ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૭૩ – વાયવ્ય સરહદ પ્રાંત અને બલૂચિસ્તાન

દીપક ધોળકિયા

વાયવ્ય સરહદ પ્રાંત અને બલુચિસ્તાનની સ્થિતિમાં બ્રિટનને આખા ભારત કરતાં વધારે રસ હતો. આ પ્રાંતો અફઘાનિસ્તાનની સરહદે આવેલા છે. આ સરહદે બ્રિટન અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ યુદ્ધ થયાં હતાં અને અફઘાનિસ્તાનનો અમુક ભાગ બ્રિટને વાયવ્ય સરહદ પ્રાંત અને બલૂચિસ્તાનમાં ભેળવી દીધો હતો. અને એની પેલી પાર હવે તો સોવિયેત સંઘનો ભય હતો. બીજા વિશ્વયુદ્ધમાં ૧૯૪૫ના મેની પાંચમીએ જર્મનીએ પરાજયનો સ્વીકાર કર્યો અને એ શરણે થયું તે જ દિવસે બ્રિટનના વડા પ્રધાન ચર્ચિલે ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને તકાવી રાખવા અને હિન્દી મહાસાગરના દેશોમાં પોતાની વગ જાળવી રાખવા માટેનાં પગલાં સુચવવા યુદ્ધોત્તર વ્યવસ્થા માટેની સમિતિને આદેશ આપી દીધો હતો. ઍટલીની લૅબર સરકાર પણ આ સિદ્ધાંતને ઉલટાવવા નહોતી માગતી. આથી પાકિસ્તાનની રચના કરીને અફઘાન સરહદના પ્રદેશોમાં પોતાનાં વ્યૂહાત્મક હિતોને સાચવવાની જરૂર હતી, યુદ્ધ દરમિયાન મુસ્લિમ લીગે બ્રિટનને ટેકો આપ્યો હતો એટલે કોંગ્રેસના નેતાઓ કરતાં લીગના નેતાઓ પર બ્રિટનને વધારે વિશ્વાસ હતો.  એવાં જ વ્યૂહાત્મક કારણોસર જમ્મુના ડોગરા શાસકને કાશ્મીરમાં પણ પોતાની હકુમત સ્થાપવામાં બ્રિટને મદદ કરી હતી.

પરંતુ આ પ્રાંતોમાં મુસ્લિમ લીગની કોઈ અસર નહોતી, વાયવ્ય સરહદ પ્રાંતમાં તો ડૉ. ખાનસાહેબની કોંગ્રેસતરફી સરકાર હતી.  બ્રિટને પહેલાં તો આનો રસ્તો શોધવાનો હતો. એ પ્રાંતોના પ્રતિનિધિઓ બંધારણ સભામાં હતા અને સંયુક્ત ભારતની તરફેણ કરતા હતા. માઉંટબૅટને આમાંથી રસ્તો કાઢવાનો હતો.

નહેરુ સાથેની ઘણી મુલાકાતો દરમિયાન માઉંટબૅટને જુદી જુદી રીતે આ મુદ્દા પર આવવાના પ્રયાસ કર્યા તેમાં પૂછી લીધું કે તમે મારી જગ્યાએ હો તો સત્તાની સોંપણી શી રીતે કરો? નહેરુ આનો એક જ જવાબ આપી શકે તેમ હતા. એમણે કહ્યું કે કોઈ કોમ જે પ્રદેશમાં બહુમતીમાં હોય ત્યાં લોકો પર કોઈ પણ જાતની બંધારણીય શરત લાગુ કરવાનું યોગ્ય નથી. આમાંથી માઉંટબૅટનને રસ્તો મળ્યો અને એમણે પોતાના સ્ટાફને ભાગલાની યોજના તૈયાર કરવાનો આદેશ આપ્યો.

વાયવ્ય સરહદ પ્રાંતમાં અને બલૂચિસ્તાનમાં બિનમુસલમાનોની વસ્તી તો નગણ્ય હતી. બહુ જ મોટી સંખ્યામાં વાયવ્ય સરહદ પ્રાંતમાં પઠાણો હતા અને બલૂચિસ્તાનમાં જુદી જુદી જાતિઓ વસતી હતી.

વાયવ્ય સરહદ પ્રાંત

અહીં ડૉ. ખાનસાહેબના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકાર હતી અને બંધારણસભાના પ્રતિનિધિઓ પાકિસ્તાન માટેની બંધારણ સભામાં જવા નહોતા માગતા. આ નિર્ણયનો અધિકાર એમના હાથમાં હતો પણ એ નિયમને ઠોકરે ચડાવવા માઉંટબૅટન તૈયાર હતા. આમાં ગવર્નરના રૂપમાં યોગ્ય સામ્રાજ્યવાદી હોય અને મુસ્લિમ લીગનું સમર્થન મળતું હોય તે જરૂરી બન્યું. લોકોએ નક્કી કરવાનું હતું કે પ્રાંત હમણાંની બંધારણ સભામાં રહેશે કે નવી, પાકિસ્તાન માટેની બંધારણ સભામાં જોડાશે. હજી ત્યાં થોડા જ વખત પહેલાં ચૂંટણી થઈ હતી એટલે કોંગ્રેસની તરફેણમાં નિર્ણય તો સ્પષ્ટ જ હતો તેમ છતાં લોકમત લેવાને બહાને નવેસરથી ચૂંટણી કરવાનું નક્કી થયું. સરકારે કારણ એ આપ્યું કે પહેલાં ચૂંટણી થઈ ત્યારે સ્વતંત્રતા આપવાનો મુદ્દો નહોતો.

તે સાથે મુસ્લિમ લીગે વાયવ્ય સરહદ પ્રાંતને પાકિસ્તાનમાં ભેળવી દેવા માટે આંદોલન શરૂ કરી દીધું. ડૉ. ખાનસાહેબ પણ એમના ભાઈ ખાન અબ્દુલ ગફ્ફાર ખાનની જેમ મુસ્લિમ કોમવાદથી સખત વિરુદ્ધ હતા, કારણ કે પકિસ્તાનમાં પંજાબી મુસલમાનોનું જોર રહેવાનું હતું અને એક જ ધર્મ હોવા છતાં પઠાણોની સંસ્કૃતિ જુદી હતી.  ડો. ખાનસાહેબે મુસ્લિમ લીગના હજારો કાર્યકરોને જેલમાં ગોંધી દીધા. માઉંટબૅટન ભારત પહોંચ્યા તે જ દિવસે વાયવ્ય સરહદ પ્રાંતના ગવર્નર કેરોયનો પત્ર મળ્યો એમાં આંદોલન વકર્યું તેની સીધેસીધી જવાબદારી ડૉ. ખાનસાહેબની સરકારનાં “દમનકારી” પગલાંની હોવાનું જણાવ્યું. કેરોયે લખ્યું કે સરકારને બરતરફ કરીને નવી ચૂંટણી કરાવવી જોઈએ, અને તે દરમિયાન ગવર્નરના હાથમાં સત્તા સોંપવી જોઈએ. મુસ્લિમ લીગે પણ નવી ચૂંટણીની માગણી કરી.

લોકો દ્વારા ચુંટાયેલી સરકારને બરતરફ કરવાનો તો માઉંટબૅટને ઇનકાર કર્યો પરંતુ પ્રાંતના ભવિષ્ય અંગે નહેરુ સાથે વાતચીત કરવા સંમત થયા. ડૉ. ખાનસાહેબ, બાદશાહ ખાન અને નહેરુ જાણતા હતા કે કેરોય  મુસ્લિમ લીગ તરફી હતો એટલે એમણે એને બદલવાની માગણી કરી.

ડૉ. ખાનસાહેબનો જવાબ

માઉંટબૅટને પ્રાંતની મુલાકાત લીધી ત્યારે પેશાવરમાં પચાસ હજારની ભીડ ‘માઉંટબૅટન ઝિંદાબાદ’ ‘પાકિસ્તાન ઝિંદાબાદ’’’ એવાં સૂત્રો પોકારતી એકઠી થઈ હતી. ડૉ. ખાનસાહેબે માઉંટબૅટનને કહ્યું  કે વાયવ્ય સરહદ પ્રાંતમાં મુસ્લિમ લીગનો દોર જિન્નાના હાથમાં નથી. માઉંટબૅટને પૂછ્યું કે તો કોના હાથમાં દોર છે? એમણે જવાબ આપ્યોઃ નામદાર ગવર્નરના હાથમાં!

દરમિયાન, મુસ્લિમ લીગે હિંસા શરૂ કરી દીધી હતી અને હિન્દુઓ એનો ભોગ બન્યા.

છેવટે, નહેરુએ લોકમતની દરખાસ્ત માની લીધી. આમ જાણ્યેઅજાણ્યે કોંગ્રેસે પોતાની નીતિ બદલી નાખી.  પ્રાંતનું ભવિષ્ય નક્કી કરવાનો અધિકાર ઍસેમ્બ્લી અને બંધારણસભાના સભ્યોને મળ્યો હતો, પણ કોંગ્રેસે લોકમત માટે સંમતિ આપીને એમ માની લીધું કે લોકોના ચુંટાયેલા પ્રતિનિધિઓને અવગણીને સીધા લોકો પાસે જવું જોઈએ! કોંગ્રેસે લોકમતમાં ભાગ ન લીધો, બાદશાહ ખાને અહિંસક વિરોધ કર્યો અને પઠાણોને લોકમતમાં આડે ન આવવાની સલાહ આપી. એમણે મોડે મોડે પખ્તુનિસ્તાનને સ્વતંત્ર રાષ્ટ્રનો દરજ્જો આપવાની માગણી કરી. કોંગ્રેસને વિશ્વાસ હતો કે ગમે તે થાય, લોકો પાકિસ્તાનમાં જવાનું પસંદ નહીં કરે.

ચાળીસ લાખની વસ્તીમાંથી પાંચ લાખ બોત્તેર હજારને લોકમતમાં ભાગ લેવાની પાત્રતા ધરાવતા હતા. કુલ ૫૧ ટકા મતદાન થયું અને એના ૯૯ ટકા મત પાકિસ્તાનની તરફેણમાં ગયા. બે ટકાથી ઓછા બિનમુસ્લિમોએ મતદાન કર્યું અને ભારતમાં રહેવાના સમર્થક પઠાણો લોકમતમાં જોડાયા જ નહીં. આમ લગભગ માત્ર અઢી લાખ મતદારો વાયવ્ય સરહદ પ્રાંતને પાકિસ્તાનમાં લઈ ગયા. ખાન અબ્દુલ ગફ્ફાર ખાનને કોંગ્રેસની ભૂલ પાછળથી સમજાઈ અને જ્યારે વાયવ્ય સરહદ પ્રાંતને પાકિસ્તાનમાં ભેળવવાનું પાકું થઈ ગયું તે પછી એમણે ગાંધીજીને કહ્યું કે તમે અમને ભૂખ્યા વરૂઓ સામે મૂકી દીધા છે! આજેય પઠાણોની સ્વતંત્રતા માટેની ઝંખના જેમની તેમ છે.

બલૂચિસ્તાન

બલૂચિસ્તાનનું કોકડું વાયવ્ય સરહદ પ્રાંત જેમ દેશના રાજકારણને કારણે ગુંચવાયેલું નહોતું પણ ત્યાં નવી જાતની સમસ્યા હતી. અંગ્રેજોએ ૧૮૩૯માં બલૂચિસ્તાન સર કરી લીધું. બલૂચિસ્તાન નાની મોટી ચાર જાગીરોનું બનેલું હતું – મકરાણ, ખારાણ, લસ્બેલા અને કલાત. આમાં કલાતના ખાન સૌથી વધારે જોરાવર હતા. બ્રિટિશ ચીફ કમિશનર રૉબર્ટ સૅંડમૅને કલાત સાથે સમજૂતીઓ કરીને ચાગી, બોલાન ઘાટ, ક્વેટા (કોયટા) વગેરે લીઝ પર લઈ લીધાં. આ પ્રદેશો સીધા બ્રિટિશ ઇંડિયાનો ભાગ બન્યા પણ ચાર જાગીરોનો પ્રશ્ન હતો.

કલાતના ખાન જાગીરદારોએ કદીયે બ્રિટનનું આધિપત્ય માન્યું નહીં અને આ ઝઘડો ચાલતો રહ્યો. ૧૯૩૦માં ત્યાં નવી રાજકીય ચેતનાનો ઉદય થયો અને બ્રિટિશ શાસનમાંથી સ્વતંત્ર થવા માટે અંજુમને વતન નામની પાર્ટી બની. એ ભારતના ભાગલાની વિરોધી હતી અને કોંગ્રેસની નજીક હતી. એ સાથે જ  બલુચિસ્તાન મુસ્લિમ લીગની પણ સ્થાપના થઈ. બ્રિટિશ સરકારનાં યુદ્ધલક્ષી ધ્યેયોને કારણે મુસ્લિમ લીગને ત્યાં પ્રોત્સાહન મળ્યું. બીજી બાજુ, કોંગ્રેસને આ પ્રદેશને સંભાળવાનું અઘરું લાગતું હતું. બ્રિટનની નીતિ એ હતી કે નાનાં રજવાડાં હિન્દુસ્તાન અથવા પાકિસ્તાનમાં જોડાય. પરંતુ કલાત રાજ્યનો દાવો હતો કે એ કદીયે ઇંડિયન સ્ટેટ નહોતું. કલાત પાસેથી બ્રિટને લીઝ પર લીધેલા પ્રદેશો કલાતને પાછા મળવા જોઈએ અને એને બ્રિટિશ ઇંડિયાના પ્રદેશ માનીને એના વિશે બ્રિટન કે પાકિસ્તાન નિર્ણય ન કરી શકે. ૧૯૪૮ સુધી વાટાઘાટો ચાલતી રહી. અંતે કલાતની જાગીર પણ પાકિસ્તાનમાં જોડાઈ.

આમ બલૂચિસ્તાન પાકિસ્તાનનો ભાગ બન્યું તેમાં પણ બ્રિટનનાં જ હિતો ધ્યાનમાં રખાયાં. જો કે આજે પણ ત્યાં બલૂચિસ્તાનની સ્વતંત્રતા માટે અવાજ ઊઠતા રહે છે. પરંતુ બલૂચિસ્તાનનો અમુક ભાગ ઈરાનમાં પણ છે. ત્યાં એવું કોઈ આંદોલન નથી એટલે સ્વતંત્રતાની માગણી માત્ર પાકિસ્તાનમાં જોડાયેલા બલૂચિસ્તાન પૂરતી મર્યાદિત રહી છે.

આવતા અઠવાડિયે રજવાડાંઓના વિલિનીકરણ વિશે વાત કરશું.

૦૦૦

સંદર્ભઃ The Shadow of the Great Game: The Untold Story of India’s Partition – Narender Singh Sarila

https://balochistan.gov.pk/explore-balochistan/history/

https://en.wikipedia.org/wiki/Insurgency_in_Balochistan


શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gmail.com
બ્લૉગઃ મારી બારી

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.