દરેક કરચલીની પોતાની કથા

મંજૂષા

વીનેશ અંતાણી

ઈન્ટરનેટ પર વાંચેલી મોના ટિપ્પિન્સની કવિતા જાણે વૃદ્ધો માટેના નર્સિન્ગ હોમમાં પડેલી એકાકી વૃદ્ધાની એકોક્તિ છે, “અરીસામાં દેખાય છે એ ચહેરો મારો જ છે? મારા મોઢા પર આટલી બધી કરચલી ક્યારે પડી? મારા વાળ સફેદ થઈ ગયા છે અને મારાં જૂનાં હાડકાં કળે છે. હું બોલવા ઇચ્છું છું, પણ મને સાંભળનાર કોઈ  નથી. હું આ નર્સિન્ગ હોમમાં શું કરી રહી છું? ઓહ, એ લોકો મને અહીં શા માટે મૂકી ગયા છે, એકલી? વૃદ્ધ થવું તો સ્વાભાવિક પ્રક્રિયા છે, એમાં શરમાવા જેવું કશું નથી. શું એમને મારી અંદરની તાકાતની ખબર નથી? મારી પાસે પૈસા છે, પરંતુ હવે મને કોઈ ચીજનો ખપ નથી, માત્ર કોઈ દૂરના પ્રદેશનો પ્રવાસ કરવાની ઇચ્છા મને લલચાવી રહી છે. યસ, હું બટન દાબીને નર્સને બોલાવીશ. એ આવશે, હું એને મારું પર્સ લાવવાનું કહીશ. એને કહીશ, પ્લીઝ, ટૅક્સી બોલાવ, હું ફરીથી જીવવા માગું છું. હું આજે બપોરની ફ્લાઈટમાં પેરિસ જઈ રહી છું.”  કોઈ પણ ઉંમરે જિજીવિષા કેટલી પ્રબળ હોઈ શકે!

ફિલિપ ડૉડની કવિતા છે: “સૂર્યાસ્ત બહુ જ નીરસ ઘટના હોય છે. એ બને છે અને કોઈને એની પડી હોતી નથી. સૂરજ ધીરેધીરે વાદળાં અને ધૂંધળાશની પાછળ અસ્ત પામે છે. આકાશ ઝાંખું પડવા લાગે છે, પછી રાતનું અંધારું ઊતરી આવે છે. હું મારા અસ્તાચલની એકલતામાં ઇચ્છું છું કે જ્યારે સૂર્ય અસ્ત પામવા લાગે ત્યારે ક્ષિતિજ વાદળાંથી ઢંકાયેલી ન હોય. હું ઇચ્છું છું કે મારા સૂર્યાસ્ત ટાણે આકાશમાં અજવાળું હોય અને રતાશ પડતા, પીળા, સોનેરી, રૂપેરી રંગોથી શોભતું હોય, જેથી તમે તમારા બગીચામાંથી કે તમારી બારીમાંથી જુઓ ત્યારે બોલી ઊઠો – વાહ, કેવો સુંદર સૂર્યાસ્ત! સરસ મજાના દિવસનો કેવો સુંદર અંત! પછી આકાશ ખાલી થઈ જાય અને ટમટમતા અગણિત તારલા સિવાય બીજું કશું ન હોય.”

ફિલિપ ડૉડની બીજી કવિતા: “તમને મળેલા વધારાના સમય વિશે તમે જાગ્રત હો એ સારી વાત છે. તમે સાઠથી વધારેના થાવ ત્યારે તમને ખબર હોય છે કે તમે હજી છો એ બહુ મોટી વાત છે. અગાઉ દરેક ઋતુ વીતતી ત્યારે લાગતું કે ગયેલી ઋતુ ફરી આવશે, હવે એવું લાગતું નથી, શક્ય છે કે એ છેલ્લી વાર આવી હોય. જેમ કે આ વસંત, કદાચ એ છેલ્લી હોય. એ કારણે મને અગાઉની વસંત કરતાં અત્યારની વસંત વધારે અસર કરી જાય છે. વિમ્બલ્ડન રમાશે, બ્રાઝિલમાં વિશ્ર્વકપ યોજાશે… ના, હવે હું કશું પણ બનશે જ એવું ધારી શકું નહીં. કદાચ મને સંભળાઈ રહેલું બુલબુલનું ગીત હું છેલ્લી વાર સાંભળતો હોઉં.”

પામેલા સિન્હા માથુરની એક કવિતા: “એક દૂબળો, માંદા જેવો વૃદ્ધ ડહાપણના ભારથી વાંકો વળી ગયો હોય એમ લાકડીના ટેકે ચાલતો ચાલતો જૂના દિવસોને યાદ કરી રહ્યો છે. એક સમયે એ તંદુરસ્ત, દેખાવડો, યુવાન હતો. પછી ઉંમર એકાએક એના પર ચઢી બેઠી અને એ લાચાર બનતો ગયો. એની શક્તિ ક્ષીણ થઈ ચૂકી છે. હવે એ તાકાતની જરૂર પડે એવું કોઈ કામ કરી શકતો નથી. એનું જીવન ઘર અને પથારી પૂરતું સીમીત થઈ ગયું છે. ક્યારેક એ એની વાડી સુધી જાય છે અને ત્યાં લચેલા લીલાછમ મોલ અને આજુબાજુનું કુદરતી સૌંદર્ય જોઈને પ્રસન્ન થઈ ઊઠે છે. એ એને જિંદગીમાં મળેલા અનુભવોને યાદ કરતો હોય છે ત્યારે એના મોઢા પર સ્મિત આવી જાય છે – અને એ ખુશીથી માથું હલાવતો ધીરેધીરે પોતાના ઘર તરફ પાછો વળે છે.”

એંસી વરસનો વૃદ્ધ દરરોજ સવારે એક વૃદ્ધાને મળવા નર્સિન્ગ હોમમાં આવે છે. વૃદ્ધા વિચારે છે, આ કોણ છે? એ પૂછે છે, તમે કોણ છો? પુરુષ યાદ અપાવે છે, હું ગઈ કાલે આવ્યો હતો, પરમ દિવસે આવ્યો હતો, એનાથી દરેક આગલા દિવસે પણ હું તારી પાસે આવ્યો હતો. વૃદ્ધાને યાદ નથી. પુરુષ કહે છે, હું તારો પતિ છું. સ્ત્રી શૂન્ય નજરે એને જોયા કરે છે. પુરુષ દરરોજ વગાડતો એ સંગીત વગાડવા લાગે છે. સ્ત્રી  ધ્યાનથી સાંભળે તો એણે પહેલી વાર એ સંગીત ક્યારે સાંભળ્યું હતું એ એને યાદ આવી જાય. વિસ્મૃતિના અંધકારમાં સરી પડેલી વૃદ્ધાને યાદ આવતું નથી. વૃદ્ધને યાદ છે, વરસો પહેલાં એ સંગીત વાગતું હતું અને બંને ડાન્સ કરતાં હતાં ત્યારે પુરુષે એની પાસે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. છેવટે વૃદ્ધ ઊભો થાય છે, બારણું બંધ કરતાં પહેલાં સ્ત્રી પર નજર ફેંકે છે, આજે તો એને યાદ આવ્યું નહીં. આવતી કાલે યાદ આવી જાય તો આવી જાય.

દરેક કરચલીની પોતાની કથા હોય છે, જેને આપણે જીવનના નામે ઓળખીએ છીએ.


શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.