શું પર્યાવરણના પ્રહરી ખેડૂતો ન બની શકીએ ?

કૃષિ વિષયક અનુભવો

હીરજી ભીંગરાડિયા

           જીવતા જીવની અનિવાર્ય જરૂરિયાત હવા, પ્રકાશ, પાણી અને ખોરાક છે. આમાં કોણ ખેડૂત કે કોણ ઉદ્યોગકાર, કોણ ભણેલ કે કોણ અભણ, કોણ લાગવગિયો રાજકારણી છે કે કોણ ઝૂંપડાંમાં રહેતો મજૂર ! અરે, પશુ, પંખી, ઢોર-ઢાંખર કે ભલેને હોય જંગલનું ઝાડવું કે વગડાનું ઘાસપૂસ ! છે તો જીવતો જીવને ? બસ આટલી જ ઓળખાણ કાફી છે તેની આટલી જરીરિયાત માટે.

આ બધામાં એક માણસ જીવ જ ભગવાને એવો બનાવ્યો છે કે જેને વિચારવા મગજ, સંવેદનશીલ હદય અને રજુઆત કરવા વાણીની ભેટ ધરેલી છે. પૃથ્વી પરના તમામ જીવો પ્રાકૃત જીવન જીવનારા હોઇ કુદરતના નિયમોને આધિન, સમય સમયના ઋતુ પરિવર્તનો કે હવામાનના ફેરફારો સાથેનો સંવાદ સધાતો રહી, તેમની જરૂરિયાતોની પૂર્તિ થવા સાથેનું જીવન કુદરતના પ્રવાહમાં વહેતું હોય છે.એટલે એ બધા ન તો કુદરતી પરિસ્થિતિઓમાં એટલે કે પર્યાવરણમાં સુધારો કરી શકવા સમર્થ છે કે ન કોઇ પણ જાતની ખરાબી વહોરવામાં !

અને ખરું કહીએ તો પર્યાવરણમાં થઈ રહેલ પ્રદુષણ, એ પ્રકૃતિને ખોરવવા ઇરાદાપૂર્વક માણસજાતિએ ગોઠવેલું ષડયંત્ર પણ નથી. આ મારા વિધાન સામે તમે તુરંત પૂછવાના; તો પછી પર્યાવરણના આ બગાડ માટે જવાબદાર કોણ ?

સાંભળો : માનવીની પ્રકૃતિના જાણકારોનું કહેવું છે કે “માણસો પોતાનીરીતે જીવવા, એકબીજાની શારિરિક, કૌટુંબિક અને સામુહિક જરૂરિયાત અને પ્રકૃતિદત ઈચ્છા પૂરી કરવા, તેની સમજમાં આવતાં નિર્દોષ ઉપાયો અને વિશિષ્ટ રીત-પધ્ધતિઓ વ્યવહારમાં ગોઠવતા હોય છે.” આ માટે ઊભી કરાતી વ્યવસ્થાની કંઇ કેટલીય અણધારી આડઅસરોને કારણે સારાં કે માઠાં પરિણામો આવી મળે છે. તેના યશ-અપયશનો ટોપલો  છેવટે તો એના સર્જક માણસના માથે જ ઢોળાય એ દીવા જેવી વાત છે ભાઇ ! એવા અપયશથી બચવા આપણા કેવા વ્યવહારોથી સમગ્ર જીવસમાજને ક્યા પ્રકારની વિધાયક કે વિનાશક અસરો પહોંચશે તેનો ઝીણવટભર્યો અભ્યાસ કરી લેવો તે આપણી પ્રાથમિક અને અત્યંત જવાબદારીવાળી ફરજ બની રહે છે.

આપણા ક્યા કાર્યક્રમોથી માઠી અસર ઊપજે છે ? ગણવા બેસીએ તો પર્યાવરણને માઠી અસર પહોંચાડનારા કુકર્મોની જવાબદારી પણ કોઇ એક વર્ગની નહીં, પણ સૌની સહિયારી જ ગણાય એવું છે. વિવિધ જાતના નાના અને મોટા વાહન ચાલકો, સમાજની નાની-મોટી જરૂરી જણસોના ઉત્પાદકો અને ઉદ્યોગકારો, ખોરાકી જરૂરિયાતો પૂરી પાડતા જગતાત ખેડૂતો તથા ચીજ-વસ્તુના વપરાશ અને નિકાલમાં વિવેકચૂકતા આમનાગરિકો, બધાએ શું કરાય અને શું ન કરાય,તે અંગે ગંભીરતાથી વિચારી લેવાનો સમય પાકી ગયો છે. શરૂઆત તો પોતાની જાતથી જ કરાયને ? આપણે રહ્યા ખેડૂત. આપણે પહેલાં આપણી આચાર સંહિતા તપાસી લઇએ.

પર્યાવરણને હાનીકારક આપણા કોઇ કાર્યક્રમ ખરા ?  છાતી માથે હાથ રાખી કહીએ તો હા, એવા કાર્યક્રમો પણ છે જ ! જેમકે…..

[1] જમીનનું પોત પાંગળું બનાવનારા કાર્યક્રમો :  જેમ મોટાભાગના જીવોનો નિભાવ વનસ્પતિ અગર વનસ્પતિ આધારિત ખોરાક પર રહેલો છે, તેમ તે વનસ્પતિએ પોતાનું અસ્તિત્વ ટકાવવા એટલે કે ઊભવા, વધવા અને વિકસવા, ફૂલવા અને ફળવા પાછો જમીનનો આશરો લેવો પડતો હોય છે. એટલે જેની જાળવણીમાં સમગ્ર જીવસૃષ્ટિની જાળવણી સમાયેલી છે, તેવી ‘જનનીરૂપ’ જમીનની તંદુરસ્તી, એની ઉત્પાદકતા અને એની ફળદ્રુપતામાં જેરીકેય ઓટ ઊભી થાય, તેવા કોઇ પણ ખેતીકામના પગલાંને પર્યાવરણનું નુકશાન કરતું, સમાજનું હિતવિરોધી પગલું ગણી શકાય.

[અ] રાસાયણિક ખાતરનો અતિ વપરાશ= જૂઓને ! આજ ખેડૂત પહોંચતા હોય કે ઢસડાતા હોય, નાના હોય કે મોટા-બધાના મગજમાં બસ એ જ ભૂસુ ભરાઇ ગયું છે કે “પુષ્કળ રા.ખાતર વિના ઉપજ આવે જ નહીં !” એ ક્યારે અને કેટલું આપવું,કઇ પદ્ધતિથી આપવું, એના કોઇ ગણિતનો નહીં ખ્યાલ અને બસ દે દે ને દે જ ! નાના વિઘે બેબે થેલી ડીએપી અને બેબે થેલી યુરિયા માત્ર ચોમાસુ સિઝનમાં નાખીને મૂછો આમળનારા ખેડૂતો ગામમાં મોટી સંખ્યામાં મળી રહે છે.

મર્યાદિત અને જરૂરી માત્રામાં અપાતાં રા.ખાતરથી ઉત્પાદનમાં જરૂર લાભ થાય છે પણ તેના વધુપડતા ઉપયોગથી અનેકગણું નુકશાન પણ નોતરી શકાય છે એ ન ભૂલવા જેવી વાત છે. આપણે રોજ ભલે એક જ પણ સોનાનું ઈંડું આપનારી મરઘીને જીવતી રાખવી પડે. એક સાથે સામટા બધા ઈંડા મેળવી લેવાના લોભમાં મરઘીને મારી નાખવાની મુર્ખામી કરાય ? આપણે વધુ ઉત્પાદનની લાલચમાં જમીન રૂપી મરઘીને મારી નાખવા ઊભા થયા છીએ. ધરતી આપણી મા છે. તેનું અમી જરૂર પીવાય, એનું લોહી ચૂસી ન લેવાય. જમીનના ગુણધર્મો, તેની નિતારશક્તિ, ભેજ ધારણશક્તિ, હવાની અવરજવર કરવાની તાકાત, તેની એકબીજા કણો વચ્ચેની પકડશક્તિ, એની મુલાયમતા, કહોને સુક્ષ્મજીવોની હાજરી થકીની જીવંતતા, ફળદ્રૂપતા અને ઉત્પાદકતાને માઠી અસર પહોંચડનારાં રા.ખાતરોનો આવો વપરાશ કરનારા આપણે ખેડૂતો ધરતીમાના અને પર્યાવરણના વિનાશકોની યાદીમાં પહેલા મૂકાશું.

[બ] ઊંડા તળના નઠારા પાણીથી અપાતું પિયત = “વધુ પાણી તો વધુ ઉત્પન્ન” ના ખોટા ગણિતે તો મરઘીને નેવકી મારી નાખી છે. ઊંઘમાંએ “પાણી…પાણી” લવતા પકડાયા છીએ. કૂવાના તળ તળિયે ગયા હોય તો બોરવેલની ભેર લઇ ધરતીનું પેટાળ વિંધવા માંડ્યા, અને છાતીના અમી ખૂટ્યા તો નાભીએ પહોંચી કહોને લોહી – મોળાં, ભાંભળાં, ખારાં, કડવાં અને ઉનાં ફળફળતાં પાણી, અરે ! પાણી નહીં, પાણી જેવાં, વરસો જૂનાં-ઝેરી ખનીજોથી રસાંયેલાં એવાં પ્રવાહી કાઢ્યાં અને મોલાતોને માંડ્યા છીએ પાવા. જે પાણી આપણે ન પી શકીએ, ઢોરાં ન પીવે, તેવાં પાણી છોડ-ઝાડને સિંચવા લાગ્યા છીએ. જેનાથી જમીન અને એનું બંધારણ, અંદરની વનસ્પતિને સહાયક બનતી જીવસૃષ્ટિ ખતમ થવા લાગી છે.

તમે માનશો ? કોઇ કોઇ ઊંડા દારના પાણી જે જમીનમાં પિયત અર્થે અપાયાં છે, ત્યાં પાંચ-સાત વરસે જમીનની સામુ જોવાનું જ મટી ગયું છે. ખેતીપાકો તો શું, અડબાઉ ખડ પણ ઊગી શકતું નથી. તે જમીન તો બળીને સાવ ભડથું થઈ જાય છે. આવા પાણીના ઉલેચ ચાલુ રાખી આપણી મુર્ખાઇની સાબિતી ક્યાં સુધી આપ્યા કરશું ? રાસાયણિક ખાતરો અને નબળાંપાણીના હિસાબે ઉત્પન્ન થયેલ પેદાશનાં સ્વાદ અને  સોડમ નષ્ટ થાય છે, તેની સંગ્રહશક્તિ નાબૂદ થાય છે, અને વહેલાં સડી જાય છે.

[2] કાતિલ ઝેર થકી કરાતું પાકસંરક્ષણ= જેને જીવાડનારો હજાર હાથવાળો હોય એને આપણા કાતિલ ઝેર પણ શું કરી શકવાના હતા ? હા, એ ઝેર જરૂર અસર કરે છે. પણ કોને ? છાંટનારાને, એના ખાનારને, અને ઉત્પાદિત વસ્તુઓ વાપરનારને. અનાજ, કઠોળ, તેલીબિયાં, શાકભાજી, દૂધ કે પહેરવાના કપડાં અરે ! સામુદ્રિક પાક ગણાતી માછલી કે માતાની છાતી માંહ્યલું અમી અંદરથી ઝેરની ટકાવારીની મહત્તમ મર્યાદા ઓળંગી ગયું છે. એમાં ખોરાકી ચીજ તો કોઇ બાકી રહી જ નથી “અન્ન તેવું મન અને આહાર તેવો ઓડકાર”.આવા ઝેરયુક્ત ખોરાકના હિસાબે ન પૂરી શકાય તેવી વિનાશક અસરો પશુ,પક્ષી અને માનવ જીવન પર વધતી જ રહી છે.

આંતરરાષ્ટ્રીય ગ્રીનપીસ દ્વારા નાની મોટી વયનાં ઘણાં બધાં બાળકોની યાદશક્તિ અને સંતુલન જાળવવાની વિવિધ પદ્ધતિઓ ઉપર અભ્યાસ કરાયો હતો. તેમાં જંતુનાશકોના વધુ વપરાશવાળા પ્રદેશના બાળકોની યાદશક્તિ, શારીરિકશક્તિ, હલનચલનની આવડત અને મનની એકાગ્રતાનાં લક્ષણ ઓછાં જણાયાં હતાં.

ઓસ્ટ્રિયાની વિજ્ઞાની અકાદમીના વિજ્ઞાનીઓના અલગ અલગ અભ્યાસમાં જણાવાયું છે કે રાસાયણિક પ્રદુષણથી પશુ-પક્ષીઓ, જળચરો અને સરીસૃપો પર ખૂબ જ ખરાબ અસરો પડી છે. માનવ વસવાટની નજીક વસતી માછલીઓ અશાંતિ અનુભવે છે. જ્યારે દેડકાંઓએ સ્ફૂર્તિ ગુમાવી દીધી છે. ઉંદરો માણસથી ડરવાનું ભૂલી ગયા છે. એક તારણ તો એવું છે કે કાબરોના કલબલાટમાં અરધોઅરધનો ઘટાડો નોંધાયો છે. ખિસકોલી કામેચ્છા ગુમાવી બેઠી છે. વાંદરાઓના જૈવિક તંત્રમાં અને ચપળતામાં માઠી અસરો માલૂમ પડી છે. આખા પ્રાણી જગતને ક્યાંય સુખ રહ્યું નથી. એ પર્યાવરણની જાળવણીમાં રક્ષકોને પણ પ્રાકૃતિક અવસ્થામાં જીવંત રાખવાં, એ માનવજીવના માટે એટલું જ અનિવાર્ય છે.

ખેડૂત છીએ. આપણું ગુજરાન ખેતીપર જ હોય એટલે ઉત્પાદન વધુ મળે તેવા વિવિધ ઉપાયો આપણે જરૂર લઇએ, પણ સાથોસાથ એટલું જરૂર વિચારતા રહીએ કે આપણી ઉત્પાદનવૃધ્ધિની પ્રક્રિયામાં કોઇ બીજાનો કે કોઇ પ્રાકૃતિક તંત્રનો ભોગતો નથી લેવાઇ રહ્યો ને ? આપણી કોઇ પણ કાર્ય પધ્ધતિ પર્યાવરણને નુકશાનકર્તા તો ન જ હોવી જોઇએ.

[3]   આડેધડ આચરાતી વૃક્ષ નિકંદન પ્રવૃતિ = આપણા જંગલો વિકાસના નામે બેરહમ રીતે કપાઇ રહ્યાં છે. વૃક્ષ નિકંદનના કારણે વાતાવરણમાં ઓક્સિજનની ઊણપ વર્તાતા વનસૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિ જોખમમા મૂકાતાં પર્યાવરણ અને પ્રકૃતિની સમતૂલા ખોરવાઇ બેઠી છે. જે રીતે આજે મનુષ્ય ધરતીપરની વનરાઇનો વિનાશ નોતરી રહ્યો છે, એ ગણિત પર હાલતાં આવતા એક સૈકામાં પૃથ્વીના તાપમાનમાં સાડાત્રણ ડીગ્રીનો વધારો થઇ શકે છે.અને એના લીધે હિમાલય જેવા ઉત્તર-દક્ષિણ ગોળાર્ધ પરનો બરફ પીગળી, દરિયાની સપાટી ઉંચી લાવી દઇ, કાંઠાળ વિસ્તારના શહેરો અને આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થતાં વાર નહીં લાગે તેવું વિજ્ઞાનીઓનું કહેવું છે.

[4] ગટરોના પાણીનો ખાદ્યચીજોની ખેતીમાં વપરાશ = વિવિધ ફેકટરીઓમાંથી રોજના ટનબંધ નીકળતા ઘન તથા પ્રવાહી કચરામાં ભારે ધાતુઓ અને સોડિયમ તથા કેલ્શિયમ વધુ પ્રમાણમાં હોય છે.આવા પાણી જમીનમાં ઉતરી કુદરતી પાણીનો રંગ અને સ્વાદતો બગાડે જ પણ જો એ પાણી પીવામાં આવે તો પાચનતંત્ર બગડે અને રોગો પણ વિચિત્ર રૂપના ફૂટી નીકળે.

આવા પાણીથી ખેડૂતો શાકભાજી, અનાજ, તેલીબિયા કે કઠોળ ઉગાડે, ફળફળાદી પકાવે અને પારા તથા સીસુ જેવાના હાનિકારક પ્રમાણ માનવ સમાજના પેટમાં પધરાવે છે તો કીડની,લીવર કે આંતરડાંના કેન્સર જેવા અસાધ્ય રોગને નોતરે છે. બહુ તો આવા પાણીનો ઉપયોગ ઇમારતી ઝાડો ઉગાડવા માટે કરી શકીએ.

[5] પ્લાસ્ટિક વપરાશ-નિકાલમાં વિવેકનો અભાવ = ધાવણા બાળકની દૂધની બોટલથી શરૂ કરી આખેઆખા આવાસો અને દાતરડીના હાથાથી માંડી મોટામોટા તળાવોના તળિયા, આભે આંબતા ગ્રીનહાઉસ, કે માલ હેરફેરના કંટેનરો બનાવવા સુધીમાં બધે પ્લાસ્ટિક ફરી વળ્યું છે. લાકડું, લોખંડ, કાચ અને સીમેંટ ચારેયના પાણી પ્લાસ્ટિકે ઉતારી દીધા છે. પણ દુ;ખ એ વાતનું છે કે તેનું અપલક્ષણ પૂરેપૂરું રૌદ્ર્રૂપી ખતરનાક છે-પ્લાસ્ટિક એ કુદરતી વસ્તુ નથી એટલે કચરાના રૂપમાં કદિ નાશ પામતું નથી.સડી ને માટીમાં મળતું નથી. સળગાવીએ તો તેનો ડાયોક્સીન છોડી રહેલો ધૂમાડો હવાને ખરાબ કરી મૂકે એવો નીકળે છે. ઓઝોન છતમાં ગાબડાં અને એસીડવર્ષા જેવી માઠી અસરો એની ઉપજણ છે.

અને છેલ્લે= ધરતીની તબિયત સંબંધે યુ.એન.એ.ના સહયોગથી તૈયાર થયેલ અહેવાલ મુજબ માણસ જાતે પર્યાવરણની પથારી ફેરવી નાખવામાં કંઇ ઓછું રાખ્યું નથી. પૃથ્વીની જૈવિક સંપતિને ગંભીર નુકશાન કાર્બન ડાયોકસાઇડ અને ગ્રીન હાઉસ ઇફેક્ટે કરેલું છે. ક્યાંક પ્રદૂષિત વાતાવરણ, અનિયમિત મોસમ, તો ક્યાંક અતિવૃષ્ટિથી પૂરની હોનારત, અનાવૃષ્ટિ, પાકની નિષ્ફળતાઓ, વાતાવરણમાં વધતી ગરમી અને દરિયાની વધી રહેલી સપાટી, આ બધું “સુનામી” લાવશે, “વાવાઝોડું” અને “ધરતીકપો” નોતરશે ! હવે ચેતીને નહીં ચાલીએતો આવા અંતરાયો વચ્ચે જીવવા તૈયાર રહેવું પડશે !


સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.