પ્રેમ એ જીવનનું સનાતન સત્ય છે

વાત મારી, તમારી અને આપણી

ડૉ. મૃગેશ વૈષ્ણવ.
એમ.ડી.(મનોચિકિત્સક)

પ્રેમની દિવાનગીના તબક્કામાં ઉત્કટતા અને આવેશ જરૂર હોય છે પણ પ્રેમની પરાકાષ્ઠા એટલે માત્ર અને માત્ર આત્મીયતા

કેટલાક લોકો જીવનની એકલતા અને ખાલીપો પૂરવા પ્રેમ કરે છે પણ મોટેભાગે પ્રેમમાં પડયા પછી એકલતા અને ખાલીપાનો અનુભવ વધે છે

”મને ખબર નથી પડતી કે એને હું શા માટે પ્રેમ કરૃં છું ?”

મને સંખ્યાબંધ લોકોએ અવાર-નવાર આ સવાલ પૂછ્યો છે. કોઈને શા માટે પ્રેમ કરીએ છીએ તેના કારણ કે ખુલાસા આપવા એ અત્યંત મુશ્કેલ કામ છે. કારણ પ્રેમને કારણો સાથે ક્યારેય કોઈ સંબંધ હોતો નથી.

અત્યારે પ્રેમની કેમેસ્ટ્રીની ચર્ચામાં નથી પડવું એટલે જ સીધો સાદો જવાબ આપું છું કે કોઈપણ વ્યક્તિને કોઈને માટે અમુક ચોક્કસ કારણોથી પ્રેમ થઈ જાય અને ભવિષ્યમાં એ કારણ ન રહે તો શું પ્રેમ જતો રહે ?

માની લો કે સામેની વ્યક્તિનું સૌંદર્ય, અદા, આંખો, ચહેરો, વાળ વગેરેમાંથી કોઈ એકના કારણે જ જો પ્રેમ થઈ ગયો હોય તો આંખે મોતીયો આવે, ચહેરા પર કરચલી પડી જાય, વાળ ખરી પડે તો પ્રેમ ક્યાંક ચાલ્યો જાય ?

ના. કારણ પ્રેમનો આધાર જ પ્રેમ છે. એટલે એને બીજા કોઈ આધારની જરૂર નથી.

પ્રેમની દિવાનગીના તબક્કામાં આવેગ અને ઉત્કૃટતા જરૂર હોય છે પણ પ્રેમની પરાકાષ્ઠાએ માત્ર અને માત્ર આત્મીયતા જ હોય છે.

પ્રેમમાં શબ્દ વિના પણ કોમ્યુનિકેશન જાળવી રાખતું આત્મીયતાનું પર્વ એટલે વેલેન્ટાઈન ડે.

જોકે પ્રેમમાં લોકોના સારા-માઠા અનુભવો હોય છે. તાજેતરમાં એક કાઉન્સેલીંગ સેશનમાં શરૂઆતમાં જ મને એક બહેને એવું કહી દીધું કે ”પ્રેમ એક પિંજરું છે, બહાર રહેલું પક્ષી અંદર જવા માટે હવાતિયાં મારે છે અને અંદર રહેલું પક્ષી બહાર નીકળવા માટે વલખાં મારે છે. એટલે પ્રેમમાં પડયા વગર પ્રોફેશનલ સંબંધો રાખતા મારે શીખવું છે.”

તો કોઈ ઉત્સાહી પ્રેમી પોતાના જનમો જનમના અમર પ્રેમની વાતો કરતાં તેની પ્રિયતમાને વચન આપે છે કે ”હું તને હિન્દુસ્તાન અને પાકિસ્તાન મિત્રો ન થઈ જાય ત્યાં સુધી ચાહતો રહીશ આખે આખો સમુદ્ર મારી વળગણી પર મૂકીશ અને સમુદ્ર સુકાઈ ન જાય ત્યાં સુધી હું તને ચાહતો રહીશ.”

જનમો જનમના આવા પ્રેમીઓ મોટી મોટી વાતો કરતા હોય છે ત્યાં કાળના કારમા પ્રતીક જેવું ઘડીયાળ ટક ટક કરતું આગળ વધે છે અને કારમી વાસ્તવિકતા સામે આવે છે એ સાથે જ પ્રેમીજનની શય્યા બળબળતા રણ સમાન બની જાય છે. લગ્ન જીવનના વીતી ગયેલા વર્ષો વોર્ડરોબમાં શેરવાની અને સાડી બનીને લટકે છે. આધુનિક જીવનની આ એક કરૂણતા છે કે પરસ્પરને આપેલાં વચનો પણ ફૂલની જેમ કરમાઈ જાય છે.

એટલે જ કોઈને માટે જીવનભર પ્રેમ ટકી રહેવો એ કદાચ કોઈપણના જીવનની મોટામાં મોટી ઘટના હોઈ શકે છે. આ બે સંજોગોમાં શક્ય બને છે.

 1. પ્રેમની સાથે વિરહ સંકળાયેલો હોય અને મિલન હંમેશા વિરહના ભયથી ફફડતું હોય.
 2. બે પ્રેમીઓ જ્યારે એકબીજાને પ્રેમ કરતા હોય છે ત્યારે તેમની વચ્ચે એક ત્રીજું જણ હોય છે અને એ ત્રીજું જણ એટલે મરણ. આ મરણ બીજા કોઈનું નહીં પણ ”અહમ્”નું મરણ. પ્રેમ કરવા માટે અને ટકાવી રાખવા માટે બન્ને પ્રેમીના અહમનું મરણ અત્યંત જરૂરી છે. અહમનું મરણ એટલે વ્યક્તિત્વનું વિલોપન નહીં પણ પરસ્પરના આત્મસન્માનનું જતન.

પ્રેમનું ધ્યેય અધોગતિ નહીં પણ ઉર્ધ્વગતિ છે. પ્રેમીઓના અંતરની એક માત્ર ઈચ્છા હોય છે કોઈ એવા પ્રદેશમાં ચાલ્યા જવાની જ્યાં માત્ર બે જ વ્યક્તિ હોય ત્રીજા કોઈનો પડછાયો પણ ન હોય. આ નિઃશબ્દ એકાન્તમાં ઘણી બધી ગુફતેગો થાય છે. ઘણું બધું કહેવાય છે. છતાં પણ ઘણું બધું કહેવાનું રહી જાય છે.

ઘણું બધું કહેવું છે અને કશું જ કહેવું નથી આ બન્ને વિરોધાભાસી મનોવલણો વચ્ચે પ્રેમનું ઝરણું વહે છે.

જગત આખું જોવું છે, માણવું છે, વખાણવું છે જો તું સાથે હોય તો, બસ તારી બાજુમાં ઘડીક બેસવું છે. તારી આંખમાં સ્વર્ગને જોવું છે. આસપાસ કોઈ વાદ્ય ન હોય પણ પ્રિયજનના સ્પર્શે એ થઈ જાય છે સિતાર.

આ છે પ્રેમની પારદર્શક અભિવ્યક્તિ. જે લોકો પ્રેમ કરવાથી ડરે છે એ લોકો જીવનથી પણ ડરે છે અને જીવનથી ડરતા માણસો મૃતપ્રાય અવસ્થામાં મડદાં જેવું અસ્તિત્વ ધરાવે છે. મડદાં ક્યારેય પ્રેમ કરી શકતા નથી. પ્રેમ કરવા માટે જિન્દગી-જીવંત હોવી જરૂરી છે. હકીકતમાં પ્રેમ જ માણસને જીવતો રાખે છે.

પ્રેમમાં ક્યારેય શરત ન હોય, માંગણી ન હોય કે સોદાબાજી ન હોય. પ્રેમમાં ક્યારેય નફા નુકશાનનો ખ્યાલ ન હોય કે પછી માત્ર લેવડદેવડનો કોઈ વ્યવહાર ન હોય. પ્રેમમાં પીડવાની કે પીડાવાની ભાવના ન હોય કે પછી બદલો લેવાની વૃત્તિ ન હોય.

પ્રેમ એ માત્ર પ્રસન્નતા છે. સાથે રહેવાની તીવ્ર ઝંખના છે અને જો સમય અને સંજોગને કારણે છુંટા પડી પણ ગયાં તો એકમેક માટે ઝૂરવાનો આનંદ પણ છે. વિરહને કારણે મિલનનો સમય વધારે આહલાદક બને છે અને મિલનને કારણે વિરહની વેદના પણ પ્રેમને સદાયે પ્રજ્વલિત રાખે છે. દૂર રહીને પણ બન્ને પાત્રો એકમેકની નાનામાં નાની લાગણીનું જતન કરે છે. પરસ્પરની સુખાકારી માટે સતત પ્રાર્થના કરતા રહે છે.

બે પાત્રોને એકમેક માટે ગળાડૂબ પ્રેમ હોય તો એ માટે લગ્ન કરવા અનિવાર્ય નથી. લગ્ન એ સંબંધોની સામાજિક સંમતિ છે. જ્યારે પ્રેમ એ હૃદયની અંગત ધોરણે થયેલી મૂક સંમતિ છે.

લગ્ન બે વ્યક્તિને સામાજિક અધિકાર આપે છે. સાથે ફોટા પડાવવાનો, સાથે નામ છાપવાનો, સાથે ઓનરશીપમાં પ્રોપર્ટી લેવાનો, સામાજિક દ્રષ્ટિએ બધું સાથે હોય છે પણ આ સંબંધોમાં ક્યારેક પ્રેમનું પૂર્ણવિરામ આવી ગયું હોય છે.

પ્રેમ એ જીવનનું સનાતન સત્ય છે. પ્રેમમાં જીવંત સાતત્ય છે. પ્રેમમાં લય છે, ગતિ છે. પ્રેમમાં હૂંફ છે, ઉષ્મા છે. આબરૂદાર અને બુદ્ધિશાળી માણસો પ્રેમ કરતાં પહેલાં ઘણો વિચાર કરે છે અને જે ઘણો વિચાર કરીને પછી જ પ્રેમ કરવાનું નક્કી કરે છે તે ક્યારેય પ્રેમ કરી શકતા નથી.

એટલે બુદ્ધિ અને પ્રેમને બારમો ચન્દ્રમા છે એવું કહેવું પણ વ્યાજબી નથી કારણ બુદ્ધિ વિનાનો પ્રેમ અંધ હોય છે અને પ્રેમ વિનાની બુદ્ધિ ભયાનક હોય છે.

કેટલાક લોકો જીવનની એકલતા અને ખાલીપો પૂરવા પ્રેમમાં પડે છે. પરંતુ મોટેભાગે પ્રેમમાં પડયા પછી એકલતા અને ખાલીપાનો અનુભવ વધે છે. એક મનોચિકીત્સક તરીકેના મારા બહોળા અનુભવથી હું એટલું ચોક્કસ કહી શકું કે પ્રેમ એ બીમાર તન અને મનનું ઔષધ છે તેમજ પ્રેમ અનેક માનસિક બિમારીનું કારણ પણ છે.

પ્રેમમાં સફળ થયેલું યુગલ પ્રેમલગ્ન પછી સફળ થશે જ એવું ચોક્કસપણે ન કહી શકાય. લગ્ન જીવનમાં રોજિંદાપણું આવી જવાથી તાજગી ચાલી જાય છે અને અપેક્ષા અને જવાબદારી વધી જવાથી લગ્નજીવન કંઈ કાયમ કવિતામય રહેતું નથી.

હેપ્પી વેલેન્ટાઈન ડે પાઠવતા મારા લાખો વાચક મિત્રોને અંતમાં હું એટલું જ કહીશ કે ”પ્રેમ કરવો એટલે એકમેક સાથે વૃદ્ધ થવા સંમત થવું તે.”

ન્યુરોગ્રાફ :

તારા વિના હું ફુલના છોડ વાવું છું અને એ થઈ જાય છે કાંટા
તારા વિના હું સુરીલું સંગીત છેડું છું અને એ થઈ જાય છે ઘોંઘાટ


Website: www.drmrugeshvaishnav.com

Author: Web Gurjari

2 thoughts on “પ્રેમ એ જીવનનું સનાતન સત્ય છે

 1. એક મનોચિકિસ્તક પ્રેમની પરિભાષાનું પૃથ્થકરણ કરે ત્યારે તે અલગ અલગ દિશામાંથી સત્ય સમજાય.
  ખાલીપો, એકલતા એ પણ એક કેમિસ્ટ્રી જ હૈ શકે. તેનાથી ઉદ્વેગતા અસહાયતા અને બીજા ઘણા રોગને આમંત્રે . જેમકે સ્લીપ ડિસઓર્ડર વગેરે વગેરે …
  ખુબજ સરસ જાણકારી મળી.
  એક કવિ એ સરસ લખું છે :
  सिर्फ एहसास है ये रूह से महसूस करो
  प्यारको प्यारहि रहनेदो कोई नाम न दो।

Leave a Reply

Your email address will not be published.