકલ ઇન્ડીયા, મહીન્દ્ર એન્ડ મહીન્દ્ર લી., મારુતી સુઝુકી ઇન્ડીયા લી., ટાટા મોટર્સ લી., અને ટીવીએસ મોટર કંપની લી.

કોવીડને કારણે કરાયેલા લોકડાઉનને કારણે જે કામદારો ફસાઇ ગયા હતા અને જેમને સૌથી વધુ તકલીફોનો  સામનો કરવો પડયો હતો એ જ વર્ગના આ કામદારો હોય છે જે આવા અકસ્માતોનો ભોગ બને છે. આવા અકસ્માતોનો ભોગ બનનારા પૈકી ૯૦% યુપી/બીહારના કામદારો હોય છે જેમાંના ૬૫% કોન્ટ્રાકટ કામદારો હોય છે અને ૮૦% જેટલા ઓટો ઉદ્યોગની બીજી/ત્રીજી કે ચોથી શ્રેણીના એકમોમાં કામ કરતા હોય છે. આ કામદારોની રોજગારીની અનિશ્ચિતતા કોવીડ સમયે સાફ દેખાઇ આવી. તે સમયે સેઇફ ઇન ઇન્ડીયા દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જોવા મળ્યું હતું કે મે, ૨૦૨૦માં ૭૫%ને એપ્રિલ,૨૦૨૦નો પગાર ચુકવાયો ન હતો અને જુન,૨૦૨૦માં ૪૭% બેકાર હતા. આ કામદારો અદ્દશ્ય રહે છે અને તેમના જીવન અને નોકરીઓ અનિશ્ચિત હોય છે.

આ કામદારોને જે ઇજાઓ થાય છે તે કારણે તેઓ પારાવાર માનસિક અને નાણાંકીય હેરાનગતીનો ભોગ બને છે. તે પૈકીના ઘણા રોજીંદા નાના નાના કામો માટે અન્ય કુટુંબીજનો કે મિત્રો પર આધારીત થઇ જાય છે. ઘણા આંગળાં ગુમાવવાની સાથે નોકરી પણ ગુમાવે છે. અનેક સ્થળાંતરીત કામદારોને પોતાને વતન પાછા ફરવાનો વારો આવે છે અને ગામડામાં નવેસર જીવન શરુ કરવું પડે છે. તેઓ પોતાની આજીવિકા,પોતાનું ગૌરવ અને સન્માન ગુમાવે છે.

એક તરફ કામદારોની આ સ્થિતી છે તો બીજી તરફ ભારતના ઓટો ઉદ્યોગનો આભને આંબતો વિકાસ છે. ભારત એ વિશ્વનું ચોથું સૌથી મોટું ઓટો માર્કેટ છે અને ૨૦૨૬ સુધીમાં તે પ્રથમ ત્રણમાં સ્થાન મેળવે તેવી વકી છે. પણ જે અકસ્માતોને સહેલાઇથી અટકાવી શકાતા હય તેવા અકસ્માતોમાં કામદારો પોતાના અંગો ગુમાવતા રહેશે તો એ ઉદ્યોગ વિશ્વસ્તરીય બની શકે ખરો? ભારતમાં કામદારોની ઉત્પાદકતા સૌથી નીચા સ્તરે છે. વિશ્વમાં ઉત્પાદકતામાં ભારતનું સ્થાન ૧૧૫મું છે તેની આપણને શરમ આવવી જોઇએ.

વિશ્વમાં ભારતના ઓટો ઉદ્યોગે મેળવ્યું સૌથી ઉપરના ૪ દેશોમાં સ્થાન

ટોપ ૪

 

ભારતના કામદારોની ઉત્પાદકાતાએ મેળવ્યું

 

૧૧૫મુ સ્થાન

જે વિશ્વમાં સૌથી નીચું છે અને તેનું એક કારણ કામની શરતો અને સ્થિતિ અત્યંત નબળી હોવી

સલામતીના મુદા એટલા વ્યાપક છે કે છેલ્લા  વર્ષમાં સેઈફ ઇન ઇન્ડિયાને

૨૫૦૦થી વધુ

જેટલા ઇજાગ્રસ્તો માત્ર ગુડગાંવમાં મળ્યા

સેઈફ ઇન ઇન્ડિયાએ જોયું કે તે પૈકીના

૮૮%

ઈજાગ્રસ્ત કામદારો સ્થળાંતરિત હતા

 

ભારતના ઓટો કામદારોને સલામત અને સન્માનનીય કામનું સ્થળ મળે અને આ ઉદ્યોગમાં ઉત્પાદકતા અને વ્યાવાસાાયિકતામાં સુધારો થાય તે માટે નીતિઓ અને પ્રક્રિયાઓનું ઘણું મહત્ત્વ છે.  સેઇફ ઇન ઇન્ડીયા દ્વારા ઓટો ઉદ્યોગના એકમો નીતિઓ અને પ્રક્રિયાઓમાં કયાં ઉભી છે તેનો અભ્યાસ કરવામાં આવ્યો અને તેનો આ પ્રથમ અહેવાલ રજુ કરવામાં આવ્યો છે જેનું નામ “સેફટીનીતિ ૨૦૨૧” રાખવામાં આવ્યું છે. આ અહેવાલમાં આ ઉદ્યોગના ટોચની ૧૦ બ્રાન્ડના એકમોની વ્યવસાયિક આરોગ્ય અને સલામતી અંગેની હાલની નીતિ અને પ્રક્રિયાઓને તપાસવામાં આવી છે અને તેમાં રહેલી ક્ષતિઓ અને છીંડાને ઉજાગર કરવામાં આવ્યા છે. તે ઉપરાંત આ એકમોમાં આ બાબત જોવા મળેલ શ્રેષ્ઠ આચરણ (પ્રેકટીસ)ની પણ વાત કરવામાં આવી છે જેનું અનુકરણ બીજા કરી શકે અને સંસ્થાએ આ એકમો પાસે ઉપલબ્ધ તકો અને પોતાની ભલામણો પણ રજુ કરી છે.

આ ઉદ્યોગના અનેક હીતધારકો છે. સેઇફ ઇન ઇન્ડીયા માને છે કે વિખ્યાત ઓટો બ્રાન્ડોએ તેમની સપ્લાય ચેઇનમાં કામદારોની સલામતીમાં સુધારો કરવાની બાબતે આગેવાની લેવી જોઈએ. કારણ કે તેમની પહોંચ શ્રેષ્ઠ છે અને પોતાની સપ્લાય ચેઇન પર તેમનું નિયંત્રણ છે. આ એકમોના ઉત્પાદનના તેઓ લાભાર્થી છે અને સપ્લાય ચેઇનમાં સુધારા થવાને કારણે ઉત્પાદકતામાં જો ફરક પડે તો તેનો પણ સીધો લાભ તેમને મળવાનો છે.  સંસ્થાએ કરેલી મતગણનામાં ૮૦% કરતાં વધુ ઉત્તરદાતાઓએ એવો મત વ્યક્ત કર્યો કે કામદારોની સલામતી માટે સરકાર કરતાં વધુ મોટી જવાબદારી તો આ ઓટો બ્રાન્ડની ગણાય.

અભ્યાસના મહત્ત્વના તારણોઃ1

ભારતની ટોચની ૧૦ ઓટો બ્રાન્ડ (નેશનલ સ્ટોક એકસચેન્જ રેકીંગ — શેર બજાર દ્વારા અપાતા દરજ્જાના સ્થાન મુજબ )ના જાહેરમાં ઉપલબ્ધ નીતિગત દસ્તાવેજો અને તે પૈકીના ૬ તરફથી મળેલા ખુલાસાઓને આધારે આ તારણ કાઢવામાં આવ્યા છે; બાકીના ૪ એકમોએ સંસ્થાના પૃથકકરણને સ્વીકાર—અસ્વીકારનો ખુલાસો ૪ મહીના સુધી કર્યો નથી કે નથી મોકલ્યો કોઇ ખુલાસો.

૧. તમામ ૧૦ ઓરીજીનલ ઇક્વીપમેન્ટ મેન્યુફેકચરર (ઓઇએમ; મુખ્ય કંપની) દ્બારા કહેવાયું છે કે તેમણે વ્યવસાયીક આરોગ્ય અને સલામતી માટે નીતિ તૈયાર કરી છે પણ તે પૈકી માત્ર ૬ એકમોની નીતિ જ જાહેર છે.

૨. મોટાભાગના એકમોની નીતિમાં એવું કયાંય સ્પષ્ટપણે કહેવાયું નથી કે તેમના કારખાનાના કોન્ટ્રાકટ/હંગામી કે કેજયુઅલ કામદારોને પણ એ નીતિ લાગુ પડે છે.

૩. મોટાભાગના ઓઇએમની નીતિ અને પ્રક્રિયાઓમાં કહેવાયું છે કે તેમની સપ્લાય ચેઇનના બીજા/ત્રીજા કે ચોથા સ્તરના એકમોમાં પણ સલામતીની ખાતરી કરવામાં આવશે.

૪.  નેશનલ ગાઇડલાઇન્સ ઓન રીસ્પોન્સીબલ બીઝનેસ કન્ડકટ (જવાબદારીપુર્વકના વેપાર માટેની રાષ્ટ્રીય માર્ગદર્શિકા)માં જણાવ્યા મુજબની અને મુંબઇ શેરબજારની માર્ગદર્શિકામાં કરાયેલી ભલામણ મુજબ મોટાભાગના ઓઇએમ દ્વારા સપ્લાયર કોડ ઓફ કન્ડકટ (સપ્લાયરની આચાર સંહીતા) તૈયાર કરવામાં આવી નથી.

૫. એક પણ ઓઇએમ દ્વારા માનવ અધિકારના જતન માટેની તેમની નીતિ જાહેર કરી નથી. જો કે તેમના અન્ય નીતિગત દસ્તાવેજોમાં માનવ અધિકારોને માન આપવાની વાત કરે છે ખરા.

૬. એક પણ ઓઇએમ દ્વારા તેમની સપ્લાય ચેઇનના એકમોમા વ્યવસાયીક આરોગ્ય અને સલામતીને અમલમાં મુકવાનું આયોજન —(પ્લાન) કે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર (એસ.ઓ.પી) તૈયાર કરવામાં આવી નથી.

૭. પહેલા સ્તરના બે (સપ્લાય ચેઇન એકમો) એકમોની સલામતી અને આરોગ્યની નીતિ તપાસતાં તેમના સપ્લાય ચેઇન એકમો માટે અપુરતી જોગવાઇઓ જોવા મળે છે.

૮. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકાઓ મુજબ સપ્લાય ચેઇન એકમોના સલામતી અને આરોગ્યની સ્થિતીના અહેવાલ રજુ કરવાનૂ અપુરતું છે.

૯. ઓ.ઇ.એમ.ની કેટલીક કાર્યપધ્ધતિઓ અનુકરણીય છે જેનો લાભ અન્ય એકમોએ લેવો જોઇએ.

૧૦. નવી મજુર સંહિતામાં કેટલીક સારી જોગવાઇઓ છે જેના અમલની ખાતરી પોતાના સપ્લાય ચેઇન એકમોમાં ઓ.ઇ.એમ. દ્બારા થવો જોઇએ.

મહેન્દ્ર, મારુતી—સુઝુકી અને ટાટા મોટર્સ સરખામણીએ સારા છે પરંતુ તેમણે પણ વધુ સારા થવાની જરુર છે. બીજી તરફ અશોક લેલેન્ડ અને હીરોની નીતિઓ તેમના સપ્લાય ચેઇનની માહિતી આપવા બાબતે તેમજ સૌથી ઓછી મજુર તરફી દેખાય છે.

સારું શું છે?ઃ

મારુતી સુઝુકીએ પોતાના ૨૦૧૯—૨૦ના વાર્ષિક અહેવાલમાં પોતાની વિસ્તૃત સપ્લાય ચેઇન હોવાની વાત સ્વીકારી છે. અહેવાલમાં દ્વિતીય સ્તરના સપ્લાય ચેઇન એકમોમાં ઓડીટ કરીને સલામતીના ધોરણો સુધારવા માટે મશીનોમાં ફેરફાર કર્યાની વાત કરે છે.

મહીન્દ્ર એન્ડ મહીન્દ્રએ પોતાના ૨૦૧૯—૨૦ના વાર્ષીક અહેવાલમાં પોતાની સપ્લાય ચેઇન ટકાવી રાખવાની નીતિને વધુ મજબુત કરવાનો ઇરાદો જાહેર કરે છે.  નેશનલ ગાઇડલાઇન્સ ઓન રીસ્પોન્સીબલ બીઝનેસ કન્ડકટ (જવાબદારીપુર્વકના વેપાર માટેની રાષ્ટ્રીય માર્ગદર્શિકા)ના તમામ ૯ સીધ્ધાંતોને તેણે પોતાની બીઝનેસ રીસ્પોન્સીબીલીટી પોલીસી (જવાબદારીપુર્વક વ્યવસાય કરવા અંગેની નીતિ)માં સ્થાન આપ્યું છે.

બજાજે કોન્ટ્રાકટ કામદારો માટે ન્યાયી અને કામને સ્થળે જવાબદાર આચરણ અંગેનું ઘોષણાપત્ર તૈયાર કર્યું છે. તેમાં એ લખે છેઃ (બજાજને માલ પુરો પાડનારા વેપારીઓ પૈકી) ૧૩૫ વેપારીઓ આઇ.એસ.ઓ. ૧૪૦૦૧/ઓહસાસ ૧૮૦૦૧ના પ્રમાણપત્રો ધરાવે છે અને એસેમ્બ્લી અને ૩ પીએલ લોજીસ્ટીક વેપારીઓ સિવાયના તમામ વેપારીઓને માટે આ પ્રમાણપત્રો ફરજીયાત કરવાનું કંપનીનું આયોજન છે.

હ્યુંડાઇ ઇન્ડીયાનો દાવો છે કે એ માનવ અધીકારોની નીતિને અનુસરે છે અને કોરીઆની તેની  મુળ કંપની માલ પુરો પાડનારને ટકાવી રાખવા માટેની માર્ગદર્શિકાનું પણ પાલન કરે છે. એ કહે છેઃ “માલ પુરો પાડનારાઓ આ માગદર્શિકાને પોતાને માલ પુરો પાડાનારા  સુધી પહોંચાડશે અને ફેલાવશે.”

ટાટા મોટર્સ અને મહીન્દ્રા બંનેએ સપ્લાયર કોડ ઓફ કન્ડકટ —માલ પુરો પાડનારાઓ માટેની આચાર સંહિતા તૈયાર કરી છે જેમાં આરોગ્ય અને સલામતીનો પણ સમાવેશ કરેલો છે.

આયશરનો સસ્ટેઇનેબીલીટી રિપોર્ટ સપ્લાય ચેઇનને એક જોખમ તરીકે જુએ છે. એ કહે છે કે આયશર પોતાને માલ પુરો પાડનારા એકમોનું ઓડીટ કરે છે જેમાં અન્ય બાબતો સાથે સલામતીના ધોરણો પણ ચકાસવામાં આવે છે.

હ્યુંડાઇની નીતિ કહે છે,“આરોગ્ય અને સલામતી માટે જે ખાસ જોખમ હોય તેનો હ્યુંડાઇ ઇન્ડિયાની વ્હીસલ બ્લોઅર પોલિસીમાં અનૈતિક આચરણ તરીકે સમાવેશ કરેલો છે.”

ટીવીએસ પોતાની બીઝનેસ રીસ્પોન્સીબીલીટી રીપોર્ટમાં જણાવે છે કે કોન્ટ્રાકટના તમામ કામદારોને સલામતી અને આરોગ્ય માટેની તાલીમ સમયાંતરે આપવામાં આવે છે અને માલ અને સેવાઓ પુરી પાડનાર તમામ વેપારીઓ સલામતી અને આરોગ્યના ધોરણો પાળે છે કે કેમ તેનું આકલન કરવામાં આવે છે.

અશોક લેલેન્ડને માલ પુરો પાડનારાને જે રેટીંગ આપવામાં આવે છે તેમાં તેમની મજુરો સાથેનો વ્યવહાર, સલામતી અને આરોગ્યના ધોરણો અને કાયદા પાલને ધ્યાનમાં રાખવામાં આવે છે.

ભલામણોઃ

ઓ.ઇ.એમ દ્વારા સુધારાની શરુઆત કરવા માટે આચાર સંહિતા અને માનવ અધીકારોની જતન માટેની નીતિ ઘડવાથી થવી જોઇએ જે બંનેમાં તેમની સપ્લાય ચેઇન એકમોમાં કામ કરતા કામદારો અને તેમના પોતાના એકમોમાં કોન્ટ્રાકટ કામદારોની કામની શરતોમાં તેમનુંં ગૌરવ અને સન્માન જળવાય તેવી કલમો સામેલ હોય. તે પછીના ક્રમે તેમણે તેમના સપ્લાયર માટેની આચાર સંહિતા ઘડવી જોઇએ જેમાં નવા મજુર સંહિતા (લેબર કોડ)માં સામેલ નવી મજુર તરફી જોગવાઇઓના અમલની વાત સામેલ હોય. તેમના સપ્લાય ચેઇનના વિવિધ સ્તરો માટે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર (એસ.ઓ.પી) બનાવીને તેને અમલમાં મુકવી જોઇએ, ભલે તે તબકકાવાર હોય. આ નીતિઓ ઘડાય, તેની માહિતી અપાય અને તેનો અમલ થાય તે દરમીયાન ઓ.ઇ.એમ. દ્બારા સલામતી અને આરોગ્યની જોગવાઇઓના ભંગ અને માનવ અધીકારોની ભંગ માટેની માહીતી જાહેર કરવામાં સુધારા કરવા જોઇએ. તેમના રાષ્ટ્રીય અને આંતર્રાષ્ટ્રીય બીઝનેસ રીસ્પોન્સીબીલીટી રીપોર્ટ અને સસ્ટેઇનીબીલીટી રીપોર્ટમાં પણ એ બાબતોને સમાવવા માટે સુધારા કરવા. ઓ.ઇ.એમ.ની સારી બાબતોને બીજા એકમો સુધી પ્રસાર કરવામાં સોસાયટી ઓફ ઇન્ડીયન ઓટોમોબાઇલ મેન્યુફેકચરર્સ (એસ.આઇ.એ.એમ) અને ઓટોમોટીવ કોમ્પોનન્ટ મેન્યુફેકચરર્સ એસોસીએશન (એ.સી.એમ.એ.) મહત્ત્વની ભૂમિકા ભજવી શકે.

ગુજરાતઃ

જેમ હરીયાણાના ગુડગાંવ—માનેસર—ફરીદાબાદ એ ઓટો ઉદ્યોગના કેન્દ્ર ગણાય તેમ મહારાષ્ટ્રમાં મુંભઇ અને પુના, રાજસ્થાન, પંજાબ, તામીલનાડુમાં ચેન્નઇ, કોલકતા, બેંગ્લોર અને ગુજરાતમાં પણ આ ઉદ્યોગ વીકસેલો છે. ગુજરાતમાં સાણંદમાં ટાટાએ નેનોનો પ્લાન્ટ નાખ્યો. બહુચરાજીમાં સુઝુકીનો પ્લાન્ટ છે.  ફોર્ડનો કાર પ્લાન્ટ તેમજ મેકસીસ રબરનો ટાયર પ્લાન્ટ પણ સાણંદમાં છે. હોન્ડાનો કાર અને મોટરસાયકલના પ્લાન્ટ વીઠલાપુર, મહેસાણામાં, એમ.જી.મોટરનો અને હીરો મોટો કોર્પના પ્લાન્ટ હાલોલમાં, કચ્છમાં ઇલેકટ્રોથર્મનો ઇલેકટ્રીક સ્કુટરનો, વાઘોડીયામાં એપોલો ટાયરનો અને ભરુચમાં એમઆરએફના ટાયર પ્લાન્ટ પણ આવેલા છે. આ તો બધા મોટા એકમો છે પણ એમને માલ પુરો પાડનારા હજારો નાના અને મધ્યમ કદના એકમો એની આસપાસ આવેલા છે. માંડલ અને સાણંદમાં મોટા અૌદ્યોગીક વિસ્તાર ઓટો ઉદ્યોગ માટે વીકસી રહ્યા છે. ગુજરાતમાં ૩૦ જેટલા કેન્દ્રો છે જયાં બ્રાસ પાર્ટ, કાસ્ટીંગ, ઓઇલ એન્જીન, બેરીંગ અને બીજા ઓટો પાર્ટનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં ગુજરાત સરકારના આંકડા મુજબ ૧૫ લાખ કામદારોને આ ઉદ્યોગમાં રોજી મળે છે. જો કે આ આંકડા કેટલા વિશ્વાસપાત્ર તે કહી શકાય નહી કારણ વાઇબ્રન્ટ સમીટ માટે તૈયાર કરેલા દસ્તાવેજમાં આ આંકડો છે. ગુજરાતના નોંધણી પામેલા કારખાનાઓમાં ૨૦૨૦માં ૧૮,૯૭,૨૧૧ કામદારો કામ કરતા હોવાનું ગુજરાત સરકાર કહે છે તો તેમાંથી ૧૫ લાખ માત્ર ઓટો સેકટરમાં ન જ હોય તે સમજી શકાય તેમ છે. ગુજરાતમાં પણ આ કામદારોને અકસ્માતો થાય છે —ખાસ કરીને આંગળા અને હાથની ઇજાઓ પણ એ અંગે કોઇએ અભ્યાસ કર્યો હોવાનું ધ્યાનમાં નથી. અમારા ધ્યાનમાં એકલદોકલ બનાવો આવે છે ખરા પણ આંકડા મેળવવાનું મુશ્કેલ છે. સેઇફ ઇન ઇન્ડિયાનું કાર્યક્ષેત્ર ભલે હરીયાણા છે પણ તેનું કામ પથદર્શક છે. એમણે કરેલા સવાલો ગુજરાતના ઓટો ઉદ્યોગ માટે પણ એટલા જ પ્રસ્તુત છે. હવે જયારે કામદારોની સંગઠિત તાકાત નબળી પડી છે ત્યારે અકસ્માતો પર નજર રાખવા અને ઉદ્યોગોને તેને માટે જવાબદાર ઠેરવી અકસ્માતો ઘટાડવાની તેમની જવાબદારી પ્રત્યે તેમને જાગૃત કરવા માટે આ પ્રકારના અહેવાલો દ્વારા નૈતિક દબાણ ઉભું કરવાનો રસ્તો છે ખરો!

એ દ્દષ્ટીએ સેઇફ ઇન ઇન્ડીયાનું આ એક મહત્ત્વનું પ્રદાન છે જેને હું આવકારું છું.
1


શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું:  jagdish.jb@gmail.com  || M-+91 9426486855


સેફ્ટીનીતિ રિપોર્ટ ૨૦૨૧ અહીં ક્લિક કરવાથી ડાઉનલોડ કરી શકાય છે.

Author: Web Gurjari

2 thoughts on “ભારતના ઓટોમોબાઇલ ઉદ્યોગમાં કામદારોની સલામતી અને આરોગ્ય માટેની નીતિ

    1. મહેન્દ્રભાઈ, ઓટો ઉદ્યોગના કામદાર સંગઠનો એ પણ અવાજ ઉઠાવવો પડશે. આપે આ લેખ વાચ્યો અને આપના વિચાર વ્યક્ત કર્યા તે માટે આભાર

Leave a Reply

Your email address will not be published.