નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – ૫૧

અમિતકુમાર જેવા અભિનેતા માટે લંડન કે લોનાવાલા બધું સરખું હતું

નલિન શાહ

આમંત્રણપત્રિકામાં પ્રવેશ માટે રિબન કાપવાનો સમય સાંજે છ વાગ્યાનો નિર્ધારિત કર્યો હતો. સુનિતા શેઠનું સમાજમાં ખાસ મહત્ત્વ હોઈ ઘણાખરાં આમંત્રિત મહેમાનો સમય પહેલાં જ આવી ગયા હતા. પથ્થરની વેલથી છવાયેલી લાંબી દીવાલની બહાર વહેલાં આવેલાં લોકો માટે તાત્પૂરતી બેસવા ફોલ્ડિંગ ખુરશીઓની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઘણાંખરાં તો આપસમાં ટોળે વળી વાતો કરતાં હતાં. વૃક્ષોથી છવાયેલું વાતાવરણ રમણીય હતું. દીવાલની વચ્ચેના લોખંડના પ્રવેશદ્વારને રિબન કાપ્યાની વિધિ પછી જ ખોલી વર્ષો જૂના બંગલામાં દાખલ થવાનું મહત્ત્વ કોઈની સમજમાં નહોતું આવ્યું. માનસી, પરાગ અને ધનલક્ષ્મી પંદર મિનિટ પહેલાં જ પહોંચી ગયાં હતાં. અમિતકુમાર અને એની પત્નીને જોઈ ધનલક્ષ્મીએ રોમાંચ અનુભવ્યો. એનાથી ના રહેવાયું. એમની સામે જઈ એણે હાથ જોડી પૂછ્યું ‘મને ઓળખી?’ અમિતકુમાર સામે જોઈ મૂંઝાયા હોય એમ લાગ્યું.

‘હું માનસીની સાસુ.’ ધનલક્ષ્મીએ અચકાતાં અચકાતાં હિન્દીમાં કહ્યું.

‘ઓહો! ડૉ. માનસીના સાસુ માફ કરજો, પહેલાં ખ્યાલ ના આવ્યો.’

‘તમારી તબિયત કેમ છે?’ ધનલક્ષ્મીએ ચિંતાતુર વદને પૂછ્યું. ‘એકદમ સરસ. જેને ડૉક્ટર માનસી જેવાં સારવાર માટે મળ્યાં હોય એની તબિયતને આંચ ન આવે. પણ તમારું ફંક્શન બહુ માણ્યું. તમે શશીજીનું બહુમાન કર્યું એ ખૂબ જ પ્રશંસનીય કામ હતું.’

માનસી અને શશીની પ્રશંસા ધનલક્ષ્મીને ના જચી. એટલે વાતને વળાંક આપી પૂછ્યું, ‘આપ અમારે ઘરે ક્યારે પધારશો પાછા? મારી ફ્રેન્ડસ તમને મળવા બહુ જ આતુર છે.’ કોઈને પ્રભાવિત કરવા થોડા અંગ્રેજી શબ્દોનો વપરાશ ધનલક્ષ્મી શીખી ગઈ હતી.

‘તમે જ્યારે બોલાવો ત્યારે. પણ એક શરત છે.’

‘શું?’ ધનલક્ષ્મીએ આતુરતાથી પૂછ્યું.

‘તમારાં ગુજરાતનાં ઢોકળાં ખવડાવવાં પડશે.’

‘અરે, એ તો હોય જ ને. બીજું શું બનાવું બોલો મીઠાઈમાં?’

‘બીજું કાંઈ નહીં, ફક્ત ઢોકળાં અને તે પણ સારાં એવાં. હું થોડાં બાંધીને ઘરે લઈ જઈશ.

‘શ્યોર શ્યોર, બોલો ક્યારે આવો છો, આવતા રવિવારે? જો કે મને તો કોઈ પણ દિવસ ફાવે.’

‘ના, ગુરુવારે તો હું લંડન જઉં છું.’

‘ઓહો, લંડન જાય તો માણસ ચાર-છ મહિના તો રહે જ. ક્યારે આવશો પાછા?’

‘અરે, હું તો શુટિંગ માટે જાઉં છું. બે-ત્રણ દિવસમાં પાછો આવીશ. એટલે ત્યાર પછીના રવિવારે રાખો.’

ધનલક્ષ્મી તો આભી બની ગઈ. એને એટલો પણ ખ્યાલ ન હતો કે અમિતકુમાર જેવા અભિનેતા માટે લંડન કે લોનાવાલા બધું સરખું જ હતું. માનસી પણ વાર્તાલાપ ચૂપચાપ સાંભળી રહી હતી ને મનમાં રમૂજ પામતી હતી. ધનલક્ષ્મીને લાગ્યું કે ફંક્શન શરૂ થાય એ પહેલાં જ અમિતકુમાર સાથે વાર્તાલાપ કરીને મેદાન સર કરી લીધું હતું. અને સહેલીઓને પ્રભાવિત કરવા તેમજ જલાવવા સારો મોકો હાથ લાગ્યો હતો.

ધનલક્ષ્મી એ વિચારે મૂંઝવણ અનુભવી રહી હતી કે વાર્તાલાપ કેમ વધારવો. ત્યાં જ એક સફેદ મર્સિડીઝ કાર દરવાજે આવીને ઊભી રહી અને યુનિફોર્મમાં સજ્જ ડ્રાઇવરે ઊતરી પાછળનો દરવાજો ખોલ્યો.

સાટીનની પર્પલ રંગની અને એ જ રંગની મિનાકારી કરેલી સાડીમાં સજ્જ રાજુલ ઊતરી. ગળામાં હીરાનો ડિઝાઇનર હાર પહેર્યો હતો. કાનમાં હિરાના ઈયરીંગ અને હાથમાં હીરાની બંગડીઓ હતી. જાણે કોઈ પરીને જોઈ લીધી ના હોય! પહેરનારની ખૂબસૂરતીને લીધે દાગીનાની શોભામાં અભિવૃદ્ધિ થઈ લાગતી હતી.

ધનલક્ષ્મી આભી બનીને જોઈ રહી. ‘આ હાર કેટલાનો હશે, માનસી?’ એણે પૂછ્યું.

‘હશે લગભગ પાંત્રીસથી ચાળીસ લાખનો. એમને શું! માનસીએ સાહજિક રીતે કહ્યું. ‘૪૦ લાખ! પણ છે કોણ આ?’ ધનલક્ષ્મીની આંખો પહોળી થઈ ગઈ. ‘લો, તમે ક્યાંથી ઓળખો? એ તો છે સુનિતાબેનની વહુ, રાજુલ.’ ગાડીને બીજો દરવાજો ખોલી સાગર ઊતર્યો. બંનેએ હાથ જોડી આમંત્રિતોનું સ્વાગત કર્યું. ધનલક્ષ્મી અવાક્‍ થઈને જોઈ રહી. પાછળની ગાડીમાંથી સુનિતા, શશી અને સુધાકર ઊતર્યાં. સોનાનાં ઘરેણાંથી મઢેલી અને ધનલક્ષ્મીને પરાગે કહ્યું હતું તેમ વજનમાં ભારે ભરખમ સોનાના દાગીના અને રાજુલના ઓછા ને જરૂર પડતા દાગીનાની સામે તુચ્છ લાગ્યા. ‘તું તો કહેતી હતી માનસી કે મારા ઘરેણાં અને સાડી ધ્યાન ખેંચે એવાં છે?’ એણે જરા ગુસ્સો કરી પૂછ્યું. ‘કેમ મમ્મી, ખોટું શું કહ્યું હતું એમાં?’ બાજુમાં ઊભેલા પરાગે મોઢા પર અણગમાનો ભાવ લાવી કહ્યું, ‘જે બેહુદું લાગતું હોય એ પણ ધ્યાન તો ખેંચે ને.’ પણ ધનલક્ષ્મી એ માનવા તૈયાર નહોતી. ‘એની વહુએ એના દીકરાના કાન ભંભેર્યા લાગે છે’ એણે ધાર્યું અને ચૂપચાપ રિબન કાપવાની ક્રિયા નિહાળતી રહી.

સુનિતાએ હાથ જોડીને આમંત્રિતોનું અભિવાદન કર્યું અને શશીને આવકારી. દરવાજાની બંને બાજુ સુસજ્જિત બાળાઓ ફૂલોની પાંદડી ભરેલા થાળ લઈ ઊભી હતી. એક બાળાએ કંકુ છાંટેલી થાળીમાં મૂકેલી કાતર શશી સામે ધરી. શશીએ સંકોચ અનુભવ્યો. ‘અરે! એમાં શરમાય છે શું?  સ્વામીએ તે દિવસે ના કહ્યું કે તારા પગલે માનસીનું ઘર પાવન થયું. તો હવે અમારા ઘરનું શું?’

શશીએ અચકાતાં આગળ આવી કાતરથી રિબન કાપીને દરવાજાનો આગળો ખોલ્યો. જેવી રાજુલ શશી અને સુનિતા સાથે દાખલ થઈ કે એની નજર સામે ભવ્ય ઇમારત પડતાં જ એણે થરથરાટ અનુભવ્યો. ‘આ સાચું છે કે સપનું?’ એના મનમાં વિચાર ઝબક્યો અને એ સુનિતાને વળગી પડી.

‘બેટા! તને સરપ્રાઇઝ આપવા માટે અમે ગુપ્તતા જાળવી હતી.’ સુનિતાએ પ્રેમથી એને છૂટી કરતાં કહ્યું.

‘સરપ્રાઇઝ! તમે તો મને ચમકાવી દીધી છે. મને તો સપને પણ ખ્યાલ નહીં કે સાગર જૂના બંગલાના રિપેરીંગ માટે આટલો સમય કેમ ગાળે છે.’

‘તારા સપનાને વાસ્તવિકતામાં પલટાવા માટે અમે મનસૂબો કર્યો હતો. અમે તો પથ્થરનું મકાન બાંધ્યું છે. એને ઘર બનાવવાનું તારે માથે છે.’

ઇમારત કલાકૃતિના ઉત્કૃષ્ટ નમૂના જેવી હતી. વચ્ચે કોતરકામવાળો સીસમનો પ્રમાણમાં નાનો લાગે એવો દરવાજો હતો. વચ્ચે વિશાળ હોલની બંને બાજુ ઓરડાઓ હતા. જેમ જેમ મહેમાનો આગળ વધ્યા તેમ તેમ એમને પ્રતીતિ થઈ કે ઇમારતની ભવ્યતાનું સાચું દર્શન પાછળના ભાગમાં હતું.

પાછળ વેલ જેવો ભાસ આપે એવા પાંદડાં અને ડાળીઓનું આરસમાં કોતરકામ ગોળાકાર, લાંબા થાંભલાઓને અનેરો ઓપ આપતાં હતાં. એ થાંભલાઓ ઉપર વિશાળ ટેરેસ ટકેલું હતું અને ઉપરથી સમુદ્ર એકદમ નજદીક હોવાનો ભાસ થતો હતો. નીચે આરસના લાંબા, અર્ધ ગોળાકાર પગથિયાંથી છેલ્લા છેડે સુધી પૂરી ઇમારતને આવરી લેતી લોન પથરાયેલી હતી. એમાં જ વર્તુળાકારમાં આમંત્રિતો માટે ટેબલો હતાં તેમજ ફરતી ખુરશીઓ હતી. મેદાનને છેડે ઊંચાં વૃક્ષોની હારમાળાને કારણે કિનારેથી એ દૃષ્ટિગોચર નહોતું. ચારે તરફથી ઇમારતને પ્રદર્શનની વસ્તુ ના બને એની કાળજી લેવાઈ હતી. ટેરેસ અને મેદાન પણ રાજુલે સુનિતાને બતાવેલાં પેન્સિલ ડ્રોઈંગ પ્રમાણે હતાં. મહેમાનોની સગવડ માટે મેદાનને છેડે અને આજુબાજુ કેટરિંગનાં ટેબલોની વ્યવસ્થા હતી. સુનિતાએ કેવળ મહેમાનોને હાજરી આપવાની યાચના કરી હતી અને તે પણ ભેટ-સોગાદ કે ફૂલોના બુકે વગર જે લાવ્યાં હતાં એમની ભેટો રાજુલ અને સાગરે નમ્રતાથી અસ્વીકારી.

ઇમારતની ભવ્યતાને અલગ અલગ પ્રદેશની કલાકૃતિઓની ભેળસેળ એક વિશિષ્ટ રૂપ પ્રદાન કરતી હતી, જે સુનિતા શેઠના સંપન્ન પરિવારને છાજે તેવું હતું. આમંત્રિતો તો પ્રભાવિત થયા, પણ ધનલક્ષ્મીનો એના સાત માળના બંધાનારાં અદ્યતન મકાનનો ઉત્સાહ ઓસરી ગયો. એણે માનસીને નિરાશ વદને કહ્યું,  ‘આવું તો સપનામાંય નહોતું વિચાર્યું!’

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.